માનસ મંથનઃ સહજ સંકોચ ને લજ્જા મા ચામુંડાનું રૂપ છે… નવરાત્રી આવી સમજ સાથે ઉજવીએ | મુંબઈ સમાચાર
ધર્મતેજ

માનસ મંથનઃ સહજ સંકોચ ને લજ્જા મા ચામુંડાનું રૂપ છે… નવરાત્રી આવી સમજ સાથે ઉજવીએ

  • મોરારિબાપુ

या देवी सर्वभूतेषु शक्तिरुपेण संस्थिताम् |
नमस्तस्यैः नमस्तस्यैः नमस्तस्यैः नमो नमः ॥

માર્કંડેય આદિ મુનિઓએ આ લજ્જારૂપ માને વખાણી છે. લજ્જા, મર્યાદા, શીલ, સ્વયં સ્વીકારાયેલી લક્ષ્મણરેખાઓ, દબાણથી નહીં. મીરાંએ નૃત્ય કર્યું હશે. આજે પણ કોઈ પણ નૃત્ય કરતું હશે, પણ સ્ટેજથી બહાર ન નીકળી જાય એમ સ્વીકારેલી એક લક્ષ્મણરેખા હોય છે. લક્ષ્મણજીએ સીતાજીને જરાયે એમ નથી કહ્યું કે હું મારા બાણથી રેખા દોરું છું અને તમે બહાર ન નીકળશો. એને ખબર છે કે આ મા છે એ કોણ છે?

લક્ષ્મણજીએ કહ્યું કે, ‘મા, હું આ રેખા એટલા માટે દોરું છું કે આ રેખાની અંદર કોઈ નહીં આવે.’ સ્વયં સ્વીકારાયેલી લક્ષ્મણરેખાઓ, એ લજ્જા! ગામડાંમાં ગામની દીકરી, વધૂઓ પાણી ભરવા જાય તો બજાર વચ્ચેથી નીકળે ત્યારે પગની પાનીઓ ન દેખાય! અને ગામડાંમાં વર-વધૂઓ પરગામ જતા હોય તો સાથે પણ ન ચાલે, આગળ-પાછળ ચાલતા હોય. દિશાઓ અમને જુએ છે. આભમાં અમારા પુણ્યશ્ર્લોક વડવાઓ અમને જોઈ જાય.

આ લજ્જા ભગવતીનું રૂપ છે. આવી લજ્જા! જુઓ ત્યાં સમજજો કે લજ્જારૂપે મારે ત્યાં ચામુંડા આવી છે. નવરાત્રિની ઉપાસના આપણે બહુ કરી પણ હજુ અંધારું ઘણું ઉલેચવાનું બાકી છે. ‘લજ્જા’ શબ્દ આવે એટલે નારીનું ભૂષણ ગણાવાયું છે, પણ પુરુષોએ પણ લજ્જા રાખવાની જરૂર છે. જેણે સ્વયંભૂ લજ્જા ધારણ કરી એને આપણે બહુ આગળ આવવા નથી દીધાં! એને ઓરડામાં આપણે પૂરી રાખ્યાં છે! અને તેથી એક પણ સ્ત્રીને આપણે જગદ્દ્ગુરુ બનવા નથી દીધી. વારો આપો એકાદ વખત! એ પરાઅંબા જગદ્દ્ગુરુની પીઠ પર બેઠી હોય.

ઈસાઈ ધર્મનો એક પણ વડો હજુ સ્ત્રી નથી બની શકી! સારું છે કે હવે તો મહામંડલેશ્વર બહેનોને બનાવે છે. મંડલેશ્વરીપદ આપવામાં આવી રહ્યું છે. સ્ત્રીઓએ ફરિયાદો ન કરી. એને એનાં બાપ-દાદાની દાઢીઓ આડી આવી. એને કુળવાન છોકરાઓ યાદ આવ્યા. તેથી એણે વિદ્રોહ ન કર્યો. અને અમેરિકામાં તો હજી સુધી પ્રેસિડેન્ટ સુધી નથી પહોંચાડી શક્યું! દુનિયા આખીને સલાહ આપે છે! સલાહ આપણને આપે, સહાય બાજુમાં આપે, હદ કરે છે યાર!

રાજનીતિનું શાસ્ત્ર અને સમાજશાસ્ત્ર એ ભારતે પાશ્ચાત્ય દેશો પાસેથી ઉધાર લીધું છે એમાં આ દશા છે! આ બંને શાસ્ત્રો આપણે ઉધાર લાવ્યા છીએ! એના ઉપરથી આપણે બધા નિયમો બનાવ્યા ! લોકસભામાં સ્પીકર તરીકે બહેન બેઠી છે. એક વખતનાં આપણાં આદરણીય પ્રધાનમંત્રી ઇન્દિરાજી, આપણા સી.એમ. સાહિબા બહેન છે. તમે વિવેકથી તુલના કરો તો આ દેશે સ્ત્રીઓને જેટલો આદર આપ્યો એટલો કોણે આપ્યો છે? અને સ્ત્રી પોતે આગળ નથી દેખાતી એ એના કુળની મર્યાદા, લજ્જા છે.

લજ્જા બહેનોમાં તો છે પણ આપણે પણ રાખવાની જરૂર છે. ખાલી ખોંખારાથી બધું પૂરું ન થવું જોઈએ! આપણી પણ મર્યાદા છે. આજની પેઢીને તો મારે બહુ વિનંતી કરવી છે કે દેશ-કાળ લાગુ પડ્યો છે; પણ વર-ક્ધયા પરણતા હોય ત્યારે દીકરી વધારે તેજસ્વી દેખાય છે, વરરાજો કેમ ઝાંખો દેખાય છે?

યુવાનીને ખાસ કહેવાનું કે તમે નાચજો, ગરબા લેજો મા સામે, રાસ લેજો પરંતુ આ ઋષિનો દેશ છે, એની મર્યાદા રાખજો. એવા સમાચાર મળે છે કે યુવાનો નશો કરીને રમે છે ! ત્યારે તારી અંદરની જ્યોત ઓલાઈ જશે ! કઢંગા નૃત્યોયે ના કરશો! આપણી પાસે તાલ અને સૂર કેવા છે સાહેબ ! કેવા ગરબા છે! એટલું બધું પાશ્ર્ચાત્ય લેવાની શું જરૂર છે સાહેબ ? ‘રામચરિતમાનસે’ આ લજ્જારૂપેણનું બહુ દર્શન કર્યું. કેવી મર્યાદા સાચવીને આગળ વધ્યું આ શાસ્ત્ર !

सोह नवल तनु सुंदर सारी |

જાનકીજી જ્યારે માંડવામાં બેઠાં છે. તુલસીજીને એ પરાઅંબાનું રૂપ છે, એની જે શોભા છે, સૌંદર્ય છે, એ કહ્યાં વગર રહેતું નથી. અને છતાં લજ્જા અને મર્યાદાનો ભંગ ન થાય એનું ધ્યાન રાખવું છે. મા જાનકીના નવલ શરીરને, નવલ શરીરમાં બધા શૃંગાર આવી ગયા. એની ઉંમર પ્રમાણેનું એનું સાત્ત્વિક સૌંદર્ય. પણ બીજું વર્ણન તુલસીએ ન કર્યું. કાલિદાસની વાત જુદી છે. આ તુલસીદાસ છે, આ ગોસ્વામી છે, આ ગોસાઈ છે, જેણે ઇન્દ્રિયો ઉપર સ્વામીત્વ પ્રગટ કર્યું છે. તો, જગદંબાનું એક રૂપ લજ્જા છે.

લજ્જા, મર્યાદા, લાજ આ ચંડી છે. આપણામાં લાજ રહે, આપણી લજ્જા રહે, મર્યાદા રહે, શાલીનતા રહે, આ બધાં જ તત્ત્વો જ્યારે કોઈનામાં આપણે જોઈએ ત્યારે માનવાનું કે એનામાં લાજરૂપે મા ચામુંડા બેઠી છે. મર્યાદારૂપે જગદંબા એનામાં બિરાજમાન થાય. કેટલાં કેટલાં વિશાલ તત્ત્વોથી આપણા જીવનમાં બેઠી છે!

આપણને એમ શીખવાડવામાં આવ્યું છે કે જેને ભજન કરવું હોય એને જાગતા રહેવું. અને જાગતા રહેવું જોઈએ ચોક્કસ. પણ કોઈ ચોવીસેય કલાક જાગવાની જરૂર નથી. પણ કહે, ભાઈ જે જાગતા નથી ને સૂતા જ રહે છે એ શું ભજન કરી શકે એવી વાત મોટેભાગે એમ કહેવાય છે.

તો, યુવાનીમાં શિવ સ્તુતિ કરવી. બળ-બુદ્ધિ-વિદ્યા વધશે. યુવાન તું પત્નીને આદર આપજે. ડાબી તરફ રાખજે, એટલે કે હૃદય જેટલો આદર આપજે. યુવાનીમાં સંયમપૂર્વક ભોગ ભોગવજે, જેથી ચંદ્રની જેમ અજવાળું રહે. જીવનમાં ઝેર પીજે; નીલકંઠની જેમ પચાવજે. તું શંકરનો અંશ છે. શંકરે ભસ્મ ચોળી છે; ગમે તેવું શરીર પણ એક દિવસ રાખ થવાનું છે, એનું સ્મરણ રાખજે. મારાં યુવાન ભાઈ-બહેનો, જ્યારે યુવાનીનાં પગથીયાં ચઢો ત્યારે કોઈના માર્ગદર્શન હેઠળ જીવજો.
સંકલન : જયદેવ માંકડ

આપણ વાંચો:  મનનઃ વર્ષની ચાર નવરાત્રી…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button