મનન : સત્યની સાબિતી સત્ય જ આપી શકે… | મુંબઈ સમાચાર
ધર્મતેજ

મનન : સત્યની સાબિતી સત્ય જ આપી શકે…

  • હેમંત વાળા

સત્યને સાબિત કરવું મુશ્કેલ છે. આમ તો અસત્યને સાબિત કરવું પણ એટલું જ મુશ્કેલ છે, પરંતુ અસત્યને માની લેવાની તૈયારી હોય છે. સત્યને માનવું પણ મુશ્કેલ છે. સત્ય એટલે એ બાબત કે જે ક્યારેય બદલાય નહીં, નિત્ય હોય, સર્વત્ર હોય અને કોઈપણ પ્રકારના પરાવલંબનથી મુક્ત હોય. સત્ય એટલે વાસ્તવિકતા, યથાર્થતા, સંપૂર્ણતા, શુદ્ધતા, પવિત્રતા અને આધ્યાત્મિકતાનો પર્યાય. જેનું અસ્તિત્વ સાબિત છે, જેને કોઈ અવલંબનની જરૂર નથી, જે સર્વથા સિદ્ધ છે તે સત્ય. છતાં પણ સાંપ્રત સમયમાં સત્યની સાબિતી આપવી પડે છે.

દાર્શનિક વિચારસરણી અનુસાર સત્ય એ પરમ તત્ત્વ છે જે ન તો સમયથી, ન તો પરિસ્થિતિથી, ન તો વ્યક્તિગતતાથી કે ન તો કોઈપણ પ્રકારના પ્રભાવથી અસરગ્રસ્ત થાય. આધ્યાત્મની દ્રષ્ટિએ સત્ય એટલે પરમાત્મા, બ્રહ્મ, ઈશ્વર. વ્યવહારિક ભાષામાં એમ કહી શકાય કે સત્ય એટલે વિજ્ઞાન દ્વારા સ્થાપિત થયેલાં સિદ્ધાંત. વિજ્ઞાનમાં જે બાબતો સિદ્ધ થઈ હોય તેને સત્ય કહેવાય. જ્યારે ગુરુત્વાકર્ષણની વાત થાય ત્યારે તે સત્ય કહેવાય. આ પ્રકારના વૈજ્ઞાનિક સત્યની જેમ ગાણિતિક સત્ય પણ સર્વ સ્વીકૃત હોય છે. સમાજે જે વાત સમગ્રતામાં સ્વીકારી લીધી હોય તે બાબતનો સત્ય તરીકે ઉલ્લેખ થતો જોવાં મળે.

સત્ય એ ધર્મ છે. સત્ય તટસ્થ હોય, નિષ્પક્ષ હોય, અવિનાશી હોય, સંતુલિત હોય, દરેક પરિસ્થિતિ માટે સમાન હોય, માન્યતાથી અને ભાવાત્મક ઘટનાથી મુક્ત હોય, અફર હોય, નિષ્કલંક હોય, સાત્ત્વિક હોય, સર્વદા પવિત્ર હોય, પ્રકાશિત હોય, ધર્મ માટે આવશ્યક હોય, યથાર્થ હોય, પ્રાકૃતિક હોય, અખંડ હોય, આધ્યાત્મિકતા માટે આધાર સમાન હોય, અવિચળ હોય, નીડર હોય, શાંત હોય, નિર્ભય હોય, ન્યાયી હોય, સમાવેશીય હોય, સ્વયંસિદ્ધ હોય, મૂલ્યવાન હોય, સંપૂર્ણ હોય અને સદા વિજયી હોય.

સત્ય કઠોર હોઈ શકે. જ્યારે સત્ય વ્યક્તિની માનસિકતા તથા જરૂરિયાત અનુસાર ન હોય ત્યારે સત્ય કઠોર લાગે. વ્યક્તિની અપેક્ષા જ્યારે સ્વાર્થ, અહંકાર કે અધર્મને આધારિત હોય ત્યારે સત્યની સ્થાપના થતાં તે તૂટી પણ શકે. આવી પરિસ્થિતિમાં સત્ય નિરાશ પણ કરી શકે. ઘણીવાર એમ પણ જણાય કે સત્યનો સામનો કરવો મુશ્કેલ બની રહે. જે તે પ્રવર્તમાન વાસ્તવિકતા સ્વીકારવાની તૈયારી ન હોય ત્યારે આ પ્રકારની સ્થિતિ ઊભી થઈ શકે. આવી પરિસ્થિતિમાં સત્ય ક્યારેક ભાવનાત્મક ઠેસ પણ પહોંચાડી શકે. પરંતુ એકંદરે જોતાં સમજાશે કે આ બધામાં પણ એક હકારાત્મક સંભાવના છુપાયેલી હોય છે. સત્યના અનુસંધાનમાં એમ કહેવાય કે, વ્યક્તિની દ્રષ્ટિ જ્યાં સુધી પહોંચે છે ત્યાં સુધી જ તેને દેખાય. વાસ્તવમાં સત્ય એક હકારાત્મક ઘટના છે. સૃષ્ટિના સિદ્ધાંત તેમાં વ્યક્ત થાય છે. ઈશ્વરની ઈચ્છા તેમાં સમાયેલી હોય છે. નિયતિના નિયમો તેમાં પ્રતિબિંબિત થતાં હોય છે. બ્રહ્માંડના નિયમનમાં તેનું પ્રભુત્વ હોય છે. સાત્વિક ઘડતર માટેની સંભાવના તેમાં છુપાયેલી હોય છે. આધ્યાત્મિક પ્રવાસ માટે તે પ્રથમ સોપાન સમાન હોય છે. વિશેષ પ્રકારનાં સકારાત્મક આત્મવિશ્વાસ માટે સત્ય જરૂરી હોય છે.

કહેવાય છે કે ‘સત્યમેવ જયતે’ અર્થાત્ સત્યની જ હંમેશાં જીત થાય છે, પરંતુ સાંપ્રત પરિસ્થિતિમાં આ વિધાન યથાર્થ નથી જણાતું. પણ તેમ નથી. આ તો સમયનો સવાલ છે. બની શકે કે આજે સત્ય ઢંકાયેલું રહે, પરંતુ સમય આવ્યે તે પ્રકાશિત થઈને જ રહે. વિશ્વાસ રાખવો જરૂરી છે. તે દિશાનાં પ્રયત્નો જરૂરી છે. સત્ય આધારિત વ્યવહાર જળવાઈ રહે તેની આવશ્યકતા છે. એકવાર જે તે પરિણામને કારણે નિરાશા પ્રાપ્ત થાય પણ ખરી, પરંતુ સૃષ્ટિના નિયમનમાં સત્યના પ્રભુત્વને ધ્યાનમાં રાખવું જરૂરી છે. આજે નહીં તો કાલે, આ રીતે નહીં તો તે રીતે, એક પ્રકારના પુરુષાર્થથી નહીં તો અન્ય પ્રકારના પુરુષાર્થથી, સત્ય સ્થાપિત તો થશે જ.

આપણ વાંચો:  વિશેષ : એક એવું મંદિર, જ્યાં મૂષકોનો આરોગેલો પ્રસાદ ભક્તો પણ આરોગે છે!

છતાં પણ સત્યની સાબિતી માગવામાં આવે છે, સત્ય માટે શંકા રાખવામાં આવે છે. છતાં પણ સત્યને લોકો તકલીફ તરીકે જુએ છે. છતાં પણ લોકો સત્યથી ચોક્કસ અંતર જાળવી રાખવાનો પ્રયત્ન કરે છે. સાંપ્રત સમયમાં, ચોક્કસ પ્રકારનો વિશ્વાસ જગાવવા માટે સત્ય પ્રભાવી નથી. ચારે બાજુ જ્યાં કલુષિત વાતાવરણ હોય ત્યાં શુદ્ધતા વિશે જ પ્રશ્ન પુછાય. ચારે બાજુ જ્યાં મલીનતા છવાયેલી હોય ત્યાં પવિત્રતા બાબતે જ શંકા કરાય. જ્યાં અનૈતિકતા પ્રભાવિત હોય ત્યાં સત્ય આધારિત નૈતિકતાને ભાગ્યે જ સ્થાન મળે. જ્યાં અધર્મનું પ્રભુત્વ હોય ત્યાં ધર્મની સ્થાપનાની આવશ્યકતા ન હોવાથી સત્યનો જ છેદ ઊડી જાય. જ્યાં વાસ્તવિકતાથી વિમુખ થવાનો અભિગમ હોય ત્યાં સ્વાભાવિક રીતે સત્ય નજરે ન ચડે. અને જો સત્ય નજરે ન ચડે તો તેની હયાતી વિશે સાબિતી માગવામાં આવે તે સ્વાભાવિક છે. પરિસ્થિતિ તો એ પ્રમાણેની છે કે સત્યની સ્વીકૃતિ સાથે જ ઘણાં સાથે દુશ્મની થઈ જાય. સત્યના પાલનથી જો રાજા હરિશ્ર્ચંદ્રને કષ્ટ ભોગવવું પડતું હોય, તો સામાન્ય માનવીની શી હેસિયત. ક્યારેક તો એમ લાગે છે કે ઈશ્વર પણ સત્ય પાળનાર વ્યક્તિની વારંવાર પરીક્ષા લે છે. જે જરૂરી પણ છે અને યોગ્ય પણ છે.

અહીં એ વાત સમજવી જરૂરી છે કે દીવો પ્રગટાવીને પ્રકાશને ન જોઈ શકાય. પ્રકાશને જોવા માટે પ્રકાશની જરૂર નથી. સત્યને સાબિત કરવા માટે સત્ય જ સાબિતી આપી શકે. સત્ય ને સત્ય વડે જ જાણી શકાય. સત્યને સત્યની દલીલ વડે જ સિદ્ધ કરી શકાય. સત્ય સ્વયં આધારિત છે. સત્ય સ્વયંસિદ્ધ છે. સત્ય સ્વયં સ્થાપિત છે. સત્ય સ્વયં સત્ય છે. અહીં અન્ય કશાની અપેક્ષા નથી. સત્ય છે એ જ સત્ય છે અને એ જ સત્ય હોવાની સાબિતી છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button