
- મોરારિબાપુ
એક જિજ્ઞાસા છે. અહિંસા, બ્રહ્મચર્ય, અપરિગ્રહ આદી છે, એમાં અહિંસાને જ પ્રથમ સ્થાન કેમ આપ્યું છે? અહિંસાને જ પરમ ધર્મ કેમ ગણી છે? કોઈપણ ક્રિયા-સત્ય,બ્રહ્મચર્ય આદી હિંસક હોય તો પાપ થઈ જાય છે. તમારો અપરિગ્રહ પણ હિંસક હોય તો પાપ બની જાય છે, સત્ય પણ અહિંસક હોવું જોઈએ. સત્ય પણ પ્રિય બોલો. તમને અધિકાર નથી કે તમારા કઠોર કડવા સત્યથી બીજાનું દિલ દુભાય. ઘણા કહે છે ને કે સત્ય કડવું હોય છે. તમને સત્ય બોલવાનું આવે ને એ કટુ હોય તો ન બોલો. તમારા બોલવાથી કામ નથી બનવાનું, એના અંત:કરણમાં પ્રભુ બેઠેલા છે,તે એને પ્રેરણા કરશે. કટુ શબ્દ ન બોલો. શાસ્ત્ર મના કરે છે હરિ પર છોડી દો. અશ્વત્થામાનું મૃત્યુ થયું નથી, હાથી મરાયો છે, એ સત્ય પણ હિંસક સાબિત થયું. ધર્મરાજનો રથ જે સદૈવ (જમીનથી) ઉપર રહેતો હતો, જમીન પર
આવી ગયો.
બંદઉઁ ગુરુ પદ કંજ કૃપા સિંધુ નરરૂપ હરિ,
મહા મોહ તમ પુંજ જાસુ બચન રબિ કર નિકર
ગુરુદેવના ચરણકમળની ગોસ્વામીજી કહે છે હું વંદના કરું છું. ગુરુનાં ચરણ કમળ સમાન છે. ગુરુના શબ્દો સૂર્યનાં કિરણ સમાન છે. યહ બહુત સુંદર સુમેલ હૈ! પગલાં કમળ જેવાં,શબ્દો સૂર્યનાં કિરણ જેવા. પ્રકૃતિનો નિયમ છે સૂરજનું કિરણ નીકળે પછી કમળ ખીલે. એટલે કે જેવું બોલે તેવું જ કદમ ઊપડે,વચન પ્રમાણે પગનાં કમળ ખીલ્યાં છે. આચરણ જેનાં ખીલ્યાં છે, વકતૃત્વ અને કર્તૃત્વ જેનું એક થઈ ગયું છે એવા સંત ગુરુનાં ચરણમાં ગોસ્વામીજી પ્રણામ કરે છે. એ ગુરુ આચરે એટલું કે એના કરતાં ઓછું બોલે. આજે હું અને તમે જાણીએ છીએ કે આપણું બોલવાનું વધ્યું છે,આચરણ ઓછું થયું. વ્યાખ્યા વધી,આચાર ઓછો થયો! વ્યાખ્યાન કરનારને આ દેશ આદર આપે,આચરણ કરનારને આ દેશ આધીન થઈ જાય. સમાજ આચરણ કરનારને તાબે થાય છે. રાષ્ટ્ર અને સંસ્કૃતિ આજે આચરણ માગે છે. મને એક ગામમાં એક ભાઈએ પૂછેલું : આટઆટલી કથાઓ થાય છે, લોકોમાં સુધારો કેમ થતો નથી? કહેવાની ઈચ્છા થઈ, કહ્યું : બે કારણો હોઈ શકે. ‘કાં તો કહેનારની શબ્દસાધનામાં ખામી. પહેલું તો બોલનારે-વક્તાએ જ સ્વીકારવું રહ્યું કે એની શબ્દસાધનામાં કંઈક ખામી હશે,નહીંતર તીર કેમ બરાબર લાગે નહીં! વક્તાની શબ્દસાધના અને આંતરિક સ્થિતિ મજબૂત હોય છતાંયે ક્રાંતિ થતી ન હોય તો બીજું કારણ એ હોઈ શકે કે સામેનાં હૈયાં વજ્ર કરતાંય કઠોર હશે. તીર વાગી વાગીને એવાં થઇ ગયાં હશે. જેને કશી અસર જ ન થાય! ગુરુ એ છે, સંત એ છે અને આચરણ… આજે આખા રાષ્ટ્રમાં સમસ્યા આચરણની જ છે. આ દેશનો જે ભવ્ય ભૂતકાળ હતો તેવું પુન: કરવું હોય તો સુગંધ પ્રસરાવતું આચરણ સમાજમાં નિર્માણ કરવું જોઇશે.
કેટલાયે લોકો બ્રહ્મચર્યનો નિર્વાહ કરે છે,પણ આક્રમક બહુ થઈ જાય છે. શરીર પ્રતિ ધર્મ થાય છે,પણ હિંસક બને છે. ઇન્દ્રિય પર બહુ દબાવ નાખે છે, તેનો સ્વભાવ વિપરીત થઈ જાય છે, એવો મારો અનુભવ છે. કુરૂપ, વિકૃત સ્વભાવ થઈ જાય છે. બ્રહ્મચર્ય બહુ અદ્દ્ભુત વસ્તુ છે, પણ એનો અર્થ ફક્ત Sex-Control નથી. ઉપનિષદમાં પણ આવ્યું છે કે જેની પરસ્ત્રી સામે નજર નથી જતી,પોતાની સ્ત્રી સાથે ઋતુકુળ અનુસાર ધર્મ ચીંધ્યો કામ ભોગવે છે તે સદૈવ બ્રહ્મચારી છે. બ્રહ્મચર્યનો અર્થ છે, જે વ્યક્તિની પૂરી ચર્યા બ્રહ્મ જેવી થઈ ગઈ તે છે બ્રહ્મચારી. જેનું જોવું બ્રહ્મ જેવું,જેનું ચાલવું બ્રહ્મ જેવું-ચાલે તો જાણે કનૈયો ચાલી રહ્યો છે, રામ ચાલી રહ્યા છે ! બોલે તો જાણે રાઘવના બોલ બોલી રહ્યા છે ! જાણે કૃષ્ણની વાંસળી વાગી રહી છે ! એની પ્રત્યેક ક્રિયા બ્રહ્મ જેવી થઈ જાય છે.
આપણ વાંચો: મનન : સાગરના પાણીનું બિંદુ ને સાગર…
એનો અર્થ તમે સંયમી ન રહો એવો નથી પણ શરીરના કેટલાક ધર્મો હોય છે જે બજાવો. હા,એમાં કોઈ અપવાદ હોઈ શકે. કોઈ યોગભ્રષ્ટ હોય, જનમજનમની સાધના હોય તો કોઈ તકલીફ નથી હોતી પણ કેવળ ઇન્દ્રિયદમનમાં બહુ વિકૃતિ આવે છે. મહાત્મા લોકો પણ ક્રોધી થઈ જાય છે. તમારું બ્રહ્મચર્ય પણ અહિંસક હોવું જોઈએ, તમે ઇન્દ્રિયોની હિંસા કરી રહ્યા છો. બીજાને નથી મારતા, તમારી ઇન્દ્રિયોને મારો છો એ હિંસા જ છે. વધુ ભૂખ્યા રહો તો તમારા પેટની હિંસા કરો છો. કૃષ્ણે ગીતામાં કહ્યું છે કે અતિ ભૂખ્યા ને અતિ ભોજન કરનારા યોગ નથી કરી શકતા. તમને જેટલી વાર ભૂખ લાગે તેટલી વાર જરૂર ખાઓ,પણ ભોજનની જરૂર ન હોય, ભૂખ ન હોય તો કૃપયા નહીં ખાઓ. બહુ સ્પષ્ટીકરણ કર્યું છે. ઇન્દ્રિયદમનની વાત નથી કરી. કામ આદિનું દહન કરવાનું છે. કોઈ ઝરણું વહેતું હોય ને તમે આડો પથ્થર લગાવી દો તો ઝરણું સમાપ્ત નહીં થઈ જાય, એ ક્યાંય ફૂટી નીકળશે, એ તમારાથી દબાયેલું નહીં રહે. તેવી રીતે ઇન્દ્રિયોને તમે દબાવો તો એ વિકૃત રસ્તે પોતાનો રસ્તો કાઢશે. તમે વિચારો કે આંખો બંધ કરી વધુ જુઓ છો ! કાલે હું એવો હુકમ કાઢું કે તમારે આંખો બંધ કરીને જ કથા સાંભળવી તો તમે કદાચ આંખો બંધ કરી બેસો,પણ તમને એ જ વિચાર આવશે કે આજે વ્યાસગાદી પર શું છે અમને મના કરી છે? તમે કથા નહીં સાંભળી શકો ! તમારી કથા છૂટી જશે અને અંદરથી જોવાનું શરુ પણ કરી દો. એના દ્વાર પર દેવતા બેઠા છે. ઈન્દ્રદ્વાર ઝરોખા નાના… તુલસીદાસજી કહે છે. તમારું સત્ય,બ્રહ્મચર્ય,અસ્તેય,અપરિગ્રહ અહિંસક હો. બધામાં અહિંસાનું મંગલાચરણ લગાડવું પડશે. આપણા આત્માને સારું ન લાગતું હોય એવો વ્યવહાર કૃપયા બીજા સાથે ન કરો એ જ પરમધર્મ શ્રુતિ બિદિત અહિંસા છે.
(સંકલન : જયદેવ માંકડ)