મનનઃ વંદે જગત કારણમ્ | મુંબઈ સમાચાર

મનનઃ વંદે જગત કારણમ્

હેમંત વાળા

કારણ એટલે અસ્તિત્વ પાછળનું મુખ્ય પરિબળ. કારણ એટલે ઘટીત થતી સર્વ ઘટનાઓનો આધાર. કારણ એટલે સર્જન માટેની શક્તિ. કારણ એટલે દરેક પરિસ્થિતિને નિયમબદ્ધ રાખનાર નિયંતા. કારણ એટલે સર્જન, સ્થિતિ તથા પ્રલય પાછળ રહેલો નિર્વિકલ્પ સંકલ્પ. કારણ એટલે મૂળભૂત પરિકલ્પના જેને આધારે પ્રત્યેક ઘટના ઘટીત થાય. આ કારણ વિના જગતનું અસ્તિત્વ જ સંભવી ન શકે. જગતના તે કારણે વંદન છે.

જગતમાં જે રીતે નિયમબદ્ધતા જોવા મળે છે, જગતની દરેક બાબતનું જે રીતે ઝીણવટ ભર્યું વિગતિકરણ થયું છે, જગતમાં વિવિધતા વચ્ચે જે રીતે એકસૂત્રતા સ્થાપિત થઈ છે, જગતના નિયમો વચ્ચે જે પરિસ્થિતિમાં અપવાદ ઊભરે છે, જગતમાં જે પ્રકારે સંતુલન જળવાયેલું રહે છે અને જગતમાં જે પરસ્પરનો સહકાર, સુ-સંવાદિતતા, સંકલન અને સુંદરતા સ્થાપિત થઈ છે તેની પાછળ કોઈ ઐશ્વરિય ઉદ્દેશ હોવો જોઈએ – આ ઐશ્વરિય ઉદ્દેશના સ્થાપક અને પાલક એટલે જ ઈશ્વર. આ ઈશ્વર એટલે જગતનું કારણ.

જગત એક આકસ્મિક ઘટના નથી. જગત સ્વયંભૂ નથી. પ્રત્યેક સર્જનની માટે સર્જક હોવો જરૂરી છે અને તેથી જ જગતના અસ્તિત્વ માટે ઈશ્વર જરૂરી છે. જડ જગત ક્યારે સ્વયંચલિત ન થઈ શકે. જે અસ્તિત્વ સંપૂર્ણતામાં સ્થૂળ હોય તેનો વિકાસ સંભવ નથી. ચૈતન્યની હાજરી થકી જ પરિસ્થિતિ વિકસી શકે, નષ્ટ થઈ શકે અને પુન: પ્રગટ થઈ શકે. આ ચૈતન્ય એટલે જ ઈશ્વર, જે આ સમગ્ર પ્રક્રિયામાં તે જ કારણ સ્વરૂપ હોય છે.

આ પણ વાંચો…મનન : થાવ અધિકારી શિવ-કૃપાના…

જગત નિયમાધીન છે. આ નિયમોના આધાર તરીકે કોઈ વ્યવસ્થિત વિચારધારા કાર્યરત છે. અહીં કારણ-કાર્યની શૃંખલા નિર્ધારિત થયેલી છે. દરેક કારણ ચોક્કસ પ્રકારના કાર્યમાં રૂપાંતરિત થાય છે અને દરેક કાર્ય, સામાન્ય સંજોગોમાં, નવા કારણનું કારણ બને છે. કારણ વગર કાર્યનું અસ્તિત્વ સંભવ નથી, કાર્ય વગર કારણની પુન: સ્થાપના શક્ય નથી. આ એક દ્રઢ નિયમ જગતમાં પ્રવર્તમાન છે. જ્યારે કોઈ નિયમ આવી દ્રઢતાથી સ્થાપિત થયેલ હોય ત્યારે તે નિયમના અનુશાસન માટે કોઈ સર્વ શક્તિમાન શક્તિની હાજરી કારણભૂત હોય. આ શક્તિ એટલે જ ઈશ્વર. જગતના અસ્તિત્વ પાછળનું મૂળ કારણ ઈશ્વરનો નિર્વિકલ્પ સંકલ્પ જ છે.

જગતના વર્તનમાં ક્યાંક અપવાદ પણ જોવા મળે છે. અપવાદ એટલે કોઈ નિયમની બહારનો વિસ્તાર. આ અપવાદ માટેના પણ નિયમો છે. જગતમાં આકાર લેતા અપવાદ આકસ્મિક છે એમ ન કહેવાય. કયા નિયમ સાથે કેવા પ્રકારનો, કેટલી માત્રામાં, કયાં કારણોસર, કોને કેન્દ્રમાં રાખીને, કેવા સંજોગોમાં અપવાદ ઊભો કરી શકાય તે માટે વિશેષ નિયમો અસ્તિત્વમાં હોય તેમ પ્રતીત થાય છે. રોજિંદી ક્રિયામાં જેમ નિયમ કાર્યરત હોય તેમ અપવાદ માટે પણ ચોક્કસ નિયમો લાગુ પડતા હોય છે. પ્રકાશ માટેનાં કારણો છે અને અંધકાર માટેના પણ. પ્રકાશ તેમ જ અંધકાર, નિયમ તેમજ અપવાદ, બંનેના નિયંતા, બંનેના કારણ સ્વરૂપ તે ઈશ્વર છે.

આ ઈશ્વર એટલે જ મહાદેવ જેમની ભોળાનાથ, શિવ શંભુ, શંકર, ભક્ત વત્સલ, ભવ, શર્વ, રુદ્ર, પશુપતિ, ઈશાન, ત્રિલોકેશ, ત્રિપુરારી, જટાધરાય, કૈલાસવાસી, કપાલિની, ત્રિનેત્ર જેવા અનેક નામ-વિશેષણથી સ્તુતિ થાય છે. ઈશ્વર એટલે જે સૌથી સૂક્ષ્મ હોવા છતાં સૌથી વિરાટ છે, સૌથી તરુણ હોવા છતાં સૌથી વૃદ્ધ છે, સૌની નજીક હોવા છતાં દ્રશ્યમાન ન જણાય તેવું કારણ. જગતના આ કારણ સ્વરૂપ ઈશ્વરને વંદન હો.

જે ધર્મ સાથે સ્થાપિત થયેલો ધર્મ છે અને આવા ધર્મની સ્થાપના માટે છે કટિબદ્ધ છે, જે જ્ઞાનની ચરમસીમા કક્ષાનું જ્ઞાન છે, જે સત્ય પાછળનું સત્ય છે, ભક્તિના ફળના જે અનુદાતા છે, જે પવિત્રતા પામવા કરાતાં કર્મોના ફળ દાતા છે, જે અહીં તહીં સર્વત્ર છે, જે ભૂત ભવિષ્ય વર્તમાન છે, જેની અંદર બધું જ સમાયેલું છે છતાં પણ જે બધાથી પર છે, સાક્ષીભાવની યથાર્થતા માટે જે સાક્ષી છે તે સર્વનું કારણ છે, તે કારણનું પણ કારણ છે. તે સદા વંદનીય છે.

જગતનું સર્જન, પાલન પોષણ અને સંહાર તેને આધીન છે. જગતનું વૈવિધ્ય તેની રસિકતાને કારણે છે. જગતની એકસૂત્રતા તેના નિયમોને આધીન છે. જગતની સુંદરતા તેમનાથી ઉદ્ભવી છે અને જગતમાં જે રૌદ્ર સ્વરૂપ વર્તાય છે તેનો આધાર પણ તે જ છે. જગતમાં ધર્મ અને સત્યની જે સત્તા પ્રવર્તે છે તેની પ્રેરણા મહાદેવ છે અને સાથે સાથે અધર્મ અને અસત્યનું અસ્તિત્વ પણ તેમના દ્વારા જ નિર્ધારિત થયેલ કોઈ કારણને આધારે છે.

ઈશ્વરની અધ્યક્ષતાને કારણે વરસાદ વરસે છે, વૃક્ષ ફળ આપે છે, પક્ષીઓ કલરવ કરે છે, પ્રાણી પોતાના નિમિત્ત કર્મમાં સંલગ્ન રહે છે, અવકાશી ગોળાઓ પોતાની મર્યાદામાં રહીને ગતિ કરે છે, ચંદ્ર શીતળતા તો સૂર્ય ગરમી દ્વારા આશીર્વાદ વરસાવે છે, શીતળ-મંદ પવનની પ્રતીતિ થાય છે, સમુદ્રમાં ભરતી આવે છે અને પછી ઓટ આવે છે અને એમ ભરતી-ઓટનું ચક્ર ચાલ્યા કરે છે, જે જન્મે છે તે મૃત્યુ પામે છે અને મૃત્યુ પામેલ નવો દેહ ધારણ કરે છે.

ઈશ્વરની અધ્યક્ષતાને કારણે કર્મના સિદ્ધાંતો કાર્યરત રહે છે, ન્યાયની સત્તા પ્રવર્તમાન રહે છે, કુદરત જેવા સાથે તેવો વ્યવહાર કરે છે અને આ બધા સાથે જગતમાં જાણે એકરાગતા છે. એમ જણાય છે કે જગતના બધાં જ મણકા ઈશ્વર નામના એકસૂત્રમાં પરોવાયેલા છે. ઈશ્વર છે એટલે બધું જેમનું તેમ રહી શકવાનું કારણ. શ્રાવણ મહિનાના પવિત્ર દિવસે આ કારણને વંદન હો.

આ પણ વાંચો…મનન : સત્યની સાબિતી સત્ય જ આપી શકે…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button