મનનઃ વર્ષની ચાર નવરાત્રી… | મુંબઈ સમાચાર
ધર્મતેજ

મનનઃ વર્ષની ચાર નવરાત્રી…

  • હેમંત વાળા

સનાતની સંસ્કૃતિમાં નવ સંખ્યાનું આગવું મહત્ત્વ છે. તે વાસ્તવિકતા સ્વરૂપે, પ્રતીકાત્મક રીતે અને ધાર્મિક તેમજ આધ્યાત્મિક સત્ય તરીકે, ગૂઢ અર્થ ધરાવે છે. સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રાહુ અને કેતુ; આ નવ ગ્રહ છે. શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદસેવન, અર્ચન, વંદન, દાસ્ય, સખ્ય અને આત્મનિવેદન; ભક્તિની આ નવ રીત છે.

સનાતની તત્ત્વજ્ઞાનમાં સ્વર્ગ, પાતાળ અને પૃથ્વી, આ ‘ત્રિલોક’નો સિદ્ધાંત વધુ પ્રચલિત છે, પરંતુ કેટલાંક ગ્રંથોમાં નવ લોકનું વર્ણન જોવાં મળે છે. આ નવ લોક છે, માનવજાતિ માટેનું ભૂલોક, ગંધર્વ-અપ્સરા માટેનું ભુવર્લોક, દેવતાઓ માટેનું સ્વર્ગલોક, મહર્ષિઓ માટેનું મહર્લોક, વિદ્વાન – જ્ઞાની – મુનિઓ માટેનું જનલોક, તપસ્વીઓ માટેનું તપલોક, બ્રહ્માનું સત્યલોક, અસુરો માટેનું પાતાળલોક અને પાપીઓ માટેનું નરક લોક.

સાંખ્ય-દર્શનમાં જે પચીસ તત્ત્વોની વાત છે તેમાં દ્રવ્યરૂપ તત્ત્વ નવ ગણાવાયાં છે. તે છે ભૂમિ, જળ, અગ્નિ, વાયુ, આકાશ, મન, અહંકાર, બુદ્ધિ અને અવ્યક્ત/પ્રકૃતિ. ભગવદ ગીતામાં મનુષ્ય શરીરને નવદ્વાર-પુરી જણાવવામાં આવ્યું છે. આ નવદ્વાર છે બે આંખ, બે કાન, બે નાસિકા છિદ્ર, એક મુખ, એક ગુદા અને એક મૂત્રમાર્ગ. અધ્યાત્મમાં નવ અંકનું મહત્વ છે

શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રઘંટા, કૂષ્માંડા, સ્કંદમાતા, કાત્યાયની, કાળરાત્રી, મહાગૌરી અને સિદ્ધિદાત્રી; મા દુર્ગાના આ નવ સ્વરૂપ છે. સાથે સાથે સનાતની સંસ્કૃતિમાં ‘નવકુમારી’નો ઉલ્લેખ પણ જોવા મળે છે, જેમનું જે તે પ્રસંગે ક્ધયા-પૂજન થતું હોય છે. આ નવ કુમારીકાઓ છે, કુમારી, ત્રિમૂર્તિ, કલાકારિણી, રોહિણી, કાલિકા, ચંડિકા, શાંભવી, દુર્ગા અને સુભદ્રા. આ પ્રત્યેક કુમારી એક વિશિષ્ટ શક્તિ અને તત્ત્વનું પ્રતિનિધિત્વ કરે છે. સનાતની સંસ્કૃતિમાં આ છે ‘નવ’નું આધ્યાત્મિક મહત્ત્વ.

નવરાત્રીના નવ દિવસ, મા દુર્ગાના નવ રૂપ. પ્રથમ નોરતું મા પાર્વતીનું સ્થિરતા, મજબૂતાઈ, સામર્થ્ય અને ધૈર્ય દર્શાવતું એક શૈલપુત્રી સ્વરૂપ. એમ કહેવાય છે કે મનની પવિત્રતા અને જીવનના શુભ આરંભ માટે તેમની પ્રાર્થના આવશ્યક છે. બીજું નોરતું બ્રહ્મ-પ્રકૃતિનું આચરણ કરનાર બ્રહ્મચારિણી માતાને સમર્પિત હોય છે. બ્રહ્મના પ્રાકૃતિક સ્વભાવ અનુસાર અહીં શાંતિ, નિજાનંદ મસ્તી, સંયમ અને વિવેક માટે પ્રાર્થના કરાય તે સ્વાભાવિક છે.

દુષ્ટ શક્તિઓ સામે રક્ષણ મળે તે રીતના આત્મવિશ્વાસ અને પુરુષાર્થ માટે ત્રીજા નોરતે માથે અર્ધચંદ્રવાળી ઘંટા ધારણ કરનાર ચંદ્રઘંટા માતાના પૂજનનું વિધાન છે. ચોથું નોરતું બ્રહ્માંડની સર્જક કુષ્માંડા માતાને સમર્પિત. અહીં સર્જનશક્તિ, સ્વાસ્થ્ય, ઊર્જા અને સ્થિરતા માટે આરાધના કરાય છે. કાર્તિકેય અર્થાત સ્કંદની માતાને સમર્પિત પાંચમું નોરતું હોય છે. સ્કંદમાતાની ઉપાસનાથી માતૃત્વ, દયા, કરુણા, પ્રેમ અને પારિવારિક કલ્યાણ પ્રાપ્ત થઈ શકે છે.

કાત્યાયન ઋષિની પુત્રી કાત્યાયની માતા કે જે શક્તિ, ન્યાય, સત્ય અને ધર્મના રક્ષણ માટે પ્રતિબદ્ધ છે, તેમને સમર્પિત છઠ્ઠું નોરતું હોય છે. દુષ્ટતા, અજ્ઞાન, અવિદ્યા, અંધકાર તથા ભયનો નાશ કરનાર કાલરાત્રી માતાની સાતમા નોરતે પૂજા-અર્ચના થાય છે. આઠમું નોરતું શ્વેતવર્ણી, શાંત, સાત્ત્વિક, કલ્યાણકારી, નિર્મલ મહાગૌરી માતાને સમર્પિત રહે છે. અહીં મન-હૃદયની શુદ્ધિ માટે ભક્તજન ઉપાસના કરે છે.

નવમું અને અંતિમ નોરતું એટલે સિદ્ધિદાત્રી માતાનું નોરતું. નામ પ્રમાણે જ સિદ્ધિદાત્રી માતા તમામ સિદ્ધિઓને આપનારી દેવી છે. દસમો દિવસ એટલે વિજયાદશમી. આ દિવસે મા દુર્ગા એ મહિષાસુરનો વધ કરી બ્રહ્માંડમાં ધર્મ, સત્ય, ન્યાય અને પવિત્રતાને પુન:સ્થાપિત કરી હતી. અસત્ય પર સત્યના, અધર્મ પર ધર્મના, અન્યાય પર ન્યાયના અને મલિનતા પર પવિત્રતાના વિજયનો આ દિવસ છે.

એમ જણાય છે કે નવરાત્રી દરમિયાન શક્તિની આરાધનાનું આ ફળ છે, આસુરી શક્તિ પર દૈવી શક્તિનો આ વિજય છે. બ્રહ્માંડના સ્થાયી અને વાસ્તવિક સ્વરૂપની આ દિવસે પ્રતીતિ થઈ શકે. એમ કહી શકાય કે નવરાત્રીમાં દરેક દિવસે એક દેવીના સ્વરૂપની ઉપાસના કરવાથી ભક્તના જીવનમાંથી પ્રતીકાત્મક રીતે મહિષાસુરનો વિધ્વંશ થાય અને પવિત્રતા, શક્તિ, જ્ઞાન, શાંતિ, વિજય અને પરમ-આનંદનો સંચાર થાય.

આ સમગ્ર ઉપાસના, ભક્તિ તેમજ આનંદનો ઉત્સવ નવ દિવસનો હોય તે સ્વાભાવિક છે. દુર્ગાના પ્રત્યેક સ્વરૂપને અહીં એક દિવસ ફાળવવામાં આવે છે. માતાના પ્રત્યેક રૂપને એક નોરતું સમર્પિત હોય છે. પૌરાણિક ઇતિહાસ અનુસાર માતા અને મહિષાસુરનું યુદ્ધ નવ દિવસ ચાલ્યું હતું. તે મુજબ પણ આ ઉત્સવ સ્વાભાવિક રીતે નવ દિવસનો હોય. એક અન્ય દ્રષ્ટિકોણ પ્રમાણે, શક્તિ-ઉપાસના માટે, શુક્લ અને કૃષ્ણ, બંને પક્ષની નવમી તિથિને વિશેષ માનવામાં આવે છે. આ સંદર્ભમાં નવરાત્રી ચાંદ્ર-માસની એક વિશેષ સ્થિતિ સાથે પણ સંકળાયેલી છે.

સનાતની સંસ્કૃતિમાં ચાર નવરાત્રી હોય છે. આમાં આસો માસમાં આવતી શારદીય નવરાત્રીનું મહત્ત્વ વધુ હોય છે. ચૈત્ર માસમાં આવતી ‘ચૈત્રી’ કે ‘વસંતિકા’ નવરાત્રી સાથે રામનવમી નિમિત્તનો શ્રીરામના જન્મોત્સવ પણ સંકળાયેલો હોય છે. અષાઢ માસમાં આવતી ‘અષાઢી’ નવરાત્રીને ગુપ્ત નવરાત્રી ગણવામાં આવે છે. મંત્ર-તંત્ર દ્વારા શક્તિની આરાધના માટે આ નવરાત્રી પર પસંદગી ઉતરતી હોય છે.

માઘ માસની ‘માઘી’ નવરાત્રી પણ આ પ્રકારની ઉપાસના માટે યોગ્ય ગણાય છે. આ પણ ગુપ્ત નવરાત્રી છે. અશ્વિન અર્થાત આસો મહિનાની ‘શારદીય’ નવરાત્રી સૌથી પ્રચલિત છે. અહીં ભક્તિ, સાધના, ઉપાસના સાથે રાસ-ગરબા ગાઈને પણ માતાને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરાય છે. આ નવરાત્રી જાહેરમાં મોટા પાયે ઉજવાય છે.

શારદીય નવરાત્રીને અંતે વિજયાદશમીનું પર્વ આવે છે. સનાતની શાક્ત, શૈવ અને વૈષ્ણવ માર્ગને અનુસરે છે. આમાં નવરાત્રી શાક્ત પરંપરાનો સૌથી મહત્ત્વનો ઉત્સવ છે. શક્તિની આરાધના માટેની સૌથી વધુ સંભાવના પણ આ દિવસોમાં હોય છે અને તેનું સૌથી યથાર્થ પરિણામ પણ આ જ દિવસોમાં સ્થાપિત થઈ શકતું હોય છે.

આપણ વાંચો:  વિશેષઃ આપણે આપણો ધર્મ સંભાળવો!

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button