માનસ મંથનઃ આપણી ધરતીનું પર્યાવરણ પ્રદૂષિત ન થાય તે જોવાની આપણા સૌની ફરજ છે…

મોરારિબાપુ
રામાયણમાં માનવશરીરનો બહુ મહિમા ગાયો છે. ભગવાન રામને મનુષ્યશરીર એટલું બધું પ્રિય કે રાવણને બીજું રૂપ લઈ મારી શકતા હોત પણ વિપ્ર ધેનુ સુર સંત હિત, લીન્હ મનુજ અવતાર… ઈશ્વરે મનુષ્ય શરીરમાં આવવાનું નક્કી કર્યું છે, એ ઈશ્વર દ્વારા સમગ્ર માનવસૃષ્ટિનું અભિવાદન છે. રામ બ્રહ્મ છે. અને બ્રહ્મ એટલે પરમારથ. પરમારથ એટલે બ્રહ્મ. સ્વ અર્થે કરવું એ બ્રહ્મ નથી, બીજાના માટે કંઈક કરી છૂટવું એ બ્રહ્મ છે.
બહુ સરળ હાથવગા ઈશ્વરની આ વાત છે. આ હાથવગો વેદ છે. આના આપણે આપણી રીતે અર્થો કાઢી શકીએ. આમાં કંઈ મોરારિબાપુ કહે એ જ બરાબર, એમ નહીં. આ તો એક જ સત્યને અનેક રીતે કહેવાની બહુ જ આપણી સનાતન પરંપરા છે. આપણને લાગે કે આ મારું છે, પણ જેટલું એ આપણને મારું લાગે એટલું એ બધાંને મારું લાગે છે, એવું આ શાસ્ત્ર છે.
ઈશ્વર મનુષ્યશરીર ધારણ કરે એને અવતાર કહેવાય. કોને આપણે ભગવાન કહીશું ? અંત:સ્વરૂપે તો સૌ ભગવાન છે, પરંતુ આપણો સૂરજ વાદળોથી ઢંકાયેલો છે. કેટલીક વસ્તુઓ આપણા મૂળ સ્વરૂપને પ્રગટ થવા નથી દેતી. મારી સાથે ઘણીવાર એવી ચર્ચાઓ થતી રહે છે કે પરમાત્માને કેવી રીતે પામી શકાય? તો, મારો એક જ ઉત્તર છે, એ સનાતન ઉત્તર છે કે, ભગવાનને ઓલરેડી આપણે પામી ચૂક્યા છીએ, માત્ર ઓળખ નથી થઇ શકી; અને એ ઓળખ થશે કોઈ બુદ્ધપુરુષના માધ્યમથી. આપણે એના જેવા થઈને આવ્યા, પણ આપણે અવતાર નથી.
ચાર માટે જો આપણે કાર્ય કરીએ, વિપ્ર, ધેનુ, સુર અને સંત માટે કાર્ય કરીએ, તો આપણે પણ અવતાર કહેવડાવી શકીએ. આપણા મનુષ્યજીવનમાં ચાર હેતુઓ હોય તો આપણે પણ અવતાર બનીએ. હું યુવાન ભાઈ-બહેનોને ખાસ કહીશ, કે હજી બહુ જીવન હાથમાં છે. જો રાષ્ટ્રને આ ચાર હેતુ માટે તમારું જીવન સમર્પિત થાય તો તમારી યુવાનીને મારી વ્યાસપીઠ અવતાર કહેવા તૈયાર છે. બત્રીસ વર્ષનો એક નવયુવાન, ભગવાન શંકરાચાર્ય, ઈશ્વરનો અને આચાર્યનો અવતાર કહેવાય. વિવેકાનંદજીને દેશ અવતારી પુરુષ જુએ છે. સ્વામી રામતીર્થએ અવતારી છે. આપણે પણ ચાર હેતુ માટે જીવીએ તો અવતાર કહેવાઈએ. ભાઈ હોય કે બહેન, તમે સમજજો, વિચારજો.
ભગવાન રામના જીવનને અવતાર કહેવો. કારણ એનો એક હેતુ હતો, વિપ્ર કાજે આવ્યા છે. વિપ્ર એટલે બ્રાહ્મણ એટલો જ અર્થ કરીશું? તો તો પછી વર્ણાશ્રમ માટે પૂર્વગ્રહ હશે એ લોકો આલોચના કરશે. વિપ્રનો અર્થ છે, જેનામાં વિવેકની પ્રધાનતા છે. જીવનમાં સપનામાંય જે વિવેક ન ચુકે, જેના જીવનમાં ધન, કામના, પ્રતિષ્ઠા, પદની પ્રધાનતા નથી, જેના જીવનમાં કેવળ વિવેક પ્રધાન છે એને આ દેશના ઋષિઓએ વિપ્ર કહ્યો છે. મારા ને મારા ને તમારા જીવનનો પહેલો હેતુ વિવેક હોય, તો આપણે પણ અવતાર છીએ.
વિવેક માટે જીવવું, આંતર, બાહ્ય બન્ને વિવેક. સમાજમાં, રાષ્ટ્રમાં, મારા પડોશમાં, મારા પરિવારમાં હું વિવેકથી જીવું. મારું કદાચ કોઈ મૂઢતાને લીધે અપમાન કરે, યા મારું નુકસાન કરે, તો મારો વિવેક એનો બદલો નહિં લે. આવી વૃત્તિ જો ભારતની યુવાનીમાં આવે, તો યુવાન અવતાર છે. માનવજીવન ધન્ય છે. પહેલી શર્ત છે માનવજીવન વિવેક પ્રધાન હોય. આપણે બધા વિવેક ચૂકીએ છીએ. લોકસભામાં, વિધાનસભામાંય ક્યારેક વિવેક દેખાતો નથી.
નાની એવી શાળાથી માંડી વિશ્વવિદ્યાલયો સુધી, જયારે આપણે વિવેકથી વર્તતા હોઈશું, ત્યારે દેશ અવતારી પુરુષોનો કહેવાશે. કથાનો શ્રોતા વિવેક ચુકે, વક્તા ચુકે ત્યારે શું સત્સંગ બદનામ નહિ થાય? વિવેકનો બહુ મહિમા છે અને વિવેક મળે છે, કોઈ સાધુના સંગથી. સાધુ એટલે સાધુ ચરિત માણસ. ફક્ત કોઈ તિલકવાળો જ નહિ, પેન્ટમાં, ચડ્ડીમાં, કોઈ પણ વેશમાં હોઈ શકે. વિવેક એનું નામ, સત્સંગ થયા પછી આપણું સ્વરૂપ બદલાઈ જાય, આપણું રૂપાંતર થઇ જાય.
ભગવાને મનુષ્ય અવતાર લીધો એનું બીજું કારણ, હેતુ છે-ગાય. જે યુવાની ગાયો માટે કામ કરતી હશે, એ અવતાર ગણાશે. ગાય એટલે ફક્ત પશુ જ નહિ, ગાયનું તો જતન કરવાનું જ છે, ગાયનો એક અર્થ થાય છે ધરતી. એટલે રામાયણમાં ધરતી ગાયનું રૂપ લઈને દેવતાઓ પાસે ગઈ છે. હું જે ધરતી પર આવ્યો છું એ ધરતી વધારે સુશોભિત થાય તેવું જીવતર હોવું જોઈએ. ધરતીનું પર્યાવરણ બચે, ધરતી પ્રદૂષિત ન થાય. ગાય, સગવડ હોય તો પાળે, યા ગો સદનમાં દત્તક લે. એ રીતે તો ગાયનું જતન કરવાનું. પણ ગો એટલે ગાય, ગોપાલ, ઇન્દ્રિયો, વાણી, પાણી, સ્વર્ગ અને પક્ષીને પણ ગો કહેવાય.
સમગ્ર પૃથ્વીનાં ઘટકોને સાચવે. હું પાણી ન બગાડું, હું વૃક્ષોનું છેદન ન કરું, હવા પ્રદૂષિત ન કરું, અકારણ પરમાત્માની સૃષ્ટિને કુરૂપ ન કરું. પૃથ્વીને ગાયનું રૂપક આપી શાસ્ત્રકારોએ બહુ વર્ણન કર્યાં છે. જેનું જીવન આખી ધરતી માટે છે, એવો ભાવ જેનામાં આવશે, એ મારી દૃષ્ટિએ અવતાર ગણાશે. એટલા માટે આ દેશનો ઋષિ કહે છે, આખી પૃથ્વી મારું કુટુંબ છે. આપણે કેવળ આપણા માટે નથી. આપણે પણ બધા સાથે જોડાયેલા છીએ. ખાલી ફૂલ ખીલે છે એમ નહિ, આપણે પણ ખીલીએ છીએ. સૂરજ ડૂબે એટલે ફૂલ મુરઝાઈ જાય, એમ નહિ, આપણે પણ મુરઝાઈએ. આખી ધરતી માટે આપણે છીએ.
ત્રીજું કારણ છે, પ્રભુ દેવતાઓ માટે અવતર્યા. આપણું મનુષ્ય શરીર પણ જો એ દૈવી ગુણોને લઇ દિવ્ય બનશે, ત્યારે એ પણ અવતાર ગણાશે. આપણે દેવ થવું નથી, દિવ્ય જીવન માટે જીવવું છે. આપણે કંઈ દુર્ગુણો માટે થોડા આવ્યા છીએ? હોય તો યે એને બદલીને આપણે સદગુણોને અર્જિત કરીએ. અમારા રામાયણકારો, ચાવીઓનાં ઝુડા લઈને, કટાઈ ગયેલાં તાળાં ખોલવા ગામડે ગામડે ફરે છે. એ ખુલી જાય એવો નમ્ર પ્રયાસ છે. જગત તો ગુણ-અવગુણથી ભરેલું છે, એમાં ગુણો કેમ અર્જિત કરવા ? હે જીવ, તું હરિ ભજ. સત્સંગ કરતા-કરતા જીવન જ્યારે સદગુણોથી ભરાવા માંડે, ત્યારે સમજવાનું કે આપણું જીવન ધન્ય બને છે.
ચોથું કારણ-સંત હિત. ભગવાન રામ શું કામ ધરતી પર આવ્યા? સંતો માટે, સાધુઓ માટે પ્રભુ પધાર્યા. આપણા મનુષ્ય જીવનમાંયે આપણે સંત માટે જીવતાં હોઈએ તો આપણે પણ અવતાર કહેવડાવી શકીએ. હવે, સંત માટે જીવવું એટલે? સંતને પગે લાગવું, એને દાન આપવું ? મારા જીવનમાં એવી સાધુતા આવે, હું એટલા માટે જીવું.
(સંકલન: જયદેવ માંકડ)



