મનનઃ કાળી ચૌદશ

- હેમંત વાળા
દિવાળી એ તહેવારોનો સમૂહ છે. અમાસના દિવસને દિવાળી ગણવામાં આવે છે અને એના પછીના સુપ્રભાતથી નવું વર્ષ શરૂ થાય છે. દિવાળીના એક દિવસ પહેલાનો, મહાકાળીની ઉપાસના માટેનો દિવસ એટલે કાળી ચૌદશ. આમ તો આ મહિનામાં જ શક્તિની આરાધના માટેનું પર્વ નવરાત્રી આવે છે.
આ નવ દિવસોમાં પણ માતાની-શક્તિની આરાધના તો થતી જ હોય છે. પરંતુ નવરાત્રીમાં શક્તિના જે સ્વરૂપની આરાધના કરાતી હોય છે એનાથી કાળી ચૌદશ માટેની આરાધનાનું સ્વરૂપ સાવ ભિન્ન જણાય છે. નવરાત્રીમાં જાણે સમગ્ર માનવ સમુદાય માતાની ભક્તિમાં જોડાઈ જાય છે જ્યારે કાળી ચૌદશની વિશેષ આરાધના વિશેષ દરજ્જાના સાધકો માટે જ ઈચ્છનીય છે. એક તરફ માતાજીનું શાંત સ્વરૂપ છે તો અન્ય તરફ માતાજીની રૌદ્રતા પ્રગટ થાય છે. આ બંને સ્વરૂપને માતાનો જ દરજ્જો મળ્યો હોવાથી બેમાંથી કોઈ પણ કે બંને સ્વરૂપની આરાધનાથી માતા પોતાના ભક્ત પ્રત્યે-પોતાના સંતાન પ્રત્યે કરુણા દર્શાવે એ સ્વાભાવિક છે.
દિવાળીના દિવસે લક્ષ્મીની પૂજા થાય છે જ્યારે કાળીચૌદશે કાલિકાની. તેની સાથે શારદીય નવરાત્રીમાં શારદાની પૂજા થાય છે. આમ માતાજીના ત્રણેય સ્વરૂપની આ મહિનામાં પૂજા અર્ચના સંભવ બને છે. પોતાની રુચિ પ્રમાણે વ્યક્તિને જે સ્વરૂપમાં વધુ શ્રદ્ધા હોય તે માટેની તેની આરાધના વધુ દ્રઢ રહે. અહીં બધા માટે સરખી સંભાવના છે. ભારતીય સંસ્કૃતિનું આ એક અનોખું સત્ય છે. અહીં દરેક વ્યક્તિને પોતાની શ્રદ્ધાની શ્રેણી પ્રમાણે આધ્યાત્મના માર્ગમાં આગળ વધવાની તક મળે છે.
આ મહાકાલીની પૂજા-અર્ચના-આરાધના-સાધનાનો દિવસ છે. ચોક્કસ પ્રકારની સામગ્રીના ઉપયોગથી, ચોક્કસ સમયગાળામાં-મુહૂર્તમાં, ચોક્કસ પ્રકારના ક્રિયાકાંડની આ પૂજા છે. પણ આ બધામાં શ્રદ્ધા વધારે જરૂરી છે. શ્રદ્ધાથી માતાને જે અર્પણ કરવામાં આવે તે તે સ્વીકારી લે. માતા સાથેના વ્યવહારમાં પ્રેમ સભર છૂટછાટ માન્ય છે. પણ જેઓ વિશેષ હેતુથી, વિશેષ સાધના કરવા માગતા હોય તેમણે નિયમોને આધીન સ્થાન વિશેષ પર પૂજા કરવાનું સૂચન છે.
કુળદેવીની ઉપાસના માટે પણ આ દિવસ અગત્યનો છે. આ દિવસે કુળદેવીને નૈવેદ્ય ધરાવવામાં આવે છે, જેમાં મુખ્યત્વે મેથીના ગોટા, દાલવડા તથા દહીંવડાનો સમાવેશ કરાય છે. આ સાથે કોઈ મીઠાશ ભરેલી વાની તો હોવી જ જોઈએ. નૈવેદ્યને નજીકના ચાર રસ્તા પર પદ્ધતિસર મૂકી આવીને કુટુંબમાંથી કકળાટ કાઢવાની પ્રથા પણ પ્રચલિત છે. એમ માનવામાં આવે છે કે અશુભ શક્તિઓને આ પ્રકારનું નૈવેદ્ય પસંદ હોવાથી તે ઘરની સ્ત્રી સાથે બહાર જાય છે અને જ્યાં નૈવેદ્ય રાખવામાં આવે છે તે સ્થાન સાથે બંધાઈને પછી ત્યાં જ રહી જાય છે.
આમાં ક્યાંક કોઈકને અંધશ્રદ્ધા દેખાશે. અર્વાચીન મનોવિજ્ઞાન પણ એમ કહે છે કે મન જેવી ભાવના કરે તેવું પરિણામ સામે આવે. વ્યક્તિ જો એમ વિચાર્યા કરે કે પોતે નિષ્ફળ થશે તો તેની નિષ્ફળ થવાની સંભાવનાઓ વધી જાય. આધુનિક મનોવિજ્ઞાનની આ વાત કકળાટ કાઢવાની બાબતમાં પણ લાગુ પાડી શકાય.
જો કુટુંબની દરેક વ્યક્તિ એ પ્રમાણે ભાવના રાખે તો ચોક્કસ કુટુંબમાંથી અમુક સમયગાળા માટે તો કંકાસ દૂર થવાની સંભાવના વધી જ જાય. આને કોઈ ધાર્મિક રંગ પણ આપી શકે અને કોઈ મનોવૈજ્ઞાનિક રીતે પણ સિદ્ધ કરી શકે. સાથે કાળી ચૌદશના દિવસે ધર્મરાજ યમની પણ પૂજા કરવામાં આવે છે. વળી હનુમાનજીને આપણે રક્ષક માનીએ છીએ, તેથી અશુભથી મુક્તિ માટે હનુમાનજીની પૂજા પણ આ દિવસે કરાતી હોય છે.
નરકથી મુક્તિ માટેનો આ દિવસ છે. આ દિવસ નરક ચતુર્દશી તરીકે પણ ઓળખાય છે. કેટલાક આને રૂપ ચૌદશ કે ભૂત ચતુર્દશી તરીકે પણ ઓળખે છે. અમુક વિસ્તારમાં આ દિવસને નરક નિર્વાણ ચતુર્દશી તરીકે પણ ઉજવવામાં આવે છે. નામ ગમે તે હોય, ઉપાસના મહાકાળીની થતી હોય છે, અને ઉપાસના પાછળની મુખ્ય પ્રાર્થના અશુભ તત્ત્વોથી મુક્તિની હોય છે.
મહાકાળી સાથે કાલ શબ્દ વણાયેલો છે. કાલ એટલે સમય. મહાકાલ એ સમયના દેવતા છે અને મહાકાળી એ સમયની નિયંતા છે. આ સંસાર એ સ્થળ અને સમયની પૂર્વધારણા સમાન છે. અહીં નથી સ્થળ શાશ્વત કે નથી સમય કાયમી. સમયની અસ્થિરતા તો બધા જ સતત અનુભવતા હોય છે.
તેવી જ રીતે સ્થળ પણ જેમ છે તેમ અમુક ક્ષણો માટે જ સ્થિર રહે છે. સંસારના ચક્રમાંથી છૂટવા માટે સ્થળ અને સમય બંનેને યોગ્ય પરિપ્રેક્ષ્યમાં સમજી તેની અસરથી મુક્ત થવાનો પ્રયત્ન કરવો જોઈએ. સ્થળની પૂર્વધારણામાંથી છૂટવા માટે ઇષ્ટદેવની આરાધના યોગ્ય ગણાય શકે જ્યારે સમયની પૂર્વધારણામાંથી મુક્ત થવા કાળ અર્થાત સમયની દેવીની આરાધના જરૂરી બને.
મહાકાળીનું સ્વરૂપ રુદ્ર છે. જો તેઓ દર્શન આપે તો ઘણા એ દર્શનને જ પચાવી ન શકે. આથી મહાકાળીની ઉપાસના કરનાર સાધકે ઉચ્ચ કક્ષાની ક્ષમતા પ્રાપ્ત કરવાની હોય છે. મા કાળીની સાથે કાળા રંગને તો જોડી જ દેવાય છે પણ સાથે સાથે લાલ રંગ માતાને પસંદ હોવાથી સાધનામાં તે રંગને પણ મહત્ત્વ અપાય છે. આમ પણ માતા સાથે કંકુ એક તત્ત્વ તરીકે વધુ સંકળાયેલું હોવાથી મહાકાળી સાથે પણ લાલ રંગનું મહત્ત્વ વણાયેલું હોય એ સ્વાભાવિક છે.
જીવનમાંથી આળસ અને પ્રમાદ જેવા નર્કના તત્ત્વોને દૂર કરવા માટેનો આ દિવસ છે. લાંબા ગાળાની માંદગી અને અશુભ તત્ત્વોની અસરથી મુક્ત થવા માટેનો આ દિવસ છે. રૌદ્રતાને શુભકારક તરીકે જોવાનો આ દિવસ છે. જો આવી દૃષ્ટિ કેળવાય તો રૌદ્ર અને શુભ વચ્ચેનું અંતર નાશ પામે અને દરેક પ્રકારના દ્વંદ્વના ભાવથી મુક્ત થવાની શરૂઆત થાય.
આપણ વાંચો: શિવ રહસ્ય: કોઈપણ માનવ શ્રદ્ધાથી ગંગાસ્નાન કરે તો તેનાં પાપ શું ખરેખર ધોવાઈ જતા હશે?