પર્વચક્રઃ મહાશિવરાત્રિ: ભજી લો ભોળાનાથને

ડૉ. ભાનુબેન કે. વ્યાસ
મહાશિવરાત્રિ એટલે ધર્મનિષ્ઠ, સત્યવ્રતધારી હરણાંના સ્મરણનો દિવસ. એકાદશીના તહેવારને વૈષ્ણવોએ લોકપ્રિય બનાવ્યો છે તો ગણનાયકના ઉપાસકો વિનાયકી અને સંકષ્ટી ચતુર્થીના વ્રતકારણે છે; દેવીના ઉપાસકો અષ્ટમીના વ્રતનું માહાત્મ્ય કરે છે તો શિવભક્તોએ શિવપૂજાનો મહિમા કર્યો છે. શિવરાત્રિ આમ તો દર મહિને કૃષ્ણપક્ષની ચતુર્દશીને દિવસે આવે છે. જેમ એકાદશીઓમાં પણ કાર્તિકી અને આષાઢી મહા એકાદશીઓ છે, તેમ માઘ મહિનામાં આવતી કૃષ્ણપક્ષની ચતુર્દશી એ મહાશિવરાત્રિ કહેવાય છે.
મહાશિવરાત્રિ એ ઉત્સવ નહીં, પણ વ્રત છે. મહા વદ ચૌદશ કૃષ્ણપક્ષની એક ઘોર રાત્રિએ એક ભૂખ્યો પારઘી પોતાના બચ્ચાંની ભૂખ શમાવવા ઘોર જંગલમાં શિકાર કરવા માટે પ્રવેશ્યો. ત્યાં દૂર તળાવ કાંઠે એક બીલીનું ઝાડ હતું. એ ઝાડની નીચે પાષાણ રૂપમાં મહાદેવનાં દર્શન પારઘીને પહેલી જ વખત થયાં. શિકાર ન મળે ત્યાં સુધી ઘેર પાછા ન જવું એવી મનોમન હઠ પકડીને એ તળાવ પાસેના બીલીના ઝાડ પર ચડીને વિચાર કરતો બેઠો.
કૃષ્ણપક્ષની ઘનઘોર રાત્રે કશું દેખાતું ન હોવાથી એણે તળાવ તરફ જોવા માટે આડાં આવતા બીલીપત્ર તોડી તોડીને ફેંકવા માંડ્યા. ત્યાં જ પાણી પીવા આવતા બે-ચાર હરણા પર એની દૃષ્ટિ પડી. પારઘીને બાણ ચડાવતો જોઈને હરણાં ચમક્યાં. મરતાં પહેલાં બાળબચ્ચાંને મળવા જવા માગણી કરી. સૂર્યોદય પહેલાં પાછા આવવાનું વચન આપી હરણાં વિદાય થયા. પારઘી રાહ જોતો રહ્યો, બીલી ઉપર ચડેલ પારઘી રાહ જોતાં જોતાં બીલીનાં પાંદડાં અમસ્તા જ તોડીને નીચે ફેંકે અને એ પાંદડા નીચે શિવલિંગ પર પડે.
પારઘીને અનાયાસ જ પુણ્ય પ્રાપ્તિ થતી ગઈ. આખા દિવસનો ઉપવાસ, જાગરણ, અને સહજ ભક્તિનું પુણ્ય! સૂર્યાસ્ત સમયે હરણાંના કુટુંબ પાછા ફર્યાં અને પારઘીના આશ્ચર્ય વચ્ચે જ વધ કરવા માટે તેમની ડોક લંબાવી ઊભા રહ્યા ત્યારે પારઘીના ચર્મચક્ષુ ખૂલતા એ પોતે જ ઝાડ પરથી નીચે ઊતર્યો અને હરણાંને પગે લાગ્યો. બે પગવાળો માનવ, ચાર પગવાળાં હરણાને પગે લાગ્યો! આ સમયે આકાશમાંથી શ્વેત પુષ્પોની વૃષ્ટિ થઈ. કૈલાસથી વિમાન ઊતરી આવ્યું અને કલ્યાણકારી શિવરાત્રિનું માહાત્મ્ય ગાતાં ગાતાં પારઘી અને હરણાં શિવલોક સિધાવ્યા. એ હરણાં અને પારઘી આજે પણ મૃગશીર્ષ નક્ષત્રમાં પ્રકાશતાં રહે છે.
આ ભક્તિગાથામાં હૃદયસ્પર્શી ભાવના છે. બલિદાન, સત્યપરાયણતા, પ્રતિજ્ઞાપાલનનો મહિમા છે. માતૃત્વ અને દિલની અમીરી-આગળ હિંસાવૃત્તિ ઓગળી જાય છે અને ધર્મશક્તિને પ્રતાપે ચર્મચક્ષુનું રૂપાંતર દિવ્યચક્ષુમાં થાય છે.
પારઘી અને હરણાંના જીવનમાં ધર્મનું નામ પાડ્યા વિના ધર્મ હતો, મંદિર વિના પૂજા હતી, વેદી વિના યજ્ઞ હતો. સેવા ફરજ અને ધર્મ કોઈ પણ પ્રકારના અભિમાન વિના પ્રકટ્યાં. શિવની પૂજા માટે સાચું જ કહ્યું છે કે `શિવો ભૂત્વા શિંવ યજેત’ શિવ બની શિવની ઉપાસના કરવી જોઈએ. શિવ એ જ્ઞાનના દેવ છે. તેમના મસ્તકમાંથી જ્ઞાનગંગા સતત વહેતી રહે છે. જ્ઞાનના ઉપાસકે શિવજીની ઉપાસના કરવી જોઈએ. તેઓ શ્વેત હિમાલય પર બેઠા છે. એ પણ સૂચક બાબત છે. ચારિત્ર્યની શુદ્ધિ હોય તો જ જ્ઞાન શોભી ઊઠે.
શિવજી ખૂબ ઊંચાઈએ બેઠેલા છે તેઓ આપણને એ પણ બતાવે છે કે કલ્યાણને પામવા માટે જીવનની ચોક્કસ ઊંચાઈએ પહોંચવું જ જોઈએ. આવી ઊંચાઈએ પહોંચવાની વાત મુશ્કેલ છે. કઠણ સાધનાના અંતે જ ઊંડાઈ સિદ્ધ થાય છે. શિવજી એ ત્રિલોચન પણ છે. એમણે પોતાની ત્રીજી આંખથી કામદહન કર્યું. આ ઘટના દ્વારા એ જ સૂચવ્યું કે કે કામના કે વાસનાનું દહન કર્યા વિના સાચું જ્ઞાન મળતું નથી. અનાસક્ત થઈએ તો જ સાચી ભક્તિના આરાધક થઈએ.
મહાશિવરાત્રિ ભગવાન શિવનો મહિમા અનેક રીતે કરે છે. શિવજી માત્ર વલ્કલધારી કે અલ્પવસ્ત્રધારી બન્યા. એમણે દેહ પર ભસ્મ ચોળી છે. શિવ જેટલી સાદગી અન્ય કોઈ દેવમાં નથી. આ હકીકત પણ એ વાત પર પ્રકાશ પાડે છે કે સાચા જ્ઞાનાર્થીનું જીવન સાદગી, સરળના અને સહજતાભર્યું હોવું જોઈએ. શિવજી માટે તો વિભૂતિ એ જ વૈભવ હતો. જ્ઞાનીઓ પણ સામાન્યત પોતાનો વૈભવ માનવો જોઈએ. તેમના હાથમાંનું ત્રિશૂળ સજ્જનોનું રક્ષક જ્યારે દુર્જનોનું સંહારક બને છે.
એમને ભોળાનાથ કહ્યા છે, એનો અર્થ એ જ કે એ ભોળા લોકોના નાથ છે. સંહારના આ દેવતાએ દુષ્ટોનો અને જરીપુરાણી વ્યવસ્થાનો સંહાર કરી એક નવા જ વિશ્વનું નિર્માણ કર્યું છે. પૂજ્ય શ્રી પાંડુરંગ આઠવલે શાસ્ત્રીજીએ નોંધ્યું છે તેમ, `સંસ્કૃતમાં સંહારનો અર્થ શણગાર કે સજાવટ એવો પણ થાય છે. સર્જન અને વિસર્જન એ બન્નેના સહયોગથી સૃષ્ટિની સજાવટ સુંદર લાગે છે.’
તેમના હાથમાંનું ડમરુ એ જ્ઞાનનું ઉદ્ગાતા છે. મહર્ષિ પાણિનિને એમના જ્ઞાનના બીજમંત્રો ડમરુના અવાજમાંથી પ્રાપ્ત થયા હતા, એવી દંતકથા છે. આ શિવજી જગત અને જીવનનાં ઝેર પીને નીલકંઠ બન્યાં. સૃષ્ટિના કલ્યાણ માટે એમણે ઝેર પીધું. તેમણે બીજના ચંદ્રને મસ્તક પર ધારણ કરી એ બતાવ્યું કે જ્ઞાનીના મસ્તકે તો બીજની શીતળતા જ હોય. શિવાલયમાં નંદી અને કાચબાને પણ મહત્ત્વનું સ્થાન છે. તે પહેલા પૂજાય છે. નંદી એ પરમાત્માનું વાહન છે. આવું વાહન પૂજ્ય બન્યું કાચબો સંયમનું પ્રતીક છે. શિવ હોય તો ત્યાં સંયમ હોય અને એ સંયમના પ્રતીકની પૂજા પણ હોય.
પુષ્પદંત નામના કવિએ શિવમહિમ્નસ્ત્રોત લખ્યો છે. શિવનિર્માલ્ય એટલે શિવજીને ચડાવેલ વસ્તુ. ફૂલોની ચોરી કરવા જતી વખતે પુષ્પદંત અજાણતા શિવનિર્માલ્યને ઓળંગી જાય છે તેથી તેની અદૃશ્ય થવાની શક્તિ નાશ પામે છે. શક્તિહીન બનેલ તે ગંધર્વ, ભગવાનના મહિમાનું ગાન કરતાં જે સ્તુતિ રચે છે તે જ શિવમહિમ્ન સ્ત્રોત્ર. શિવકૃપાએ તેની શક્તિ પાછી આવે છે. જે કાર્ય કે જીવન પ્રભુ પર ચડી ગયાં હોય તે બધાં જ શિવનિર્માલ્ય ગણાય. તેવાં મહાન કાર્ય કે જીવન માટે ગમે તેમ બોલવું એ પાપ જ ગણાય. આવું પાપ કરનારની બધી જ શક્તિ નાશ પામે છે.
મહાશિવરાત્રિએ આપણા જીવનમાં એક નવી જ કેડી રચી આપનાર પર્વ છે. હરણાં પણ આપણા જીવનને અવનવો બોધ આપે છે. સહજપણે જ આરતી ઉતારે છે. આપણે સહુએ સમભાવથી જીવવાનું છે. સૃષ્ટિના પ્રત્યેક તંતુ સાથે આત્માના તાર જોડી સાચી મહાશિવરાત્રિ મનાવવાની છે.
એકતાના બે પ્રતીક- શિવરાત્રિ-શબે બરાત- વિશે જાણવા જેવું વિચારવા જેવું છે. શબે બરાત અને શિવરાત્રિ એ એકતાના જીવંત ઉદાહરણ છે. બંને તહેવારોમાં રાત’ શબ્દ સંકળાયેલો છે.શબે બરાત’ એટલે પ્રસન્નતાની રાત અને શિવરાત્રિ એટલે શિવ સાથે સંલગ્ન રાત. હિન્દુ ધર્મમાં માનનારાઓ કે શિવભક્તો જેમ રાત્રે શિવજીની આરાધના અને સાધના કરીને શિવરાત્રિની ઉજવણી કરે છે, તેવી જ રીતે મુસ્લિમ બંધુઓ `શબે બરાત’ મનાવે છે.
મુસ્લિમ બંધુઓ માટે દુઆ માગવાનું સ્થાન કબ્રસ્તાન છે અને શિવ સ્મશાનના દેવતા હોવાથી તેમના પૂજા-પાઠ પણ ત્યાં જ થાય છે. સૂફી સંતો જ્યારે ભારતમાં ઈસ્લામ ધર્મ લઈને આવ્યા ત્યારે તેઓએ દેવી-દેવતાઓની પૂજાનાં સ્થળોએ કબરની પૂજા કરી દીધી હતી. સમાધિ કે દરગાહમાં મંદિર જેવું જ વાતાવરણ હોય છે.
જેમ દેવદેવીઓને અમુક સમયે કોઈ દૂધ કે પછી કોઈ સ્થળે કેસર તથા અન્ય સુંગધિત વસ્તુઓને પાણીમાં નાખીને તેમને સ્નાન કરાવવામાં આવે છે, તેવી જ રીતે દરગાહો ઉપર જ્યારે વાર્ષિક ઉર્સ ભરવામાં આવે છે ત્યારે કબરોને સ્નાન કરાવવામાં આવે છે. મંદિરોમાં દેવ-દેવતાઓ સમક્ષ ફૂલ અર્પણ કરવામાં આવે છે, તેમ કબરો ઉપર પણ ફૂલ ચડાવાતા જોવા મળે છે. અગરબત્તી, ચંદન કે અન્ય પ્રકારની સુંગધિત વસ્તુઓનું દહન કરીને સુવાસ પ્રસરાવવાનો રિવાજ મંદિર અને દરગાહમાં સમાન છે.
ગુજરાત, રાજસ્થાન, મારવાડમાં શબે બરાતના દિવસે માંસાહાર થતો નથી, પરંતુ કુટુંબની વયોવૃદ્ધ મહિલાઓ ઉપવાસ કરે છે. છાણ વડે ચોક લીંપવામાં આવે છે અને પાણીનું નવું માટલું લાવીને મૂકવામાં આવે છે. આ દિવસે ખાસ કરીને રવાનો હલવો બનાવવામાં આવે છે. શિવરાત્રિ ગરમીની ઋતુનો પ્રથમ દિવસ હોવાથી પાણીનું નવું માટલું લવાય છે. શિવરાત્રિના સમય વળતે જ ઘઉંનો પાક તૈયાર થઈ જાય છે, તેથી ઉત્તર ભારતમાં ઘઉંનો રવો બનાવીને તેનો હલવો બનાવવાનો રિવાજ છે.
ચોકનું લીંપણ કરવું ભારતીય તહેવારોની પરંપરા છે. એક તો રહેઠાણ પવિત્ર બની જાય છે અને બીજું ગરમીમાં તે શીતલ રહે છે. અરબસ્તાનનું કલ્પવૃક્ષ ખજૂર છે, પરંતુ સૂફીઓએ શિખવાડ્યું કે ભારતનું કલ્પવૃક્ષ નારિયેળ છે. તેથી દરેક શુભ પ્રસંગે નારિયેળ વડે શુભારંભ કરાય છે. ગુજરાતમાંથી ધર્મપરિવર્તન કરીને આપેલા દાઉદી વહોરા, ખોજા દરેક તહેવારમાં નારિયેળનો ઉપયોગ કરે છે. લગ્નનાં માંડવાથી માંડીને પુત્રીને વિદાય અપાય ત્યાં સુધી પિતા તેના હાથમાં નારિયેળ મૂકે છે.
`પર્વચક્ર: આપણાં ઉત્સવો’ પુસ્તકમાંથી સાભાર.
પ્રકાશક: એન. એમ. ઠક્કરની કંપની.



