માનસ મંથનઃ યુવાન મિત્ર, શિષ્ય કોના બનશું? શરણાગતિ કોની કરશું?

મોરારિબાપુ
‘રામચરિતમાનસ’ અંતર્ગત આ કથામાં આપણે વિભીષણનું દર્શન કરી રહ્યાં છીએ. ‘માનસ-વિભીષણ’, આ તો બહુ મોટો વિશાળ પ્રસંગ છે. આમ જોઈએ તો ‘રામાયણ’ના સાતેય કાંડમાં શરણાગતિ છે. શરણાગતિ બહુ ઉત્તમ વસ્તુ છે, પણ ધ્યાન રાખવાનું યુવાન ભાઈ-બહેનોએ કે મંથરા જેવી નીચમતિની શરણાગતિ ન કરાય, નહિતર પરિણામ ખરાબ આવે.
કૈકયી મહાન છે; એનો બાપ પણ મહાન છે. કૈકયી સુંદર છે, પણ જેના વાળ સફેદ થયા છે, એટલી ઉંમરવાળો માણસ બીજી રાણીઓની તુલનામાં કૈકયી તરફ વધારે આસક્ત રહે છે; કામશક્તિ કૈકયી તરફ વિશેષ છે અને કામને લીધે દશરથજીની કૈકયીમાં રહેલી શરણાગતિથી એણે પ્રાણ પણ ગુમાવવો પડ્યો અને દીકરો પણ ગુમાવવો પડ્યો; વનમાં મોકલી દેવો પડ્યો. એટલે કોની શરણાગતિ કરવી એનો પણ માણસે વિચાર કરવો રહે.
કૈકયીએ મંથરાની શરણાગતિ કરી. મંથરાના ચરણોમાં કૈકયી પૂર્ણપણે એની થઈ ગઈ, ત્યાં સુધી કે હે મંથરા, તું મને કહે તો હું કૂવામાં પડું. તું મને કહે તો મારા પુત્ર અને પતિનો ત્યાગ કરું. તું મારા પરમહિત માટે કહે છે. હું શું કામ તારી વાત ન માનું? અહીંયા એક કૈકયી જેવી સંતની માતા, દશરથજીની ધર્મપત્ની, એની મંદમતી મંથરાની શરણાગતિ છે.
પાર્વતીએ ગુરુની શરણાગતિ કરી, નારદની શરણાગતિ લીધી તો સફળ થયા, શિવ મળ્યા. અહીંયા મંથરા જેવી મંદમતિની શરણાગતિ લીધી કૈકયીએ તો એ સ્વાર્થી વસ્તુમાં તો સફળ થયા જ કે રામને બદલે ભરતનો રાજ્યાભિષેક થાય, પરંતુ એ શરણાગતિએ વિશ્વને રામરાજ્ય ન અપાવ્યું. બીજી શરણાગતિ દશરથજીએ કૈકયીની કરી.એટલા આધીન થઈ ગયા કે તું જે કહે તે કરું. ત્યાં સુધી કહ્યું કે તારો દુશ્મન ઇન્દ્ર હોય તો એને મારી નાખું! આમ કામાસકતીને લીધે દશરથજીની શરણાગતિ સફળ ન થઈ.
‘અરણ્યકાંડ’માં શબરીએ ગુરુની શરણાગતી કરી. શબરીજીએ કહ્યું કે મારા ગુરુએ વચન આપ્યું હતું કે રામ આવશે અને એ એનું વચન સાંભળીને બેસી રહી. ગુરુની શરણાગતિ હતી અને તેથી રામ આવ્યા. એટલે એક જગ્યાએ જેની દ્રઢ શ્રદ્ધા છે એવી શરણાગતિઓનો ઉલ્લેખ અહીંયા છે. એક અર્થમાં કહું તો સરભંગની પણ શરણાગતિ ગણાશે. અરણ્યકાંડમાં જટાયુની પણ શરણાગતિ ગણાશે. કિષ્કિંધા કાંડમાં હનુમાનજીની શરણાગતિ કરી છે અને પરિણામે હનુમાનજીને લીધે સુગ્રીવની રામ તરફની શરણાગતિ સફળ થઈ; થોડો જરા ઊંચો નીચો થયા કરે છે, પરંતુ ભગવાને એને સ્વીકાર્યો છે; એની સાથે મૈત્રી કરી.
ભરતજીએ રામની શરણાગતિ કરી; વીર આવ્યો પણ તે સફળ થયા, કારણ કે પરમ તત્ત્વની શરણાગતિ કરી. શબરી એ ગુરુની શરણાગતિ કરી તો રામ એનું લક્ષ હતું એ પ્રાપ્ત થયું. કિષ્કિંધાકાંડના ઘણા પાત્રમાં આ બધું આવ્યું. આ રીતે શરણાગતિ આવી. તો આપણે કોની શરણાગતિ કરીએ છીએ તેની ઉપર મોટો આધાર છે.
આપણા ઉપનિષદોમાં યોગ માટે એક મંત્ર છે. યોગનો અર્થ છે જોડવું, ભેગું કરવું, એક થવું. કોઈની પાસે આપણે રહેવું છે. કોઈની સાથે આપણે જોડાવું છે. કોઈની સાથે આપણો યોગ થાય, યોગ નહીં. યોગ થાય એમ બધા જ ઈચ્છીએ છીએ. આપણને બધાને એમ થાય કે આપણો ધર્મ સાથે યોગ રહે. આપણે ધર્મશીલ રહીએ, પણ કેવા ધર્મ સાથે આપણે યોગ કરવો? કોઈ સારો માણસ હોય તો આની સાથે મૈત્રી થાય તો સારું. એ માણસ કેવો છે એનું પરીક્ષણ કરવું જોઈએ, નહીંતર જોગ કુજોગ બને; શરણાગતિ વિપરીત પરિણામ લાવે. તો આવું હોય ત્યાં શરણાગતિ લેવી; આવું હોય એની સાથે જ જોડાવું, એવો એક મંત્ર ઉપનિષદનો છે.
વિભીષણ ભગવાન રામની પાસે જાય છે અને એની શરણાગતિ સફળ થાય છે. વિભીષણનો સ્વીકાર થાય છે. વિભીષણ ખૂબ પ્રસન્ન છે. મેં ગઈકાલે કહ્યું, એક વખત પૂર્ણ શરણાગત જે હોય છે એને પછી કશુંય કરવાનું રહેતું નથી. જેમ મંદ સુગંધ શીતલ વાયુ વાતો હોય તો પછી આપણે પૂંઠાથી પવન નાખવાની જરૂર નથી. પૂર્ણ શરણાગતને કંઈ નહીં કરવાનું, પણ કોની શરણાગતિ કરવી, કોણ છે એવો પૂર્ણ જેની આપણે પૂર્ણ શરણાગતિ કરીએ, એ 21 મી સદીમાં મારે તમારે વિચારવું રહ્યું,. નહિતર આમાં બહુ જ ધોખો થાય.
તો આપને વિનંતી કરું કે શરણાગતિ બહુ ઉત્તમ છે, પણ કોની શરણાગતિ કરવી? આપણે ક્યાંય બેસવું હોય, તો આપણે બેસવાની જગ્યા કેવી શોધીએ? જે સમથળ હોય. આપણે એવા માણસ પાસે બેસીએ કે જ્યાં બધું સમ હોય. એના બે અર્થ; શરણાગતિ એની લેજો, જે માનસિક રીતે સમ હોય; એ ભેદી ન હોવો જોઈએ. દુશ્મનને અને મિત્રને બંનેને સરખો આદર આપે એવો કોઈ મળે એની શરણાગતિ કરજો.
કોઈ બે જણા એક ગુરુની શરણાગતિ કરે, તો ગુરુ તો સમાન છે. બંનેને એણે સાથે રાખ્યા છે, સમતા ઉપર જ શરણાગતિ છે, પણ બે શિષ્યોએ પણ અંદર સમતા રાખવી જોઈએ કે તને વધારે સેવા મળે તોય ચિંતા નહીં. મને વધારે મળે તોય ચિંતા નહીં. આપણે ચૈતસિક અવસ્થા સમ રાખશું. શરણાગતિ જેની કરો એ અને તમારે પણ સમ રહેવાની પ્રતિજ્ઞા લેવી જોઈએ.
આંતર-બાહ્ય પવિત્રતા,એને કહેવાય શુચિતા. એની પત્રિકા ન છપાય,કે આંખ પણ પવિત્ર છે, મારું મન પણ પવિત્ર છે, મારું હૈયું પણ પવિત્ર છે. સમા માણસને ખબર પડે જ કે આ માણસ પવિત્ર છે, તો એવા માણસની શરણાગતિ કરવી. અવધૂત લોકો ઉપરથી અપવિત્ર લાગે પણ તેમની ભીતરી પવિત્રતા વિષે કોઈ ન કહી શકે. કોઈને કહ્યા વગર આપણને જેની પવિત્રતા સ્પર્શે એવા માણસની શરણાગતિ કરવી. જ્યાં કંકર-
પથ્થર બહુ ન હોય તેની શરણાગતિ કરવી. જ્યાં બહુ કાંકરા હોય ત્યાં બહુ બેસવું નહીં; ત્યાં રહેવું નહીં; એમાં નિવાસ ન કરવો; એવા સ્થાને શરણાગતિ ન લેવી. એનો અર્થ એ કે શરણાગતિ એવાની કરવી જેની વાતો કાકરાની જેમ આપણને ચૂભતી ન હોય. કાંકરાની જેમ આપણા શરીરમાં પીડા ઉત્પન્ન ન કરે. ઘણા માણસો પાસે આપણે જવું પડે, પણ તેની પાસે આપણને સૌરવે નહીં. અનુકૂળ લાગે તેની શરણાગતિ સ્વીકારવી.
-સંકલન: જયદેવ માંકડ
આ પણ વાંચો…માનસ મંથનઃ શિષ્ય કેવો હોવો જોઈએ? કોણ શિષ્ય બની શકે?



