મનનઃ સંપૂર્ણ શાંતિની અસર | મુંબઈ સમાચાર
ધર્મતેજ

મનનઃ સંપૂર્ણ શાંતિની અસર

  • હેમંત વાળા

સનાતની સંસ્કૃતિમાં શાંતિ અને શાંતિપાઠનું વિશેષ મહત્ત્વ છે. અહીં જાતે તો શાંત થવાની વાત છે જ પરંતુ સાથે સાથે સૃષ્ટિનું પ્રત્યેક તત્ત્વ, આ તત્ત્વને નિયંત્રિત કરનાર દૈવી શક્તિ, બધી જ દેવી શક્તિ જેની અધ્યક્ષતામાં કાર્યરત રહે તે પરબ્રહ્મ, બ્રહ્માંડની જુદી જુદી અવધારણાના આધારિત પ્રત્યેક લોક અને ભૌતિક, માનસિક, વૈચારિક તથા આધ્યાત્મિક, દરેક પ્રકારનું અસ્તિત્વ શાંતિ પામે તેવી ભાવના કરવામાં આવે છે.

જ્યારે પૂર્ણ શાંતિની અનુભૂતિ થાય ત્યારે પૃથ્વી પણ શાંત જણાય અને પાણી પણ શાંત જણાય, નદી પણ શાંત પ્રતીત થાય અને ડુંગર પણ શાંતિથી ઊભેલાં જણાય, વનસ્પતિ શાંત લાગે અને પશુપક્ષી પણ શાંતિમાં સ્થિત જણાય, આજુબાજુની વાસ્તવિક પરિસ્થિતિ પણ શાંત લાગે અને કલ્પનાનું વિશ્વ પણ શાંતિમાં લય પામે, સ્થૂળ અસ્તિત્વ વિરામ પામે અને સૂક્ષ્મ અસ્તિત્વમાંથી અશાંતિ નાબૂદ થઈ જાય-બધું જ જાણે શાંતિના શરણમાં આવી શાંતિમાં વિલીન થઈ જાય.

જ્યારે પૂર્ણ શાંતિની અનુભૂતિ થાય ત્યારે ચંચળતા ન બચે જેથી એક પ્રકારની સ્થિરતા પ્રાપ્ત થાય, કામનાથી ઉદ્ભવતો આવેગ અસ્તિત્વ ગુમાવી બેસે જેથી એક પ્રકારનો ભટકાવ બંધ થાય, ઇન્દ્રિયો સંપૂર્ણ રીતે વિવેક અને સંયમને આધીન રહે જેથી રાગ અને દ્વેષ આધારિત ક્રિયા માટે અવકાશ ન રહે, બુદ્ધિ સ્થિરતા પ્રાપ્ત કરે જેથી તેની નિર્ણય-ક્રિયા સૃષ્ટિનાં સિદ્ધાંતોને આધીન હોય,

ચિત્ત નિર્મળતાની સ્થિતિમાં આવે જેથી બંધનની કારણભૂત કેટલીક અવસ્થાઓ નાશ પામે, બહાર તરફની દ્રષ્ટિ અંદર તરફ વળવાની શક્યતા વધે જેથી દુન્યવી બાબતો તરફની ગતિ અટકી શકે, સૃષ્ટિના માયાવી તરંગોનું પ્રભુત્વ ઓછું થતાં વાસ્તવિક પરિસ્થિતિ સમજમાં આવી શકે – અને આ બધાંને કારણે પરમ તરફની ગતિમાં સરળતા આવે.

શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરીને, સકારાત્મક બાબત પર ચિંતન કરીને, સંપૂર્ણ સમર્પણના ભાવથી ઈશ્વરની આરાધના કરીને, સદગુરુના વચન પ્રમાણે કાર્યાન્વિત થઈને, સૃષ્ટિના નિયમોમાં અપાર વિશ્વાસ રાખીને, શાસ્ત્ર-વચન આધારિત જીવનને વ્યતીત કરીને, ધર્મ સમાન ઉત્તરદાયિત્વનું સંપૂર્ણ નિષ્ઠા તથા તટસ્થતાથી નિર્વાહ કરીને,

આસુરી પ્રકૃતિના પ્રભાવથી મુક્ત રહીને, શુદ્ધતા નિર્મળતા તથા પવિત્રતા માટે આગ્રહી રહીને, અહંકારને નષ્ટ કરીને, મનને નિર્વિકલ્પતાની સ્થિતિમાં સ્થિત કરીને અને શાસ્ત્રમાં જણાવાયેલ યોગીક પ્રક્રિયાનું અનુશાસન પૂર્વક અનુસરણ કરીને શાંતિ પ્રાપ્ત થઈ શકે. પછી એક વ્યક્તિની શાંતિ જાણે સમગ્ર વિશ્વમાં પ્રસરી જાય.

પછી એક વ્યક્તિની શાંત ભાવના સમગ્ર વિશ્વને શાંત કરવાનો પ્રયત્ન કરે. પછી એક વ્યક્તિની શાંત સ્થિતિનાં વમળો સમગ્ર સૃષ્ટિમાં શાંતિનો પ્રભાવ પ્રસારી દે. એક વ્યક્તિની શાંતિ સમગ્ર બ્રહ્માંડ માટે પ્રસાદ બની રહે. શાંતિની સ્થિતિમાં પરિસ્થિતિનું યથાર્થ સ્વરૂપ જાણી શકાય. શાંતિના પ્રભાવ હેઠળ નકારાત્મક બાબતો દૂર થતી જાય. શાંતિને કારણે સાર્થક જ્ઞાનની પ્રાપ્તિની સંભાવના વધી જાય. શાંત વ્યક્તિ વ્યવસ્થિત રીતે મનન-ચિંતન કરી શકે જેને કારણે સત્યને પામવાની તેની ક્ષમતા વધી જાય.

શાંત વ્યક્તિ તટસ્થતા જાળવી શકે, નિષ્પક્ષ રહી શકે, નિરૂપદ્રવી બની રહે, એકાગ્રતાથી ભક્તિ કરી શકે, નિત્ય-અનિત્ય કે શ્રેય-પ્રેયનો યથાર્થ ભેદ સમજી શકે, જે તે બાબત વિશે યથાર્થ મુલવણી કરવાં સક્ષમ બને અને તે બધાં સાથે આધ્યાત્મની ગૂઢ બાબતો સમજમાં આવવાની સંભાવના તેની માટે વધી જાય. એમ કહી શકાય કે શાંતિ એ આધ્યાત્મિકતા તરફના પ્રવાસ માટેનું પહેલું કદમ છે. આ શાંતિ માટેની પૂર્વભૂમિકામાં શ્રદ્ધાની આવશ્યકતા છે. શ્રદ્ધા વિનાની વ્યક્તિ ક્યારે શાંતિ ન પામી શકે.

એક અન્ય દ્રષ્ટિકોણથી એમ કહી શકાય કે શાંતિ એ પરમ સુખની પ્રાથમિક ભૂમિકા છે. શાંતિને કારણે જ દરેક પ્રકારનાં વિરામની અનુભૂતિ થઈ શકે અને તે અનુભૂતિ એટલે જ સાચું સુખ. આધ્યાત્મના વિશ્વમાં જે પરમ આનંદની વાત થાય છે તેની શરૂઆત પણ શાંતિથી થતી હોય તેમ માનવા મન પ્રેરાય છે.

આધ્યાત્મિકતાના ક્ષેત્રમાં શાંતિ એ આધાર છે, શરૂઆત છે, પ્રાથમિક ભૂમિકા છે, આરંભિક સ્થિતિ છે, અને આગળના માર્ગના સંભવિત પડકારનો નમૂનો છે. જો શાંતિ પ્રાપ્ત થઈ શકે તો જ આગળની ગતિ સંભવી શકે. અશાંત વ્યક્તિ માટે આધ્યાત્મિક માર્ગ તરફની ગતિ લગભગ અસંભવ છે.

સમજવાની વાત એ છે કે, સનાતની સંસ્કૃતિ સમગ્ર વિશ્વના સુખ શાંતિ માટે પ્રાર્થના કરે છે. સનાતની સંસ્કૃતિમાં વિશ્વની પ્રત્યેક વ્યક્તિના સ્વાસ્થ્ય માટે ચિંતા કરવામાં આવે છે. સનાતની સંસ્કૃતિમાં દરેકનું કલ્યાણ થાય, દરેક દિશામાંથી દરેકને શુભ વિચાર પ્રાપ્ત થાય, સમગ્રતામાં શુભની સ્થાપના થાય, એ પ્રકારની ભાવના કરવામાં આવે છે.

સનાતની સંસ્કૃતિમાં સમગ્ર સૃષ્ટિને, પ્રત્યેક માનવીને, આધ્યાત્મિક માર્ગ પર જવાની પ્રેરણા મળે છે. સનાતની સંસ્કૃતિમાં વ્યક્તિને પોતાની રુચિ અનુસાર માર્ગની પસંદગી કરી નિષ્ઠાપૂર્વક તે માર્ગમાં પ્રગતિ કરવાની મંજૂરી મળે છે. સનાતની સંસ્કૃતિમાં પોતાના ઇષ્ટની, પોતાની રીતથી આરાધના કરવાની સ્વતંત્રતા મળે છે.

જ્યાં સુધી નૈતિકતા જળવાઈ રહેતી હોય, માનવીય સંવેદનાઓને હાનિ પહોંચતી ન હોય, માનવીય મૂલ્યોનું જતન થતું હોય, સામાજિક સમરસતા જળવાતી હોય, અન્ય વિચારધારા માટે હિંસક પરિસ્થિતિ સર્જાતી ન હોય અને પરમના માર્ગ પરની પ્રગતિ માટે ખાતરી હોય ત્યાં સુધી અહીં દરેક પ્રકારના માર્ગની સ્વીકૃતિ હોય છે.

આ પ્રકારની વિચારધારા પર સ્થપાયેલી, ટકી રહેલી અને આગળ વધતી પરંપરાગત સનાતની સંસ્કૃતિને કારણે યુગોથી સૃષ્ટિમાં શાંતિના સામ્રાજ્યની સ્થાપના માટેની સંભાવના વધે તે સ્વાભાવિક છે. સનાતની સંસ્કૃતિ શાંતિનું મહત્ત્વ સમજે છે. સમગ્ર સૃષ્ટિ માટે શાંતિ માટેની આ પ્રકારની ભાવના એ સનાતની સંસ્કૃતિની શક્તિ છે. પરંતુ, ક્યારેક એમ જણાય છે કે સનાતની સંસ્કૃતિની આ શક્તિ ક્યારેક નબળાઈ બની જાય છે.

આપણ વાંચો:  શિવ રહસ્ય: જો તમે ઈર્ષા ને અહંકારનો ત્યાગ કરશો તો તમારા કૂવાનું પાણી પણ મીઠું થઈ જશે…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button