મનનઃ પ્રતિકાત્મક રાવણ | મુંબઈ સમાચાર
ધર્મતેજ

મનનઃ પ્રતિકાત્મક રાવણ

  • હેમંત વાળા

ક્યારેક રાવણનાં દસ મસ્તકને પ્રતિક તરીકે જોવામાં આવે છે. પ્રતિકાત્મક રીતે રાવણના દસ મસ્તક એટલે કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર, અહંકાર, દંભ, અવિવેક, ભય, અસત્ય જેવી માનવીની દસ નકારાત્મક વૃત્તિઓ. આ સૂચિમાં ક્યારેક થોડો ફેર હોઈ શકે. અમુક અભિપ્રાય પ્રમાણે અહીં સૂચિમાં અવિવેક, અવિદ્યા જેવી અન્ય બાબતોનો પણ સમાવેશ કરાયો છે. અહીં સૂચિ અગત્યની નથી, તેની પાછળનો ભાવ અગત્યનો છે. રાવણ એટલે કોઈપણ દસ નકારાત્મક વૃત્તિનો સમૂહ.

ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં રાવણ એટલે પોતાના સામર્થ્યનો માત્ર પોતાનાં હેતુ માટે ઉપયોગ કરનાર સંકુચિત માનવી, પોતાની ભક્તિને પણ અહંકારનું નિમિત્ત બનાવનાર અહંકારી, પોતાની વિદ્વતાથી મુખ્યત્વે પોતાનું હિત સ્થાપિત કરવાનો પ્રયત્ન કરનાર સ્વાર્થી, પોતાના જ્ઞાન પર અસત્ય અને અધર્મને હાવી થવા દેનાર મૂર્ખ, સંભવિત શુભ પરિસ્થિતિને અધમતામાં રૂપાંતરિત કરી દેનાર દુષ્ટ, મહાદેવના આશીર્વાદથી સ્વયં મહાદેવને પડકાર આપનાર નાદાન, મહાન સતી પર કુદ્રષ્ટિ નાખનાર કામી, પોતાની દુષ્ટતાને કારણે સમગ્ર કુટુંબનો ભોગ લેનાર દુર્જન – આ રાવણનો વધ જરૂરી હોય. શાંતિ, પ્રેમ, કરુણા, અનુકંપા, સહિષ્ણુતા, દયા-બધું જ એનાં સ્થાને બરાબર છે પરંતુ જ્યારે રાવણના વધની આવશ્યકતા હોય ત્યારે તેમ થવું જ જોઈએ.

જો આ પ્રકારની નકારાત્મક વૃત્તિ મનુષ્યના મન અને ચારિત્ર્યમાં સ્થાપિત હોય તો વ્યક્તિ ક્યારેય સત્ય અને ધર્મ તરફ પ્રયાણ ન કરી શકે, વિવેક અને સંયમની સંભાવના ન હોય, બ્રહ્મચર્ય અને વૈરાગ્ય શક્ય ન બને, નૈતિકતા અને સાત્વિકતાનું અનુસરણ ન થઈ શકે, દયા અને કરુણાનો ભાવ ઊભરી ન શકે, શુદ્ધતા અને પવિત્રતા વિશે વિચાર પણ ન કરી શકાય, સદ્ગુણો તથા સદ્ભાવનાની સંભાવના ન હોય અને અંતે વ્યક્તિ, સમગ્ર સમાજને સાથે લઈને, વિનાશ તરફ પ્રયાણ કરે.

કામને કારણે મતિ અને વૃત્તિ ભ્રમિત થાય અને વ્યક્તિ વિષય વાસનાની તૃપ્તિ માટે અયોગ્ય અને અપ્રમાણસર પ્રયત્ન કરે. ક્રોધને કારણે ખટરાગ ઊભો થાય, અન્યના સ્વમાનને હાનિ પહોંચી શકે જેનાથી ક્યારેક ઝઘડાની અને આગળ જતાં હિંસાની શરૂઆત પણ થઈ શકે. લોભને કારણે હંમેશાં હયાત પરિસ્થિતિ માટે અસંતોષ રહે અને સંતોષ પ્રાપ્ત કરવા માટે વ્યક્તિ નૈતિક મૂલ્યોને પણ ભૂલી શકે.

મોહ એટલે કે આસક્તિને કારણે વ્યક્તિ યોગ્ય-અયોગ્યનો, સાચા-ખોટાનો નિર્ણય લેવાની ક્ષમતા ગુમાવી બેસે. અહીં ક્યારેક એવાં નિર્ણય લેવાય જાય જે સમાજને અને વ્યક્તિને, તે સમયે અને લાંબાગાળે નુકસાનકર્તા બની રહે. ઈર્ષા એટલે કે મત્સરને કારણે વ્યક્તિને બીજાની સાથે અ-તંદુરસ્ત સ્પર્ધા કરવાની, તેને પરાસ્ત પ્રાપ્ત કરવાની ઈચ્છા રહે. જ્યાં સુધી આ ઈચ્છા સંતોષાય નહીં ત્યાં સુધી મન અશાંતિ અને ઉદ્વેગ અનુભવે. અશાંત અને ઉદ્વેગિત મન કોઈ પણ નકારાત્મક નિર્ણય લઈ શકે.

અહંકારને કારણે માનવીય તેમ જ સામાજિક સંબંધોને ક્ષતિ પહોંચે અને વ્યક્તિ પોતાને સ્થાપિત કરવા કોઈ પણ હદે જઈ શકે. દંભ એટલે જે નથી તે પ્રમાણેની પરિસ્થિતિને પ્રસ્તુત કરવાનો અભિગમ. અહીં જે વાસ્તવિકતા નથી તેને વાસ્તવિકતા તરીકે સ્થાપિત કરવાનો પ્રયત્ન થાય, પરિણામે બધું જ વિપરીત જણાય. અવિવેકને કારણે વ્યક્તિ જે સર્વથા અયોગ્ય છે, જે સર્વથા અનૈતિક છે, તેની માટે કાર્યરત થાય.ગીતામાં જ્યારે દૈવી સંપત્તિની વાત થાય છે ત્યારે તેની શરૂઆત ‘અભય’થી શ્રીકૃષ્ણ કરે છે.

અર્થાત ભય એ નકારાત્મક ભાવ છે. જે વ્યક્તિ ભયભીત હોય તે વિવેક, સંયમ અને સ્થિરતા પણ ગુમાવી બેસે. અસત્યને કારણે પણ વ્યક્તિ જે છે તેનાથી વિપરીત સ્થાપિત કરવા પ્રયત્ન કરે. આ બધી પ્રવૃત્તિ માનવતા અને સૃષ્ટિનાં નિયમોની વિરુદ્ધ ગણાય. આ પ્રકારની વૃત્તિ આધ્યાત્મિક, નૈતિક, ધાર્મિક તેમજ સાત્વિક બાબતોથી વિપરીત ગણાય. અહીં જે નકારાત્મક વૃત્તિઓની વાત થઈ છે તેની સૂચિમાં ફેરફાર સંભવ છે.

સમજવાની વાત એ છે કે આ અથવા આ પ્રકારની નકારાત્મક વૃત્તિ માનવીને પોતાને તો હાની પહોંચાડે અને સાથે સાથે સમગ્ર સમાજ અને સૃષ્ટિ માટે પણ નુકસાનકર્તા બની રહે. આ બધી બાબતો માનવીને અંદરથી વિક્ષેપિત કરીને અશક્ત બનાવી દે.

આ રાવણના વધ માટે નિશ્ચય જરૂરી છે, આત્મવિશ્વાસ જરૂરી છે, પરિશ્રમ જરૂરી છે, માર્ગદર્શન જરૂરી છે. સત્સંગ, શાસ્ત્રોનું વાંચન મનન અને ચિંતન, ધ્યાન, ભક્તિ, આત્મજ્ઞાન માટેની સાધના તથા યોગ જેવાં શાસ્ત્રીય ઉપાયથી આ રાવણનો વધ સંભવ બની શકે. સેવા, પરોપકાર, સત્ય, દયા, ક્ષમા, જ્ઞાન, વિદ્યા, નમ્રતા, જેવી સર્વદા સકારાત્મક અને વ્યવહારિક બાબતોનાં અભ્યાસથી પણ રાવણથી મુક્તિ મળી શકે.

આ બધાં સાથે જો બ્રહ્મચર્ય, વિવેક, સંયમ, સાત્વિકતા, જાગ્રતતા અને આધ્યાત્મિક ભાવ હોય તો રાવણનો વધ ચોક્કસ નિશ્ર્ચિત છે તેમ કહેવાય. અહંકાર સામે વિનમ્રતા, મોહ સામે વૈરાગ્ય, ક્રોધ સામે ક્ષમા, લોભ સામે સંતોષ, કામ સામે પવિત્રતા, ઈર્ષા સામે મૈત્રી, અસત્ય સામે સત્યનિષ્ઠા, અજ્ઞાન સામે જ્ઞાન, અવિદ્યા સામે વિદ્યા, ભય સામે નિર્ભયતા, અન્યાય સામે ન્યાય, અસંયમ સામે સંયમ, અવિવેક સામે વિવેક, દંભ સામે વાસ્તવિકતાની સ્વીકૃતિ-જેવી બાબતો સ્થાપિત કરવાથી આપમેળે રાવણનો નાશ થાય.

વાસ્તવિક કે પ્રતીકાત્મક, રાવણનો વધ એટલાં માટે આવશ્યક છે કે તેનાં અસ્તિત્વથી સ્વયં તેનો વિનાશ તો લખેલો જ હોય, પરંતુ સાથે સાથે તેનાં સમગ્ર પરિવારને અને લંકાને પણ ભોગવવું પડે. એક વ્યક્તિની દુષ્ટતા સમગ્ર સમાજને પણ નુકસાન પહોંચાડી શકે. સાંપ્રત સમયમાં આ સમજી લેવું આવશ્યક છે. કેટલાંક લોકો પોતાનાં મર્યાદિત અને સંકુચિત લાભ માટે સમગ્ર સમાજને નુકસાન પહોંચાડવા પણ તૈયાર હોય છે. આ બધાં લગભગ રાવણ છે.

આપણ વાંચો:  માનસ મંથનઃ સનાતની પરંપરા અનુસાર ભારતીયો માટે તો નવરાત્રિ એ જ મધર્સ ડે ગણી શકાય

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button