શિવ રહસ્ય : સંસાર તમને દુર્ગમનો નાશ કરનારી માતા દુર્ગા તરીકે પૂજશે…

– ભરત પટેલ
દેવગુરુ બૃહસ્પતિ અને દેવર્ષિ નારદ ચર્ચામગ્ન હોય છે કે ત્યાં દેવરાજ ઈન્દ્ર સહિત દેવગણો પધારે છે અને આવી પડેલી વિપદા માટે માર્ગદર્શન માગે છે. દેવર્ષિ નારદ તેમને કૈલાસ જવા કહે છે. દેવરાજ ઇન્દ્ર બ્રહ્માજીને પણ સાથે લઈ જવાનું સૂચન કરે છે.
સમસ્ત દેવગણો બ્રહ્મલોક પહોંચી બ્રહ્માજીને તેમની સાથે આવવા વિનંતી કરે છે. બ્રહ્માજી સમસ્ત દેવગણોની વિનંતીને માન આપી તેઓ કૈલાસ પહોંચે છે. મોટી સંખ્યામાં આવેલા દેવતાઓનું ભગવાન શિવ સ્વાગત કરે છે. દેવર્ષિ ભગવાન શિવને કહે છે, પ્રભુ સંસારમાં ક્યાંય ધર્મનું આચરણ દેખાતું નથી, ચારેય વેદ બંદી હોવાથી વરુણદેવ વર્ષા કરી શકતા નથી.
આ પણ વાંચો : શિવ રહસ્ય: સંસારમાં ક્યાંય ધર્મનું આચરણ થતું દેખાતું નથી
સંસારમાંથી ફળ ફૂલ સમાપ્ત થઈ ગયા છે. સંસારવાસીઓની રક્ષા કાજે ચારેય વેદને મુક્ત કરવા અનિવાર્ય થઈ ગયા છે. તમે આ સંસારના સ્વામિ છો તમારે તેમની રક્ષા કરવી આવશ્યક છે.’ ભગવાન શિવ કહે છે,હું બ્રહ્મ વાક્યને ક્યારેય ખોટું નહીં પડવા દઉં. તમારે જગતજનની તમારી માતા શક્તિ એટલે પાર્વતીના શરણે જવું જોઈએ તેઓ જ ચારેય વેદને મુક્ત કરાવી શકે.’ આટલું સાંભળતા જ દેવગણો માતા પાર્વતીને શોધવા માંડે છે. માતા પાર્વતી કૈલાસ ખાતે ક્યાંય ન મળતાં બ્રહ્માજી તેમને કહે છે, પાર્વતી હિમાલયની હારમાળામાં તપ કરવા બેઠાં છે.
ચાલો ત્યાં જઈએ.’ બ્રહ્માજીની આજ્ઞા થતાં સમસ્ત દેવગણ હિમાલયની હારમાળા ખાતે પહોંચે છે, તેઓ જુએ છે કે સામેના પર્વત પર માતા પાર્વતી તપમાં લીન છે. દેવગણો માતા પાર્વતીની આરાધના શરૂ કરે છે. માતા પાર્વતી તેમના તપમાંથી બહાર આવતાં નથી. અંતે દેવર્ષિ નારદ કહે છે,રક્ષા કરો માતા રક્ષા કરો, ત્રાહિમામ્ માતા ત્રાહિમામ્.’ દેવર્ષિ નારદના સ્વરથી માતા પાર્વતીનું તપ ખંડિત થાય છે. દેવરાજ ઈન્દ્ર કહે છે, `દુર્ગમાસુરનો આતંક સમસ્ત દેવગણ અને સંસારવાસીઓ માટે અસહ્ય છે, દુર્ગમાસુરે ચારેય વેદને બંદી બનાવતાં સંસાર ચક્ર સ્થગિત થઈ ગયું છે માતા, સમસ્ત પૃથ્વીવાસીઓ જળ અને ફળ માટે તલસી રહ્યાં છે.’ દેવરાજ ઇન્દ્રની વાત સાંભળતાં માતા પાર્વતીએ પોતાની નજર સંસારવાસીઓ પર પાડી, તેમના હૃદયમાં માતૃવાત્સલ્યતા જાગી આવી. જગતજનની માતા પાર્વતીના હૃદયમાંથી એક ચારહાથવાળી એક દેવી કમળ, બાણ, ધનુષ્ય અને ફળ-ફૂલ લઈને પ્રગટ થઈ.
આ કરુણામયી જગતજનની પ્રગટેલી માતા શક્તિ સંસારવાસીઓનું દુ:ખ જોઈ ન શકતાં તેઓના નયન અશ્રુભીના થઈ ગયા અને તેમની આંખોમાંથી અસંખ્ય અશ્રુઓની ધારાઓ વહેવા લાગી. એ અશ્રુઓની ધારાઓ એટલી ગતિમય હતી કે સમસ્ત સંસારમાં નદીઓનાં નીર તરીકે વહેવા માંડી, સમસ્ત સંસાર પાણીમય થઈ ગયું. માતાના ચોથા હાથમાં ફળ-ફૂલ હતા એ ત્યાંથી અદૃશ્ય થતાં જ સંસારના દરેક છોડ, લતાઓ અને વૃક્ષો ફળ-ફૂલ મય બની ગયાં. સમસ્ત દેવગણ હર્ષ અનુભવી રહી હતી. દેવર્ષિ નારદ સહિત સમસ્ત દેવગણ માતા શાકંભરીનો જયજયકાર કરવા લાગી.
આ પણ વાંચો : શિવ રહસ્ય : દુર્ગમાસુર દેવગણો ને પૃથ્વીવાસીઓને અન્યાય કરશે ત્યારે હું શિવઇચ્છાથી દુર્ગમાસુરને દંડ આપીશ
દેવર્ષિ નારદ: `માતા તમારા પ્રાગટ્યથી સમસ્ત સંસારવાસીઓ પ્રસન્ન થઈ રહ્યાં છે. સંસારમાં પાણી અને ફળ-ફૂલ પર્યાપ્ત માત્રામાં ઉપલબ્ધ છે. માતા હવે દુર્ગમાસુરના બંદી એવા ચાર વેદને મુક્ત કરવા અનિવાર્ય છે.’
આટલું સાંભળતાં જ માતા શાકંભરી ફરી માતા પાર્વતીના હૃદયમાં સમાઇ ગયા.
માતા પાર્વતી: `દેવતાગણ વિચલીત ન થાઓ, હું હમણાં જ દુર્ગમાસુરને આદેશ આપીશ કે ચારેય વેદને મુક્ત કરે.’
દેવર્ષિ નારદ: `માતા દુર્ગમાસુરે તમારો આદેશ માનવો અનિવાર્ય છે, અન્યથા એનો વિનાશ નિશ્ચિત છે.’
ક્રોધિત માતા પાર્વતી દુર્ગમાસુરને પ્રગટ થવા આહ્વાન આપે છે. માતા પાર્વતીનો આહ્વાન સાંભળી દુર્ગમાસુર તેમની સમક્ષ પ્રગટ થાય છે.
આ પણ વાંચો : શિવ રહસ્ય : આરાધકને વરદાન આપવા સિવાય આરાધ્ય પાસે કોઈ માર્ગ હોતો નથી
દુર્ગમાસુર: `હે સુંદરી! તમારા મુખ પર આટલો ક્રોધ કેમ છે.’
માતા પાર્વતી: `હે પાપી દુર્ગમાસુર હું તને આદેશ આપું છું કે ચારેય વેદને તુરંત મુક્ત કર.’
દુર્ગમાસુર: `સુંદરી! તું કહે તો હું આ સંસારને પણ મુક્ત કરી શકું છું, પણ પહેલા તું વચન આપ કે વેદને મુક્ત કર્યા બાદ તું મને વરીશ.’
માતા પાર્વતી: `હે મૂર્ખ દુર્ગમાસુર તને ખબર નથી કે શક્તિનો એકમાત્ર આશ્રય શિવ છે. અત્યાર સુધી મને લાગતું હતું કે તું પાપી છે પણ તું તો મૂર્ખ પણ નિકળ્યો, જા ચારેય વેદને મુક્ત કરે, અન્યથા……….’
દુર્ગમાસુર: `અન્યથા… શું કરી લેશે તું સુંદરી?’
માતા પાર્વતી: `શિવની શિવા પર કુદૃષ્ટિ નાખનાર દુર્ગમાસુર તારો અંત નિશ્ચિત છે. લે તારા દુ:સાહસનું ફળ.’
આટલું કહી માતા પાર્વતીના હૃદયમાંથી અષ્ટભૈરવી પ્રગટ થાય છે. એ અષ્ટભૈરવી દેવી દુર્ગમાસુર પર આક્રમણ કરે છે, પણ બળશાળી દુર્ગમાસુર એ આક્રમણને ખાળી દે છે. દુર્ગમાસુરની મુખાગ્નિમાંથી નીકળેલી અગ્નિ અષ્ટભૈરવી સહન કરી શકતી નથી અને રાખ થઈ જાય છે.
આ પણ વાંચો : શિવ રહસ્ય : હવન કુંડથી બહાર આવો નરકાસુર…
દુર્ગમાસુર: `સુંદરી મારી અતુલ્ય વરદાની ત્રિલોક વિજેતા દુર્ગમાસુરની શક્તિ’ સામે તારી તુચ્છ શક્તિ ક્યારેય ટકી નહીં શકે! હવે વ્યર્થમાં પોતાનો સમય બરબાદ ન કર, મારી શરણોમાં આવી જા, અન્યથા ચારેય વેદની જેમ તને પણ પાતાળલોકમાં બંદી બનાવીશ.’
દુર્ગમાસુર: `સુંદરી મેં પહેલા જ કહ્યું હતું કે મારી અતુલ્ય શક્તિ’ સામે તારી તુચ્છ શક્તિ ક્યારેય ટકી નહીં શકે. હવે વધુ સમય વ્યતીત ન કર અને મારી રાણી બની જા.’
આઠ દિવસ સુધી માતા પાર્વતી અને દુર્ગમાસુર વચ્ચે યુદ્ધ ચાલે છે. દુર્ગમાસુર એક પછી એક મોટાં શસ્ત્રોનો ઉપયોગ માતા પાર્વતી પર કરે છે પણ માતા પાર્વતી એ શસ્ત્રોને નિસ્તેજ કરી નાખે છે.
માતા પાર્વતી: `દુર્ગમાસુર હજી મોકો છે ચારેય વેદને મુક્ત કર.’
આ પણ વાંચો : શિવ રહસ્ય : દુષ્ટ શક્તિઓના વિનાશ માટે હું હંમેશાં તૈયાર છું
કોઈપણ વાત ન સમજતા દુર્ગમાસુરનો અંત લાવવા માતા પાર્વતી વિરાટ રૂપ ધારણ કરે છે અને પોતાના ચરણ પ્રહારથી દુર્ગમાસુરને પાતાળલોક મોકલી આપે છે. બળશાળી દુર્ગમાસુર ફરી પાતાળલોકથી ઉપર આવે છે અને માતા પાર્વતી પર આક્રમણ કરવાની કોશિશ કરે છે, અંતે માતા પાર્વતી વધુ ક્રોધિત થાય છે અને તેમના દસ દેવીઓ પ્રગટ થાય છે જેમનું નામ છે કાલી, તારા, છિન્નમસ્તા, શ્રી વિદ્યા, ભુવનેશ્વરી, ભૈરવી, બગલા, ધૂમા, ત્રિપુરા અને માતંગી. આ બધી દેવીઓ મળીને દુર્ગમાસુરની સો અક્ષૌહિણી સેનાનો નાશ કરે છે. પોતાની સેનાનો નાશ થતો જોઈ દુર્ગમાસુર ગભરાઈ જાય છે. એ ક્ષણે જ માતા પાર્વતીનું ત્રિશુળ દુર્ગમાસુરના શરીરને વિંધી નાખે છે. દુર્ગમાસુરનો અંત થાય છે. દેવતાઓ માતા પાર્વતીનો જયજયકાર કરે છે. દુર્ગમાસુરનો અંત થતાં જ ચારેય વેદ મુક્ત થાય છે અને બ્રહ્મલોકમાં ફરી નિવાસ કરતાં સંસારમાં ચક્ર ફરી ગતિમાન થાય છે.
માતા પાર્વતી સાથે સમસ્ત દેવગણ કૈલાસ પહોંચે છે. માતા પાર્વતીને સાથે આવેલા જોઈ ભગવાન શિવ હર્ષ અનુભવે છે. દેવગણ માતા પાર્વતી અને ભગવાન શિવનો જયજયકાર કરે છે.
ભગવાન શિવ: `હે શક્તિસ્વરૂપા પાર્વતી તમે સંસારચક્રને ગતિમાન રાખવા દુર્ગમનો વિનાશ કર્યો છે. આ સંસાર તમને દુર્ગમનો નાશ કરનારી માતા દુર્ગા તરીકે પૂજશે.’ (ક્રમશ:)



