મનનઃ સમુદ્રનાં ચૌદ રત્ન…

હેમંત વાળા
સમુદ્ર મંથનના પૌરાણિક પ્રસંગ વિષે તો બધા જાણે જ છે. આ મંથનને અંતે જે ચૌદ રત્નો નીકળ્યાં તેમની વિશેષ સમજ જરૂરી છે. આ ચૌદ રત્નો કોની કોની પાસે પહોંચ્યાં, તે જોતાં એક પેટર્ન નજરે ચડે છે. અસ્તિત્વનું કયું તત્ત્વ કેવાં પ્રકારની પરિસ્થિતિ કે વસ્તુ કે સહયોગની અપેક્ષા રાખે છે તે સમજવું જરૂરી છે.
ઈચ્છા પૂરી કરનાર કામધેનુ ગાય જે ઋષિ વશિષ્ઠને, તેઓ નિર્વિઘ્ને ક્રિયાકાંડ અને જ્ઞાનયજ્ઞ સમાન ગુરુકુળમાં પ્રવૃત્ત રહી શકે તે માટે આપવામાં આવી. સફેદ દિવ્ય ઉચ્ચૈશ્રવા અશ્વ દેવોના રાજા ઇન્દ્રદેવને તેમની સત્તાના વર્ચસ્વ અનુસાર આપવામાં આવ્યો. ઈન્દ્રની રાજસત્તાને અનુરૂપ ઐરાવત હાથી પણ તેને જ આપવામાં આવેલો. પવિત્રતાના પ્રતીક સમું અમૂલ્ય રત્ન કૌસ્તુભમણિ શ્રીહરિ વિષ્ણુએ પોતાનાં હૃદય પર ધારણ કર્યો. ધર્મ અને વિજયના પ્રતીક સમાન ગણાતો પંચજન્ય શંખ પણ શ્રીવિષ્ણુએ ધારણ કર્યો. સંપત્તિ અને સમૃદ્ધિની દેવી લક્ષ્મીએ ભગવાન વિષ્ણુનું પાણિગ્રહણ કર્યું.
દરેક ઇચ્છિત વસ્તુની પૂર્તિતા કરવા સમર્થ દિવ્ય કલ્પવૃક્ષને દેવતાઓના નંદનવનમાં સ્થાન મળ્યું. તેવી જ રીતે અદ્ભુત સાત્વિક અને આનંદિત સુવાસ પ્રસારતું પારિજાત ફૂલ પણ ઇન્દ્રલોકને અર્પિત કરાયું. દિવ્ય સ્ત્રીઓ, અપ્સરાઓને સ્વર્ગમાં કાયમી સ્થાન મળ્યું. દૈવી વૈદ્ય ધન્વંતરીનો દેવતાઓએ સ્વીકાર કર્યો. શીતળતા અને સૌમ્ય પ્રકાશના પ્રતિક સમો ચંદ્ર શિવજીના મસ્તક પર સ્થાપિત થયો.
મતિભ્રષ્ટ કરવા સમર્થ વારુણી અર્થાત મદિરા દાનવોએ ગ્રહણ કરી. સૃષ્ટિનું રક્ષણ કરવા સમુદ્ર મંથન વખતે નીકળેલ હળાહળ વિષનું મહાદેવ એ પાન કર્યું અને નીલકંઠ બન્યાં. અંતે પ્રાપ્ત થયેલ અમૃત માટે દેવો અને દાનવો વચ્ચે યુદ્ધ થયું. યુદ્ધનો ઉકેલ લાવવા મોહિની સ્વરૂપ ધારણ કરી શ્રી વિષ્ણુએ દેવોને અમૃત પાન કરાવ્યું જેનો લાભ રાહુ અને કેતુએ પણ લઈ લીધો.
આ મંથનમાંથી ત્રણ પ્રાણીઓ રત્ન તરીકે નીકળ્યાં; કામધેનુ, ઉચ્ચૈશ્રવા અને ઐરાવત. આમાંથી એક વશિષ્ઠ ઋષિ પાસે અને બે ઇન્દ્ર પાસે ગયાં. લીલોતરીને લગતાં બે રત્નો હતાં, પારિજાત અને કલ્પવૃક્ષ. બંનેને દેવતાઓનાં સ્થાનકમાં સ્થાન મળ્યું. માનવીના સ્વરૂપમાં ચાર રત્નો પ્રગટ થયા; લક્ષ્મી, ચંદ્ર, ધન્વંતરી અને અપ્સરા. માતા લક્ષ્મી શ્રીહરિને વરી, ધનવંતરી અને અપ્સરાઓને સ્વર્ગ લોકોમાં સ્થાન મળ્યું જ્યારે ચંદ્ર મહાદેવના ભાલની શોભા બન્યો. પદાર્થ રૂપે બે રત્ન મળ્યાં, કૌસ્તુભમણિ અને પંચજન્ય શંખ.
જગતના પાલક શ્રીહરિએ આ બંને પોતાની પાસે રાખવું માન્ય રાખ્યું. પ્રવાહી સ્વરૂપે ત્રણ રત્નો, મદિરા, અમૃત અને હળાહળ પ્રાપ્ત થયાં. મદિરા દાનવોએ ગ્રહણ કરી જ્યારે અમૃત મુખ્યત્વે દેવો પ્રાપ્ત કરી શક્યા. હળાહળ મહાદેવએ ગ્રહણ કર્યું. આમ જોવા જઈએ તો દેવતાઓ પાસે કામધેનું, ઉચ્ચૈશ્રવા, ઐરાવત, કલ્પવૃક્ષ, પારીજાત, ધનવંતરી, અપ્સરા, અમૃત- અને જો વિષ્ણુનો સમાવેશ કરીએ તો કૌસ્તુભમણિ, લક્ષ્મીજી, પંચજન્ય પહોંચ્યાં. મહાદેવે ચંદ્ર અને હળાહળનો સ્વીકાર કર્યો. જ્યારે દાનેવોને માત્ર મદિરાથી સંતોષ માનવો પડ્યો.
અહીં એક વસ્તુ સમજમાં આવે છે. દરેક પદાર્થની, તત્ત્વની, અસ્તિત્વની એક પ્રકૃતિ હોય. આ પ્રકૃતિ સ્વાભાવિક રીતે કેટલીક ચોક્કસ પ્રકૃતિ તરફ આકર્ષાય. આ આકર્ષણ બંને તરફનું હોય. એમ જણાય છે કે લોહચુંબકના ઉત્તર અને દક્ષિણ ધ્રુવ વચ્ચેના આકર્ષણ જેવી આ ઘટના રહે. ઉત્તર ધ્રુવ દક્ષિણ ધ્રુવને આકર્ષે અને તેવી જ રીતે દક્ષિણ ધ્રુવ ઉત્તર ધ્રુવને. પદાર્થ, તત્ત્વ કે અસ્તિત્વની જે પ્રકૃતિ હોય તે કોઈ ચોક્કસ પ્રકૃતિને આકર્ષે પણ ખરી અને કોઈ ચોક્કસ પ્રકૃતિ પ્રત્યે આકર્ષાય પણ ખરી.
દિવ્ય પશુ કે દિવ્ય વનસ્પતિ દિવ્યતા તરફ આકર્ષાય અને તે જ દિવ્યતા દિવ્ય પશુ તથા લીલોતરીને આકર્ષે. આ સમગ્ર વ્યવસ્થાનો ક્યાંય વિરોધ ન થાય, વિરોધ શક્ય પણ નથી. દાનવો ઈચ્છે તો પણ દિવ્ય પરિસ્થિતિ પ્રત્યેનો તેમનો લગાવ સ્થાપિત ન થઈ શકે અને તેથી અમુક બાબતો દેવો કે ઋષિઓને જ પહોંચે. દાનવોને આ માન્ય પણ હોય. તેવી જ રીતે જ્યારે મદિરા દાનવો ગ્રહણ કરે ત્યારે દેવોને તે માટે વિરોધ ન હોય. એમ કહી શકાય કે અહીં પોતાની રુચિ અને પ્રકૃતિ પ્રમાણે જે તે પરિસ્થિતિની પસંદગી થઈ હશે. સૃષ્ટિનો આ જ નિયમ છે.
અમુક પદાર્થ, તત્ત્વ કે અસ્તિત્વની પ્રકૃતિની વિશેષ ખાસિયતને કારણે તેનાથી ન કશું આકર્ષાય કે તે ન કશાથી આકર્ષાય. હળાહળ એ પ્રકારની ઘટના કહેવાય. ન હળાહળ કશાની અપેક્ષા રાખી શકે કે ન અન્ય કોઈ હળાહળને સ્વીકારવા ઈચ્છુક હોય. આવી પરિસ્થિતિ એટલી નકારાત્મક હોય કે તેની સાથેની સંલગ્નતા માટે કોઈ પણ ઈચ્છુક ન હોય. સાથે સાથે આવી પરિસ્થિતિમાં કોઈ પણ પ્રકારના ઉમેરાની સંભાવના ન રહે. આવી અત્યંત પરિસ્થિતિ જ્યારે અસ્તિત્વમાં આવે, જ્યારે કોઈપણ પ્રકારે કોઈ પણ સ્વરૂપે તેની સ્વીકૃતિ આવશ્યક બને ત્યારે કોઈ વિરલ આગળ આવે.
ભલે વિષ્ણુના અવતાર કૂર્મ પર મંદરાચલ મૂકી, વાસુકી નાગનો દોરડા તરીકે ઉપયોગ કરી, દેવો અને દાનવો દ્વારા સંયુક્ત રૂપે સમુદ્રમંથન કરાયું હોય, ભલે આ મંથનને પરિણામે ચૌદ રત્નો પ્રાપ્ત થયાં હોય, તોપણ ગ્રાહક, ગ્રહણ અને ગ્રાહ્યની મૂળભૂત પ્રકૃતિ અનુસાર ચૌદ રત્નની વહેંચણી થઈ છે. આમાં ક્યાંય ગણિત નથી, વ્યવહાર નથી, સંતુલન નથી, સમીકરણ નથી. આ તો માત્ર રુચિ, પ્રકૃતિ અને સ્વીકૃતિનો ખેલ છે. અંત ભાગમાં એક સાત્વિક હેતુ માટે આચરવામાં આવેલું કપટ પણ છે. પણ આ કપટના મૂળમાં પણ રુચિ, પ્રકૃતિ અને સ્વીકૃતિનો જ ખેલ છે, જો તેમ ન હોત તો મોહિની દાનવોને આટલું ભ્રમિત ન કરી શકત.
આપણ વાંચો: આચમનઃ `ગિનાન’માં સર્વધર્મ સદભાવનું જ્ઞાન…



