ધર્મતેજ

મનન: ગીતાના તે ચાર શ્ર્લોક

-હેમંત વાળા

આજકાલ દરેક વ્યક્તિ ગીતામાં શું જણાવાયું છે તે જાણે છે, ગીતા વિશે અભિપ્રાય આપી શકે છે, ગીતાનું જ્ઞાન બધાંને આપી શકે છે. એમ જણાય છે કે દરેક વ્યક્તિ ગીતા-વિષયમાં પારંગત છે. સમગ્ર ગીતાનું જ્ઞાન દસ વાક્યમાં, ગીતાના દરેક અધ્યાયનો સાર એક એક વાક્યમાં, ગીતાનો સાર એક ફકરામાં – આવી ઘણી વાતો બજારમાં ફરે છે. આ એક જોખમી હકીકત છે.

એમ જણાય છે કે મોટાભાગના લોકોને ગીતાના માત્ર ચાર શ્ર્લોકની જાણકારી હોય છે. બીજા અધ્યાયનો સુડતાળીસમો શ્ર્લોક – ‘કર્મણ્યેવાધિકારસ્તે’, ચોથા અધ્યાયનો સાતમો અને આઠમો શ્ર્લોક – ‘યદા યદા હિ ધર્મસ્ય’ અને ‘પરિત્રાણાય સાધૂનાં’ અને બેસણાની જાહેર ખબર વાંચી વાંચીને યાદ રહી ગયેલો બીજા અધ્યાયનો તેવીસમો શ્ર્લોક – ‘નૈનં છિન્દન્તિ શસ્ત્રાણિ’. બસ ગીતાનું જ્ઞાન પૂરું. આ શ્ર્લોક પણ આખાં આવડતાં હોય તેની કોઈ ખાતરી નહીં. વોટ્સએપમાં મેસેજ વાંચી વાંચીને લોકો ‘ગીતા-જ્ઞાની’ બની ગયાં છે. આ ચાર શ્ર્લોક અગત્યના છે, મહત્ત્વના છે પણ ગીતામાં તેનાથી ઘણું વધારે કહેવાયું છે. ગીતાનું ઊંડાણ અપાર છે, અમાપ છે.

કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન, મા કર્મફલહેતુર્ભૂર્મા તે સંગોઽસ્ત્વકર્મણિ. – અર્થાત તારો અધિકાર કર્મમાં જ છે, તેનાં ફળમાં કદી નહીં. તું કર્મફળના હેતુ વાળો ન થા, તેમ જ કર્મ ન કરવામાં તારી આસક્તિ ન થાઓ. ફળની આશા રાખ્યા વગર નિષ્કામ ભાવે, નિ:સ્વાર્થ, નિમિત્ત કર્મ કરવાં માટેની આ વાત છે. આ વાત બધાં જ જાણે છે અને એમ માનવામાં આવે છે કે ગીતામાં માત્ર આ જ અગત્યનું છે, પરંતુ તેમ નથી. ગીતામાં મહત્ત્વની અનેક ગૂઢ આધ્યાત્મની વાતો સમાયેલી છે.

યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત, અભ્યુત્થાનમધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહમ્ અને પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતામ્, ધર્મસંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. – અહીં શ્રીકૃષ્ણ ખાતરી આપે છે કે જયારે જયારે ધર્મની હાનિ અને અધર્મની વૃદ્ધિ થાય ત્યારે ત્યારે તેઓ જન્મ ધારણ કરે છે. આગળના શ્ર્લોકમાં એમ જણાવવામાં આવ્યું છે કે સતપુરુષોના રક્ષણ માટે, દુષ્ટોના વિનાશ માટે અને ધર્મની સ્થાપના માટે શ્રીકૃષ્ણ યુગે યુગે પ્રગટ થાય છે. શ્રીવિષ્ણુના દસ અવતારનો આ ઉદ્દેશ્ય છે. જ્યારે પણ દુનિયામાં અધર્મ વધી જાય, અધર્મ ધર્મ પર હાવી થઈ જાય, સાધુ પુરુષોના રક્ષણની આવશ્યકતા સર્જાય, દુષ્ટ પાપીઓનો સંહાર જરૂરી બને અને ક્ષીણ થઈ ગયેલાં ધર્મને પુન:સશક્ત કરવાની જરૂરિયાત ઊભી થાય ત્યારે ઈશ્વર આ કાર્ય સંપન્ન કરવા અવતરિત થાય. આ વાત પણ દરેક વ્યક્તિ સરળતાથી સમજી શકે તેવી છે અને એટલે સમજી જાય છે.

નૈનં છિન્દન્તિ શસ્ત્રાણિ, નૈનં દહતિ પાવક:, ન ચૈનં ક્લેદયન્ત્યાપો ન શોષયતિ મારુત:. – અહીં આત્માના અસ્તિત્વની વાત થાય છે. અહીં જણાવવામાં આવ્યું છે કે તે(આત્મા)ને શસ્ત્રો છેદતાં નથી, અગ્નિ બાળતું નથી, પાણી ભીંજવતું નથી, પવન તેને સૂકવી શકતો નથી. અહીં આત્માની શાશ્વતતા, અવિનાશીતા અને અવિભાજ્યતા દર્શાવવામાં આવી છે. સનાતની સંસ્કૃતિમાં બધાંને ખબર છે કે મૃત્યુ શરીરને આવે છે આત્માને નહીં. અહીં બધાં જ જાણે છે કે આત્મા તો અજરઅમર છે, અને તેથી આ વાત સમજવામાં અને સ્વીકારવામાં પણ કોઈને તકલીફ નથી પડતી.

આ પણ વાંચો…મનન: તુરીય- તુરીયાતીત

સનાતની સંસ્કૃતિની દરેક વ્યક્તિએ પોતાની જાતને આ પ્રશ્ન પૂછવો જોઈએ કે આ ચાર સિવાય કયા શ્ર્લોકની તેને ખબર છે. અહીં સામાન્ય જન સમાજની વાત છે. એ પણ સ્પષ્ટ કરી દેવું જોઈએ કે કોઈપણ વ્યક્તિ કે વ્યક્તિ સમૂહ નાનપ અનુભવે તે માટેનો આ પ્રયાસ નથી, પરંતુ વાસ્તવિકતા તો જાણવી જ રહી.

થોડીક માહિતી ભેગી કરી લેવાથી વ્યક્તિ જ્ઞાની નથી બની જતો. આ પરિસ્થિતિ દરેક ક્ષેત્રમાં છે. સાંપ્રત સમયની વાત કરીએ તો બે-ચાર મેસેજ વાંચીને લોકો એમ માનતાં થઈ જાય છે કે રશિયા અને યુક્રેનના યુદ્ધ બાબતે તે બધું જ જાણે છે, અને તે વિશે અભિપ્રાય આપવા પણ સક્ષમ છે. પણ આમ નથી હોતું. દુનિયાની વાતમાં પણ જટિલતા પૂર્વક ઘણાં પરિમાણો સમાયેલાં હોય છે. ગીતા તો આધ્યાત્મના ક્ષેત્રની અભૂતપૂર્વ ઘટના છે. તેનું ઊંડાણ, તેનો વ્યાપ, તેની પવિત્રતા, તેની સત્યનિષ્ઠા, તેનું તાત્પર્ય, તેની ગંભીરતા અને તેની વાસ્તવિકતા એમ સહજમાં સમજમાં આવે તેમ નથી. જ્યારે એમ કહેવાતું હોય કે ગીતાના મહાત્મ્યને અર્જુન, વેદવ્યાસ, શુકદેવ, યાજ્ઞવલ્ક્ય અને જનક પણ કંઈક જ જાણે છે ત્યાં માત્ર ચાર શ્ર્લોક જાણનાર વ્યક્તિ ગીતાને તો કઈ રીતે જાણી શકે, પામી શકે.

ઉપર છેલ્લી માહિતીને જ્ઞાન સમજી લેવામાં આવે છે, અને તે પ્રમાણેનો વ્યવહાર પણ કરાય છે. પરિસ્થિતિની ગંભીરતા સમજવાની જરૂર છે. કેટલીક સામાજિક બાબતો માટે આ પરિસ્થિતિ વિશે મોટાં પ્રશ્નો ન હોય, પરંતુ જ્યાં શાસ્ત્રની વાત આવે ત્યાં ગંભીરતાની આવશ્યકતા છે. સમાજ સંસ્કૃતિથી દૂર થતો રહ્યો છે. વેદ, ગીતા કે ઉપનિષદના નામે ગમે તે વાતો ‘વહેતી’ મૂકી દેવાય છે. આ પ્રકારની વાતો કરવી હવે ફેશન બની ગઈ છે. પોતાની જાતને અમુક રીતે સ્થાપિત કરવા અમુક પ્રકારનાં ‘શબ્દો’ વાપરવાં લોકોને હવે વધુ ગમે છે. ઊંડાણમાં જવું નથી અને કિનારે બેસીને છબ-છબિયાં કરવાં છે.

બે-ચાર શ્ર્લોક જાણી લેવાથી વ્યક્તિ જે તે શાસ્ત્રનો જાણકાર નથી બની જતો. વળી ગીતા ઘરના પૂજાસ્થાનમાં મૂકી રાખવા માટે ખરીદેલું એક પુસ્તક માત્ર નથી. ગીતા વિશેની વાતો એ ફેશનનો વિષય પણ નથી. પોતાની સ્થિતિ ગંભીરતાથી પોતે જ સમજવાની છે.

આ પણ વાંચો…મનનઃ શાશ્વત જીવનની પ્રાપ્તિ…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button