મનનઃ સૃષ્ટિની સાતત્યતા- વિવિધતા | મુંબઈ સમાચાર
ધર્મતેજ

મનનઃ સૃષ્ટિની સાતત્યતા- વિવિધતા

  • હેમંત વાળા

દરેક ચહેરોમાં સામ્યતા પણ હોય છે અને વિવિધતા પણ. દરેક આંગળીની ગોઠવણ એક સમાન હોય છે, પરંતુ ફિગરપ્રિન્ટ જુદી જુદી હોય છે. દરેક આંબામાં સમાનતા હોય છે છતાં પણ બે આંબા ક્યારેય એક સમાન નથી હોતાં. ઉપરથી ભલે સમાન દેખાતો હોય, પરંતુ ભૂખંડનો દરેક ભાગ ભિન્ન હોય છે.

દરેક તારાનું બંધારણ સમાન રહે અને અને છતાં દરેક તારો ભિન્ન હોય. તેવી જ રીતે આપણાં સૂર્યમંડળનાં દરેક ગ્રહ આ સૂર્યમાંથી જ છૂટાં પડ્યાં હોવાં છતાં દરેકની આગવી વિશેષતાઓ હોય. દરેક વાદળ દેખાવમાં તથા આકારમાં જુદું હોય, આ દેખાવ તથા આકાર સતત બદલાયાં પણ કરે, છતાં તે હંમેશાં વરસાદ આપે.

દરેક દિવસ જુદો હોય છે. દરેક સમય જુદો હોય છે. દરેક સંજોગો જુદાં હોય છે. દરેક પરિસ્થિતિ જુદી હોય છે. ભિન્નતા એ સૃષ્ટિનો સિદ્ધાંત છે, સાથે સાથે અનેકગણી સમાનતા પણ સૃષ્ટિની વાસ્તવિકતા છે. સૃષ્ટિમાં અકલ્પનીય સાતત્યતા રહેલી છે અને સાથે સાથે જ માની ન શકાય તેટલી વિવિધતા પણ રહેલી છે. આ સાતત્યતા અને વિવિધતા વચ્ચેનું સમીકરણ એટલે જ સૃષ્ટિ. પ્રશ્ન એ થઈ શકે કે આટલી સચોટ સાતત્યતા સાથે આટલી બધી વિવિધતા કેવી રીતે સ્થાપિત થઈ શકે.

સૃષ્ટિનાં મૂળ સિદ્ધાંત એક સમાન છે. પાણી ભીંજવે અને અગ્નિ દાહ આપે. પ્રકાશમાં પરિસ્થિતિ પ્રત્યક્ષ થાય અને પૃથ્વી પરનો પ્રત્યેક પદાર્થ ભૂમિ તરફ આકર્ષિત થાય. વધુ દબાણવાળી પરિસ્થિતિ તરફથી ઓછા દબાણવાળી પરિસ્થિતિ તરફ ગતિ હોય અને નદીનો પ્રવાહ પર્વતથી સમુદ્ર તરફ વહેતો રહે. આમાં ક્યાંય અપવાદ કે વિવિધતા શક્ય નથી.

નદી દરેક સ્થાને ભિન્ન હોય, પ્રત્યેક નદી ભિન્ન હોય, નદીનાં ઉદ્ભવ સ્થાન સમાન પ્રત્યેક પર્વત અને જે સ્થાને નદી સમુદ્રને મળે એ સ્થાનનું સ્વરૂપ પણ ભિન્ન હોય, પરંતુ નદીનો પ્રવાહ તો ચોક્કસ દિશા તરફ જ વહેતો રહે. સમજવું એ પડે કે શું બદલાય અને શું ન બદલાય.

વિજ્ઞાનની સમજ પ્રમાણે સૃષ્ટિમાં જે કંઈ ઘટના ઘટીત થઈ રહી છે તેની પાછળ કેટલાંક જૈવિક, જાતીય, ભૌતિક, રાસાયણિક તેમજ આનુષંગિક કારણો હોઈ શકે. આ પરિબળો વિવિધતા પણ લાવે અને સાતત્યતા પણ તેનાં નિયમોને આધારે જ સ્થાપિત થાય. વારસાગત લક્ષણોમાં સમાનતા તથા વિવિધતા જૈવિક તેમજ જાતીય હોઈ શકે.

બે વિદ્ધ ધ્રુવ પ્રત્યેનું આકર્ષણ તથા તેનાં અપાકર્ષણમાં રહેલી વિવિધતા ભૌતિક વિજ્ઞાનની ઘટના કહી શકાય. કોઈપણ બે રસાયણનું સંયોજન બને ત્યારે તેની માત્રા નિયંત્રિત હોય તો સમાનતા સ્થાપિત થાય અને જો માત્રા નિયંત્રિત ન હોય તો વિવિધતા ઊભી થાય, કારણ-કાર્ય-પરિણામનું સમીકરણ પણ ચોક્કસ પ્રકારની પરિસ્થિતિ સ્થાપિત કરે અને તે હૂબહૂ અન્ય પરિસ્થિતિ જેવી ન હોય, જે સિદ્ધાંતને આધારે સમાનતા સ્થાપિત થાય તે સિદ્ધાંતમાં રહેલી ચોક્કસ પ્રકારની અન્ય સંભાવનાને કારણે જ વિવિધતા પણ ઊભરે.

સૃષ્ટિમાં પ્રવર્તમાન સાતત્યતા અને વિવિધતાને સ્પષ્ટપણે સમજવા માટે ગહન દાર્શનિક સિદ્ધાંતોની સમજ પણ જરૂરી બને. સૃષ્ટિમાં જે કારણ-કાર્ય-પરિણામનું જે સમીકરણ છે તે લૌકિક વિશ્વથી ભિન્ન ઘટના હોવાનો સૈદ્ધાંતિક સ્વીકાર વિજ્ઞાન પણ હવે કરે છે. સૃષ્ટિના સ્વભાવમાં, સૃષ્ટિની પ્રકૃતિમાં, એમ જણાય છે કે મુખ્ય બાબતો સમાન રહે, જ્યારે ગૌણ બાબતમાં વિવિધતા રહેલી હોય. બાબત જેમ વધુ ગૌણ તેમ વિવિધતાની સંભાવના ઘણી વધુ.

માનવીના અસ્તિત્વમાં ફિગરપ્રિન્ટનું કઈ મહત્વ જ નથી. ફિગરપ્રિન્ટને આધારે માનવીની કાર્યક્ષમતા, બુદ્ધિમતા, સંવેદનશીલતા, સર્જનાત્મકતા, પ્રારબ્ધ, પુષાર્થ પ્રત્યેનો લગાવ, નૈતિકતા, નિષ્ઠા, પ્રતિબદ્ધતા, સાત્ત્વિકતા-કશું જ નિર્ધારિત નથી થતું. ફિગરપ્રિન્ટની ભૂમિતિનું માનવીના શારીરિક, માનસિક, કૌટુંબીક, આર્થિક, રાજકીય, ધાર્મિક, આધ્યાત્મિક કે અન્ય કોઈપણ પ્રકારનાં બંધારણમાં મહત્ત્વ નથી.

કર્મ અને કર્મફળનાં સમીકરણ વચ્ચે પણ તેનો કોઈ ફાળો નથી. ફિગરપ્રિન્ટ હોય તો પણ શું અને ન હોય તો પણ શું. જ્ઞાનેન્દ્રિય, કર્મેન્દ્રિય તેમ જ શરીરને કાર્યરત રાખતી વ્યવસ્થા માટે આમ ન કહી શકાય. અને તેથી જ તેમાં સાતત્યતા હોય જ્યારે ફિગરપ્રિન્ટમાં અઢળક વિવિધતા જોવાં મળે. જે મહત્ત્વનું છે તેમાં વિકલ્પ નથી. જે આધાર સમાન છે તેમાં સાતત્યતા છે. જે મુખ્ય બાબતો છે તેમાં સમાનતા છે. જે નિર્ધારક પરિબળો છે તેને વિવિધતા માન્ય નથી.

આંબો કેરી જ આપે, આ નિર્ણાયક બાબત થઈ. દરેક કેરી ભિન્ન હોઈ શકે, આ નિર્ણાયક બાબતની સાતત્યતા સાથે સ્થાપિત થયેલી ગૌણ ભિન્નતા છે. કેવાં પ્રકારની સાતત્યતામાં કેવાં પ્રકારની વિવિધતા સંભવ છે તે એક રસપ્રદ અભ્યાસ બની શકે. તે વિશે અન્ય લેખમાં વાત કરીશું.

સૃષ્ટિનું ચોક્કસ સ્વરૂપ છે. જે બાબત આ સ્વરૂપને જાળવી રાખે છે તે બાબતમાં ક્યારેય જરા પણ બદલાવ ન આવે. સૃષ્ટિનું સ્વરૂપ જેમનું તેમ જળવાઈ રહે તેની આવશ્યકતા છે. જો સૃષ્ટિ પોતાનું સ્વરૂપ બદલવાની જરા પણ શરૂઆત પણ કરે તો તે પ્રલયની શરૂઆત થશે. જેમકે, જ્યારે તારાં અને ગ્રહની ગતિમાં બદલાવ આવે ત્યારે બધું જ વિસ્ફોટ પામે અને સમગ્ર સૃષ્ટિ નષ્ટ થઈ જાય.

સૃષ્ટિને ખબર છે કે શું જાળવી રાખવું અને શેમાં વિવિધતા માન્ય રાખવી. સૃષ્ટિનું મૂળ સ્વરૂપ જળવાઈ રહે તે ખૂબ જરૂરી છે. સૃષ્ટિનાં બંધારણનાં જેટલાં તત્ત્વો છે તે બધાં જ પોત પોતાનાં ગુણધર્મો પ્રલય સુધી જાળવી રાખશે. અગ્નિ પર જ્યારે પાણીનો છંટકાવ કરવામાં આવે ત્યારે અગ્નિનું શમન થશે જ. આમાં કોઈ વિકલ્પ નથી.

સૃષ્ટિની સાતત્યતા એ સૃષ્ટિનો આધાર છે જ્યારે સૃષ્ટિમાં રહેલી વિવિધતા એ સૃષ્ટિમાં સ્થાપિત થયેલી રસિકતા છે. સૃષ્ટિ પણ જાણે છે કે વિવિધતા જરૂરી છે, નહીંતર સૃષ્ટિ અને જીવનની રસીકતા જ ન રહે.

આપણ વાંચો:  માનસ મંથનઃ રામને ભુલાવે નહીં તેવો કામ જગતના સંચાલન માટે જરૂરી છે

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button