મનનઃ અક્ષરં પરમં બ્રહ્મ સ્વભાવો અધ્યાત્મ ઉચ્યતે

હેમંત વાળા
ગીતાના આઠમા અધ્યાયના ત્રીજા શ્ર્લોકમાં ભગવાન શ્રીકૃષ્ણ સ્વયં આધ્યાત્મની વ્યાખ્યા નિર્ધારિત કરે છે. અર્જુનના પૂછવાથી તેઓ જણાવે છે કે જે અક્ષર અવિનાશી તત્ત્વ છે તે પરમ બ્રહ્મ છે અને તેનો સ્વભાવ આધ્યાત્મ કહેવાય. અહીં તેમણે કર્મની વ્યાખ્યા પણ કરી છે.
આ શ્ર્લોકમાં આગળ જણાવ્યાં પ્રમાણે ભૂતમાત્રની ઉત્પત્તિ જેનાથી થાય છે તે વિસર્ગ – સર્જન ક્રિયાને કર્મ કહેવાય. માનવ ઇતિહાસમાં આધ્યાત્મ અને કર્મની આટલી સચોટ વ્યાખ્યા બીજે કશે જ જોવાં નથી મળતી. સનાતની સંસ્કૃતિની માનવ જાતને આ અમૂલ્ય ભેટ છે.
આધ્યાત્મ શબ્દ ‘અધિ’ અને ‘આત્મ’નાં સંયોજનથી બનેલો છે. અધિનો અર્થ થાય છે ઉપર અને આત્મનો અર્થ થાય છે પોતાની અંદર રહેલું સચ્ચિદાનંદ સ્વરૂપ ચૈતન્ય. તેથી એમ કહી શકાય કે આધ્યાત્મ એટલે આત્માની ઉન્નત સ્થિતિની પ્રતીતિ કરાવનાર બાબત.
આધ્યાત્મ થકી આત્માની ઓળખ થઈ શકે, આત્માની પ્રતીતિ થઈ શકે અને ‘આત્મસ્થ’ થવાની સંભાવના ઊભી થાય. અસ્તિત્વને નીચેના સ્તરેથી મુક્ત કરી ઉચ્ચ સ્તરે લઈ જવા માટેનું આ માધ્યમ બની શકે.
અસ્તિત્વ, જે સ્થૂળ અને સૂક્ષ્મ કારણો વડે બંધાયેલું હોય છે તેનાથી મુક્ત થવાની આ વાત છે. શરીર, મન, અહંકાર, ભાવના, સુખ-દુ:ખ, રાગદ્વેષ જેવાં બંધનકારક પ્રકૃતિનાં ગુણોથી પર થઈ આત્માના સ્વરૂપને ઓળખવાની આ રીત છે.
નામ-રંગ-રૂપનો ત્યાગ કરી શુદ્ધ ચૈતન્ય સાથે એકાકાર થઈ જવા માટે આધ્યાત્મ એક સચોટ, સિદ્ધ, સ્થાપિત માર્ગ છે.
અહીં વ્યક્તિને ‘હું કોણ છું’ તેની વાસ્તવિક પ્રતીતિ થાય છે. તે સમજી શકે છે કે પોતાનું વાસ્તવિક સ્વરૂપ તો શુદ્ધ, સાત્ત્વિક, પવિત્ર, નિર્દોષ, નિર્લેપ, શાશ્વત આત્મા છે – ચૈતન્ય છે.
વળી તે પણ તેની જાણમાં આવે છે કે આ ચૈતન્ય તો માત્ર સાક્ષી સ્વરૂપ છે. તેને નથી કોઈ કર્મની અપેક્ષા કે નથી કોઈ પરિસ્થિતિની કામના. તેને નથી કોઈ પણ પ્રકારની પરતંત્રતા કે નથી સ્વતંત્રતાની ઈચ્છા.
તેને નથી કોઈ બાબત પ્રત્યે રાગ કે નથી દ્વેષ. તેને નથી સમયનું બંધન કે નથી સ્થળની સીમિતતા. નથી તેને અહંકાર કે નથી કોઈ પણ પ્રકારનો મોહ. ‘હું અને મારું’થી તે સર્વથા મુક્ત છે. તેને નથી પ્રવૃત્તિ માટેનું કોઈ કારણ કે નથી નિવૃત્તિ માટેનું કોઈ પ્રયોજન. તે તો સાક્ષીભાવે બધું નિહાળે છે.
આ આત્માની ઓળખ અપાવનાર જ્ઞાન એટલે આધ્યાત્મ. જન્મ-મરણના ચક્રમાંથી શાશ્વત મુક્તિ માટે આ એકમાત્ર જ્ઞાન છે – ઉપાય છે.
આધ્યાત્મ એ ક્રિયાકાંડ નથી, પૂજાપાઠ નથી, ભજન-કીર્તન નથી, મંત્ર-તંત્ર નથી, તપ-જપ નથી. આધ્યાત્મ એવી એક પણ ક્રિયા નથી કે જે શરીરનાં સ્તરે કરવામાં આવે. કામ, ક્રોધ, લોભ, મોહ પર કાબૂ મેળવવો, તે પણ આધ્યાત્મ નથી. સત્ય અને ધર્મના પાલન થકી આધ્યાત્મની સમજમાં ફાયદો થઇ શકે, પરંતુ તે પણ આધ્યાત્મ નથી.
યોગ, ભક્તિ, ધ્યાન, સેવા, જ્ઞાન, નિષ્કામ કર્મ જેવાં કાર્યો પ્રાથમિક સ્તરે સ્વીકાર્ય છે. એક રીતે જોતાં આ બધી ‘શુધ્ધીકરણ’ની પ્રક્રિયા છે, જેનાથી આધ્યાત્મની ભૂમિકા સ્થાપિત થવામાં સરળતા રહે. આધ્યાત્મના માર્ગ પર શુદ્ધિ અને પવિત્રતાની ખૂબ આવશ્યકતા છે.
આધ્યાત્મના જ્ઞાનથી ચોક્કસ મુક્તિ મળે, પરંતુ તે સ્થિતિમાં મુક્તિની પણ કામના ન હોય. આધ્યાત્મ-જ્ઞાનની પ્રાપ્તિ બાદ જે પરિસ્થિતિ પ્રવર્તમાન હોય તેની સર્વથા પૂર્ણરૂપે સ્વીકૃતિ હોય. અહીં કશાની ફરિયાદ ન હોય કે કશાની અપેક્ષા ન હોય. આ પ્રકારની વ્યક્તિને ખબર હોય છે કે મુક્તિ તો મળી ચૂકી છે, ત્યાં સુધી પ્રકૃતિનાં નિયમ અનુસાર જીવન વ્યતીત કરવાનું છે.
આત્મજ્ઞાની વ્યક્તિ તે સમયગાળામાં અદ્ભુત શાંતિ, શાશ્વત સ્થિરતા, સંપૂર્ણ નિર્વિકલ્પતા, અપાર પ્રેમ અને કરુણા, પૂર્ણ આનંદ તથા પવિત્ર અસ્તિત્વની સ્થિતિમાં રહે.
જીવનમાં આધ્યાત્મિક પ્રગતિનું ખૂબ મહત્ત્વ છે અને હોવું પણ જોઈએ. જીવન-મરણનાં ચક્રથી કાયમી મુક્તિ એ જીવનનો એક માત્ર ધ્યેય હોવો જોઈએ. આધ્યાત્મના માર્ગ થકી જ જીવનનો આ ધ્યેય પૂરો થઈ શકે. આની માટે આધ્યાત્મિક પ્રગતિની આવશ્યકતા રહે.
આધ્યાત્મિક પ્રગતિ એટલે ચૈતન્યની અનુભૂતિ કરવા તરફની ગતિ, બાહ્ય પરિસ્થિતિથી છુટકારો મેળવી ઇન્દ્રિયોને અંદરની તરફ વાળવાની ક્રિયા, સંન્યાસ અને વૈરાગ્ય જેવાં માધ્યમ થકી જે અનિત્ય છે
તેનાંથી મુક્ત થવાનો પ્રયત્ન, ઇન્દ્રિયોની ખુશી બાબતે પ્રયત્નશીલ રહેવાને બદલે પરમ આનંદ પ્રાપ્ત કરવાની શરૂઆત, આત્મા-બ્રહ્મ જેવી વાસ્તવિકતાને શાસ્ત્રો દ્વારા સમજવાનો પ્રયત્ન, વિવેક અને સંયમથી આંતરિક શાંતિ માટેનાં પુરુષાર્થમાં લગાવ, તેમજ મુક્તિની ભૂમિકા સ્વરૂપ સંસારની મોહમાયાથી દૂર જવાની શરૂઆત.
આધ્યાત્મિક રીતે ઉન્નતિ પામેલી વ્યક્તિ દુ:ખ કે સુખ બંનેમાં સમભાવ જાળવી રાખે, ઉચ્ચ પ્રકારનો સંતોષ અને પરમ શાંતિ અનુભવે, મૂલ્યનિષ્ઠ જીવન વ્યતીત કરે, સત્ય અહિંસા અપરિગ્રહ જેવી બાબતોનું પાલન કરે, જીવનમાં સંતુલન જાળવી રાખે, નિમિત્ત તેમજ સ્વાભાવિક કર્મમાં જ સંલગ્ન થાય, વિવેક અને સંયમને દરેક પરિસ્થિતિમાં જાળવી રાખે, સર્વજીવ-હિતની ભાવના સાથે જગતના કલ્યાણ માટે કાર્યરત રહે,
યોગ્યતા અનુસાર વ્યક્તિને માર્ગદર્શન આપે, અહંકાર અને મોહથી દૂરી રાખે, અવિદ્યા કે માયાના પ્રપંચથી દૂર રહે, સંતુલિત તેમજ સાત્ત્વિક જીવન જીવતાં જીવતાં બ્રહ્મચર્યનું પાલન કરે, ધીરજપૂર્વક તટસ્થતા જાળવી રાખે, સૃષ્ટિના નિયમોનું પાલન કરતાં કરતાં સૃષ્ટિના રચયિતા પર વિશ્વાસ જાળવી રાખે, મન વચન કર્મની શુદ્ધતા જાળવે, અને તે બધાં સાથે આધ્યાત્મના માર્ગમાં પ્રગતિ કરવાં સતત પ્રયત્નશીલ રહે.
આધ્યાત્મની સ્થિતિમાં સ્થિત વ્યક્તિ બ્રહ્મ સમાન છે. તેને નથી કોઈ બંધન કે નથી મુક્તિની માટેની કોઈ ધારણા. તે તો સત્-ચિત્-આનંદ સ્વરૂપ અસ્તિત્વ છે. તે જ કહી શકે કે ચિદાનંદ રૂપ: શિવોહમ્ શિવોહમ્.
આ પણ વાંચો…મનન : થાવ અધિકારી શિવ-કૃપાના…