ચિંતનઃ શ્રદ્ધા ને બુદ્ધિ

- હેમુ ભીખુ
એકલી બુદ્ધિ નાસ્તિકતાનું કારણ બની શકે અxને એકલી શ્રદ્ધા અંધશ્રદ્ધાનું બીજ બની શકે. શ્રદ્ધા અને બુદ્ધિ વચ્ચેનો સુમેળ આવશ્યક છે. એકલી બુદ્ધિ વ્યક્તિને અહંકારી બનાવી શકે, જ્યારે એકલી શ્રદ્ધા વ્યક્તિને નિર્માલ્ય બનાવી શકે. કાળા માથાનો માનવી શું ન કરી શકે, એ માન્યતા બુદ્ધિ પર સંપૂર્ણ આશ્રિતતાની ફળશ્રુતિ છે, જ્યારે ઈશ્વરને ગમ્યું તે ખરું, તે સંપૂર્ણ શ્રદ્ધાનું પરિણામ છે.
સ્વતંત્ર રીતે બંને બાબત એટલી પરિણામ લક્ષી-પ્રોડક્ટિવ ન બની શકે. બંનેનો સમન્વય જરૂરી છે. બુદ્ધિમાં શ્રદ્ધા હોવી જોઈએ અને શ્રદ્ધા પાછળ બુદ્ધિની હાજરી ઇચ્છનીય છે. શ્રદ્ધા એ આધ્યાત્મિક વિચારધારાનું પરિણામ છે. એમાં ઈશ્વર માટે અપાર હકારાત્મકતા રહેલી હોય છે. શ્રદ્ધાને કારણે ચોક્કસ પ્રકારનાં સિદ્ધાંત તથા તેનાથી સર્જાતી પરિસ્થિતિ માટે આસ્થા રહે છે.
શ્રદ્ધા એ એક પ્રકારની માનસિક પરિસ્થિતિ છે કે જ્યાં ચોક્કસ પ્રકારનાં કારણ તથા પરિણામ માટેની સંભાવના માન્ય રખાય છે. શ્રદ્ધામાં પ્રશ્નોનું સ્થાન નથી હોતું. અહીં શંકા કે અવિશ્વાસ ન હોય. શ્રદ્ધા સામાન્ય રીતે ઈશ્વર, સદ્ગુરુ, સિદ્ધાંત કે વિચારધારા લક્ષી હોઈ શકે. શ્રદ્ધા અને વિશ્વાસમાં થોડો ભેદ છે. શ્રદ્ધા એ સંપૂર્ણ સમર્પણ સમાન ઘટના છે જ્યારે વિશ્વાસ એ ક્યાંક બુદ્ધિપૂર્વક લેવાયેલો નિર્ણય હોઈ શકે.
શ્રદ્ધાથી માનસિક શાંતિ મળી શકે, જીવનમાં સકારાત્મકતા ઊભી થાય, કોઈ વિશેષ પ્રકારની આશા જાગ્રત રહે, પ્રવર્તમાન પરિસ્થિતિમાં ભરોસો બેસે, એક પ્રકારની પ્રેરણા મળે, અંતિમ પરિણામ માટે ધીરજ ધરવાની ક્ષમતા કેળવાય, ચોક્કસ પ્રકારની ઊર્જા જળવાઈ રહે, જે તે બાબત પર વિશ્વાસ ટકાવી રાખવાની સંભાવના વિકસે, આચારશીલતા શુદ્ધ થઈ શકે, નૈતિકતા જાળવી રાખવા માટે બળ મળે,
જીવન પ્રત્યેનો અભિગમ શિસ્તબદ્ધ થઈ શકે, સમગ્ર અસ્તિત્વમાં એક પ્રકારની સંવેદનશીલતા અને તે માટેની હકારાત્મકતા સ્થાપિત થાય, અવરોધ પર જીત મેળવવામાં સહાય મળે, જીવનમાં દૈવી સંપત્તિનું પ્રભુત્વ વધે, આધ્યાત્મિકતા તરફનો લગાવ વધુ દૃઢ થાય, એકંદરે જીવનમાં શુભ અને પવિત્ર ભાવના જળવાઈ રહે. આ બધાને કારણે સફળતા પણ મળે. શ્રદ્ધા જીવનને વધારે અર્થપૂર્ણ, સફળ, યોગ્ય, સાત્ત્વિક, સત્યનિષ્ઠ અને સંતુલિત બનાવવામાં મદદરૂપ થઈ શકે.
શ્રદ્ધા મહત્ત્વની છે, જીવનમાં શ્રદ્ધા જરૂરી છે, સૃષ્ટિના બંધારણમાં પણ શ્રદ્ધા માટે ચોક્કસ સ્થાન છે, શ્રદ્ધા વાસ્તવમાં એક પવિત્ર અને શુભ ઘટના છે તે છતાં પણ કેટલીક સાવચેતી જરૂરી છે. શ્રદ્ધા હંમેશાં અંધ માન્યતાઓથી મુક્ત હોવી જોઈએ. શ્રદ્ધા સાથે જો વિવેક અને બુદ્ધિ સંકળાયેલા ન હોય તો શ્રદ્ધા અંધશ્રદ્ધામાં પરિવર્તિત થઈ શકે.
ક્યાંક તર્ક અને સ્થાપિત સત્યની સમજ જરૂરી છે. વિચારોની કટ્ટરતા, એક પ્રકારનો અંધાપો, પોતાના મંતવ્ય માટેનો દુરાગ્રહ, વૈચારિક જડતા, વ્યક્તિગત નિર્ણય શક્તિનો અભાવ, અયોગ્ય તથા સંકુચિત અર્થઘટન, સ્વાર્થવૃત્તિ, વાસ્તવિકતાને નજર અંદાજ કરવાનો અભિગમ, વ્યક્તિગત પુરુષાર્થ ન કરવા માટેનો આગ્રહ અને ચોક્કસ પ્રકારની ઉશ્કેરણી જેવી બાબતોને કારણે અ-શ્રદ્ધા નકારાત્મક પરિણામ પણ આપી શકે.
જીવનમાં બુદ્ધિનો ઉપયોગ જરૂરી છે. બુદ્ધિ પણ જીવનમાં એક મહત્ત્વની ઘટના સમાન છે. બુદ્ધિ થકી જ વિવેક અને જ્ઞાન સંભવી શકે. બુદ્ધિની સંડોવણીથી જ યોગ્ય-અયોગ્યનો નિર્ણય શક્ય બને. બુદ્ધિ છે એટલે કળા છે, બુદ્ધિ છે એટલે વિજ્ઞાન છે, બુદ્ધિ છે એટલે સમજ છે અને બુદ્ધિ છે એટલે સામાજિક વ્યવહાર છે. આ બુદ્ધિને કારણે જ અગમનિગમની સમજ માટે પ્રયત્ન થાય છે. બુદ્ધિથી ખાતરી થયા બાદ વિશ્વાસની શરૂઆત થઈ શકે.
સફળતા માટે, લક્ષ્ય સુધી પહોંચવા માટે, યોગ્ય માર્ગ પસંદ કરતી વખતે, સ્વતંત્ર વિચારસરણી વિકસાવવા, વ્યક્તિગત નિર્ણયો લેવાં, સામાજિક તેમ જ વ્યવહારિક સમજણ વિકસાવવા, યોગ્યતાનું માપદંડ સ્થાપિત કરવા, સમસ્યાઓનું સમાધાન ગોતવા, ચોક્કસ દ્રષ્ટિકોણની સ્વીકૃતિ માટે, પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા, નવી તક શોધવા અને જૂની તકને ઝડપી લેવા માટે પણ બુદ્ધિની આવશ્યકતા રહે છે.
જીવનની અને સૃષ્ટિની કેટલીક ગહન વાતોની સમજણ પણ બુદ્ધિને કારણે શક્ય બને છે. જે તે સમજણમાં વધુ ઊંડા ઊતરવાની પ્રેરણા પણ બુદ્ધિને કારણે જ મળતી રહે છે. જેમ વ્યવહારિક સફળતા માટે બુદ્ધિની આવશ્યકતા હોય છે તેમ નિત્ય-અનિત્ય કે શ્રેય-પ્રેય વચ્ચેનો તફાવત સમજવા માટે પણ બુદ્ધિ જરૂરી છે.
બુદ્ધિને કારણે મોટાભાગના કામ સરળ બનતાં જાય. જોકે જાણકારી મર્યાદિત હોય, માનસિક ક્ષમતા કુંઠિત હોય, નિર્ણયાત્મક પરિસ્થિતિ માટે સમય ઓછો હોય, બુદ્ધિ પોતે જ પૂર્વગ્રહિત કે કલૂષિત હોય, ધીરજ કે એકાગ્રતાનો અભાવ હોય, પરંપરા તથા સંસ્કાર પર વિશ્વાસ ન હોય, અનુભવી કે સિદ્ધ કે વિદ્વાનનાં અભિપ્રાયની કિંમત ન હોય, જે તે પ્રકારની ભાવનામાં બુદ્ધિ અને તેની તર્કશક્તિ વહી જતી હોય,
તટસ્થતાનો અભાવ હોય, પરિસ્થિતિમાં ક્ષમતા બહારની જટિલતા હોય તો બુદ્ધિ દ્વારા જે નિર્ણય લેવામાં આવે તે પ્રશ્નોનું નિરાકરણ કરવાને સ્થાને વધુ પ્રશ્નો સર્જી શકે. આવી પરિસ્થિતિમાં બુદ્ધિ ઉકેલ આપવાને બદલે પરિસ્થિતિને વધુ મુશ્કેલ બનાવી શકે. બુદ્ધિનો ઉપયોગ એટલે સફળતા જ, એમ માની લેવાનું કોઈ કારણ નથી.
બુદ્ધિ ત્યારે જ કાર્યરત થઈ શકે જ્યારે જે તે બાબતમાં શ્રદ્ધા હોય. ઊંડાણપૂર્વક જોતાં જણાશે કે બુદ્ધિનો આધાર જ શ્રદ્ધા છે. વૈજ્ઞાનિકો પણ એ જ ધારણાં સાથે પ્રયોગો કરે છે કે અમુક પરિસ્થિતિ અમુક પરિણામ આપશે જ. આ પણ એક પ્રકારની શ્રદ્ધા છે. તેવી જ રીતે શ્રદ્ધા પણ ત્યારે જ અસ્તિત્વમાં આવી શકે કે જ્યારે જે તે સ્વરૂપની બુદ્ધિએ તેને માન્યતા આપી હોય.
પ્રારંભિક તબક્કામાં શ્રદ્ધાની સ્વીકૃતિ માટે પણ સાંદર્ભિક વિચારોની આવશ્યકતા રહે છે. શ્રદ્ધા અને બુદ્ધિ પરસ્પરના પૂરક છે. બંને એક સાથે કાર્યરત રહેતાં જ હોય છે, પરંતુ સંકુચિત દ્રષ્ટિકોણને કારણે બંનેને અલગ અલગ લેખવામાં આવે છે. જયારે બંનેનું સંયોજન થાય, જ્યારે બંનેનું સંયોજન સમજાય ત્યારે ભક્તિ-અર્થાત્ બુદ્ધિપૂર્વકની શ્રદ્ધા અને શ્રદ્ધાયુક્ત બુદ્ધિ-સ્થાપિત થાય.
આપણ વાંચો: વિશેષઃ સૃષ્ટિના સર્જનથી વિસર્જન સુધી સર્વવ્યાપી આદ્ય શક્તિ…