ધર્મતેજ

ચિંતનઃ લોભ-નરકનું એક દ્વાર…

  • હેમુ ભીખુ

લોભ એટલે પોતાને જે ઈચ્છિત છે તે પ્રાપ્ત કરવાની અતિશય ઈચ્છા. આ ઈચ્છા અતિરેકની સીમાને પણ પાર કરી દે. આ ઇચ્છિત બાબત સાધન-સંપત્તિ હોઈ શકે, પદ હોઈ શકે પ્રતિષ્ઠા હોઈ શકે, વાસના હોઈ શકે કે અહંકારનું પોષણ પણ હોઈ શકે. આ એક આત્યંતિક અતૃપ્તિપૂર્ણ અવસ્થા છે. આ એવી અવસ્થા છે કે જેનો કોઈ છેડો ન હોય, બસ તે આગળ વધતી જ જાય. જે પ્રાપ્ય છે, જે હાજર છે તેના વિશે અપૂરતાપણાનો ભાવ એટલે લોભ. કોઈપણ માધ્યમ દ્વારા ક્ષમતા, પરિસ્થિતિ અને સિદ્ધાંતની ઉપરવટ જઈને અપેક્ષિત બાબત પામવાનો ભાવ એટલે લોભ. સંતોષનો સંપૂર્ણ અભાવ એટલે લોભ, પરંતુ સંતોષનું વિરોધી લોભ નથી.

આધ્યાત્મિક પરિપ્રેક્ષ્યમાં લોભના મૂળમાં અજ્ઞાન હોય છે તેમ કહી શકાય. આનંદ અને સંતોષ, કેવાં પ્રકારની નિત્ય પરિસ્થિતિમાં છે તે વિશેનું અજ્ઞાન લોભ તરફ દોરી જાય. દરેક પ્રાપ્તિ ન્યાયને આધારે સ્થાપિત થતી હોય છે તે સિદ્ધાંતની અસ્વીકૃતિ લોભનું મૂળ બની શકે. કામના તથા તૃષ્ણા ક્યારેય પૂરેપૂરી સંતોષી ન શકાય તેની પ્રતીતિ થઈ હોવા છતાં વધુને વધુ મેળવવા પ્રયત્ન કરવો એ લોભનો સ્વભાવ છે. ગીતામાં દૈવી સંપત્તિની યાદીની શરૂઆત ‘અભય’થી થાય છે. જ્યારે ભય અને અસુરક્ષાની ચિંતા હેઠળ માનવી વધુને વધુ એકત્રિત કરવા પ્રેરાય ત્યારે તે આસુરી સંપત્તિ છે તેમ કહેવાય. લોભ એ આસુરી સંપત્તિના ક્ષેત્રનો વિષય છે.

દરેક વ્યક્તિને પોતાનાં કર્મ પ્રમાણે જે તે બાબત પ્રાપ્ત થતી રહે છે, અહીં તુલના કે સરખામણીનો પ્રશ્ન ન હોય. અહીં સ્પર્ધા પણ ન હોય. જ્યારે તુલના, સરખામણી કે સ્પર્ધાનો ભાવ મનમાં પ્રવેશે ત્યારે એક પ્રકારનો અસંતોષ જાગે અને લોભને પ્રવૃત્ત થવાની પ્રેરણા મળે. લોભ માટે ક્યારેક અહંકાર પણ પ્રેરણા સ્વરૂપ હોય છે.

આધ્યાત્મિક દ્રષ્ટિકોણ પ્રમાણે અહંકાર તો સર્વનાશની શરૂઆત છે. લોભ માટે તૃષ્ણાની પણ વાત થઈ શકે. એમ કહેવામાં અતિશયોક્તિ નથી કે તૃષ્ણા એ લોભનું બીજ છે, પરંતુ આ બધાં પાછળ અજ્ઞાનતા અને અવિદ્યા આધારભૂત છે તેમ કહી શકાય. આ થયો આધ્યાત્મિક દ્રષ્ટિકોણ.

લોભને કારણે જે બિનજરૂરી સરખામણી સ્પર્ધા કે ઈર્ષા થાય તેને કારણે માનસિક અસંતોષ જાગે, મન અસ્વસ્થતા અનુભવે, ક્યાંક ઉદ્વેગ જાગી ઊઠે અને આ બધાંનું પરિણામ શરીરની તંદુરસ્તી પર પણ પડે. મન અને શરીર અસ્વસ્થ હોય તો વ્યવહારમાં અનિયમિતતા અને અનિચ્છનીય બાબતો પ્રગટ થતી રહે, જેને કારણે સામાજિક સંબંધમાં તણાવ પણ ઉભો થઈ શકે. જ્યારે લોભ અમુક સ્વરૂપ ધારણ કરે ત્યારે અનૈતિક સાધનો દ્વારા લોભ-પુર્તીતાના પ્રયત્નો થાય. અહીં વ્યક્તિનું નૈતિક પતન શરૂ થાય.

લોભ કેન્દ્રિત પ્રવૃત્તિ જો સફળ થાય તો સમાજમાં નકારાત્મક ભાવ પણ સ્થાપિત થઈ શકે. અન્યનાં હિત કરતાં સ્વ-હિતને પ્રાધાન્ય આપવાની પ્રક્રિયામાં ક્યાંક અન્યને અન્યાય થવાની સંભાવના તો રહે જ. જો લોભ મર્યાદા મૂકે તો જીવનમાં કેટલીક વિકૃતિઓ પણ આવી શકે. આધ્યાત્મિક પ્રગતિ માટે લોભ અડચણ તો છે જ, પરંતુ વ્યક્તિગત અને સામાજિક જિંદગીમાં પણ લોભ મુશ્કેલી સર્જી શકે. તે બધાં પછી પણ અંતે સંતોષ મળે નહીં, શાંતિ પ્રાપ્ત થાય નહીં, સુખ અનુભવાય નહીં.

નકારાત્મક ભાવ તરીકે લોભનો ઉલ્લેખ શાસ્ત્રોમાં જોવાં મળે છે. ભગવદ્ ગીતામાં લોભને, કામ અને ક્રોધની સાથે નરકનું એક દ્વાર ગણવામાં આવ્યું છે, જે આત્મા પર ચઢેલાં આવરણને વધુ દ્રઢ બનાવી શકે. શાસ્ત્રોમાં લોભનો ઉલ્લેખ આસુરી વૃત્તિમાં કરવામાં આવે છે. અહીં એમ પણ જણાવાય છે કે ધર્મના પાલનમાં લોભ એ સૌથી મોટો અવરોધ છે. ક્યાંક લોભને દુર્ગુણ તરીકે ગણાવી, તે મનુષ્યને અસંતોષી અને ભ્રમિત કરનાર તરીકે દર્શાવાયો છે. વેદાંત દર્શન પ્રમાણે લોભ મનને અશુદ્ધ બનાવી દે છે જેને કારણે આત્મ-સાક્ષાત્કાર સંભાવના ક્ષીણ થતી જાય છે.

કેટલાક ડાબેરી વિચારધારા વાળા લોકો લોભને યોગ્ય ગણવાની ચેષ્ટા કરતાં હોય છે. તેમની દ્રષ્ટિએ લોભને કારણે જીવનમાં આગળ વધવાની, પ્રગતિ માટેની પ્રેરણા મળી શકે, સ્પર્ધાત્મક માહોલને બળ મળે, નવી સંભાવનાઓ માટેની તક સર્જાય, સતત સુધારાની શક્યતા રહે અને વ્યક્તિગત સંતોષ પણ મળી શકે.

સમજવાની વાત એ છે કે આ બધું પ્રાપ્ત કરવા માટે લોભ નહીં પરંતુ ‘પડકાર’ની આવશ્યકતા હોય છે. પડકાર અને લોભ બંને ભિન્ન બાબત છે. પડકાર એ જીવનની સકારાત્મક ઘટના છે, જ્યારે લોભ નકારાત્મક. અનિયંત્રિત લોભને કારણે તો અન્યનું શોષણ, અનૈતિકતા, અધર્મ, નિષ્ઠા હીનતા જેવી બાબતો મહત્ત્વની બનતી જાય.

રસપ્રદ બાબત એ છે કે સનાતનની સંસ્કૃતિમાં ભક્તિ માટેનો ‘લોભ’ યોગ્ય છે તેમ જણાવ્યું છે. જ્ઞાન માટે, ઈશ્વરની આરાધના માટે, સત્સંગ તથા કથા-કીર્તનનાં સાનિધ્ય માટે, ઈશ્વરને વધુને વધુ પામવા માટે, અંતિમ શ્વાસની અંતિમ ક્ષણ સુધી ઈશ્વરને નિરખવા માટે, શ્રીકૃષ્ણની અદભુત અને સંપૂર્ણ મધુરતા અનુભવવા માટે, સાધનામાં વધુને વધુ એકાગ્રતા સિદ્ધ થઈ શકે તે માટે લોભ હોવો જોઈએ. સનાતની સંસ્કૃતિમાં એમ કહેવામાં આવે છે કે સાંસારિક લોભ છોડો, પણ ભગવાન માટે લોભી બનો.

આ થઈ ભક્તિ-લક્ષી વાત, પરંતુ વ્યવહારિક અને સામાજિક પરિપ્રેક્ષ્યમાં, લોભને નકારાત્મક ગણવામાં આવે છે, કારણ કે લોભ એટલે અતિશય, અનિચ્છનીય, અપ્રમાણસર અને અતૃપ્તિપૂર્ણ ઈચ્છા, જેનાં મૂળમાં અજ્ઞાન, અવિદ્યા અને અસંતોષ છે, જે અંતે તે આત્મિક-પતનનું કારણ બને. આથી જ શાસ્ત્રોમાં લોભને નરકનું દ્વાર અને દરેક પાપનું મૂળ ગણાવવામાં આવ્યું છે.

આપણ વાંચો:  ફોકસઃ આ મંદિરમાં ભગવાન બધાનો સમય સાચવી લે છે!

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button