ધર્મતેજ

પર્વચક્રઃ ઉત્તરાયણ

ડૉ. ભાનુબેન કે. વ્યાસ

22મી ડિસેમ્બરથી આકાશમાં પતંગોનો વિહાર થતો દેખાય એટલે લાગે કે ઉત્તરાયણનું પર્વ શરૂ થયું. 14મી જાન્યુઆરીએ આવતું મકરસંક્રાંત પર્વ હિંદુસ્તાનના ખૂણે ખૂણે જ માત્ર ઊજવાતું નથી, પરંતુ ચીન, જાપાન, ઈન્ડોનેશિયા, કોરિયા, બેંકકોંક, તાઈવાન, મલયેશિયા જેવા વિશ્વના અનેક દેશોમાં ઊજવાય છે.

વર્તમાન યુગમાં તો અમેરિકામાં પણ પતંગોએ પોતાની હવાઈ સફર આદરી છે. ગુજરાતને તો પતંગોનું ઘેલું લાગ્યું હોય તેમ મકરસંક્રાંતિના દિવસે સુરત, વડોદરા, અમદાવાદ, રાજકોટ જેવા શહેરોમાં આકાશ પતંગોથી છવાઈ જાય છે. ઉત્તરાયણના દિવસથી રાત ટૂંકી થાય છે. ઠંડી ઓછી થાય છે અને તાપની શરૂઆત થાય છે.

ઇ. સ. પૂર્વે 618 થી 907 દરમિયાન ચીનમાં તાંગ વંશના રાજાઓના શાસનમાં પતંગ ઉડાડવાની સ્પર્ધા રાષ્ટ્રીય રમત સમાન બની ગઈ હતી. આજે પણ ચીનના લોકો એવું માને છે કે રાતના સમયે મકાન પરથી પતંગ ઉડાડવામાં આવે તો ભૂતપ્રેતનો પડછાયો એ મકાન તરફ ફરકતો પણ નથી. ચીનના પંચાંગના નવમા મહિનાના નવમા દિવસને પતંગ ઉડાડવાના દિવસ તરીકે મનાવવામાં આવે છે. ત્યાં કેટલાય મીટર લાંબો `ડ્રેગન કાઈટ’ એટલે કે રાક્ષસી પતંગ ખૂબ જ જાણીતો છે. પતંગને ચીની ભાષામાં બરગોન કહે છે.

જાપાન તથા કોરિયામાં પણ પતંગોનો ખૂબ મહિમા છે. કાચબા, સૂર્ય, વિમાન, ગરુડ, ઘોડાની નાળ તથા પતંગિયાના આકારના પતંગો એની ખાસિયત છે. મહાકાય પતંગોને જાડી દોરી વડે ચગાવાય છે. જો દોરો કાચો હોય તો તેને ગુલદીથી ઘસીઘસીને પાકો બનાવાય છે.

કાચનો બારીક ભૂકો. ભાત, સરેશ અને રંગના મિશ્રણથી આ ગુલદી બનાવવામાં આવે છે. કાચના કારખાનામાંથી નીકળેલા નકામા તથા તૂટી ગયેલા કાચના ટુકડાઓને ખાંડીને ચાળી ગરણીથી ગાળી એકસરખો ભૂકો બનાવવામાં આવે છે. કાચને ખાંડતાં પહેલાં સારી રીતે ધોવામાં આવે છે કે જેથી એના પરનો કચરો દૂર થઈ જાય. આ કાચા ધાગા માટે આપણા દેશમાં પહેલાં કોહીનૂર મિલ ખૂબ જાણીતી હતી, પરંતુ હવે એનું સ્થાન મદુરા કોટ્સે લીધું.

આપણા પ્રાચીન સાહિત્યમાં પણ પતંગોનો ઉલ્લેખ છે. રામ ભગવાને પતંગ ઉડાડ્યાની વાત છે. નવાબ સિરાજ-ઉદ્-દૌલ્લાને પણ પતંગનો ખાસ શોખ હતો. તે માટે તેણે લખનઊમાં એક ખાસ મેદાન રાખ્યું હતું. હૈદરાબાદ, આગ્રા અને દિલ્હીના નવાબો તો પતંગ પાછળ ગાંડા હતા. એમણે પતંગના રંગઢંગ બદલ્યા અને સામાન્ય લોકો સુધી એને પહોંચાડ્યો. તે વખતે પણ પતંગોની મોટી હરીફાઈઓ થતી. જબરદસ્ત શરતો લાગતી અને ઢોલ-નગારાં વાગતાં હોય એવા ઉત્સવના વાતાવરણમાં બે દળો વચ્ચે હરીફાઈ જામતી.

પતંગ માત્ર રાજામહારાજાઓ અને સામાન્ય લોકોને આકર્ષતો રહ્યો છે એવું નથી પરંતુ વૈજ્ઞાનિકોના આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. ઈ.સ. 1949માં સ્કોટલેન્ડના એલેકઝાન્ડર વિલ્સે પતંગ સાથે થર્મોમીટર બાંધીને આકાશમાં વિહરતાં વાદળોનું ઉષ્ણતામાન માપ્યું હતું. વિમાનશોધક રાઈટ ભાઈઓએ પતંગોના અનેક પ્રયોગ કર્યા હતા. ઈ. સ. 1752ના જૂન મહિનામાં નૈસર્ગિક વીજળીમાં પણ વિદ્યુતશક્તિ છે એ સાબિત કરવા પતંગનો સરસ ઉપયોગ કરવામાં આવ્યો હતો. આમ પતંગ અને વિજ્ઞાન એકબીજા સાથે દોસ્તી બાંધીને ઊંચે ગતિ કરતાં રહ્યાં છે.

આમ પણ મકરસંક્રાંતિ વૈજ્ઞાનિક તહેવાર છે. 14મી જાન્યુઆરી સૂર્યની દક્ષિણ ગોળાર્ધમાંની ગતિ પૂર્ણ થાય છે અને એ ઉત્તર ગોળાર્ધ તરફ ગતિ કરવા લાગે છે. આ કારણે મકરસંક્રાંતને ઉત્તરાયણ પણ કહે છે. ઉત્તર તરફ અયન એટલે કે જવું એ જ ઉત્તરાયણ. આપણે ઉત્તર ગોળાર્ધમાં રહીએ છીએ એટલે સૂર્ય વધુ નજીક આવવાને કારણે આ દિવસ પછી ગરમીની શરૂઆત થાય છે. પોષ મહિનામાં સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ થતો હોવાથી જ આને મકરસંક્રાંતિ કહે છે. સંક્રાંતિ એટલે સમ્યક્ ક્રાન્તિ. આપણા જીવનમાં પણ સૂર્યનો પ્રવેશ થાય તો સમ્યક્ ક્રાન્તિ આવે.

હિંદુસ્તાનમાં વિવિધ પ્રદેશમાં વિવિધ રીતે આ તહેવાર ઊજવાય છે. દક્ષિણ ભારતમાં એ કાપણીના તહેવાર તરીકે ઊજવાય છે. તામિલનાડુમાં ડાંગરની, હળદરની લણણી પૂરી થાય અને તે શેરડીનો પાક પૂરો થાય તે વખતે પોંગલની ઉજવણી થાય છે.

સૂર્ય જ્યારે ઉત્તર દિશામાં જાય છે તે વખતે પોંગલ એટલે કે ઉત્તરાયણ વખતે આવે છે. પોંગલનો ઉત્સવ સૂર્યનો ઉત્સવ છે. પોંગલને દિવસે ખાસ એ દિવસને માટે જ ખરીદેલા નવા માટીના દેગડામાં દૂધ રેડવાનું. પછી દૂધ ઊકળે, ત્યારે ખેતરમાંથી આવેલા નવા ચોખા તથા ગોળ ઊકળતા દૂધમાં નાખવામાં આવે છે. ભાત, દૂધ અને ગોળનો એક રસ થઈ જાય પછી એમાં જાયફળ, એલચી વગેરે નાખી વાનગીને સ્વાદિષ્ટ બનાવે છે. આ વાનગીનું નામ સરક્કારાઈ પોંગલ છે. જે દેગડામાં પોંગલ રંધાય તે દેગડો પોંગલ પનાઈ કહેવાય છે. દેગડાની ડોકમાં શુકનવંતો હળદરનો વેલો મૂકવામાં આવે છે.

પોંગલ લણણીનો ઉત્સવ હોવાથી, એનો ખેડૂતો જોડે ખાસ સંબંધ છે. આખું વર્ષ માણસો તથા એમના કુટુંબીજન જેમણે તનતોડ સેવા કરી છે, તે પશુઓનો આભાર માનવાનો એ દિવસ છે. પશુઓને કપાળે હળદર ચોપડીને, કંકુ ચોખા ચોડીને ગળામાં હાર પહેરાવી, પૂજા કરી પોંગલ ખવડાવવામાં આવે છે. બળદો ખેડૂતોને ખેડવામાં મદદરૂપ હોવાથી બળદોને મહત્ત્વ આપવામાં આવે છે. બળદોને માલિકો સુંદર રીતે શણગારી, તેમને ગળે પૈસાની થેલી બાંધીને તેમને છૂટા મૂકી દે છે. એ બળદોને પકડી શકે તેને એ થેલી મળે છે. આ રીતે ખેડૂતો પણ ઉત્સવના રૂપમાં `પોંગલ’ને માણે છે.

કેરળના હિંદુઓ આ પવિત્ર દિવસે પોતપોતાનાં ઘરોની આગળ સજાવટ કરી આંગણામાં રંગબેરંગી ફૂલો વડે સાથિયા પૂરે છે. ગુજરાત મહારાષ્ટ્રમાં તો દરિયાકિનારે વસતી પ્રજા જ દરિયાથી પરિચિત છે, પરંતુ કેળની સ્થિતિ જુદી છે. તે નદીનાળાં અને ખીણોથી ઘેરાયેલું રાજ્ય છે. ત્યાં વર્ષમાં બે વાર ચોમાસું આવે છે અને એ રીતે છ છ મહિના સુધી વરસાદની મોસમ રહે છે. ત્યાંનો ઘણો પ્રદેશ બારે માસ પાણીથી છલકાતો રહે છે. નદીનાળાંને પસાર કરવા નૌકા કે તરાપાઓનો ઉપયોગ કરવો પડે છે. એટલે ત્યાંની સમગ્ર પ્રજા નૌકાચાલન કળામાં પારંગત બની છે. આજ કારણે પોંગલના તહેવારમાં નૌકાસ્પર્ધાઓ યોજાય છે.

ચુનંદા નૌકાચાલકો પોતપોતાની રંગબેરંગી નૌકાને અનેક શણગારથી સજાવી પોતપોતાની આગવી ઓળખના સાંકેતિક ધ્વજો સાથે નદીમાં એક હરોળમાં ઊભી રાખી સ્પર્ધામાં ભાગ લેવા થનગની ઊઠે છે. સ્પર્ધા યોજકો તરફથી તેના નીતિનિયમો, સમય, સ્થાન વગેરેની અગાઉથી જાહેરાત કરવામાં આવી હોય છે એટલે જળકિનારો હજારો પ્રેક્ષકોથી ઊભરાઈ જાય છે અને કોઈક મહાપ્રસંગની ઝાંખી કરાવે છે.

આંધ્ર પ્રદેશ, કર્ણાટક અને તામિલનાડુના કેટલાક ભાગોમાં લોકો મકરસંક્રાંતિના દિવસે સમી સાંજે નદી કિનારે જઈ દીપ પ્રગટાવી પૂજા સામગ્રી સાથે નાની નાની હોડી જેવાં તરતાં સાધનો નદીમાં વહેતાં મૂકે છે. નદીના પટ પર તરતા અસંખ્ય દીવડાઓ રાત્રિના સમયે તો અલૌકિક એવું રમણીય દૃશ્ય રચે છે. પૂર્વ બંગાળમાં આ દિવસે સાગર નામના ટાપુ પર વિરાટ મેળો ભરાય છે જ્યાં ભારત, બાંગ્લાદેશ અને નેપાળથી પણ યાત્રાળુઓ આવે છે. આ ટાપુ પાસે ગંગામૈયા બંગાળના મહાસાગરને મળે છે. એ મંગલસંગમ પાસે લાખો ભાવિકો સંક્રાંતિના પર્વે ગંગાસ્નાન કરે છે.

મહારાષ્ટ્ર આ તહેવારની વિશિષ્ટ ઉજવણી કરે છે. કેટલાંક ગામડાંઓમાં ખાસ મેળા, હાટડીઓ તથા ગુજરીઓ ભરાય છે. ક્યાંક પશુધનની વિક્રી માટે બજારો ભરાય છે. ખેડૂતો પોતપોતાના ઘરની ફરતે રાખોડીથી રેખા દોરી જાણે પોતાના પશુધનની રક્ષાની લક્ષ્મણરેખા દોરતા હોય છે. ચોકમાં લીલું ઘાસ પાથરી પશુધન માટે સરસ મજાની ઉજાણીનું પર્વ ગોઠવે છે. ગૌપૂજા એ તો આ પર્વની પ્રાણવિધિ છે. આ દિવસે મહારાષ્ટ્રમાં લોકો તલના લાડુ એકબીજાને પ્રેમથી આપતા.

આ રીતે ઉત્તરાયણ-મકરસંક્રાંતિ-પર્વ કશીક ભાવનાથી, કોઈક ઉન્નત હેતુથી રંગાયેલું છે. પતંગ એટલે આદર્શ, દોર એટલે સંયમ, પતંગ એટલે ભાવના અને દોર એટલે મનોબળ, પતંગ એટલે આશા ને દોર એટલે સાધના, મનોબળ. આ સર્વને સહાય કરે છે પવન.

પવન વિના પાંદડુંય ન ફરકે તો પછી પતંગનું શું ગજું? પવનના સંકેતથી અને સહાયથી જ પતંગ ઊડી શકે. જીવનમાં પ્રારબ્ધ વિના પુરુષાર્થ પણ ઝાંખો પડે છે. પતંગરૂપી પુરુષાર્થને પ્રારબ્ધરૂપી પવનનો સાથ મળવો જોઈએ. પરમાત્માના આશીર્વાદથી જ માનવીનાં સ્વપ્નોનો પતંગ ઊડી શકે છે અને વિશાળ ગગનમાં જઈ શકે છે. ઊંચા આદર્શ, નિષ્ઠાપૂર્ણ પુરુષાર્થ અને ઈશ્વરકૃપાનો ત્રિવેણી સંગમ થાય ત્યારે જીવનસાધના ઊર્ધ્વગામી બને અને ઉત્તરાયણનું પર્વ એ માત્ર એક દિવસનું પર્વ ન રહેતા જીવનપર્વ બની જાય છે.

પતંગની હસ્તી અને મસ્તી જ્યાં સુધી ટકી રહે છે કે જ્યાં સુધી એનો દોર સરસ સૂત્રધારનાં હાથમાં જ હોય છે. એના હાથમાંથી છૂટેલો પતંગ વૃક્ષની ડાળી પર, વીજળીના તાર પર કે ક્યાંક રસ્તાને ખૂણે રઝળતો અને અવગતિ પામેલો જોવા મળે છ…

22મી ડિસેમ્બરથી આકાશમાં પતંગોનો વિહાર થતો દેખાય એટલે લાગે કે ઉત્તરાયણનું પર્વ શરૂ થયું. 14મી જાન્યુઆરીએ આવતું મકરસંક્રાંત પર્વ હિંદુસ્તાનના ખૂણે ખૂણે જ માત્ર ઊજવાતું નથી, પરંતુ ચીન, જાપાન, ઈન્ડોનેશિયા, કોરિયા, બેંકકોંક, તાઈવાન, મલયેશિયા જેવા વિશ્વના અનેક દેશોમાં ઊજવાય છે. વર્તમાન યુગમાં તો અમેરિકામાં પણ પતંગોએ પોતાની હવાઈ સફર આદરી છે. ગુજરાતને તો પતંગોનું ઘેલું લાગ્યું હોય તેમ મકરસંક્રાંતિના દિવસે સુરત, વડોદરા, અમદાવાદ, રાજકોટ જેવા શહેરોમાં આકાશ પતંગોથી છવાઈ જાય છે. ઉત્તરાયણના દિવસથી રાત ટૂંકી થાય છે. ઠંડી ઓછી થાય છે અને તાપની શરૂઆત થાય છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button