દરેક ધજા નિમંત્રણ આપી રહી છે કે આવ, તારું સ્વાગત છે…

માનસ મંથન – મોરારિબાપુ
ઘણા લોકો મને એવું પૂછે છે કે ગુરુઓની શું જરૂર છે? જેને જરૂર ન હોય એ એમ જ જઈ શકે છે. ભારતમાં જેટલી આધ્યાત્મિકતા છે, એટલી કયો દેશ આપી શકે છે? ગયા છે કેટલાયે મહાપુષ. પણ હું મારી જાતને અંદર ઉતારી બોલી રહ્યો છું, કે આપણા જેવા લોકો માટે ગુ વિના યાત્રા સંભવ નથી, તમે કદાચ સાંભળ્યું હશે, એક અમેરિકન કહાની છે. કહે છે કે આ બનેલી ઘટના છે.
જે હોય તે, પણ સાર બહુ અદ્ભુત છે મારી સમજમાં. એક કવિ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા, કવિ જેમાં બેઠા છે, એમાં એક યુવાન પણ બેઠો છે. બિલકુલ ડબ્બો ખાલી છે. ટે્રન જઈ રહી છે. યુવક ત્યાંથી ઊભો થઈને કવિને કહેવા લાગ્યો કે તમે જે સીટ પર બેઠા છો અને પ્રકૃતિ નિહાળી રહ્યા છો, શું હું પ્રાર્થના કરી શકું કે મને આપ ત્યાં બેસવા દેશો ? ઊભા થતાં કવિએ કહ્યું કે `યુવાન ! હું ઊભો થઇ જાઉં છું, પરંતુ શું તું મને કહી શકીશ કે આખો ડબ્બો ખાલી છે, અને કોઈ પણ જગ્યા પરથી બારીમાંથી તમે પ્રકૃતિને જોઈ શકો છો, તો આ જ જગ્યાનો આગ્રહ શા માટે? કૃપા કરીને મારી જીજ્ઞાસાને સંતોષ.
એ યુવકે પોતાની કથા શરૂ કરી. દસ વર્ષ પહેલાં મેં એક ભયંકર પાપ કર્યું હતું. મારાં મા-બાપ માથું ઊંચું રાખી ન શકે એવું પાપ કર્યું હતું. હું પકડાઈ ગયો. દસ વર્ષ સુધી હું જેલમાં હતો. બે ત્રણ દિવસ પહેલાં છૂટ્યો છું. કવિરાજ, દસ સાલ મારી જેલમાં રહેવાની યાત્રા દરમિયાન મારાં મા-બાપ મને જેલમાં મળવા સુધ્ધાં નથી આવ્યાં ! મારા કાર્યને લીધે એ લોકો બદનામ થઇ ગયા હતા. તેઓ મને એક ચિઠ્ઠી તો લખી શકતા હતા, કે બેટા! તું કેમ છે? મેં જરૂર પાપ કર્યું છે. હું એકનો એક દીકરો, તેઓ મારાં મા-બાપ છે, આખરે ચિઠ્ઠી મોક્લતે તો યે સંતોષ થઇ જાત. પણ દસ વર્ષમાં એક ચિઠ્ઠી પણ ન આવી. મારી સજા પૂરી થઈ છે અને હવે મારે ઘેર જવાનું છે, હવે જે સ્ટેશન આવનાર છે, એ માં ગામ છે…કવિ કહે પણ મૂળ વાત તો કહો કે આ સીટનો આગ્રહ કેમ?
યુવકે કહ્યું કે એ જ વાત હવે આવે છે. માબાપ મળવા નથી આવ્યાં, અરે એક ચિઠ્ઠી પણ નથી મોકલી, એટલે હું નિર્ણય નથી કરી શકતો કે એ લોકોએ મને પરિવારમાં રાખ્યો છે કે મને ભૂલી ગયા છે? હોઈ શકે કે એ લોકો એમ કહે કે અમે તને માફ નથી કર્યો. કદાચ એમણે એ નિર્ણય કરી લીધો હોય અને હું સામેથી જાઉં, તો તેઓ નારાજ થઇ જાય. એટલે મારો છૂટવાનો દિવસ નક્કી થયો કે પંદર દિવસ પહેલાં મારાં માબાપને મેં પત્ર લખ્યો કે દસ વર્ષથી તમે મને યાદ નથી કર્યો, ક્યારેય પત્ર નથી લખ્યો, હું માનું છું કે હું ભૂલી જવાને યોગ્ય છું.
છતાં પણ હું આવી રહ્યો છું. અને શાયદ તમે મારો સ્વીકાર ન કરો, યા તો તમને સંકોચ ન થાય, તે માટે લખ્યું છે જો તમે મારો સ્વીકાર કર્યો હોય, તો આપણું જે ખેતર છે, એમાં સફરજનનું એક ઝાડ છે, એના પર એક સફેદ ધજા ચઢાવી દેજો. ઝાડ પર ધજા દેખાશે, તો હું સમજીશ કે આપે મારો સ્વીકાર કરી લીધો છે અને ધજા નહિં તો હું સમજીશ કે મારે માટે જીવનમાં કંઈ નથી અને એ ખેતર, એ ધજા મને આ સીટ પરથી દેખાય એમ છે, તેથી હું આ જ સીટ પર બેસવાનો આગ્રહ રાખું છું. યુવાન બેસી ગયો, કવિ સામે બેસી ગયા. જેમ જેમ પોતાનું ગામ પાસે આવતું જાય છે તેમ યુવાન ફૂટ ફૂટ રડવા માંડ્યો, એકદમ ઊભો થઇ ગયો. કવિરાજને પ્રાર્થના કરી કે તમે આ જગ્યા પર બેસી જાઓ. પૂછ્યું, કેમ? યુવકે કહ્યું કે મારી આંખોમાં અત્યારે એટલાં આંસુ છે કે મારાં માબાપ એ ધજા લગાવી હોય અને કદાચ હું ન જોઈ શકું તો? એના પર મારી જિંદગીનો મદાર છે, નિર્ણય છે. વાત તર્કસંગત લાગી. કવિરાજ બેસી ગયા.
બે-પાંચ મિનિટમાં સ્ટેશન આવવાનું જ હતું. ગાડી રોકાઈ. ખેતર પાસે ડબ્બો આવી ગયો. જુઓ, આ વખતે કવિ રડી રહ્યા છે. યુવક નિર્ણય ન કરી શક્યો કે શું બની રહ્યું છે! તેને થયું કે શાયદ મારા માટે રડતા હશે કે ધજા નથી, કદાચ બીજું કોઈ કારણ હશે. યુવક કવિરાજને પૂછે છે કે તમે કેમ રડો છો? કવિરાજે કહ્યું કે હું દુ:ખનું નથી રડતો, આ તો હર્ષના આંસુ છે. કહો, કઈ બાબતનો હર્ષ છે ? કહે, યુવાન ! સફરજનના ઝાડ પર એક નહીં, અનેક ધજા લાગેલી છે. એક પણ પાંદડું કે ડાળી દેખાતી નથી, જ્યાં જુઓ ત્યાં ધજા જ ધજા દેખાય છે. ઊતરી જા. કહાની ત્યાં પૂરી થઇ જાય છે, પણ બહુ બળ આપે છે.
મારાં ભાઈ-બહેનો, જીવનની યાત્રામાં નિરાશ ન થતા બાપ ! કે માબાપ અમારો સ્વીકાર કરશે કે નહિ? જનમ જનમની જેલ ભોગવતાં નીકળ્યા છીએ. હિંદુસ્તાનના મંદિર, મંદિર પર ધજાઓ જ ફરકી રહી છે. દરેક ધજા નિમંત્રણ આપી રહી છે કે આવ, તાં સ્વાગત છે. આપણી આંખને લીધે આપણે એ ધજા શાયદ જોઈ ન શકીએ, કોઈ મહાપુષને એ સ્થાન પર બેસાડવા પડે છે કે દાતા, અમે નિર્ણય નથી કરી શકતા કે ધજા છે કે નહીં ? અમારો સ્વીકાર છે કે નહીં ? અને ત્યારે કોઈ સદ્ગુ રડતાં રડતાં કહેશે કે એક ધજા નથી, ધજા હી ધજા છે. જો કોઈ પરમનો આશ્રય કરીએ તો, અને આપણા જેવા માટે એ જ તો એક માત્ર ઉપાય છે.
- સંકલન : જયદેવ માંકડ
આપણ વાંચો : માનસ મંથન : સિંદૂરવાળા પથ્થરને આપણે ઠુકરાવતા નથી તો જીવંત માણસને કેમ ધિક્કારીએ છીએ?