ધર્મતેજ

આચમન: પૈસો ઊંઘ, આરોગ્ય, ભૂખ કે સાચું સુખ આપી શકતો નથી…

અનવર વલિયાણી

એક ખૂબ માલદાર માણસ હતો. એને રાત્રે નિરાંતની નિંદર આવતી નહોતી. બહુ પ્રયત્નો કરી જોયા, પરંતુ ઊંઘ આવે નહીં.

  • એવામાં ગામમાં એક સૂફી ઓલિયા આવ્યા. એ દરવેશ વિશે ચમત્કારી વાતો સંભળાતી હતી. એ સાંભળીને પેલા શ્રીમંતને પણ સંત પાસે જવાની ઈચ્છા જાગી.
  • એક સાંજે એ ઈશ્વરના ઓલિયાને મળવા ગયો.
  • સંત પાસે પોતપોતાની મુશ્કેલીઓ લઈને આવેલા બીજા બધા લોકો સંત પાસેથી નિરાકરણ મેળવીને ગયા ત્યાં સુધી એ બેસી રહ્યો.

આ પણ વાંચો: આચમન : તમામ સુખ-સાહ્યબી હોવા છતાં તમે દુ:ખી કેમ છો?

-આખરે ત્યાં બેજ વ્યક્તિ રહી: સંત અને પેલી શ્રીમંત વ્યક્તિ.

  • સંતે પોતાની કરુણાસભર દૃષ્ટિ એના પર ફેરવી, પૂછ્યું.
  • `ભાઈ! તમે હજુ કેમ બેઠા છો?’
  • પેલાએ પોતાની મુશ્કેલી કહી સંભળાવી.
  • સૂફી મહાત્માએ ધીમેધીમે એની આખી જીવનકથા જાણી લીધી.
  • એક સમયે જેને એક ટંક ખાવાના ય સાંસા હતા તે માણસ કરોડપતિ શી રીતે બની ગયો એ સંત સમજી ગયા.
  • સંતે પેલાને સમજાવટના સૂરે કહ્યું,
  • `જો ભાઈ, તારો સવાલ અને એનો જવાબ બંને તું જ છે.’
  • `જ્યારે તારી પાસે દોમ દોમ સાહેબી નહોતી ત્યારે તને ખુલ્લી જમીન પર પણ ઘસઘસાટ ઊંઘ આવી જતીને?’
  • `પેલા શાહુકારે હા પાડી.’
  • `તો આજે તારી પાસે દુનિયાની તમામ સુખસગવડ છે ત્યારે તને ઊંઘ કેમ નથી આવતી?’
  • સૂફી ઓલિયાએ પ્રશ્ન પૂછ્યો, પછી પોતે જ જવાબ આપ્યો:
  • `પૈસો માત્ર એક સાધન છે, એ સિદ્ધિ નથી.’
  • `પૈસો માત્ર રસ્તો છે, મંઝિલ નથી.’
  • `પૈસાથી તું દુનિયાભરની લઝીઝ (શ્રેષ્ઠ અને સ્વાદિષ્ટ) વાનગીઓ મેળવી શકે છે ભૂખ નહીં.’
  • `પૈસાથી તું સોનાનો પલંગ ખરીદી શકે છે, ઊંઘ નહીં.’
  • પૈસો તને
  • `ઊંઘ, આરોગ્ય, ભૂખ કે સાચું સુખ આપી શકતો નથી.’
  • કારણ કે
  • પૈસો સુખ નથી,
  • પૈસો સંતોષ નથી,
  • પરંતુ એનો એક માર્ગ છે.
  • સંત શ્વાસ લેવા રોકાયા.
  • શ્રીમંત શખસની જિજ્ઞાસા વધતી જતી હતી.

આ પણ વાંચો: આચમનઃ આપણા ઉત્સવો હૈયાના મિલન સમા…

`કહો, કહો,’ પેલો માલદાર માણસ અધીરાઈથી બોલી ઊઠ્યો.

  • સંતે મીઠું મલકાતા કહ્યું,
  • તું સંઘર્ષ કરીને ઉપર આવ્યો એ સાચું, પરંતુ ઝડપભેર ઉપર આવવાની લાહ્યમાં તે અજાણતાંમાં ઘણાને અન્યાય કર્યો હશે,
  • ઘણાની આંતરડી કકળાવી હશે,
  • તારા પોતાના ખાદીમો (સેવક-કર્મચારીઓ)નું શોષણ કર્યું હશે.
  • હજાર રૂપિયા મળ્યા હશે ત્યારે તને લખપતિ થવાની અબળખા જાગી હશે અને લખપતિ થયા પછી કરોડપતિ અને અરબપતિ થવાની મહત્ત્વાકાંક્ષા જોર કરી ગઈ હશે…!’
  • `હવે ધ્યાનથી સાંભળ!’
  • ઈશ્વર, અલ્લાહ, પ્રભુના આ મહાન સૂફી, ઓલિયા, સંતે કહ્યું,
  • `અહીં બેસીને કરવું હોય તો અહીં અને તારા ઘરે જઈને કરવું હોય તો ઘરે જઈને.’
  • તું તારા જીવનનું સરવૈયું કાઢ.
  • તેં જાણ્યે-અજાણ્યે જેને દુભાવ્યા હોય એ સૌની રૂબરૂમાં કે પત્ર દ્વારા અથવા અન્ય સાધન-ઉપકરણ દ્વારા માફી માગી લે.
  • કમાવવાની હાયવોયમાં
  • માતા-પિતા,
  • પત્ની-સંતાન,
  • સગાસંબંધીઓને
  • અન્યાય થઈ ગયો હોય,
  • તેમના તરફ ધ્યાન અપાયું ન હોય તો તેમની માફી માગી લે.
  • પછી વિચાર કે હવે તને વધુ માલ-દૌલત, ધન-જાયદાદની જરૂર છે?
  • ન હોય તો કાળાંધોળાં કરવાનું મૂકી દે.
  • થાય તેટલો ધંધો કર,
  • માણસને આખરે તો
  • બે રોટલી,
  • બે કપડાં
  • બે ગજ જમીન અને
  • ચારવાર કફનની જરૂર છે.
  • એમાં તમામ સુખનો સરવાળો છે,
  • બાકીની બધી વાત નકામી છે.
  • આટલું કર્યા પછીય ઊંઘ ન આવે તો મારી પાસે આવજે…?
  • સંત અને શ્રીમંત વચ્ચેના આ વાર્તાલાપમાંથી બોધ એ મળવા પામે છે કે, માનવી પોતાના જીવનનાં લેખાં-જોખાં કરે. સમયનો એ તકાજો છે બેચેન મનને શાંત કરવાનો, હોય તો વાચક બિરાદરો જરૂર જણાય.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button