માનસ મંથન : ફક્ત અન્ન જ આહાર નથી, ઇન્દ્રિયો જે વિષયો ભોગવે છે તે પણ આહાર છે…

- મોરારિબાપુ
આજે કોઈ શ્રોતાએ એવું પૂછયું છે કે એકાદશી કરવાથી ભગવાન મળે? એકાદશીના વ્રતથી થોડી શુદ્ધિ જરૂર થાય.
आहारशुद्धे सत्वशुद्धि,
सत्वशुद्धे ध्रुवा स्मृतिः|
શ્રુતિ છાંદોગ્ય કહે છે. એકાદશીનો મહિમા તો છે જ. અને તમે કરી શકો તો જરૂર કરો. હું કરું છું તેથી કહું છું. ક્યારેક ભૂલી પણ જાઉં છું તો કહી દઉં છું કે ભૂલી ગયો. સવારે ક્યારેક અન્નનો નાસ્તો કરી લઉં છું તો કહી દઉં છું કે ભૂલી ગયો. એકાદશીથી શુદ્ધિ થશે. બહુ ભૂખ્યો માણસ પાપ કરે છે. બહુ ભૂખ્યો ભૂલ કરવા લાગે છે,આક્રોશમાં આવી જાય છે. અક્કડ થઇ જાય છે, ઉગ્ર થઇ જાય છે. સમજીને વ્રતના રૂપમાં ભૂખ્યો રહે તે વિનમ્ર થઇ જાય છે.
बुभुक्षितः किं न करोतिं पापं – એ દ્રષ્ટિથી લો તો જે બહુ ભૂખ્યા રહે છે,તે ઉગ્ર થઈ જાય છે પણ સમજદારી સહે વ્રતના રૂૂપમાં,તો કેમે કરીને પણ કરો તો વિનમ્રતા આવે છે. ભૂખ્યાપણું માણસને વિનમ્ર બનાવે છે. ઉપનિષદોએ કહ્યું કે सत्वशुद्धे ध्रुवा स्मृतिः- આહારની વાત જે આવી છે,છાંદોગ્ય શ્રુતિમાં ત્યાં શંકરાચાર્ય મહારાજનું પણ ભાષ્ય છે, રામાનુજ ભગવાનનું પણ ભાષ્ય છે. બંને હું વાંચી ગયો છું.
અમારે અહીં જે જે આચાર્યો થઈ ગયા, તેઓએ ત્રણ પર ભાષ્ય લખવું પડતું હતું ગીતા, ઉપનિષદ, બ્રહ્મસૂત્ર. આ ત્રણે પર ભાષ્ય ન લખે, ત્યાં સુધી એને આચાર્યની પદવી નહોતી મળતી. આદિ શંકરાચાર્યે, રામાનુજ ભગવાને, નિમ્બર્કાચાર્યે, શ્રીમદ્ મહાપ્રભુજી વલ્લભે, જેણે બારીમાંથી હરિને જોયા,એ પ્રમાણે દર્શન લખ્યું. પોતાના ઢંગથી લખ્યાં.
મારા સ્મરણમાં જે આવી રહ્યું છે તે કહું. શંકરાચાર્ય મહારાજે જે કારિકા લખી છે, છાંદોગ્ય પર, તેમાં આહારનો અર્થ અન્ન જ ફક્ત નથી કર્યો. ભોજન કરો છો, તે જ માત્ર આહાર નથી, ભગવાન શંકરાચાર્ય કહે છે. ઇન્દ્રિયોના બધા વિષયો એનો આહાર છે. નેત્ર કંઈ પણ જુએ છે, જાણે નેત્ર એને ખાઈ રહ્યા છે. તમારા કાનમાં કોઈપણ શબ્દ જઈ રહ્યા છે,તે કાનથી તમે શબ્દો ખાઈ રહ્યાં છો. શબ્દ તમારા કાનનો આહાર છે. તમે બોલી રહ્યા છો,એ વાણીનો ભોગ છે. જે ચીજ ખાતાં જાઓ,એ ઓછી થતી જાય છે. તમે કોઈને સ્પર્શ કરો છો, એ આહાર તમારો ભોગ છે. તમે ગંધ લ્યો છો તે તમારો આહાર છે. એને શંકરાચાર્ય આહાર કહે છે. એ ઇન્દ્રિયોના જે વિષયો,તમારી ભક્ષણવૃત્તિ છે, એમાં શુદ્ધિ રાખો, કે શું જોવું, શું ન જોવું. એકાદશીના દિવસે શું ખાવું, શું ન ખાવું? એ આંખોનો આહાર થઈ ગયો. શું સાંભળવું, શું ન સાંભળવું એ વિવેકથી નિર્ણય કરો, એ તમારો શુદ્ધ આહાર થઈ ગયો.
એકાદશી કરો, સાંભળો જ નહીં, જુઓ જ નહીં, નિર્વિકલ્પ થઈ જાઓ, નિરાહારી થઈ જાઓ,એ શુદ્ધ આહાર થઈ ગયો. પણ માનો કે આ નહીં થયું, તો કમસેકમ એ બધું જોવાની દિશા બદલો, તમારી સ્મૃતિ ધ્રુવા બની જાય. અચલ બની જશે. અર્જુનને જે સ્મૃતિ ખોવાઈ ગઈ હતી, ભૂલાઈ ગઈ હતી,એ આવી ગઈ. તમને આવું નહીં થાય. તમારી એ નિત્ય સ્મૃતિ બની જશે, હું કોણ છું, હું બ્રહ્મ છું, આદિ સ્મૃતિ બની રહેશે.
હાથનો આહાર સ્પર્શ છે, પણ કોને સ્પર્શ કરવો, કોને નહીં કરવો,એનો વિવેક રાખો. અપવિત્ર વસ્તુને અમે નહીં અડકીએ, ભગવાન શંકરાચાર્યે આહારને આ દ્રષ્ટિમાં રાખ્યો. ચાલો રામાનુજ પાસે-દક્ષિણ આચાર્યોનો મૂલક છે,દક્ષિણે બહુ આચાર્યો આપ્યા. મેં શંકરાચાર્યની ભૂમિમાં તો કથા કરી. શ્રીમદ્ મહાપ્રભુજીનો જન્મ જ્યાં થયો,આમ તો એ છે સાઉથના,પણ જન્મ ચંપારણ્યમાં થયો હતો,ત્યાં પણ કથા થઈ છે. નિમ્બાર્ક મહારાજની જન્મસ્થળીમાં નહીં સંભળાવી છે. રામાનુજ અહીંથી બહુ નજીક છે. રામાનુજાચાર્યની જન્મભૂમિ દૂર તો નથી-દક્ષિણના ગામના નામ યાદ રહેતા નથી. वण्डाअन्डे– એ જે જ્યાં ભૂમિ છે, જ્યાં હો, ત્યાં કથા કરવાની છે, ભગવાન રામાનુજની જન્મભૂમિમાં.
અહીંથી ભાષા આવડતી નથી रण्डावण्डे रण्डवण्डा – બે જણાં બોલતા હોય ત્યારે આપણને બહુ આનંદ આવે. કહેવાનો મારો મતલબ, મેરે ભાઈ-બહેન, રામાનુજ ભગવાનનું દર્શન છે કે છાંદોગ્ય ઉપનિષદમાં આહારને આહાર કહ્યો છે પણ શરત છે.
આહાર એટલે તમે જે ખાઈ રહ્યા છો, પછી રામાનુજે, જેટલો શંકરાચાર્યે વિસ્તાર કર્યો એટલો નથી કર્યો પણ એમણે ત્રણ વાત સરસ દર્શાવી, એમણે કહ્યું કે આહાર કરવો એટલે ખાઓ, તમે જે કહી રહ્યા છો, એની જાતિ શુદ્ધ હોવી જોઈએ. તમારી ધ્રુવાસ્મૃતિ ત્યારે બનશે અને એ જ ધ્રુવાસ્મૃતિ તમને બંધનથી મુક્ત કરશે, ચિંતાથી મુક્ત કરશે, શાંતિથી સ્થિતોસ્મિ કરી દેશે. એ ત્યારે થશે, જ્યારે તમારી ભોજનની જાતિ શુદ્ધ હશે. માંસ, ભક્ષ્યા ભક્ષ્ય આહાર ન હો અને શો જેની મના કરી છે, એ ન ખાઓ, ન ખાઓ. ઠાકોરજીને જેનો ભોગ લગાવી શકો,એવી વસ્તુ ખાઓ.
આપણ વાંચો: મનન : સત્યની સાબિતી સત્ય જ આપી શકે…
બીજી વાત એનો આશ્રય શુદ્ધ હો, એ ચીજ જ્યાં રાખી હોય, એ શુદ્ધ હો. એવા પાત્રમાં ન રાખી હોય,એવી જગ્યાએ ન રાખી હો. વસ્તુ શુદ્ધ છે, પણ આશ્રય શુદ્ધ નથી, તો ભગવાન માટે એ ભોગ્ય નહીં બની શકે. બ્રહ્મજ્ઞાની ખાય છે થોડું, ખાય છે તો અમારી જેમ, પણ બ્રહ્મજ્ઞાની મોઢામાં આહુતિ નાખે છે, ભીતર બ્રહ્મ બેઠો છે, એને આહુતિ આપે છે. બ્રહ્મજ્ઞાની ખાશે નહીં તો મરશે. ખાવું એને પણ પડશે, પણ આહુતિની જેમ ખાય છે.
इदम् अग्नये न मम – દરેક કોળિયે એ હરિને યાદ કરે છે. ભોજનની જાતિ શુદ્ધ હો, એનો આશ્રય શુદ્ધ હો. ફ્રીજમાં તમે ભગવાનને અર્પણ કરવાની વસ્તુ રાખી હોય, ત્યાં બાજુમાં ઈંડા ન હો. આશ્રય અશુદ્ધ થઈ જશે.
ધ્રુવસ્મૃતિ માટે આ બધું નિભાવવાનું મુશ્કેલ છે. કદી ક્યાંય ચૂકી જવાય, યા વ્રત તૂટી જાય, તો ચિંતા નહીં કરતા. એ સમયે વધુ હરિનામ જપી લેજો. હું તો કહું છું, પહેલાં કહ્યું છે, આપ જાણો છો. સવારે જાગતાં પહેલાં, જાગતાં જ એક વાર હનુમાનચાલીસા કરી લ્યો તો રોજ એકાદશી, મારો અગ્યારમો રુદ્ર છે. તમારી ઇન્દ્રિયો ઠીક જગા પર ચાલે, તો એ એકાદશી છે. તમે વાણીને રોકીને, મૌન રહીને તમે હરિસ્મરણમાં જ રહો, એ એકાદશી છે.
સંકલન : જયદેવ માંકડ