ચિંતનઃ ધર્મનું આચરણ
ધર્મતેજ

ચિંતનઃ ધર્મનું આચરણ

હેમુ ભીખુ

ધર્મ એટલે જે ધારણ કરે છે તે, જે ધારણ કરવા યોગ્ય છે તે, જેનાથી ધારણ કરવાની ક્ષમતા સ્થાપિત થાય છે, જેના આધારે સમગ્ર વ્યવસ્થા ધારણ થઈ છે તે. આ શાબ્દિક અર્થ નથી, મૂળમાં રહેલો ભાવ છે. વ્યવહારમાં ધર્મ ઉત્તમ રીતે જીવન જીવવાની સંભાવના સ્થાપિત કરતું પરિબળ છે.

ધર્મ એ કોડ ઓફ કન્ડક્ટ અર્થાત વ્યવહારની રીતભાત નથી, એ તો દરેક પ્રકારની સ્થાપિત તેમજ માની લીધેલી રીતભાતથી મુક્ત થઈ પ્રકાશ અનુભવવાની પ્રક્રિયા છે. ધર્મ એ સામાજિક ઘટના નથી.

તે તો આધ્યાત્મ તરફ ગતિ કરવા માટેની પ્રેરણા છે. ધર્મના આચરણથી આ ગતિની સંભાવના ઊભી થાય છે, તે શક્ય બને છે, તેને સ્પષ્ટ દિશા તેમજ ઈચ્છનીય વેગ મળે છે અને સાથે તેનાથી અન્ય દરેક પ્રકારની ગતિ અટકી શકે છે.

ધર્મનું આચરણ ખાવા-પીવા કે પહેરવાની રીતભાત સમાન નથી. ગીતામાં ક્યાં પ્રકારનાં ખોરાકને સાત્ત્વિક ખોરાક કહેવાય અને તેની અસર કઈ રહે તે જણાવવામાં આવ્યું છે. અહીં શું ખાવાથી કેવી પરિસ્થિતિ ઉદ્ભવે તેની સમજ આપવામાં આવી છે.

ધર્મના આચરણમાં ખોરાક મદદરૂપ થઈ શકે પરંતુ તે ધર્મનો ભાગ નથી. ધર્મ તો નિયત થયેલું કર્મ કરવામાં છે, સ્થિતપ્રજ્ઞતા કે ગુણાતીત સ્થિતિ પ્રાપ્ત કરવામાં છે, નિષ્કામ કર્મ કરી ઉત્તરદાયિત્વ નિભાવવામાં છે, સંપૂર્ણ જ્ઞાની પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરવાથી જે યોગ્ય માર્ગ પ્રતીત થાય તે પર પ્રયાણ કરવામાં છે.

સત્યના માર્ગ પ્રતિબદ્ધતાથી ચાલવામાં છે, સમર્થ ગુરુની સેવા કરી તેમનાં માર્ગદર્શન હેઠળ આત્માની ઓળખ માટે પ્રયત્ન કરવામાં છે, ઈશ્વર પ્રત્યેના સંપૂર્ણ સમર્પણ સાથે તેની ભક્તિ કરવામાં છે.

ભક્તિ કરવી એ પણ માનવીનું નિયત કર્મ છે. સર્વ પ્રાણીઓમાં માનવી જ મુક્તિ માટે પ્રયત્ન કરી શકે અને ભક્તિ તે માટેનું એક માધ્યમ છે. આ બધાં સાથે વૈશ્વિક શાંતિ અને સૃષ્ટિનાં સમીકરણ સાથે તાલમેલ સાધવાનો પણ સાંસારિક ધર્મ ગણાય.

ધર્મના આચરણને પ્રતાપે મનનો વ્યભિચાર તથા ભટકાવ અટકી શકે. મન ઇન્દ્રિય-વિષયોનાં ખેંચાણથી મુક્ત થઈ શાંતિ અનુભવી શકે. જીવનમાં સંયમ, અનુશાસન, પવિત્રતા તેમજ વિવેક સ્થાપિત થાય.

ધર્મનાં થોડાં આચરણથી પણ આગળનો માર્ગ પ્રશસ્ત થતો જાય, વિશ્વાસ અને શ્રદ્ધા દ્રઢ બનતી જાય, સૃષ્ટિનાં સમીકરણ અને તેમાં પ્રવર્તમાન સંતુલન ક્રમશ: ધ્યાનમાં આવતાં જાય, દ્રષ્ટિ બાહ્યગામી ન રહેતાં અંદરની તરફ વળે, કલ્યાણ માટેની ભાવના દ્રઢ થતી જાય, આધ્યાત્મિક દ્રષ્ટિએ ઉચ્ચ કહી શકાય તેવી પરિસ્થિતિને પામવા પ્રેરણા મળતી રહે, જીવનના પરમ ઉદ્દેશ સુધી પહોંચવાની સંભાવના વધી જાય અને સાથે સાથે માનવ-જન્મ સાર્થક થયેલો જણાય.

ધર્મથી વચન, ભાવના અને કર્મ એક સમાન રહે અને તેમાં સાત્વિકતા સ્થાપિત થાય. ધર્મથી અજ્ઞાન, અપવિત્રતા, અશુદ્ધિ, અસત્ય, અભિમાન જેવાં નકારાત્મક ભાવથી મુક્તિ મળવાની સંભાવના વધી જાય. ધર્મ એ એક એવી વાસ્તવિકતા છે જે માનવીને તેનાં અંતિમ લક્ષ્ય સુધી પહોંચાડી શકે.

કહેવાય છે કે દુર્યોધને એમ કહ્યું હતું કે ‘અધર્મ શું છે તેની જાણ હોવા છતાં તેનાથી હું દૂર રહી શકતો નથી’. તેણે જણાવેલી તકલીફ સમજી શકાય એવી છે. અધર્મના આચરણ થકી જે કંઈ પ્રાપ્ત થાય તે પ્રિય હોય અને તેથી જ તેની માટે અધર્મનું આચરણ માન્ય રહે. અધર્મથી મળેલા પૈસા પણ પૈસા જ હોય છે, તેનો પણ તેવો જ ઉપયોગ થઈ શકે. આવું જ શક્તિ, પ્રસિદ્ધિ કે પદ માટે કહી શકાય.

હવે તો કહેવાતા પ્રેમ માટે પણ અધર્મનું આચરણ થતું હોય છે. અધર્મના આચરણથી ક્યારેક આ બધું તાત્કાલિક મળી શકે પરંતુ લાંબાગાળા સુધી તે ટકી ન શકે. પણ વ્યક્તિ તો વર્તમાનનું જ વિચારે છે અને તેથી અધર્મ માટે તેને છોછ નથી હોતો.

અધર્મનું આચરણ કરનાર દુર્યોધનનું જ ઉદાહરણ આપીને એમ કહી શકે કે જીવ્યો ત્યાં સુધી તેણે એશોઆરામ ભોગવ્યો. આ પ્રકારના તર્ક સામે પરિસ્થિતિ સંપૂર્ણતામાં જોવાની હોય.

પ્રતિષ્ઠા વગર પૈસાની મજા ન હોય. જ્યાં માન-સન્માન ન હોય ત્યાં પદ ખુશી ન અપાવી શકે. જ્યાં કુટુંબીજનોનો જ આંતરિક વિરોધ હોય ત્યાં સગવડતા પણ ક્યારેક અગવડતાજનક જણાય. જ્યાં પોતાની નજરમાંથી જ ઊતરી જવાયું હોય ત્યાં કોઈ પણ પ્રકારની પ્રતિષ્ઠા વ્યર્થ જણાય. અંત સમયે તો આ જ બધું યાદ આવે.

અધર્મથી સુખ-સગવડતા પ્રાપ્ત થઈ શકે, સંતોષ નહીં. અધર્મનું અનુસરણ કરવાથી બે-ચાર કિંમતી ઉપકરણો કે ભવ્ય આવાસનાં માલિક બની શકાય પરંતુ તેનો ઉપભોગ માત્ર યાંત્રિક રીતે થતો રહે. અધર્મના આચરણથી ટૂંકા સમયગાળામાં જે તે બાબત પ્રાપ્ત થઈ શકે પરંતુ તે બાબતની ‘અનિત્યતા’ સતત ચિંતા કરાવે. અધર્મનું આચરણ કરનારને એ વાતની ખાતરી તો હોય છે જ કે અંતે આત્મા અને આત્માના સામર્થ્યનું પતન થઈ રહ્યું છે.

ધર્મના આચરણ માટે યથાર્થ સમજ જરૂરી છે. સમજ વિનાનું આચરણ ઇચ્છિત પરિણામ ન આપી શકે. પૂજા શ્રીરામની થાય, રાવણની નહીં. આદર્શ તરીકે યુધિષ્ઠિર હોઈ શકે, દુર્યોધન નહીં. ઈશ્વરનો સાથ પાંડવોને મળે કૌરવોને નહીં.

ઉદાહરણ સાત્ત્વિક, પવિત્ર અને ધર્મનિષ્ઠ વ્યક્તિનું અપાય, અધર્મીનું નહીં. ધર્મ અને સત્યમાં નિષ્ઠા રાખનાર વ્યક્તિને આદર્શ માની શકાય, અધર્મી કે વ્યભિચારીને નહીં.

આ બધાં સાથે તકલીફ એ વાતની છે કે આજે ધર્મના સરળતાપૂર્વકના આચરણ માટે લોકો ધર્મને પણ અનુકૂળતા પ્રમાણે ‘કસ્ટમાઈઝ’ કરી લે છે, ગોઠવી લે છે.

સમય મળે ત્યારે પૂજા કરવી યોગ્ય છે પરંતુ નિર્ધારિત સમયે પૂજા ન કરવા માટેનું આ બહાનું ન બનવું જોઈએ. આપત્તિના સમયે ઈશ્વરને યાદ કરવું જરૂરી છે પણ માત્ર તેવાં જ સમયે ઈશ્વરને યાદ કરવાની ટેવ પડી જાય કે ખોટું છે.

સેવા, કરુણા, દયા દાખવવી જરૂરી છે પણ દેખાડા કે પ્રતિષ્ઠા માટે નહીં. ભૌતિકતાવાદનો પ્રભાવ, યથાર્થ જ્ઞાનનો અભાવ, શાસ્ત્રીય ધર્માચરણ માટે ઉદાસીનતા, આંતરિક શાંતિ તથા સંતોષની ગેરહાજરી, મિથ્યા વિચારધારા અને ધર્મના નામે આચરવામાં આવતું પાખંડ – આવી કેટલીય બાબતો વ્યક્તિને અને સમાજને ધર્મથી વિમુખ કરે છે.

આ પણ વાંચો…ચિંતનઃ શિવજીનું તાંડવ કળાત્મક અભિવ્યક્તિ

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button