ચિંતનઃ નિષિદ્ધ કર્મથી મુક્તિ જરૂરી | મુંબઈ સમાચાર
ધર્મતેજ

ચિંતનઃ નિષિદ્ધ કર્મથી મુક્તિ જરૂરી

  • હેમુ ભીખુ

કઠોપનિષદનું વિધાન છે કે જે મનુષ્ય નિષિદ્ધ કર્મોથી વિરત થતો નથી, જેણે પોતાની ઇન્દ્રિયોને જીતી નથી, જેનું મન એકાગ્ર નથી અને જેનું ચિત્ત શાંત થયું નથી તેને કદાપિ આત્માનો સાક્ષાત્કાર ન થઈ શકે. અહીં શરૂઆતમાં નિષિદ્ધ કર્મોથી મુક્ત થવાની વાત છે. ‘નાવિરતો દુશ્ચરિતાન્’નો ભાવાર્થ થાય છે કે જે દુશ્ચરિત-અનૈતિક કે અધર્મી અર્થાત ખોટાં કામ થાય છે તેમાંથી નિવૃત્ત થવું જોઈએ, આ પ્રકારના કાર્યનો ત્યાગ કરવો જોઈએ.

કર્મનું વર્ગીકરણ ઘણી રીતે થઈ શકે. કરવાં જેવાં અને ન કરવાં જેવાં કર્મ, સ્વાભાવિક કર્મ અને વિશેષ કર્મ, સ્વૈચ્છિક કર્મ અને અનૈચ્છિક કર્મ, પ્રાકૃતિક કર્મ અને અહંકાર યુક્ત કર્મ, ધર્મ આધારિત કર્મ અને ધર્મથી વિપરીત કર્મ, મુક્તિલક્ષી કર્મ અને બંધનને પ્રગાઢ બનાવતું કર્મ – આ દરેક વર્ગીકરણ ચોક્કસ પ્રકારની વિચારધારાને આધારિત છે. આ દરેક પ્રકારના કર્મની પાછળ કોઈ આધાર હોય અને તેનાથી કોઈ ચોક્કસ પ્રકારનું પરિણામ સ્થાપિત થાય. કાર્યકારણનો સંબંધ અહીં દૃઢતાથી અને શાશ્વતતાથી સ્થપાયેલો હોય છે. અહીં કશું અકારણ નથી.

કઠોપનિષદની વાત કરીએ તો નિષિદ્ધ કર્મ એટલે કે ન કરવાં જેવાં કર્મ. આવાં કર્મ ધાર્મિક, નૈતિક, સામાજિક કે સમાવેશીય દ્રષ્ટિએ યોગ્ય ન હોય. કોઈ એમ દલીલ કરી શકે કે વિવિધ ધર્મમાં તથા સંસ્કૃતિમાં આની માટે અલગ અલગ પરિભાષા હોઈ શકે. પરંતુ આ દલીલ સ્વીકારી શકાય તેવી નથી. માનવતા એક જ ધર્મ છે, સનાતની એક જ સંસ્કૃતિ છે અને સૃષ્ટિનાં પ્રત્યેક અસ્તિત્વ સાથે સુ-સંવાદિતતા એક જ ઉત્તરદાયિત્વ છે. અહીં કશું જ સંદર્ભિક કે સમયલક્ષી નથી.

નિષિદ્ધ કર્મમાં બીજાંને શારીરિક, માનસિક, સામાજિક કે આર્થિક નુકસાન પહોંચાડી શકે તેવી હિંસા, બીજાની સંપત્તિ કે દ્રવ્ય અયોગ્ય રીતે મેળવી લેવા માટે કરવામાં આવતી ચોરી, ચોક્કસ કારણથી કે અકારણ વાસ્તવિકતાને છુપાવવા બોલવામાં આવતું અસત્ય, લગ્નજીવનની બહારના વિસ્તારમાં બાંધવામાં આવતો અનૈતિક સંબંધ, દારૂ કે ડ્રગ્સ જેવાં માદક પદાર્થોનું સેવન, ન્યાય અસંગત પ્રયત્નથી ધન કે અન્ય પ્રકારની સંપત્તિ કે સત્તા પ્રાપ્ત કરવાની લાલચ, હું અને મારુંમાં મગ્ન રહી સ્વીકારવામાં આવેલી સ્વાર્થવૃત્તિ તથા અહંકારને કારણે ધાર્મિક સિદ્ધાંત વિરુદ્ધના આચરણ જેવી બાબતોનો સમાવેશ થાય છે. આ દરેક બાબત અનેક પ્રકારની નકારાત્મકતા ઊભી કરવાં સક્ષમ છે.

આ પ્રકારના કર્મ વ્યક્તિ માટે તો પતનનું કારણ બની શકે, પણ સાથે સાથે તે સમાજમાં અનેક પ્રકારની મુશ્કેલી પણ સર્જી શકે. આ પ્રકારના કર્મથી વ્યક્તિ આધ્યાત્મિક માર્ગથી દૂર થતો જાય, તેનું ધ્યાન ભૌતિક બાબતોથી પ્રાપ્ત થતી, ઇન્દ્રિય આધારિત ખુશી પર વધારે રહે અને વાસ્તવિક આનંદની સ્થિતિથી તે દૂર થતો જાય, તેનું ચિત્ત હંમેશાં વિહવળ રહે, તેની બુદ્ધિ સંશયગ્રસ્ત બને, તેનું મન ભટકતું રહે અને તે બધાંને કારણે તે ક્યાંય શાંતિની અનુભૂતિ ન કરી શકે.

તેનું અસ્તિત્વ હંમેશાં અસંતોષી રહે. આવી વ્યક્તિ સમાજને પણ સતત નુકસાન પહોંચાડે, સમાજને પણ સતત ચિંતામાં રાખે. નિષિદ્ધ કર્મ કરવાથી ન તો વ્યક્તિની ઉન્નતી શક્ય બને ન તો સમાજ પ્રગતિના માર્ગ પર આગળ વધી શકે.

નિષિદ્ધ કર્મમાં મનની ભૂમિકા સૌથી વધુ રહેતી હોય તેમ જણાય છે. ઇન્દ્રિયોને વિચલિત કરી શકતી દરેક પરિસ્થિતિ મનને સ્થિર ન રહેવા દે. આવી પરિસ્થિતિમાં અણગમતો અવાજ, અરુચિકર દૃશ્ય, તીવ્ર દુર્ગંધ, અનિચ્છનીય સ્પર્શ, નાપસંદ સ્વાદ – બધું જ નકારાત્મક પરિણામ સ્થાપી શકે. આવી પરિસ્થિતિ મનને બંધન વધુ જકડી શકે. ઘણીવાર એમ જણાય છે કે નિષિદ્ધ કર્મમાં કોઈપણ પ્રકારની પરિસ્થિતિમાં અંતે તો નકારાત્મકતા જ ઉદ્ભવતી હોય છે.

નિષિદ્ધ કર્મોનો ત્યાગ જરૂરી છે. ઇન્દ્રિયોને કાબૂમાં કરી તેના પર જીત મેળવવી જરૂરી છે. આ સમગ્ર પ્રક્રિયામાં મન એકાગ્ર બને તે પ્રકારનો પુરુષાર્થ જોઈએ. પુરુષાર્થ જો ‘કામ’ અને ‘અર્થ’લક્ષી હોય તો સંસાર-ચક્ર ચલિત રહેવાની શક્યતા વધી જાય, પરંતુ જો પુરુષાર્થ ‘ધર્મ’ અને ‘મોક્ષ’લક્ષી હોય તો ચક્રમાંથી બહાર નીકળવાની સંભાવના ઊભી થાય. મન અને ઇન્દ્રિયોને સ્થિર રાખવાં માટે ધ્યાન, યોગ, ભક્તિ, જ્ઞાન-જિજ્ઞાસા, સત્સંગ, ધાર્મિક શ્રવણ અને આધ્યાત્મિક અભિગમ અનુકૂળ વાતાવરણ સર્જવામાં ઉપયોગી બની શકે.

આત્મ સાક્ષાત્કાર થવો એ કંઈ સામાન્ય ઘટના નથી. તેની માટે વ્યવસ્થિત શાીય પ્રયત્ન, સદ્ગુરુનું માર્ગદર્શન, ઈશ્વરની કૃપા, સકારાત્મક માહોલ, સૃષ્ટિના સિદ્ધાંતોમાં અતૂટ વિશ્વાસ, પરમ સ્થિતિની પ્રાપ્તિ માટેની શ્રદ્ધા તથા મુક્તિની સંભાવના માટેની ખાતરી હોવી જોઈએ. આ બધું પણ કંઈ અમસ્તાં પ્રાપ્ત ન થાય. આ સમગ્ર પ્રક્રિયામાં અમુક પ્રકારનો પુરુષાર્થ કરવો જ પડે અને કેટલાંક અમુક પ્રકારના પુરુષાર્થથી દૂર પણ રહેવું જ પડે.

કઠોપનિષદના આ શ્લોકમાં શેનાથી દૂર રહેવું તે બાબત સ્પષ્ટ કરવામાં આવી છે. અમુક બાબતોથી દૂરી જાળવવામાં આવે તો આપમેળે બીજી બાબતો તરફ, તેનાથી વિપરીત બાબતો તરફની સ્થિતિ સ્થાપિત થતી જાય. નિષિદ્ધ કર્મથી દૂર રહેવામાં આવે તો આપમેળે જે કર્મ કરવા યોગ્ય છે તે તરફની રૂચિ વધતી જાય.

ન કરવાં જેવાં કર્મ ન કરવાથી કે કરવાં જેવાં કર્મ કરવાથી એક જ પ્રકારનું પરિણામ સ્થાપિત થાય છે થતું હોય તેમ જણાય છે. એ છતાં પણ તેમ કહી શકાય કે ન કરવાં જેવું ન જ કરવાનું હોય અને કરવાં જેવું કરવાનું જ હોય. સંસારનું બંધન વધુ દૃઢ થાય તેવું કર્મ ન જ કરવાનું હોય અને સંસારમાંથી બહાર નીકળી શકાય તેવું કર્મ કરવાનું જ હોય.

આપણ વાંચો:  આચમનઃ ધર્મનો તકાજો: માનવી માનવ બનીને રહે…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button