ધર્મતેજ

મનનઃ સૃષ્ટિની અપૂર્ણતા

હેમંત વાળા

કહેવાય છે કે માનવ નિર્મિત કોઈપણ પરિસ્થિતિ પૂર્ણ નથી. દરેક યંત્ર એક ચોક્કસ નિર્ધારણ પ્રમાણે પરિણામ આપે. દરેક સિદ્ધાંત કોઈ ચોક્કસ પરિસ્થિતિને જ પૂરો ન્યાય આપી શકે. કોઈપણ કાર્ય સંપૂર્ણતામાં ક્યારેય બધાંની અપેક્ષાઓ પૂરી ન કરી શકે. કોઈપણ વ્યવસ્થા બધાંને અનુકૂળ રહે તે શક્ય નથી. કોઈપણ પરિસ્થિતિ દરેક સંજોગોમાં સકારાત્મકતા જ સ્થાપિત કરે તે સંભવિત નથી. કોઈપણ કલાકૃતિ દરેકને સંદેશો પહોંચાડવા સમર્થ નથી હોતી. કોઈપણ માધ્યમ દરેક પ્રકારના સંજોગોને અનુરૂપ હોય તે શક્ય નથી. કોઈપણ વ્યક્તિ કે તેની વિચારધારા બધાને માન્ય હોય એ લગભગ અશક્ય છે.

આ રીતે સાંસારીક તેમજ દુન્યવી પરિસ્થિતિને લક્ષમાં રાખીને વિચારવામાં આવે તો એમ કહી શકાય કે કશું જ પૂર્ણ નથી-કશું જ સંપૂર્ણતામાં યથાર્થ નથી. દરેક પરિસ્થિતિ ચોક્કસ સંદર્ભમાં કારગત નીવડે. જે જે પરિસ્થિતિનું, ઘટનાનું, પદાર્થનું, સિદ્ધાંતનું, નિયમોનું, તકનીકનું, વ્યવસ્થાનું, સાધનનું, ઉપકરણનું સર્જન માનવીએ કર્યું છે તેમાં પૂર્ણતા સ્થાપિત થવાની સંભાવના ન જ હોય. કશુંક બદલાતાં બધું જ બદલાઈ જવાની સંભાવના રહે.

આજે જે યોગ્ય છે તે કાલે અયોગ્ય જણાય. આજે જે સ્વીકૃત છે તે કાલે અસ્વીકૃત બની શકે. આજે જે માટે લગાવ છે તે કાલે તિરસ્કૃત બની શકે. આજે જે ઉપયોગી જણાય છે તે કાલે વ્યર્થ બની રહે. આજે જે આનંદ આપે છે તે કાલે પીડાદાયક લાગે. આજે જેનું અનુસરણ કરવા મન પ્રેરાય તે બાબત કાલે નિંદનીય બની શકે. અને આમ થતું પણ હોય છે. કોઈપણ બાબત કાયમી જેની તે સ્થિતિમાં, જેમની તેમ સ્વીકૃત ન રહી શકે. બધું જ બદલાય છે. સ્વીકૃતિનાં ધારાધોરણ પણ બદલાય. માનવીનાં કોઈપણ સર્જનની આ મર્યાદા છે.

માનવી હેતુલક્ષી છે, તેથી તેનું દરેક કાર્ય પણ હેતુલક્ષી હોય તે સ્વાભાવિક છે. જ્યારે હેતુ, લક્ષ્ય, સાધન, પરિસ્થિતિ, માનસિકતા, સંદર્ભ, માહિતી, પ્રતિબદ્ધતા, ઉત્તરદાયિત્વનો પ્રકાર, પરિપક્વતાની માત્રા, કાલખંડ તથા સંલગ્ન વ્યક્તિઓનો દ્રષ્ટિકોણ બદલાય ત્યારે ઘટનામાં અને સમાજમાં અને સ્વીકૃતિમાં અને અંતિમ પરિણામમાં બદલાવ આવે તે સ્વાભાવિક છે.

માનવસર્જિત કોઈપણ બાબત અંતિમ સત્ય સમાન, અંતિમ પરિણામ સમાન કે અંતિમ વ્યાખ્યા સમાન ન હોઈ શકે. બદલાવ સ્વાભાવિક પણ છે અને જરૂરી પણ છે. જે વસ્તુ સમય, સ્થાન અને હેતુના સંદર્ભમાં બદલાતી હોય તે સંપૂર્ણતામાં પૂર્ણ ન હોઈ શકે. અપૂર્ણતા માનવીના સર્જનની વાસ્તવિકતા છે.

એમ કહી શકાય કે માનવી સ્વયં અપૂર્ણ છે તેથી તેનું સર્જન અપૂર્ણ રહેવાની શક્યતા હોય. બ્રહ્મ પૂર્ણ છે અને તેથી તેના વ્યવહારમાં અને વ્યવહારથી પૂર્ણતા ઉદભવી શકે. બ્રહ્મની પૂર્ણતા એ પ્રકારની છે કે તેમાંથી પૂર્ણની બાદબાકી થાય તો પણ પૂર્ણ બાકી રહે અને તેમાં પૂર્ણ ઉમેરવામાં આવે તો પણ તે પૂર્ણ જ રહે. આ કંઈક અનંત જેવું છે. અનંતની વ્યાખ્યા જ એ પ્રકારની છે કે તેમાંથી કશું પણ નીકાળી લેવામાં આવે તો પણ તેની અનંતતાને ક્ષતિ ન પહોંચે.

અનંતમાં અનંત ઉમેરવાથી તેની અનંતતા તો જળવાઈ જ રહે. પ્રશ્ન અનંત અને પૂર્ણ છે. જો આ બંનેનો સ્વભાવ સમાન હોય તો બંને એક છે તેમ કહી શકાય. વાસ્તવમાં જે અખંડ હોય તે ખંડિત ન થઈ શકે. વાસ્તવમાં જે અનંતતામાં વ્યાપક હોય તે સીમિત ન થઈ શકે. વાસ્તવમાં જે પૂર્ણ હોય તે પૂર્ણ જ રહે.

તો પછી પ્રશ્ન એ થાય કે પૂર્ણનું સર્જન અપૂર્ણ કેવી રીતે હોઈ શકે. જો અપૂર્ણનું સર્જન અપૂર્ણ હોય તો પૂર્ણનું સર્જન પૂર્ણ હોવું જોઈએ. વાસ્તવમાં આમ છે પણ ખરું. સૃષ્ટિમાં જે કંઈ અસ્તિત્વમાં આવ્યું છે તે ચોક્કસ હેતુ સાથે અસ્તિત્વમાં આવ્યું છે.

એમ પણ કહી શકાય કે દરેક અસ્તિત્વ સાથે એક હેતુ જોડાયેલો હોય છે. જ્યાં સુધી આ હેતુ સિદ્ધ થતો હોય ત્યાં સુધી તે સર્જન પૂર્ણ અને યથાર્થ છે તેમ કહી શકાય. આ રીતે પંચમહાભૂત પણ પૂર્ણ છે અને માનવી પણ પૂર્ણ છે, પરંતુ પંચમહાભૂતનું સર્જન કે માનવીનું સર્જન પૂર્ણ હોવાની સંભાવના નથી. સર્જન સર્જકને સમકક્ષ ન હોવાથી સર્જનના સર્જનમાં મર્યાદાઓ હોય તે સ્વાભાવિક છે.

કોઈ એમ દાવો કરી શકે કે સૂર્ય પણ પૂર્ણ નથી, તે માત્ર ગરમી પ્રદાન કરે છે. ચંદ્ર પણ પૂર્ણ નથી કારણ કે તેમાંથી ગરમી પ્રાપ્ત થઈ શકતી નથી. વૃક્ષના આધાર તરીકે પૃથ્વીની આવશ્યકતા રહે, ત્યાં પાણી પરિણામ ન આપી શકે. આગના શમન માટે પાણી મહત્તમ ઉપયોગી બની રહે, ત્યાં પવન વિપરીત પરિણામ આપે. કોઈક સ્થાને હવામાં પ્રસરેલ પ્રદૂષણની અસર ઓછી કરવા પવન તે પ્રદૂષણને વિશાળ વિસ્તારમાં ફેલાવી દે, આમાં અગ્નિ મદદરૂપ ન થઈ શકે. અવકાશનો પણ પોતાનો કાર્ય-વિસ્તાર છે.

સમજવાની વાત એ છે કે પંચમહાભૂતનું દરેક તત્ત્વ તેનું નિર્ધારિત કામ કરે છે, નિર્ધારિત કામ જ કરે છે અને આ કામ પૂર્ણતાથી કરે છે. જે કાર્ય પૃથ્વીનું છે તે પાણીનું નથી. જે કાર્ય પવનનું છે તે અગ્નિ ન કરી શકે. સૂર્ય પ્રાણશક્તિ પહોંચાડી શકે જ્યારે ચંદ્ર મનને નિયંત્રિત કરી શકે. દરેકનું એક નિર્ધારિત કાર્ય છે અને એ કાર્ય વ્યવસ્થિત રીતે નિભાવવામાં આવે છે.

વૃક્ષનું ઉદાહરણ લઈએ તો, વૃક્ષનાં થડનું એક કાર્ય છે તો મૂળ જુદું જ કાર્ય કરે છે. પુષ્પનું અસ્તિત્વ એક હેતુ સિદ્ધ કરે તો ફળ અન્ય હેતુ માટે કારગત રહે. થડ તેની રીતે યોગ્ય છે અને પાંદડા તેની રીતે સંપૂર્ણ છે. સમગ્રતામાં વૃક્ષ પણ એક સંપૂર્ણ અસ્તિત્વ છે. વૃક્ષ પાસેથી ચલિતતાની અપેક્ષા રાખવી જ ખોટી. વૃક્ષ પાસેથી જો તે પ્રકારની અપેક્ષા રાખવામાં આવે તો વૃક્ષ અપૂર્ણ જણાય. સર્જનમાં જે તત્ત્વ જે કારણે અસ્તિત્વમાં આવ્યું છે તે કારણે નિભાવની પૂર્ણતામાં થઈ રહી છે.

પૂર્ણતા એ મૂળ વાસ્તવિકતા છે જ્યારે અપૂર્ણતા એ ઉદભવેલી પરિસ્થિતિ છે. પૂર્ણતા એ બ્રહ્મનો સ્વભાવ છે અને અપૂર્ણતા એ માનવીની પ્રકૃતિ અને તેને કારણે સ્થાપિત થતી ઘટના છે. પૂર્ણતા સ્વયં આધારિત છે જ્યારે અપૂર્ણતા અવલંબિત છે. પૂર્ણતા માટે કોઈ સ્થાપિત હેતુ નથી જ્યારે અપૂર્ણતા હેતુલક્ષી છે. પૂર્ણતા સત્ય છે તો અપૂર્ણતા એક પ્રકારનો ભ્રમ સ્થાપિત કરનાર પ્રપંચ છે. સૃષ્ટિ સ્વયં અપૂર્ણ છે અને તેથી તેમાં આકાર લેતી ઘટના અપૂર્ણ રહે તે સ્વાભાવિક છે.

આ પણ વાંચો…મનનઃ સંસ્કૃત-દેવોની ભાષા

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button