મનન: નંદોત્સવની ધૂમ…

- હેમંત વાળા
રાતના બાર વાગે શ્રી કૃષ્ણનો જન્મ થઈ ગયો. ભારત વર્ષના અને દુનિયાના દરેક મંદિરમાં ઘંટનાદ, શંખનાદ, ઝાલર અને ઢોલ સાથે શ્રી કૃષ્ણને આવકારવામાં આવ્યા. આરતી થઈ, પ્રસાદ વહેંચાયો, ભજન ગવાયાં, સ્તુતિ થઈ, ભાવવિભોર થઈને સમગ્ર પ્રજાએ શ્રી કૃષ્ણને આવકાર આપ્યો. અહીં ભક્ત ભક્તિમાં તરબોળ થઈ ગયો, જ્ઞાનીએ જાણે ગીતામાં ડૂબકી મારી દીધી, યોગી હર્ષવિભોર થઈ અસ્તિત્વના કારણને પ્રત્યક્ષ જોવા લાગ્યો અને કર્મનિષ્ઠ નવી પ્રેરણા લઈને, નવી તાજગી લઈને ધન્ય થઈ ગયો.
શ્રી કૃષ્ણનું બાળ સ્વરૂપ ફરી તાજું થયું, સાથે સાથે તેમનું વિકરાળ વિશ્વરૂપ દર્શન પણ આંખ સામે આવી ગયું. ગોકુળમાં તેમના દ્વારા વગાડવામાં આવેલ વાંસળીની ધૂન પ્રતીત થઇ અને સાથે સાથે તેમના કંદોરાનો રણકાર પણ કાનમાં ગુંજવા લાગ્યો.
બાળમિત્રો સાથે તેમની મધુર લીલા યાદ આવી અને સાથે સાથે તે સમયકાળમાં જ, તે બાળપણમાં જ તેમણે કરેલી અસુર-સંહાર લીલા પણ ધ્યાનમાં આવી. કંસના આસુરી સામ્રાજ્યમાં ભયનો માહોલ સ્થાપિત કરનાર પણ નજરે ચડ્યો અને મા યશોદાના ડરથી સંતાતો તે કૃષ્ણ પણ ગમી ગયો. એક વાટકી માખણ કે છાશ માટે ગોપીઓના આગ્રહને કારણે કરાયેલ નાચ યાદ આવ્યાં અને સાથે સાથે કાલીય નાગના ફન પર કરે નૃત્ય પણ યાદ આવી ગયું. રાધા માટે તેમનો અપાર પ્રેમ પાછો પ્રતીત થયો તો સાથે સાથે અસત્ય બાબતો માટેની તેમનો અણગમો પણ નજરે ચડ્યો.
આઠમની રાતે શ્રી કૃષ્ણના આ 5251-મા જન્મદિન નિમિત્તે તેમની અન્ય કેટલીક વાતો પણ યાદ આવી ગઈ. અભિમન્યુ કે બર્બરીક કે ઘટોત્કચના બલિદાન માટે તેઓ તૈયાર હતા તો સાથે સાથે કોઈપણ સંજોગોમાં ધર્મની સ્થાપના માટે પાંડવોની રક્ષા પણ તેમની દ્રષ્ટિએ જરૂરી હતી. સ્ત્રીનું સન્માન જાળવવા સદા તત્પર રહેનાર શ્રી કૃષ્ણ પણ જ્યાં સુધી પોકાર ના આવે ત્યાં સુધી જરૂરી સંયમ રાખી શકતાં. અજેય મહાન યોદ્ધા હોવા છતાં પણ નિયતિના નિયમ પ્રમાણે રણ છોડીને ભાગી જવામાં તેમને સંકોચ ન હતો. ધર્મની સ્થાપના માટે ધર્મની વ્યાખ્યા બદલવી પણ તેમને મંજૂર હતી. જો અંતિમ લક્ષ્ય સાત્ત્વિક, આધ્યાત્મિક તેમ જ ધાર્મિક ભૂમિકાને આધારિત હોય તો તે દિશાનું પ્રત્યેક ડગલું ધર્મની વ્યાખ્યામાં આવી શકે, તેમની તે વાત ફરીથી તાજી થઈ.
પારણામાં ઝૂલતાં શ્રી કૃષ્ણને જોઈને, યશોદાને જે ભાવ થતો હશે તે દરેકના મનમાં ફરીથી સ્થાપિત થયો. તે બાળ શ્રી કૃષ્ણને જોઈને નંદબાબાની ખુશી બધાંએ અનુભવી. તે વખતે ગોકુળની ધરતીનું પ્રત્યેક રજકણે જે ધન્યતા અનુભવી હશે તે ધન્યતાનો પ્રકાર ફરીથી સૌના ધ્યાનમાં આવ્યો. મંદિરમાં જે પ્રસાદ વહેંચાયો તેમાં નંદબાબા એ વહેંચેલી મીઠાઈનો સ્વાદ જણાયો. મંદિરના પ્રાંગણમાં શ્રી કૃષ્ણના પારણાને ઝુલાવતા ઝુલાવતા, જે આનંદ યશોદાને થયો હશે તે આનંદ વાસ્તવમાં જાણ્યો.
તે વખતના નાનકડા કૃષ્ણના મુખારવિંદની છબી મનમાં ઊભરતી ગઈ. તે વખતે નાનકડા કૃષ્ણએ પોતાના ચરણકમળને જે રીતે હલાવ્યા હશે તેની કલ્પના પ્રગાઢ થઈ. પોતાની લીલાના એક ભાગરૂપે તે વખતે શ્રી કૃષ્ણએ મધુર રૂદન પણ કર્યું હશે, તેનો ધ્વનિ પણ જાણે કાનમાં ગુંજતો ગયો. એમ લાગતું હતું કે હમણાં જ બાળ કૃષ્ણ ઊભા થઈને માખણ કાં તો માગશે કાં તો ચોરી લેશે. એમ લાગતું હતું કે ગોકુળના સૌ બાળ ગોપાલ આ જ ક્ષણની પ્રતીક્ષામાં ઊભા હશે. આ તે જ ધન્ય ઘડી છે જેની માટે દેવકી અને વસુદેવે વર્ષોની પ્રતીક્ષા અને તપ કર્યું હતું. મથુરાના કારાગૃહનો તે પ્રસંગે જાણે બધાના માનસપટલ પર ફરીથી આકાર ધારણ કર્યો હતો.
મંદિરમાં જ્યારે શ્રી કૃષ્ણના જન્મના પ્રતીક સમાન પડદો ખસ્યો ત્યારે જાણે નજર સામેથી અંધકારનો પડદો દૂર થયો. મંદિરમાં તે સમયે એમ લાગ્યું કે સૃષ્ટિના કોઈક અગમ્ય સ્થાને આનંદ પ્રસરી ગયો છે. તે વખતે થયેલ શંખનાદ અનાહટ સ્વર સમાન પ્રતીત થયો. તે સમયે સર્વત્ર પ્રસરેલ પ્રકાશ જાણે બ્રહ્માંડના દરેક ઐશ્વરિય તત્ત્વ – દરેક દેવની હાજરી પૂરાવતો હતો. તે વખતે પ્રસરેલ ધૂપની સુવાસ જાણે શંકર ભગવાનના અસ્તિત્વમાંથી નીકળી હોય તેવી અનુભૂતિ થતી હતી – એમ લાગતું હતું કે સ્વયં મહાદેવ જન્મનો ઉત્સવ જોવા ત્યાં હાજર હતાં. તે સમયે થયેલ આરતીમાં જાણે સમગ્ર સૃષ્ટિ લીન થઈ ગઈ હોય તેમ જણાયું. તે સમયનો પ્રસાદ, પંજરી, કલ્પવૃક્ષ પરથી લાવેલ અમૃત સમાન લાગી.
બધો જ માહોલ મધુર હતો. પ્રત્યેક સ્વરૂપે પ્રકાશમાં અંધકારનો નાશ કરવાની લગની દેખાતી હતી. અણુ અણુમાં સુવાસ પ્રસરી રહી હતી. અણુ અણુ પ્રકાશિત હતો. સુગંધિત પ્રકાશ અને પ્રકાશિત સુવાસ પરસ્પરનો પર્યાય બની ગઈ હતી. પ્રત્યેક વ્યક્તિની ભાવના પણ પ્રકાશિત અને સુગંધિત થતી. પ્રત્યેક ક્ષણ ભાવવિભોર હતી. પ્રત્યેક ભાવના સાત્વિક તેમ જ આધ્યાત્મિક પ્રેમમાં સંલગ્ન હતી. સર્વત્ર મધુર આનંદ પ્રસરેલો હતો. સૃષ્ટિના દરેક સામાજિક મંદિરમાં તેમ જ દરેક ઘરના મંદિરમાં સ્થાપિત થયેલ આ ભાવનાથી સમગ્ર બ્રહ્માંડ જાણે પુલકિત થઈ ગયું હતું, આનંદવિભોર હતું, આધ્યાત્મિકતાના હિંડોળે ચઢેલું હતું, ગૌલોક કે વૈકુંઠના પર્યાય સમું હતું.
દર વર્ષે શ્રી કૃષ્ણના જન્મને સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. દર વખતે એક પ્રકારનો આધ્યાત્મિક પૂર્ણતાનો ભાવ જાગ્રત થાય છે. દર વખતે સૃષ્ટિમાં સાત્ત્વિકતા પ્રસરી જાય છે. દર વખતે શ્રી કૃષ્ણ પ્રત્યેની ભાવનાના પ્રવાહમાં સમગ્ર માનવજાત પ્રવાહિત થઈ જાય છે – અને જ્યાં સુધી માનવજાતનું અસ્તિત્વ છે ત્યાં સુધી આમાં ઓટ આવવાની કોઈ સંભાવના નથી.
આપણ વાંચો: શિવ રહસ્ય: ભક્તિ જ એવો માર્ગ છે જે મારા સુધી તમને પહોંચાડશે…