ધર્મતેજ

ચિંતન : પરમાત્મા: સત્-ચિત્-આનંદ

-હેમુ ભીખુ

બ્રહ્મસૂત્રમાં જણાવાયું છે કે `આનંદમયોઙભ્યાસાત્’ – આનંદ શબ્દનો ઉલ્લેખ પરમાત્માનો, બ્રહ્મનો, ઈશ્વરનો વાચક છે. બ્રહ્મ સાથે કોઈપણ પ્રકારના વિકાર, વિકૃતિ કે અંતર્ગત વિરોધી શક્ય ન હોવાથી બ્રહ્મ આનંદમય જ છે એમ સ્થાપિત થાય છે. શ્રુતિમાં પણ બ્રહ્મને આનંદના હેતુ તરીકે પણ સ્થાપિત કરાય છે. સત્-ચિત્-આનંદ એટલે બ્રહ્મ.

બ્રહ્મ સત્‌‍ સ્વરૂપ છે, બ્રહ્મ સત્ય છે. આ સત્ય એટલે ઇન્દ્રિયો દ્વારા પ્રતીત થતી બાબત નહીં, પરંતુ સંપૂર્ણ સત્ય. એ પ્રકારનું સત્ય કે જેના અસ્તિત્વ માત્રથી અસત્યના અસ્તિત્વની સંભાવના સંપૂર્ણતામાં નાશ પામે છે. દેખીતું સત્ય એ મર્યાદિત હકીકત છે. સૂરજ પૂર્વમાં ઊગતો નથી, પણ તે પ્રમાણે ઊગતા હોય તેમ જણાય છે. ઇન્દ્રિયો પ્રકાશિત નથી પણ તે પ્રકાશિત હોય તેમ અનુભવાય છે, જે કંઈ માહિતી પ્રાપ્ત થાય છે તે સત્ય છે તેમ માની ન શકાય.

બધું જ પરિવર્તનશીલ છે, જેનું આજે અસ્તિત્વ છે તે કાલે ક્યાંક લુપ્ત થઈ જશે. જે આજે એક સ્વરૂપે છે તે કાલે અન્ય સ્વરૂપે અસ્તિત્વમાં હશે. અહીં કશું જ શાશ્વત નથી, કાયમી નથી. તો પછી સત્યનો આધાર કયો. સત્ય તો સત્ય છે, જેના પર સમય અને સ્થળની મર્યાદા ન હોય. સૃષ્ટિની જે કોઈ ઘટના, તત્ત્વ, ગુણધર્મ તથા સૃષ્ટિના જે કોઈ કારણ-પરિણામનું સમીકરણ જો સમય અને સ્થળને આધારિત હોય તો તે સત્ય ન હોઈ શકે – તેને લગતી પ્રત્યેક બાબત પણ સત્ય ન હોઈ શકે. સત્ય હંમેશાં શાશ્વત હોવું જોઈએ અને તેથી જ બ્રહ્મ શાશ્વત હોવાથી તે જ સત્ય છે.

આ પણ વાંચો…હું પતિવ્રતા સ્ત્રી હોઉં તો હે અગ્નિદેવ આ કામમોહિત થઈ ચૂકેલા પુરુષને ભસ્મ કરી દો

વ્યવહારમાં સુખ અને દુ:ખને વિરોધી કહેવાય છે. તેથી એમ કહી શકાય કે આનંદનું વિરોધી દુ:ખ નથી. છતાં પણ ક્યારેક આનંદના વિરોધી તરીકે દુ:ખની ધારણા કરવામાં આવે છે. આનંદનો વિરોધી માનસિક સંતાપ કે ઉદ્વેગ હોઈ શકે. દુ:ખના કારણ તરીકે માનસિક સંતાપ કે ઉદ્વેગ, કોઈક ઈચ્છાની અપૂર્તિતા, કોઈક પ્રકારની નિષ્ફળતા, કોઈક વિકારનો પ્રવેશ, અસ્તિત્વમાં ક્યાંક ઉદ્ભવેલી અક્ષમતા, ભાવાત્મક સમીકરણમાં અધૂરાશ કે સુખ-સંપત્તિનો અભાવ હોઈ શકે. પરમાત્મા માટે આવી કોઈ સંભાવના નથી. પરિણામે પરમાત્મા ક્યારે ય આનંદની વિરોધી સ્થિતિમાં આવી જ ન શકે. પરમાત્મા સદાય આનંદમગ્ન હોય. જે સદાય આનંદમગ્ન હોય તે આનંદ સ્વરૂપ બની રહે. બ્રહ્મ આનંદ સ્વરૂપ છે.

એવું કશું અપ્રાપ્ય નથી કે જે ઈશ્વરને પ્રાપ્ત કરવાનું છે. એવો કોઈ વિષય નથી કે જેને ભોગવવાની ઈશ્વરને ઈચ્છા થાય. એવો કોઈ સંકલ્પ નથી કે જેને સ્થાપિત કરવાનો ઈશ્વરને ભાવ જાગે. એવી કોઈ ઘટના નથી જે માટે ઈશ્વરને લગાવ હોય. એવું કોઈ કાર્ય નથી કે જે ઈશ્વરને તે પ્રમાણે કરવા માટે પ્રેરે. નિવૃત્તિ કે પ્રવૃત્તિ, ઈશ્વરને કશાનો આગ્રહ નથી. કારણ કે પરિણામ, ઈશ્વરને કશાનું બંધન નથી. એકવાર એમ લાગે કે ઈશ્વરને ધર્મ માટે આગ્રહ છે, પણ આ ધર્મની વ્યાખ્યા આધ્યાત્મને આધારિત છે તેમ કહી શકાય. આધ્યાત્મ એટલે ઈશ્વરનો સ્વભાવ. ઈશ્વર આધ્યાત્મની સ્થાપના કરે નહીં, તેનો સ્વભાવ સ્વયં આધ્યાત્મ છે. તેથી એમ કહી શકાય કે ધર્મની સ્થાપના ઈશ્વરના સામ્રાજ્યમાં સ્વાભાવિક ઘટના છે. એક યા બીજા સ્વરૂપે તે ઘટીત જ થતી જ રહે.

આ પણ વાંચો…ભજનનો પ્રસાદ: નિષ્કુળાનંદસ્વામી: વૈરાગ્યભાવ ને ભક્તિતત્ત્વના તર્કબદ્ધ સર્જક…

બ્રહ્મ પાસે બધું જ છે, બ્રહ્મ જ બધું છે, જ્યાં કશાનો અભાવ ન હોય, સંકલ્પ ન હોય, ઇચ્છા ન હોય, મમત્વ ન હોય ત્યાં હંમેશા આનંદ પ્રસરેલો રહે. તે સ્થિતિ એટલે જ આનંદનો પર્યાય. તે સ્થિતિ એટલે બ્રહ્મનું સ્વરૂપ. બ્રહ્મ એટલે આનંદ અને આનંદ એટલે બ્રહ્મ. હરખ અને શોકની હેડકીની આ વાત નથી, અહીં તો આઠે પહોર પ્રવર્તમાન હોય તે આનંદની વાત છે.

પ્રત્યેક જીવનના સંસ્કારો સંગ્રહિત રૂપે ચિત્તમાં સ્થિત હોય છે, જે જન્મમાં જે પણ કંઈ અનુભવાયું હોય, જે પણ ગ્રહણ કરાયું હોય કે જે સંસ્કાર નિભાવાયા હોય તે ચિત્ત સ્વરૂપે ઘનતા પામે. ચિત્ત સંગ્રહસ્થાન છે જેમાં વર્ષોનો નીચોડ સ્થાપિત થયેલો હોય છે. બ્રહ્મ પણ એક સ્વરૂપે વિશાળ સંગ્રહ સ્થાન છે, જ્યાં યુગોની ઘટના એકત્રિત રહે છે. દરેક યુગની, દરેક સ્થાનની, દરેક વ્યક્તિની, દરેક પ્રસંગની અને દરેક પરિસ્થિતિની માહિતી બ્રહ્મ સાથે સંકળાયેલી રહે છે. ઈશ્વર બધું જ જાણે છે, ઈશ્વર બધું જ સમજે છે, ઈશ્વર બધું જ યાદ પણ રાખે છે. પરમાત્મા ચિત્ત સમાન છે.

બ્રહ્મને શબ્દોથી પામી ન શકાય. બ્રહ્મને નેત્ર વડે નિરખી ન શકાય. બ્રહ્મ મનના વિચાર ક્ષેત્ર બહારનો વિષય છે. બ્રહ્મ બુદ્ધિની નિર્ણય શક્તિથી પર છે. શાસ્ત્રોમાં જે વર્ણવાયું છે તેને આધાર રાખીને, ગુદેવના માર્ગદર્શન પ્રમાણે, નિયમબદ્ધ રીતે મનન-ચિંતન કરીને તથા શ્રદ્ધા અને વિશ્વાસના સહારે, અપાર ઈચ્છા શક્તિથી સત્-ચિત્-આનંદ સ્વરૂપ પરમની પ્રતીતિ થઈ શકે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button