માનસ મંથનઃ મા-બાપ આકાર આપે છે, ગુરુ સંસ્કાર આપે છે…

મોરારિબાપુ
બાપ ! આજે મેં એક સૂત્ર સાંભળ્યું જે મને ગમ્યું. મેં સૂત્ર સાંભળ્યું કે મા-બાપ આકાર આપે છે, ગુરુ સંસ્કાર આપે છે. આપણે એમ કહીએ છીએ કે મા બાપ સંસ્કાર આપે છે. અરે, મા-બાપ ખાક સંસ્કાર આપે છે! આજના અનેક નબળા મા-બાપ શું સંસ્કાર આપે છે? મા-બાપે સંસ્કાર આપવાની શરૂઆત કરી હોત તો વ્યાસપીઠનું કામ ઘણું સરળ થઈ જાય પરંતુ મા-બાપે ક્યાં એવા સંસ્કાર આપ્યા છે?
એક શિક્ષકે વિદ્યાર્થીઓને ક્લાસમાં કહ્યું, ‘જેમ સ્કૂલમાં હાજરી પુરાય છે એમાં નામ બોલાય છે ત્યારે યસ સર કહેવામાં આવે છે. શ્રીકાંત ઉપાધ્યાય? યસ સર. બકુલ પંડ્યા? યસ સર. સંગીતાદેવી? હાજર. તો શિક્ષકે બાળકોને કહ્યું કે બાળકો, હું તમારું નામ નહીં બોલું પણ જે બોલીશ તેમાં એ હાજર હોય તો ‘યસ સર’ કહી દેજો.’ બાળકોએ કહ્યું ભલે સાહેબ, આપ જેમ કહો તેમ. શિક્ષકે કહ્યું ‘અહંકાર?’ કોઈ બોલ્યું, ‘યસ સર.’ દ્વેષ ? હાજર છે ! નીન્દાદેવી? કહે ‘યસ સર.’ કુથલી દેવી? યસ. બેઈમાની? હાજર. દંભ? યસ સર. જૂઠ? હાજર. ચોરી? હાજર. બધાં હાજરી પુરાવવા લાગ્યા કેમ કે બધા હાજર છે.
અંતે શિક્ષકે પૂછ્યું કે ‘સત્ય?’ કોઈ જવાબ ન આવ્યો ! ‘પ્રેમ ?’ કોઈ જવાબ ન આવ્યો. ‘કરુણા ?’ જવાબ ન આવ્યો ! કે સત્ય, પ્રેમ, કરુણા આજે ક્લાસમાં નથી? જોયું તો ત્રણે દરવાજે ઊભા છે! શિક્ષકે જઈને પૂછ્યું કે તમે ત્રણેય કેમ બહાર ઊભા છો ? દરવાજે કેમ ઊભા છો ? તો ત્રણેય કહ્યું કે વર્ગ એટલો બધો આખો ભરાયેલો છે કે અમને અંદર આવવાની જગ્યા જ ન મળી ! આપણા જીવનની પાઠશાળામાં અહંકાર, નિંદા, ઈર્ષા, દ્વેષ, બદલો લેવાની વૃત્તિ, બેઈમાની, ચોરી એ બધું ભર્યું છે. તેવે સમયે વર્ગમાં માત્ર ત્રણ વિદ્યાર્થીઓ ગેરહાજર જણાય છે.
તત્ત્વત: એ ગેરહાજર નથી હોતા, પરંતુ વર્ગની અંદર જગ્યા જ નથી ! બેસે કેવી રીતે ? આખો વર્ગ ભરેલો છે. તો, મૂળ વાત શું હતી ? માતા-પિતા આકાર આપે છે, સંસ્કાર બુદ્ધપુરુષ આપે છે. તો, સંસ્કાર મા-બાપ આપે છે, નથી આપતા એવું કહેવું યોગ્ય નથી, પરંતુ ખરા સંસ્કાર તો ગુરુ આપે છે. શાસ્ત્રોએ જેને સંસ્કાર કહ્યા છે એ સંસ્કારની અહીં વાત છે.
देखहु तुम्ह निज कुलहि बिचारी|
भ्रम तजि भजहु भगत भय हारि॥
લંકાના રાજદરબારમાં હનુમાનજી બંધનમાં છે. રાવણ વિરાજિત છે. રાવણને નિમિત્ત બનાવીને હનુમાનજી મને ને તમને વૈશ્વિક સંબોધન કરે છે. વૈશ્વિક સૂત્રોનું ઉદ્ઘાટન કરે છે. ‘સુંદરકાંડ’થી તો આપ બધાં પરિચિત છો જ. એક સત્તાને સંત ઉદબોધન કરે છે. સરકાર અને સંસ્કાર બંને ભેગાં મળે ત્યારે વિશ્વની શાંતિ માટે બહુ સારાં લક્ષણો ઊભાં થાય. બહુ જ મધુર, શાશ્વત અને સાર્વભૌમ પ્રસંગ છે. દુનિયાના કોઈ પણ માનવીને આ પ્રસંગ સ્પર્શ કરે છે. સત્તાને હનુમાનજી જેવા સંત ઉદબોધન કરે છે.
હનુમાનજી મહારાજ રાવણના દરબારમાં જે સુંદર ચર્ચા કરે છે, જે વૈશ્વિક ચર્ચા છે, એનો આશ્રય લઈને હું ને તમે આપણું જીવનદર્શન કરીએ.
સભાને સંબોધન કરનારા પુરાણોમાં, મહાભારતમાં, રામચરિતમાનસમાં ઘણા સુંદર લોકો મળ્યા, પણ એક બંદરે સભાને સંબોધન કર્યું હોય એવો આ પહેલો પ્રસંગ છે. ‘સુંદરકાંડ’માં શું સુંદર નથી? એવી સુંદર લંકા, એની સુંદર સભાને એક બંદર સંબોધન કરી રહ્યો છે! મૂંછવાળાને પૂંછવાળો સંબોધન કરી રહ્યો છે. અને મૂંછવાળા માર ખાઈ ગયા છે, પૂંછવાળા જ જીત્યા છે.
ત્રીજા અર્થમાં, સત્તાને એક સંત સંબોધન કરી રહ્યું છે. ચોથા અર્થમાં, લંકેશને કપીશ સંબોધન કરી રહ્યો છે. ‘जय कपिस तिहुँ लोक उजागर |’ મંડલિકમાં રાવણનું સામ્રાજ્ય છે, પણ મારો હનુમાન એ તો ‘તિહુઁ લોક ઉજાગર’ છે. ગઈ કાલે મેં કહ્યું હતું કે જેને ઇન્દ્રજિતે બાંધ્યા છે એ બંધનમાં રહેવું વ્યક્તિત્વ એક સ્વચ્છંદીને સંબોધન કરી રહ્યું છે. શાસ્ત્ર જાણવા છતાંયે શાસ્ત્રનું વર્તન ન કરે, આ બધાં પાતકી છે, સ્વચ્છંદી છે.
તો શાસ્ત્રને ક્યારેક-ક્યારેક ચૂકી જનારને શાસ્ત્રવેતા, વેદપારંગત,સામગાનમાં સકુશળ શ્રી હનુમાનજી સંબોધન કરે છે ! એક દ્વારપાળ બીજા દ્વારપાળને સંબોધન કરે છે! રાવણ નારાયણનો દ્વારપાળ છે અને હનુમાન…
राम दुवारे तुम रखवारे होत न आज्ञा बिनु पईसारे |
એક દ્વારપાળ બીજા દ્વારપાળને વર્તન શીખવે છે કે દ્વારપાળે કેમ રહેવું જોઈએ ? અંદરનો માણસ ગમે તેમ રહે, કારણ કે દ્વાર બંધ છે. પણ દ્વારપાળને બધાં જોઈ શકે છે. તો એ દ્વારપાળે કેમ રહેવું એનું ઉદાહરણ હનુમાનજી પૂરું પાડે છે. અંદરનો માણસ ગમે તેમ રહે ભાઈ, પણ જાગરણની મહત્તા તો દ્વારપાળને છે.
આપણે ત્યાં સંસ્કૃતિ, આપણી પરંપરા આપણી સનાતનતા, એને આપણે શું કામ વારંવાર વજન દઈએ છીએ કે એ બચવી જોઈએ? કારણ કે આપણી પરંપરાનું સતત સ્મરણ કરવાથી માણસને સુધારવાનો મોકો ઊભો થાય કે મારી આ પરંપરા ! મારું આ કુળ ! મારી આ સ્થિતિ !
‘સંસ્કાર’ એ આપણા વાંગ્મયનો અદ્દભુત શબ્દબ્રહ્મ છે. સંસ્કાર ગુરુજન આપે છે, આચાર્યજન આપે છે. સાચા અર્થમાં વિદ્યા પ્રાપ્ત કરવા માટે સંસ્કાર પ્રાપ્ત કરવા માટે શારીરિક દ્રષ્ટિએ નહીં, પરંતુ વિચારની દ્રષ્ટિએ ગુરુની સન્મુખ રહેવું. અને ગુરુ જો ગતિ કરે તો એમની ગતિ પાછળ ચાલવું નહીં કેમ કે એની ગતિ પકડી શકાશે નહીં. તો એમને સન્મુખ રહી પાછે પગલે ચાલો. તો, આકાર અને સંસ્કારમાં મૂળભૂત રીતે ફેર છે. અને શાશ્વત સંસ્કર ગુરુ આપે છે.
-સંકલન: જયદેવ માંકડ
આપણ વાંચો: મનનઃ પ્રકાશ- પ્રકાશક- પ્રકાશિત…



