મનન - સાધના પંચકમ | મુંબઈ સમાચાર
ધર્મતેજ

મનન – સાધના પંચકમ

  • હેમંત વાળા

સનાતની સંસ્કૃતિનું, હિન્દુ ધર્મનું આજે જે કંઈ સ્થાન છે, જે કંઈ સ્વરૂપ છે, જે કઈ સ્થિતિ છે, તે માટે આઠમી સદીમાં અવતરિત થયેલા આદિ શંકરાચાર્યનો ફાળો ઉલ્લેખનીય છે. તેઓ મહાન દાર્શનિક, પરમ જ્ઞાની, મહાન યોગી, કર્તવ્યનિષ્ઠ તથા પરમ ઉપાસક હતા. તે સમયે હિન્દુ ધર્મમાં પ્રવર્તમાન અ-વેદાંતી માન્યતા તથા પરંપરાનો વિરોધ કરી, યથાર્થ જ્ઞાનને તર્ક આધારે પુન:સ્થાપિત કરી, વિવિધ ભ્રામક બાબતોનું ખંડન કરી સમાજમાં અભૂતપૂર્વ જાગૃતિ અને ચેતના લાવવાનું કામ તેમણે બહુ નાની ઉંમરમાં સિદ્ધ કરી દીધું હતું.

ઉપનિષદને આધાર રાખી અદ્વૈત વેદાંત સિદ્ધાંતનું તેમણે અનુમોદન પણ કર્યું અને તેનો પ્રચાર-પ્રસાર પણ કર્યો. બ્રહ્મ એક માત્ર તત્ત્વ છે, આત્મા અને બ્રહ્મ વચ્ચે કોઈપણ પ્રકારની ભિન્નતા – દ્વૈત નથી તેમ તેમણે વ્યવસ્થિત રીતે પુન: સ્થાપિત કર્યું. વેદથી વિપરીત જ્ઞાન આપતી વિવિધ વિચારધારા સાથે સંકળાયેલ વિદ્વાનો સાથે શાસ્ત્રાર્થ યોજી, તેમનાં ભૂલ ભરેલાં વિચારોનું ખંડન કરી સનાતનની ધર્મના મૂળને વધુ મજબૂત બનાવ્યા. સાથે સાથે જ્ઞાન અર્થાત વેદાંત અને ભક્તિ બંનેનું સંતુલન જળવાઈ શકે તે માટે તેમણે મૂર્તિ પૂજા અને ઉપાસનાને વ્યવસ્થિત રીતે નિર્ધારિત કર્યા. અદ્વૈતના સિદ્ધાંતની સ્પષ્ટતા માટે તેમણે આત્મષટકની રચના કરી તો ઈશ્વરની ઉપાસના માટે `સ્તુતિ-સ્તોત્ર’ પણ રચ્યાં. તેમણે અનેક શાસ્ત્રોની ટીકા લખી.

કઠિન જણાતાં શાસ્ત્રોને, સનાતનની આધ્યાત્મના ગુઢ સંદેશને, આ સંસ્કૃતિના તત્ત્વજ્ઞાનના ઊંડાણને તેમણે સરળતાથી વ્યક્ત કર્યું. તેમણે એ પણ નિર્ધારિત કર્યું કે શંકરાચાર્યની પદવી માટે ઉપનિષદો, ભગવત ગીતા અને બ્રહ્મસૂત્ર પર ટીકા કરેલી હોવી જોઈએ. ઉત્તરમાં જ્યોતિર્મઠ – બદ્રીનાથ, પૂર્વમાં પૂરી, દક્ષિણમાં શૃંગેરી તથા પશ્ચિમમાં દ્વારકા, એમ ચાર પીઠની સ્થાપના કરી સનાતની સંસ્કૃતિ તેમજ હિન્દુ ધર્મની શુદ્ધિ, પવિત્રતા તથા આધ્યાત્મિકતા જાળવી રાખવા વ્યવસ્થા ગોઠવી. સંન્યાસ પરંપરાને વધુ દ્રઢ કરવાં તેમણે દશનામી સંપ્રદાયની સ્થાપના કરી અને સાધુઓ માટે નિયમો નિર્ધારિત કર્યાં. આ સાથે ધર્મ તેમજ ધર્મસ્થાનની રક્ષા માટે નાગાબાવાનો સંપ્રદાય પણ સ્થાપિત કર્યો.

આ પણ વાંચો….મનન : ભય ને સમજતા પહેલા ડર ને સમજવો પડે

આ સાથે તેમણે `સાધના પંચકમ’ની રચના કરી માનવ જાત પર એક વધુ મહાન ઉપકાર કરેલો છે. આ એક પાંચ શ્લોકોનો સમૂહ છે જેમાં સાધનાના મુખ્ય સિદ્ધાંતો, મુખ્ય નિયમો સ્પષ્ટ કરાયા છે. જે વ્યક્તિને આધ્યાત્મના માર્ગે આગળ વધવું હોય, જે વ્યક્તિને શાસ્ત્રીય પદ્ધતિની સાધના માટેનો અભિગમ હોય, જે વ્યક્તિને સ્થાપિત માર્ગ માટે વિશ્વાસ હોય, જે વ્યક્તિને સુગમતાથી પરમ સ્થિતિ તરફ પ્રયાણ કરવું હોય તે વ્યક્તિ માટે આ એક આશીર્વાદ સમાન ઘટના છે.

અહીં પ્રથમ શ્લોકમાં વિદ્યા અને જ્ઞાનનું મહત્ત્વ સમજવાની વાત છે. આ માટે ઉપનિષદ જેવા વેદાંત ગ્રંથોના અભ્યાસ – મનન – ચિંતન માટે સૂચન તેમજ આગ્રહ કરાયો છે. પરમ સત્યને જાણવાં માટે આ એક અગત્યની વાત છે. શરૂઆત શાસ્ત્રોના અભ્યાસથી થવી જોઈએ તેમ આદિ શંકરાચાર્યએ અહીં સ્પષ્ટ રીતે સ્થાપિત કર્યું છે. શ્રુતિ અને સ્મૃતિમાં જણાવેલ બાબતોને આધાર ગણવાની અહીં વાત છે. જ્ઞાન પછી બીજા શ્લોકમાં કર્મની વાત આવે છે. સત્કર્મ, ભક્તિ, નિષ્કામ કર્મ, પવિત્રતા તથા શુદ્ધિ તેમજ વિવિધ સાત્વિકતા તેમજ નૈતિકતા આધારિત કર્મની વાત થઈ છે.

રોજિંદુ કાર્ય હોય કે આધ્યાત્મિકતા લક્ષી પુરુષાર્થ; શિષ્ટાચાર, સદાચાર, શુદ્ધતા, સાક્ષીભાવ, નિર્લેપતા અને નિસ્વાર્થપણાને અહીં મહત્ત્વ અપાયું છે. પછીના શ્લોકમાં જ્ઞાની પુષ, ગુરુજન, સંતજન, પરમ ભક્ત તથા પરમ યોગી જેવા મહાત્મા સાથે સત્સંગ કરવાની વાત થઈ છે. આ મહાત્માઓના સાંનિધ્યથી શંકાનું નિવારણ થઈ શકે, માર્ગદર્શન મળી શકે અને રક્ષણ પણ પ્રાપ્ત થાય. તે પછી મનને શાંત રાખવાં, ઇન્દ્રિયોને સંયમિત કરવા, ભૌતિક વિશ્વ પ્રત્યેનો રાગદ્વેષ દૂર કરવા, તથા સ્વયંના સ્વરૂપમાં સ્થિત થવા ધ્યાન અને વૈરાગ્યની વાત કરવામાં આવી છે. જ્યારે સંપૂર્ણતામાં અહંકારનો ત્યાગ કરવામાં આવે ત્યારે જ આત્મ સાક્ષાત્કારની સંભાવના ઊભી થાય. તેથી તે પછીના પાંચમા શ્લોકમાં અહીં `અહં બ્રહ્માસ્મિ’ સિવાયના તમામ શ્રેણીના અહંકારના પરિત્યાગની વાત કરવામાં આવી છે.

આ એક અદ્ભુત ક્રમ છે. જ્ઞાનથી શરૂ કરીને આત્મસાક્ષાત્કાર સુધીની શૃંખલા અહીં બહુ સ્પષ્ટતાથી પ્રસ્તુત કરાઈ છે. જ્ઞાન એ પ્રારંભિક ભૂમિકામાં આવે અને જ્ઞાનની પ્રાપ્તિ બાદ જ રુચિ પ્રમાણે આગળની દિશા નક્કી થઈ શકે. જ્ઞાન પ્રાપ્તિ બાદ કર્મમાં કુશળતા પ્રાપ્ત થઈ શકે. ગીતા પ્રમાણે કર્મમાં કુશળતા એટલે જ યોગ એમ કહેવાયું છે, અને તે કુશળતા ત્યારે પ્રાપ્ત થઈ શકે કે જ્યારે પરિસ્થિતિ યથાર્થ રીતે એ સમજમાં આવી હોય. પછીના તબક્કામાં કર્મ માટેનું કેન્દ્ર નિર્ધારિત થાય છે. આ નિર્ધારણમાં જ્ઞાનની સ્થિતિ પણ વધુ સ્પષ્ટ થઈ શકે અને આગળનાં કાર્યો આધ્યાત્મિકતા તરફ વળે. જ્ઞાન અને કર્મથી જે વાતો સ્થાપિત થઈ હોય તેના દ્રઢીકરણ માટે કે તેમાં વધારાની સ્પષ્ટતા માટે ધ્યાનની આવશ્યકતા રહે. અહીં ઇન્દ્રિયો, મન, બુદ્ધિ તથા ચિત્તને અનિત્ય બાબતોથી દૂર કરી પરમ નિત્ય તત્ત્વ સાથે અસ્તિત્વને જોડવાનું હોય છે. આત્મા અને પરમાત્માના ઐક્યની અનુભૂતિ અહીં થાય. આ સ્થિતિ એટલે જ અહંકાર શૂન્યતા, એટલે જ આત્મસાક્ષાત્કાર.

સાધના પંચકમનું દરેક સોપાન લક્ષ્ય આધારિત છે. દરેક પગલે જે વાત સિદ્ધ કરવાની છે, તેને અનુલક્ષીને દરેક સોપાન સૂચિત કરાયું છે. અહીં દરેક તબક્કો મહત્ત્વનો છે. અહીં દરેક તબક્કાનું એક પ્રયોજન છે. અહીં દરેક તબક્કો સુ-નિર્ધારિત છે. અહીં દરેક સૂચન શાસ્ત્રીય તેમજ પરિપક્વ છે. અહીં દરેક ડગલું પરિણામલક્ષી છે. અહીં વિકલ્પ માટે કોઈ અવકાશ નથી. આધ્યાત્મિકતાના માર્ગ માટે આ એક મહાન શાસ્ત્રીય ક્રમ – શાસ્ત્રીય પદ્ધતિ છે. પૂર્ણ સ્થિતિની પ્રાપ્તિ માટે સંપૂર્ણતામાં સ્થાપિત કરવામાં આવેલ માનવ ઇતિહાસની આ એક અદ્ભુત ઘટના છે.

આ પણ વાંચો….મનન : સાગરના પાણીનું બિંદુ ને સાગર…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button