ધર્મતેજ

મનનઃ સંસ્કૃત-દેવોની ભાષા

હેમંત વાળા

એ સમજવું પડે કે સંસ્કૃતિ દેવોની ભાષા છે, બ્રહ્મની નહીં, ચૈતન્યની નહીં, પરમ તત્ત્વની નહીં, પરમ આનંદની નહીં. અહીં એ વાત તો સ્થાપિત થાય છે જ કે દેવ એ બ્રહ્મ નથી. પ્રત્યેક દેવ બ્રહ્મનું એક મર્યાદિત સ્વરૂપ છે,એક ચોક્કસ નિર્ધારિત હેતુ માટેનો બ્રહ્મનો અંશ છે. એ સત્ય છે કે બ્રહ્મની અધ્યક્ષતામાં સૃષ્ટિનો વ્યવહાર ચાલે છે, જેનાં સિદ્ધાંત છે અને નિયમો છે. આમાંના કોઈ એક સિદ્ધાંત કે નિયમની જાળવણી કોઈ એક તત્ત્વ કરે, તે પણ સિદ્ધાંત અને નિયમ અનુસાર. આ તત્ત્વ એટલે દેવ. દરેક દેવ સૃષ્ટિની એક ચોક્કસ વ્યવસ્થાની જાળવણી કરે. દેવોએ એ જોવાનું ઉત્તરદાયિત્વ હોય છે કે સૃષ્ટિનાં તેમને સંલગ્ન વિભાગનું સ્વરૂપ યોગ્ય સ્થિતિમાં જળવાઈ રહે. આ દેવોની ભાષા એટલે સંસ્કૃત.

સમ્ + કૃ સાથે થતાં સંસ્કૃત શબ્દ ઉદભવ્યો. પ્રતીકાત્મક રીતે એમ કહી શકાય કે જે સમાન છે, જે શુદ્ધ છે, જે પવિત્ર છે, જે વ્યવસ્થિત છે, જે રાગદ્વેષ વિનાનું છે, જે વિકાર મુક્ત છે, જે સારી રીતે સ્થાપિત અને સારી રીતે જળવાયેલું છે તે સંસ્કૃત. ભાષાની દ્રષ્ટિએ સંસ્કૃત એટલે શુદ્ધ કરેલી વ્યવસ્થિત, પવિત્ર ભાષા. એમ કહી શકાય કે દેવ તો કોઈ પણ ભાષા સમજી શકે કારણકે દેવ ભાવ સમજે, ભાષા તો વ્યવહારનો અકસ્માત છે. પણ આમ નથી. સામાન્ય સમજ પ્રમાણે ભાષાનો જે અર્થ થતો હોય છે, તેનાથી સંસ્કૃત ઘણું આગળ છે.

દેવ સાથે એટલે કે દૈવી-શક્તિ સાથે સંપર્ક ઘણી રીતે સાધી શકાય. સંપૂર્ણ એકાગ્રતાથી શાસ્ત્રીય રીતે કરાયેલાં મંત્ર-જાપ, સંપૂર્ણ શ્રદ્ધા અને સમર્પણથી કરાયેલ પૂજા-અર્ચના-પ્રાર્થના, અંતરની ભાવનાથી કરાયેલ સ્મરણ-ધ્યાન, શાસ્ત્રમાં નિર્ધારિત ક્રિયા-વસ્તુ દ્વારા ભૌતિક તેમજ સૂક્ષ્મ બાબતોનું કરાતું અર્પણ, શાસ્ત્રો તથા ગુરુદેવના માર્ગદર્શન હેઠળ કરાતી સાધના તથા નિર્ધારિત યજ્ઞ-હવન દ્વારા દેવ સાથે સંપર્ક સાધી શકાય. આ બધામાં સૌથી સિદ્ધ, સરળ, વ્યવહારુ, સાત્ત્વિક અને સ્વીકૃત માધ્યમ છે મંત્ર-જાપ. ગીતામાં પણ વિભૂતિ યોગમાં શ્રીકૃષ્ણ જણાવે છે કે ‘યજ્ઞમાં જપયજ્ઞ હું છું’.

જાપ એટલે કોઈ એક શબ્દનું વારંવાર કરાતું ઉચ્ચારણ. મંત્રમાં આ શબ્દની લંબાઈ વધુ હોઈ શકે અથવા એક કરતાં વધુ શબ્દનો સમાવેશ હોઈ શકે. જાપ અને મંત્રમાં ઉચ્ચારણનું મહત્ત્વ છે. એમ કહેવાય છે કે, અને ઇતિહાસમાં તે સિદ્ધ પણ થયું છે કે, દરેક દેવ એક મંત્રથી બંધાયેલો હોય છે. એ મંત્રનું જ્યારે ઉચ્ચારણ કરવામાં આવે ત્યારે તે દેવ હાજર થાય અને ઇચ્છિત વરદાન આપે. અહીં શ્રદ્ધાની કે ભાવનાત્મક સમર્પણની આવશ્યકતા પણ નથી હોતી.

મહાભારત ઇતિહાસમાં એક પ્રસંગ છે જેમાં કુંતીને દુર્વાસા ઋષિ મંત્ર આપે છે. આ મંત્રને ચકાસવા માટે કુંતી તેનું ઉચ્ચારણ કરે છે અને ફળ સ્વરૂપે કર્ણનો જન્મ થાય છે. અહીં કુંતાને તો મંત્ર અને તેના ફળ વિશે શંકા હતી, છતાં પરિણામ મળ્યું. પૌરાણિક ઇતિહાસમાં આવાં અનેક પ્રસંગો મળી રહે છે. વાલિયા લુંટારાને પણ ‘રામ’ શબ્દની અદ્ભુત આધ્યાત્મિક અસર વિશે માહિતી પણ ન હતી અને વિશ્વાસ પણ ન હતો. છતાં પણ તે ‘રામ’ શબ્દનાં ઉચ્ચારણથી જ તેઓ વાલ્મીકિ ઋષિ બની શક્યાં. રહસ્ય ઉચ્ચારણમાં છે.

હવે પાછી સંસ્કૃત ભાષાની વાત કરીએ. સામાન્ય સંસ્કૃત ભાષાનો એક પ્રકારનો વિસ્તાર છે જ્યારે આધ્યાત્મિક-સંસ્કૃત ભાષા જુદાં જ સ્તર પર પ્રવૃત્ત રહે છે. આ સ્તરની વાસ્તવિકતા સમજવી હોય તો ‘ૐ’ ધ્વનિની અસર સમજવી પડે. ૐ એ કંઈ શબ્દ નથી એ ધ્વનિ આધારિત નાનામાં નાનો મંત્ર છે. શાસ્ત્રીય પદ્ધતિથી એનું ઉચ્ચારણ જ્યારે કરવામાં આવે ત્યારે શરીરની અંદર ચોક્કસ પ્રકારનાં સ્પંદનો જાગૃત થાય અને તે સ્પંદનોથી આત્માનો પ્રકાશ, જે આવરણથી ઢંકાઈ ગયો છે તે ફરીથી, પ્રત્યક્ષ થવાની સંભાવના ઊભી થાય.

ધ્વનિ તરંગોની જે અસર છે તે આધ્યાત્મિક-સંસ્કૃતમાં સ્પષ્ટ રીતે, સચોટતાથી પ્રતિબિંબિત કરવામાં આવી છે – પ્રયોજવામાં આવી છે. ‘રામ’ ધ્વનિનું પણ આવું જ પરિણામ આવે. વાસ્તવમાં રામ એ શબ્દ નથી પરંતુ ધ્વનિ છે અને એ ધ્વનિ તરંગોની અસર વાલિયા લુંટારાને થઈ હતી અને તેનુ આધ્યાત્મિક જાગૃતિમાં રૂપાંતરણ થયું. એમ કહી શકાય કે આધ્યાત્મિક-સંસ્કૃત એટલે ધ્વનિ તરંગોનું વિજ્ઞાન.

જ્યારે એમ કહેવામાં આવે કે દેવ મંત્રથી બંધાયેલા હોય છે ત્યારે તે મંત્રની શબ્દ તરીકે નહીં પરંતુ ધ્વનિ તરંગોની એક ચોક્કસ પ્રકારની ગોઠવણી વાત હોય છે. જો આ ધ્વનિ તરંગો ‘પ્રગટ’ થાય તો તે દેવતા પણ પ્રગટ થાય. જો આ ધ્વનિ તરંગોનો પ્રસાર થાય તો તેની અસર સૂક્ષ્મ વિશ્વ સુધી પહોંચે જેથી દેવોએ તેની નોંધ લેવી પડે.

આ ધ્વનિ તરંગો સૂક્ષ્મ વિશ્વમાં, સૂક્ષ્મ વિશ્વને પણ તરંગીત કરે. એમ પણ જોવા મળે છે કે કોઈ એક વ્યક્તિ અન્યને સંભળાય એ રીતે મંત્ર-જાપનું ઉચ્ચારણ કરે તો તે અન્યને પણ તેનો લાભ મળે. જ્યાં સાત્ત્વિક ભાવથી મંત્ર જાપ થતાં હોય ત્યાં એક પ્રકારની શાંતિ અનુભવાય, આ દરેક વ્યક્તિનો અનુભવ હોય છે. ફરીથી એ જ વાત, આ શબ્દનો પ્રભાવ નથી ધ્વનિ તરંગોનો પ્રભાવ છે.

સનાતની સંસ્કૃતિમાં કેવાં પ્રકારનો ધ્વનિ તરંગ સૂક્ષ્મ અસ્તિત્વને, સૂક્ષ્મ વિશ્વને કેવી અસર કરી શકે તેનો વ્યવસ્થિત અભ્યાસ થયો છે અને તેને સકારાત્મક રીતે મંત્ર-જાપ દ્વારા પ્રયોજવાનો પ્રયત્ન પણ થયો છે. અર્થાત આ સૂક્ષ્મ તરંગોથી સૂક્ષ્મ અસ્તિત્વ એવા દેવને પ્રભાવિત કરવાની એક વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.

આધ્યાત્મિક-સંસ્કૃત, એટલે કે સંસ્કૃત ભાષામાં આ વ્યવસ્થા બહુ ચીવટતા અને અસરકારક રીતે અને બહુ જ સંવેદનાથી વણી લેવામાં આવી છે, અને તેથી સંસ્કૃત ભાષાનાં કેટલાંક શબ્દોનાં પ્રયોગથી દેવો સુધી સંદેશો પહોંચાડી શકાય, દેવોનો સંપર્ક સાધી શકાય. સંસ્કૃત દેવતાઓની ભાષા છે.

અન્ય રીતે પણ દેવો સાથે સંપર્ક સાધી શકાય, પરંતુ મંત્ર-જાપ સૌથી હાથવગું માધ્યમ બની રહે. આ મંત્ર-જાપનો આધાર સંસ્કૃત ભાષા છે. અન્ય સંસ્કૃતિમાં સૂક્ષ્મ વિશ્વ બાબતે આ સ્તર સુધી વિચારણા પણ નથી થઈ, તો કામ તો ક્યાંથી થયું હોય, ભાષા તો ક્યાંથી શોધાઈ હોય, પ્રબળ ધ્વનિ તરંગોની વાત તો ક્યાંથી થઈ હોય. આ બધું સનાતની સંસ્કૃતિમાં જ મળે અને તેથી સંસ્કૃતમાં જ મળે.

આ પણ વાંચો…મનન: ગીતાના તે ચાર શ્ર્લોક

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button