ધર્મતેજ

માનસ મંથનઃ જીવનમાં સમ્યક ક્રોધ ને કામ જરૂરી છે, ઈર્ષ્યા કે નિંદાની જરૂર છે?

મોરારિબાપુ

આપણે આપણા હૈયાને વૃંદાવન બનાવી લેવું જોઈએ. માનવ માટે અહીં કથાના દરવાજા ખુલ્લા છે. માનવ હોય, માનવ બનવા માંગતો હોય તે આવે. અમુક વાતો આપણે નિર્દંભપણે સ્વીકારવી જોઈએ. દંભમાં અને દંભમાં આટલા વર્ષો ન કાઢી નખાય! `સમ્યક’ શબ્દ વાપરું. જીવનમાં સમ્યક કામની જરૂરત છે.

સમ્યક ક્રોધ ની જરૂરત છે. સમ્યક લોભ હોવો જોઈએ. નિષ્કામ બનો, તે પ્રવચનોમાં સારું લાગે. બોધમાં રહો, તેવું કહેનારાને શરીર પર માખી અડી જાય તો થપાટો મારે છે! ઉઘાડા શરીરે જે પૂજા કરતા હોય તે બોધમાં હોય પણ માખીને મારે છે! માખી પર જેને ખીજ ચઢે તે હિંસા કર્યા વિના રહી ન શકે.

આયુર્વેદ કહે છે, શરીરમાં વાત,કફ અને પિત્ત ત્રણેયની જરૂર છે. કામ એ વાત છે, કફ એ લોભ છે. સમ્યક લોભ હોવો જોઈએ. ક્રોધ એ પિત્ત છે. પણ શરીરમાં પિત્તપ્રકોપ ન થાય તેનું ધ્યાન રાખવું.

જ્યારે આપણા પ્રાણને આપણે બધામાં સમાયેલા જોતા રહીએ છીએ તો, સર્વત્ર સમદર્શનમ્. બધી જગ્યાએ, બધામાં પ્રભુ જ દેખાય છે. મારા પ્રાણ સર્વમાં છે. જેમ કોઈ સંદેશાવાહક આપણને જાણ કરે, એમ એવી સ્થિતિ આવે કે પ્રાણ આપણને ખબર કરે કે હવે ઓળખાણ પાક્કી થઈ ગઈ છે કે બધામાં સકલ મારી જ છે. આ આંખો ધોખો દઈ શકે છે પણ પ્રાણ જાણ કરી દે કે તમારે નામ આ સંદેશો છે. અને તમારી જે ચેતનાની સકલ છે, તે બધામાં છે.સર્વત્ર સમદર્શનમ્; ત્યારે બધામાં હરિદર્શન થશે. અને ભગવાન જ્યારે બધામાં દેખાય તો પછી વાત બની ગઈ.

મનુસ્મૃતિમાં પાઠ છે, બિલકુલ ગીતાનો પાઠ છે. ભાવ એ છે-બધામાં હરિદર્શન. ગીતા કહે છે, સમવર્તી નહીં, સમદર્શી બનો. જીવન એવી અવસ્થા થઈ જાય. ગણેશની પૂજા હોય, અને કળશમાં આવાહન કરો તો જોનારા જોઈ શકે કે ગણેશમાં પણ ચાંદી છે અને સિક્કામાં પણ ચાંદી છે. સર્વત્ર સમદર્શનમ્-બધી જગ્યાએ હરિ દેખાય છે.

નિજ પ્રભુમય દેખહિ જગ, કેહિ સન કરહિ બિરોધ
સુનુ ખગેશ નહિ કછુ રિષિ દૂષન, ઉર પ્રેરક રઘુબંસ બિભુષન

કાગભુશુંડિજી કહે છે કે મારા ગુરુએ મને શ્રાપ આપ્યો, હવે મને ક્યાંય વિરોધ નથી રહ્યો. હવે બધામાં હરિદર્શન કરૂં છું. આ બે સ્થિતિ થઈ જાય તો બધામાં પ્રભુ દેખાય. અને બધામાં પ્રભુ દેખાય તો ઘણી ઝંઝટો ઓછી થઈ જાય. એટલે અંતિમ સૂત્રમાં આવે છે કે આવું થાય ત્યારે `શિવતુલ્યો જાયતે’ માણસ શિવતુલ્ય બની જાય છે. ચિદાનંદ રૂપ: શિવોહમ્‌‍ શિવોહમ્. માણસ ખુદ શિવતુલ્ય થઈ જાય છે.

શાસ્ત્રમાં આઠ પાશ બતાવ્યાં છે. આ પાશને કારણે જીવ બંધાય છે.
ઘણા, શોકં, ભયં, લજ્જા, જુગુપ્સા, ચેતિ પચ્ચમી
કુલં, શીલં ચ જાતિશ્ર ઇતિ અષ્ટૌ પાશા:
આ બધામાં જીવ બંધાયેલો છે, અને પાશમાંથી મુક્ત થાય તો શિવ છે. આ આઠ બંધનમાં છે તે જીવ છે અને તેમાંથી મુક્ત થયેલો સદા શિવ છે.

ઘૃણા-તિરસ્કાર, નફરત, કુભાવ. આ પહેલું બંધન છે. કોઈના પ્રતિ ઘૃણા નહિ. હવે મને બધામાં એ દેખાઈ રહ્યો છે. જ્યારે સમદર્શન થાય ત્યારે એ ઘટના ઘટે, એ પહેલાં નથી થઈ શકતી. તમે બીજા પર તિરસ્કાર, ઘૃણા કરો તો એ તમારા પોતાના પર જ ઘૃણા કરો છો. એ બીજો તો મસ્તીમાં છે, પણ તમારા ચહેરાને દર્પણમાં જોજો, તમે તમારી હત્યા જાતે કરી રહ્યા છો!

અનુભવ કરજો, નહીં તો આ શિવસૂત્ર તમારે માટે બોજ બની જશે, એ ફૂલ બનવાં જોઈએ. તમે બંધનમાં જઈ રહ્યાં છો. જે ઘૃણા કે ઈર્ષ્યા કરે છે એની આંખમાં જ જણાઈ આવે છે. કથા સાંભળો છો તો કૃપયા કોઈના પ્રતિ દુર્ભાવ ન કરો. ઘૃણા નહીં કરો ! કોઈની ન કરો! તમને અધિકાર પણ નથી. તમે અન્યાય કરી રહ્યા છો! સંવિધાનથી વિરુદ્ધ જઈ રહ્યાં છો.

ભારતીય ઋષિઓનું જે સંવિધાન છે. સંકલ્પ કરો કે હે ભગવાન! અમને કોઈના પ્રતિ દુર્ભાવ ન થાય. જ્યારે તમારામાં અહંકાર, યા કોઈના પ્રતિ રોષ આવે, કૃપા કરીને ખિસ્સામાં દર્પણ રાખો ને તમારો ચહેરો જુઓ! જ્યારે કોઈના પ્રતિ રોષ હોય,ત્યારે તમારો ચહેરો તમારો નથી હતો. તમારી ભ્રમરો ચઢેલી હશે, જાણે શયતાન તમારા પર સવાર થઈ ગયો! તમે ઋષિબાળક મટી ગયા, રાક્ષસ બાળક બની ગયા.

તમે વેદના સંતાન મટી ગયા, એક વેદના તમે ઊભી કરી દીધી; અકારણ-બેકાર. ઘૃણા પ્રથમ બંધન છે. શોકમ્-શોકવૃત્તિ જીવનું બંધન છે. કોઈને કોઈ જાતનો શોક થાય ત્યારે આપણે બંધનમાં આવીએ છીએ. શિવ હોય તેને કોઈ શોક હોતો નથી. નાની મોટી વાતોમાં શોક આપણને બાંધે છે.

તો મારા શ્રોતા ભાઈ બહેનો, કામ, ક્રોધ અને લોભ સમ્યક રીતે આપણા જીવનમાં જરૂરી છે, પરંતુ હું પૂછું છું કે ઈર્ષા, નિંદા અને દ્વેષની ક્યાંય જરૂર છે ખરી? આ ત્રણની જરાય જરૂર નથી. જ્યાં સુધી મારી સભાનતા છે ત્યાં સુધી હું કોઈની ઈર્ષા, નિંદા કે દ્વેષ કરું તે દિવસે હું વ્યાસપીઠ છોડી દઈશ કે હું આને લાયક નથી. મારી આંખમાં તમે ઈર્ષા જોઈ જાઓ, મારા વચનમાં તમને નિંદા દેખાય તો કહેજો.. વિનોદ કરીએ એ વાત જુદી છે.

નિદાન કરીએ એ વાત જુદી છે, પણ નિંદા નહીં. અને દ્વેષ કોઈનો ન કરીએ. સૌની પોતાની ઉડાન છે. આકાશ આટલું મોટું છે, ઊડયા કરો ને! એકબીજાની હરીફાઈ શું કામ કરો છો? અહીં તો મચ્છર પણ ઉડે અને ગડ પણ ઉડે. આનો અંત કોઈ નથી પામવાનું. પણ સમક્ષેત્રમાં બધાને એકબીજાની ઈર્ષા, નિંદા અને દ્વેષ કરવા છે, આનો અર્થ માણસ કામે, ક્રોધી, લોભી બની જાય એ અર્થમાં હું નથી કહેતો. પરંતુ ઈર્ષા, નિંદા અને દ્વેષની જરૂર છે જ નહીં. કંઈ બગડતું નથી જો આ ત્રણ ન કરીએ તો. ઊલટાના સાજા થઈ જશો જો આ ત્રણમાંથી નીકળશો તો. જેને માનવ બનવું હોય તેણે આ ત્રણ વસ્તુ કાઢવી.

  • સંકલન: જયદેવ માંકડ

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button