ચિંતન : નેતિ એટલે ન ઇતિ, અર્થાત આ નહીં-હેમુ ભીખુ | મુંબઈ સમાચાર
ધર્મતેજ

ચિંતન : નેતિ એટલે ન ઇતિ, અર્થાત આ નહીં-હેમુ ભીખુ

સનાતની સંસ્કૃતિમાં વૈદિક અને ઉપનિષદ આધારિત વિચારધારાનું આ અતિ મહત્ત્વનું વિધાન છે. બ્રહ્મની સમજ માટે આ પણ નહીં, તે પણ નહીં તે પ્રકારની પરિભાષાનો ઉપયોગ અહીં થયો છે. અંતિમ સત્યને સમજવા માટે આ એક અનોખી રીત સ્થાપિત કરવામાં આવી છે. નેતિ એટલે ન ઇતિ, અર્થાત આ નહીં – આ પણ નહીં અને તે પણ નહીં.

આ પ્રકારના વિધાનથી એમ સ્થાપિત થાય છે કે બ્રહ્મ અર્થાત્ અંતિમ સત્ય અર્થાત્ પરમ અસ્તિત્વ કોઈપણ પ્રકારના અનુભવથી બાધિત નથી. તે દરેક પ્રકારના સ્વરૂપ અને ગુણધર્મથી પર છે. તે ગુણધર્મથી પર હોવાથી તે દરેક પ્રકારની ઇન્દ્રિયની પહોંચથી બહાર છે. મન અને બુદ્ધિને પણ જે તે વાત સમજવા માટે કેટલાક ગુણધર્મોની જરૂર જણાય. બ્રહ્મ નિર્ગુણી હોવાથી મન અને બુદ્ધિની પહોંચમાં પણ નથી. અર્થાત અસ્તિત્વના કોઈપણ પાસાં દ્વારા તે પકડી ન શકાય તેવું અસ્તિત્વ છે. તે અનુભૂતિનો વિષય છે, જાણકારીનો નહીં. મન-બુદ્ધિ અને ઇન્દ્રિયો દ્વારા જે જાણમાં આવે તે અંતિમ સત્ય ન હોઈ શકે. બ્રહ્મ નથી કોઈ પદાર્થ કે જે ઇન્દ્રિયના સંપર્કમાં આવી શકે. બ્રહ્મ નથી કોઈ કલ્પનાનું પરિણામ કે જે મન અને બુદ્ધિની સમજમાં આવી શકે.

બૃહદારણ્યક ઉપનિષદમાં મહર્ષિ યાજ્ઞવલ્ક્ય વિદુષી ગાર્ગીને બ્રહ્મની સમજ આપતા એમ કહે છે કે, ‘બ્રહ્મ આવાં આવાં લક્ષણવાળા છે’ એમ ન કહી શકાય. તેથી નિષેધમુખે -નિષેધના સિદ્ધાંતથી – સામાન્ય ભાષામાં કહીએ તો બાદબાકીની પ્રક્રિયાથી તેમણે બ્રહ્મને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. મહર્ષિ જણાવે છે કે તે બ્રહ્મ જાડું નથી અને પાતળું પણ નથી, ઝીણું નથી અને વિશાળ પણ નથી, લાંબું નથી અને ટૂંકું પણ નથી, રાતું નથી અને અન્ય કોઈ રંગ વડે આચ્છાદિત પણ નથી, ચીકણું નથી અને ચીકાશ વિનાનું પણ નથી, છાયાવાળું નથી અને છાયા વિનાનું પણ નથી, અંધારાવાળું નથી અને પ્રકાશિત પણ નથી, પવનવાળું નથી અને હવાની સ્થિરતાવાળું પણ નથી, આકાશ-પૃથ્વી-જળ-વાયુ અને અગ્નિવાળું નથી, સંગવાળું નથી અને અસંગી પણ નથી, રસવાળું નથી અને રસહીન પણ નથી, ગંધવાળું નથી અને ગંધહીન પણ નથી, તેને જ્ઞાનેન્દ્રિય નથી, તેને કર્મેન્દ્રિય નથી, મન-બુદ્ધિ-ચિત્ત-અહંકાર જેવાં સૂક્ષ્મ ભાવથી તે પર છે, તે પ્રાણ યુક્ત નથી, તે અમાપ છે, તે અંદર પણ છે અને બહાર પણ છે. તેને કોઈપણ પ્રકારના ભક્ષણની જરૂર નથી અને તે કોઈનું ભક્ષણ નથી.

આ સમગ્ર નેતિ નેતિની પ્રક્રિયાથી જે બાદબાકી થતી જાય તેનાથી સૃષ્ટિના દરેક તત્ત્વ સાથે એક પ્રકારનો છુટકારો મળતો જાય. જ્યારે દરેક બાબત માટે એમ કહેવામાં આવે કે ‘આ નહીં અને તે પણ નહીં’ તો વ્યક્તિ બધાથી ક્રમશ: મુક્ત થાય તેની સંભાવના વધી જાય. આમ તો આ નકારાત્મક વિધાન છે એમ કહેવાય પણ તેનું સકારાત્મક પરિણામ અદભુત આવી શકે.

વળી, બ્રહ્મ માટે જ્યારે ‘આ કે તે’ એમ કહેવાય ત્યારે તેની શાશ્વતતા, તેનો વ્યાપ, તેની અસંલગ્નતા, તેનું નિરાકારપણું, તેની અનંતતા, તેની સમગ્રતા, તેની પૂર્ણતા, અને તેની વાસ્તવિકતા ખંડિત થાય. બ્રહ્મ અખંડ છે અને તેથી આ પ્રકારની સમજ ગેરસમજ સમાન ગણાય.

બ્રહ્મ નથી ઇન્દ્રિય કે નથી ઇન્દ્રિયનો વિષય. ઇન્દ્રિય અને તેના વિષયના સહયોગથી ઉદ્ભવતી સ્થિતિ પણ બ્રહ્મ નથી. બ્રહ્મ અકર્તા છે, સ્વતંત્ર છે, નિર્લેપ છે, સત્ય છે, નિત્ય છે, માત્ર તે છે. તેનો સ્વભાવ જ આધ્યાત્મિકતા ગણાય છે. સત્યને જાણી શકાય પકડી ન શકાય, એવું જ બ્રહ્મ માટે કહી શકાય. સત્યને કોઈ આકાર, રંગ, સ્વાદ કે સુગંધ નથી હોતી તેવું બ્રહ્મ માટે પણ કહી શકાય. સત્ય સૃષ્ટિના વ્યાપમાં સદાય પ્રવર્તમાન રહે, તેવું પણ બ્રહ્મ માટે કહી શકાય. સત્ય અને બ્રહ્મ સમકક્ષ છે પણ એક જ નથી. જ્યારે બ્રહ્મને સત્ય કહેવામાં આવે ત્યારે અસત્યનો આખો વિસ્તાર બહાર રહી જાય. તેથી બ્રહ્મ સત્ય પણ નથી અને અસત્ય પણ નથી. ગીતામાં પણ આ વાત બે વાર કહેવામાં આવી છે.

આપણ વાંચો:  માનસ મંથન : ફક્ત અન્ન જ આહાર નથી, ઇન્દ્રિયો જે વિષયો ભોગવે છે તે પણ આહાર છે…

આ બ્રહ્મનું કાર્ય સ્વાભાવિક છે. આમ તો બ્રહ્મ કંઈ કરતું નથી છતાં પણ તેના અસ્તિત્વથી સૃષ્ટિના પ્રત્યેક કાર્ય સંભવ બને છે. જેમ સૂર્ય સૂર્યમંડળને પ્રકાશિત કરે છે, જેમ આત્મા જે તે શરીરને પ્રકાશિત કરે છે, એમ બ્રહ્મ બ્રહ્માંડને પ્રકાશિત કરે છે. બ્રહ્મ બ્રહ્માંડને પ્રકાશિત કરે છે તેમ પણ નથી. બ્રહ્મના અસ્તિત્વ માત્રથી બ્રહ્માંડ પ્રકાશિત રહે છે. બીજી રીતે એમ કહેવાય કે બ્રહ્મના અસ્તિત્વને કારણે, બ્રહ્મની હાજરીને કારણે, બ્રહ્મની અધ્યક્ષતામાં પ્રકૃતિ અથવા સર્જન અથવા સ્થાપિત લાગતું બ્રહ્માંડ પ્રતીત થાય છે. બ્રહ્મને ઊર્જા તરીકે પણ સમજી શકાય.

કોઈ પૂછી શકે કે બ્રહ્મને સમજવાની શી જરૂર છે. જ્ઞાનમાર્ગ માટે વાસ્તવિકતાની જાણ હોવી જોઈએ. જ્ઞાનમાર્ગમાં બ્રહ્મ માટેની યોગ્ય સમજ બહુ મહત્ત્વની ગણાય છે. ભક્તિમાર્ગ માટે પણ ઈશ્વર પ્રત્યેના સંપૂર્ણ સમર્પણ અને સંપૂર્ણ આદરભાવ માટે બ્રહ્મની યથાર્થ સમજ જરૂરી છે. કર્મ માર્ગમાં કદાચ આ પ્રકારનું જ્ઞાન એટલું જરૂરી નથી. અહીં એમ કહી શકાય કે નિષ્કામ કર્મ માટે સૃષ્ટિની વાસ્તવિક સ્થિતિનું જ્ઞાન ચોક્કસ મદદરૂપ થઈ શકે. યોગમાર્ગમાં તો અસ્તિત્વની સાથે સંકળાયેલ આત્મા-બ્રહ્મ પર જ ધ્યાન કેન્દ્રિત થતું હોય છે. એકંદરે એમ કહી શકાય કે દરેક માર્ગમાં બ્રહ્મની સમજ માત્ર ઈચ્છનીય નથી, જરૂરી પણ છે. આ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને જ ઉપનિષદોમાં સ્પષ્ટપણે દર્શાવાયું છે કે બ્રહ્મ સર્વ ભૌતિક ગુણોથી પર છે. નેતિ નેતિની સમજ થકી અવ્યક્ત, અદ્વિતીય અને અનંત સત્ય તરફનું પ્રયાણ સરળ થઈ શકે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button