ચિંતનઃ મન ને વાણીના વિસ્તારથી દૂર…

- હેમુ ભીખુ
ઉપનિષદમાં દર્શાવાયેલ એક અદ્ભુત સત્ય એ છે કે `યતો વાચો નિવર્તંતે, અપ્રાપ્ય મનસા સહ’. કહેવાનું તાત્પર્ય એ કે જ્યાં મન અને વાણી પહોંચી શકતા નથી, ત્યાં બ્રહ્મ છે. સનાતન સત્ય, પરમ અસ્તિત્વ, પરમ આનંદ એ મન અને વાણીના વિસ્તારથી દૂરની વાસ્તવિકતા છે.
બ્રહ્મ એ સત્ય છે જ્યાં પહોંચતાં પહેલાં જ મન અને વાણી પાછાં ફરી જાય. સંસ્કારની સ્વીકૃતિ, રચનાત્મક વિચાર, સકારાત્મક અભિગમ, ધર્મનિષ્ઠ ઉત્તરદાયિત્વ, જ્ઞાનની સ્થાપના, માનવીય સંવેદનાઓ, સત્યની સ્વીકૃતિ અને પ્રસ્તુતિ, નૈતિક પ્રેરણા-બધું જ મન અને વાણીના વિસ્તારમાં આવે. જ્યાં સુધી આ વિસ્તાર સાથે અસ્તિત્વ જોડાયેલું રહે ત્યાં સુધી બ્રહ્મની અનુભૂતિથી આવરણ રહે.
મન એક વિચિત્ર ઘટના છે, અહીં વિચાર, ભાવના, કલ્પના, સંકલ્પ, ઈચ્છા, અહંકાર, બધું જ આકાર લે, નકારાત્મક પણ અને સકારાત્મક પણ. અહીં વિશ્વાસ જન્મે અને શંકા પણ, પ્રેમની અનુભૂતિ થાય અને દ્વેષની પણ, નિયંત્રણ હોય અને અનિયંત્રિતતા પણ. સુખ અને દુ:ખ કે ખુશી અને કંટાળાની અનુભૂતિ પાછળ મન કારણભૂત હોય છે.
મનની ચંચળતા, નાજુકતા અને ભાવનાત્મકતાને કારણે એક યા બીજી તરફ તેનો લગાવ અને ઝોક સ્વાભાવિક રહે. મન ઇન્દ્રિયોનો રાજા છે અને જ્ઞાનેન્દ્રિયો જે કંઈ પ્રસ્તુત કરે તેને અનુભવવાનું કામ મનનું છે. મનની આ અનુભૂતિ કર્મેન્દ્રિય માટે પ્રેરક બની રહેતી હોય છે.
વાણી એ વિચાર, અનુભવ, સમજ, ભાવના, જ્ઞાન અને માહિતી પ્રગટ કરવાનું માધ્યમ છે. વાસ્તવમાં તે મનનું જ એક સ્વરૂપનું પ્રાગટ્ય છે. મનમાં જે વિચાર આવે, મન જે પ્રકારે અનુભૂતિ કરે, મન પાસે જે પ્રકારની સમજ, માહિતી કે જ્ઞાન હોય, મનમાં જે રીતે ભાવના ઉદ્ભવે તે બધું જ વ્યક્ત કરવા માટે વાણી સાધન બને.
મનની જેવી સ્થિતિ, વાણીમાં તેવી અભિવ્યક્તિ. વાણીમાં જે સત્ય કે મિથ્યા, મીઠાશ કે કડવાશ, સરળતા કે જટિલતા, સ્પષ્ટતા કે ગૂંચવાડો, કલાત્મકતા કે રુક્ષતા અનુભવાય તે બધું જ મનની સ્થિતિના પ્રતિબિંબ સમાન હોય. વાણી પ્રોત્સાહિત પણ કરી શકે અને હતોત્સાહિત પણ.
વિસ્તાર એટલે જે તે કાર્ય અથવા અસ્તિત્વથી અસરગ્રસ્ત ક્ષેત્ર. આ અસર ભાવનાલક્ષી, જ્ઞાનલક્ષી, અનુભવલક્ષી કે કાર્યલક્ષી હોઈ શકે. મન અને વાણીનો વિસ્તાર એટલે આ બે દ્વારા સંપન્ન થતાં કાર્યની અનુભૂતિનો વ્યાપ. આમ તો મન જે અનુભવે તેની સૂક્ષ્મ અસર ચારે બાજુ પ્રસરતી જ હોય છે.
આ અસરથી મુક્ત રહેવું સામાન્ય માનવી માટે લગભગ અશક્ય હોય છે, માત્ર અસરની માત્રા વધઘટ થઈ શકે. તેની અપેક્ષાએ વાણીનો વિસ્તાર ત્યાં સુધી રહે જ્યાં સુધી શ્રવણેન્દ્રિય તેની નોંધ લઇ શકે. આ વિસ્તારની માત્રા ભૌતિક પરિમાણથી તો સ્થાપિત થઈ શકે પરંતુ તેનો માનસિક, તત્ત્વજ્ઞાનિક, આધ્યાત્મિક કે ભાવનાત્મક વ્યાપનું માપ સ્થાપિત કરવું અશક્ય છે.
અમુક સંજોગોમાં તો મન અને વાણીનાં અસ્તિત્વ બાદ પણ આ વ્યાપનો પ્રસાર થઈ શકે. મન મૂળ કારણ છે, વિચાર અભિવ્યક્તિ છે અને વિસ્તાર અસર અને પરિણામ નિર્ધારિત કરતું ક્ષેત્ર છે.
સરખામણી કરતાં એમ કહી શકાય કે મનનો વિસ્તાર અકલ્પનીય છે. મનમાં ઉઠતાં તરંગોમાં સમાયેલી સંકલ્પ-વિકલ્પની આંતરિક ઘટના હોવાં છતાં તેની અસર આંતરિક સ્થિતિ ઉપરાંત બહારનાં વિશ્વ સુધી પણ પહોંચતી હોય છે.
મન અંત:કરણનું એક અગત્યનું સ્વરૂપ હોવાથી તેનાં કાર્યની અસર સમગ્ર અસ્તિત્વ કરતો પડે. બહારના વિશ્વના પરિપ્રેક્ષ્યમાં મનના વિસ્તારને દિશાનું નિયંત્રણ નથી હોતું. આ વિસ્તાર બ્રહ્માંડના કાલ્પનિક છેડાથી પણ પાર જઈ શકે છે. તેનાં વિસ્તારનાં વિસ્તારની ઝડપ નિર્ધારિત નથી હોતી.
મનનો વિસ્તાર ગમે ત્યારે અટકી શકે છે અને ફરીથી પુન: પ્રવૃત્ત થઈ શકે છે. જ્યાં પહોંચવું શરીર માટે અસંભવ હોય ત્યાં પણ મનનો વિસ્તાર ક્ષણભરમાં પ્રસરી શકે છે. ભૂત, વર્તમાન કે ભવિષ્યનું બંધન તેને નથી નડતું. સ્મૃતિ વડે તે ભૂતકાળમાં અને કલ્પના વડે તે ભવિષ્યમાં મનના પ્રભુત્વનો વિસ્તાર શક્ય છે.
વાણીનો વિસ્તાર એ ભૌતિક વિશ્વની ઘટના છે. ધ્વનિ-પ્રસારનું માધ્યમ, તેની ઘનતા, ધ્વનિ-તરંગોની લંબાઈ જેવી બાબત આ વિસ્તારને પ્રભાવિત કરે. જો આ બાબતો યથા-યોગ્ય ન હોય તો વાણીનો વિસ્તાર અતિશય સીમિત થઈ જાય. જો કે મનની જેમ વાણીનો પણ સૂક્ષ્મ પ્રભાવ હોય છે કારણ કે વાણી અંતે સામેવાળી વ્યક્તિના મનને જ અસર કરે.
પરંતુ આ અસર ત્યાં સુધી થાય ત્યારે થાય જ્યારે વાણી અર્થાત્ ભાષાનું સ્વરૂપ બંનેની સમજમાં આવે તેવું હોય. જો સમજણ, શ્રવણશક્તિ, સંવેદનશીલતા, સંદર્ભિક માહિતી જેવી બાબતોનો અભાવ હોય તો પણ વાણીનો વિસ્તાર સીમિત થઈ શકે. મનની સૂક્ષ્મ ઘટના સ્થૂળ સ્વરૂપે વાણી રૂપે પ્રગટ થતી હોવાથી બંનેનો હેતુ એક સમાન રહેવા છતાં બંનેના વિસ્તારનો પ્રસાર ભિન્ન ભિન્ન રહે તે સ્વાભાવિક છે. મનનો વિસ્તાર બ્રહ્માંડ સુધી પહોંચી શકે છે, પરંતુ વાણીનો વિસ્તાર માત્ર સમાજ, ઇતિહાસ અને સંસ્કૃતિમાં જ ફેલાય છે.
એમ કહેવાય છે કે વેદો ઋષિઓની `વાણી’ થકી પ્રગટ થયા છે. વાણીનું આ સૌથી સમર્થ સ્વરૂપ છે જેનો પ્રભાવ આજ દિન સુધી સમગ્ર વિશ્વમાં જોવા મળે છે. વાણીની પણ એક મર્યાદા છે. એ જરૂરી નથી કે વાણી દર વખતે સત્ય, ધર્મ, નૈતિકતા, સાત્વિકતા, આધ્યાત્મિકતા, વિદ્યા, જ્ઞાન, તથા એવી અન્ય પરમ બાબતોને યથાર્થ સ્વરૂપે સ્થાપિત કરે. મનની જેમ વાણી પણ પ્રદૂષિત અને મલીન થઈ શકે.
ગીતામાં જણાવાયું છે કે મન અત્યંત ચંચળ, બળવાન અને દમન કરવું મુશ્કેલ છે. આવાં `દૃઢ’ મનનો વિસ્તાર નિયંત્રિત ન થઈ શકે. મનના વિસ્તારને નિયંત્રિત કરવા માટે મનની લહેરોને રોકી દેવી પડે. પતંજલિ યોગસૂત્રમાં મનના નિયંત્રણને યોગની એક અગત્યની ભૂમિકા તરીકે દર્શાવાયું છે.
લાંબા અભ્યાસનું મનનું નિયંત્રણ આગળ જતાં સમાધિ સુધી પહોંચી શકે. પૌરાણિક ઇતિહાસમાં મનનું સામર્થ્ય દર્શાવતાં ઘણાં ઉદાહરણો છે. જો મન નિયંત્રણમાં તો વાણી આપમેળે નિયંત્રિત રહે. મન અને વાણી નિયંત્રિત હોય તો તેનો વિસ્તાર પણ નિયંત્રિત રહેવાની સંભાવના રહે.
આપણ વાંચો: મનનઃ સૃષ્ટિની સાતત્યતા- વિવિધતા



