
હેમંત વાળા
અધિકારી થવું એટલે તેને લાયક બનવું, તે પ્રકારની પાત્રતા કેળવવી, જે તે પ્રકારની ઇચ્છિત પરિસ્થિતિ આપમેળે સ્થાપિત થાય તે પ્રકારની સ્થિતિ પ્રાપ્ત કરવી, યોગ્યતા પ્રાપ્ત કરી સ્વીકૃતિ માટે તૈયાર રહેવું. અધિકાર પ્રાપ્ત થાય પછી માગણી કરી શકાય, મેળવવાનો હક પ્રાપ્ત થાય અને જે તે બાબતને સ્વીકારી પણ શકાય. આવો જો કોઈ અધિકાર પ્રાપ્ત કરવાનો હોય તો તે શિવ-કૃપા માટે જ કરવો ઇચ્છનીય છે.
શિવ-કૃપાની પ્રાપ્તિ એમ સરળ નથી. શિવજીની કૃપા માટે અધિકાર પ્રાપ્ત કરવો એ સામાન્ય ઘટના ન હોઈ શકે. જોકે શિવજી ભોલેનાથ હોવાથી કૃપા વરસાવી પણ દે, પરંતુ તે માટે પણ પ્રારંભિક તબક્કાનો પ્રયાસ તો જરૂરી જ છે. કોઈપણ પ્રકારની શરૂઆત વગર અંત પામી ન શકાય. કોઈપણ પ્રકારના ડગલા વગર અંતિમ મુકામ સુધી પહોંચી ન શકાય. કોઈપણ પ્રકારના યજ્ઞ વગેરે ફળની પ્રાપ્તિ સંભવી ન શકે. પ્રયત્ન તો જરૂરી છે, પણ સાથે સાથે સાત્વિક ઈચ્છાશક્તિ અને નીતિ-નિયમોનું પાલન પણ જરૂરી છે. હેતુ શુદ્ધ હોવો જોઈએ, સાધનોમાં પણ શુદ્ધિ હોવી જોઈએ, જે તે ક્રિયા શાસ્ત્રીય ધોરણે સંપન્ન થવી જોઈએ, સ્થાન અને સમય પણ સુયોગ્ય હોવાં જોઈએ અને તે બધા સાથે અધિકારની પ્રાપ્તિ થઈ શકે તે માટે શિવજીની અનુમતિ હોવી જોઈએ.
શિવ-કૃપા માટે અથાક પ્રયત્ન જરૂરી છે. આ માટે બધાં પ્રકારના જ મોહનો ત્યાગ કરવો પડે, નિર્દોષતા અને નિર્મળતા ધારણ કરવી પડે, કોઈપણ પરિસ્થિતિમાં ચલિત થયા વગર, પવન વિનાની સ્થિતિમાં જેમ જ્યોત સ્થિર હોય તેમ ચિત્તને સ્થિર કરવું પડે, સાચા અર્થમાં સ્થિતપ્રજ્ઞ બનીને રહેવું પડે, દરેક પ્રકારના દ્વંદ્વથી મુક્ત થવું પડે, ક્યાંક કોઈ પણ પ્રકારનો ભેદ ન જોતાં સંસારમાં વ્યાપેલ પ્રભુમય સમરાસતા પર જ ધ્યાન હોવું જોઈએ, માન-અપમાન, શુભ-અશુભ, સત્ય-અસત્ય તથા મુક્તિ-બંધન એ બધાથી જ જાતને અલગ કરવી દેવી પડે, મોહ માયા લોભ મોહનો ત્યાગ કરવો પડે, દ્રષ્ટિને અંદરની તરફ વાળવી પડે, ઇન્દ્રિયો પર નિયંત્રણ સ્થાપવું પડે, મનના વ્યભિચારને રોકવો પડે, વિવેક અને સંયમને મહત્વ આપવું પડે, આધ્યાત્મિકતા માટે જરૂરી અભ્યાસ અને વૈરાગ્યનું મહત્ત્વ સમજવું પડે અને આ બધા સાથે દેહભાવ તથા તેમાં વ્યાપેલ અહંકારને બાજુમાં મૂકી માત્ર પરમમય થવું પડે.
આ પણ વાંચો…મનન : સત્યની સાબિતી સત્ય જ આપી શકે…
એ સમજી લેવું પડે કે નથી કંઈ મેળવવાનું નથી કંઈ પામવાનું નથી કંઈ ઈચ્છવાનું નથી કંઈ ગુમાવવાનું નથી. કંઈ કરવાનું હોય તો તે ચોક્કસ પ્રકારનો પુરુષાર્થ કરવાનો છે. અનિત્ય પ્રત્યેના બંધનથી મુક્ત થઈ નિત્ય સાથે જોડાવાનું છે. જેનો નાશ થવાનો છે તેનાથી વિમુક્ત થઈ અવિનાશીને સમજવાનો છે, પ્રેયની અપેક્ષાએ શ્રેયની સ્વીકૃતિ કરવાની છે અને આ બધા થકી શિવજીની કૃપાના અધિકારી થવાનું છે. પ્રભુ કૃપાના અધિકારી બનવા તેની મરજી પ્રમાણે જીવવાનું, તેના નિયમોમાં રહેવાનું, તેણે જ્યાં જેવી સ્થિતિમાં મૂક્યા હોય ત્યાં તેવી સ્થિતિમાં પણ ધર્મનો નિભાવ કરવાનો, ક્યાંય ફરિયાદ નહીં ક્યાંય નહીં, માત્ર પૂર્ણ સમર્પિતતાથી શિવજીમાં તલ્લીન થઈ જવાનું.
ચંચળતા ત્યાગવી પડે, વર્તમાનમાં જ જીવવું પડે, ભક્તિ અને જ્ઞાન માટે પ્રયત્નો કરવો પડે, સહજતાથી જે મળે તેમાં સંતુષ્ટ રહેવું પડે, પ્રત્યેક કર્મ માટે જાગ્રતતા કેળવવી પડે, સદા જાગ્રત રહેવું પડે, વ્યવહાર માત્ર વિવેકને આધારિત રાખવો પડે, દરેક પરિસ્થિતિમાં સંયમ જાળવી રાખવો પડે, અસ્તિત્વને સાચા અર્થમાં ઓળખી તેમાં રમણ થવું પડે તથા હરખ અને શોખથી દૂર રહી આઠે પહોર આનંદમાં મસ્ત થઈને રહેવાની શરૂઆત કરવી પડે.
દુન્યવી વ્યવહારમાં પણ કૃપા મેળવવા માટે જે તે વ્યક્તિની અપેક્ષા મુજબ પોતાની જાતને સ્થાપિત કરવી પડે. સામેવાળી વ્યક્તિના આદર્શોને અનુસરવા પડે – તેની વિચારધારા પ્રમાણે આપણી વિચારધારા ધીમે ધીમે ગોઠવવી પડે. તે વ્યક્તિ આપણા તરફથી જે કાર્યની અને જે પ્રકારની અપેક્ષા રાખે તે પૂરી કરવાનો પૂરેપૂરો ઈમાનદારીથી પ્રયત્ન આપણાં તરફથી થવો જોઈએ. કોઈપણ વ્યક્તિની કૃપા – તેના આશીર્વાદ ત્યારે જ મળી શકે જ્યારે આપણે આપણી જાતને એ વ્યક્તિના એક ભાગ તરીકે જોતાં અને તે જ રીતના વર્તતાં થઈએ. આ એક કઠિન તથા ઊંચા સ્તરની વાત થઈ. પૂર્ણ કૃપા માટે તો પોતાના અસ્તિત્વનો લોપ કરી સામેવાળી વ્યક્તિ માટે જ આ જીવન આપણે જીવતા હોઈએ તેવું સ્થાપિત કરવું પડે. હવે જો એક માનવીની કૃપા માટે આટલા બધા પ્રયત્નો કરવા પડતા હોય તો શિવજીની કૃપા પામવા માટે તો શું શું ન કરવું પડે. છતાં પણ શિવજી ભોલેનાથ છે તેનો ફાયદો તો મળે જ.
શિવ-કૃપાનો અધિકાર તો રાવણે પણ પ્રાપ્ત કરેલો. એ સિવાય પણ કેટલાક દાનવોએ શિવજીની કૃપા પ્રાપ્ત કરી હતી. પણ તેનું પરિણામ તે વ્યક્તિ/દાનવ માટે, સમાજ માટે અને આધ્યાત્મિક વિશ્વની સંરચના માટે નકારાત્મક રહ્યું. માત્ર કૃપા અગત્યની નથી તેની માટે લાયકાત પણ જરૂરી છે નહીંતર તો પરિણામ વિધ્વંશક પણ આવી શકે. તેમાં ન તો તે વ્યક્તિનો ઉદ્ધાર થાય, ન સમાજને ફાયદો થાય કે ન આધ્યાત્મિક ક્ષેત્ર માટે કોઈ યોગ્ય ઉદાહરણ સ્થાપિત થાય. સંપૂર્ણતામાં આ એક વિઘટનાત્મક ઘટના બની રહે. સામાન્ય વ્યવહાર માટે પણ કહેવાય છે કેઅધિકાર પ્રાપ્ત કરતા પહેલા લાયકાત કેળવવી પડે. અહીં આ લાયકાત કેળવવાની જ વાત છે.
પૌરાણિક ઇતિહાસ જોતાં જણાશે કે શિવ-કૃપાના અધિકારી થવાનું છે ક્યારેક મુશ્કેલ બની રહે તો ક્યારેક તે સરળ પણ લાગે. અગત્યનું એ છે કે આ પ્રયત્ન સાતત્યપૂર્ણ હોવું જોઈએ. પરિણામ મળશે જ એની ખાતરી શિવજી જ આપે છે.
આ પણ વાંચો…મનન – સાધના પંચકમ