ફોકસઃ એક અનોખું મંદિર, જ્યાં પ્રસાદમાં પ્રાપ્ત થાય છે સોનું, ચાંદી ને રોકડા રૂપિયા!
ધર્મતેજ

ફોકસઃ એક અનોખું મંદિર, જ્યાં પ્રસાદમાં પ્રાપ્ત થાય છે સોનું, ચાંદી ને રોકડા રૂપિયા!

કવિતા યાજ્ઞિક

દિવાળીના સપરમા દિવસો આવી પહોંચ્યા છે. દિવાળી એટલે માં લક્ષ્મીની પૂજાનું પર્વ અને નવવર્ષ સુખ અને સમૃદ્ધિમાં જાય તેવી કામના કરવાનો તહેવાર. પણ આ સમયે સોનાનો ભાવ આસમાન ફાડીને અંતરિક્ષમાં પહોંચ્યો છે! એટલે મહાલક્ષ્મીની પૂજા તો આપણે કરીશું, પણ સોનું ખરીદવું સામાન્ય માણસ માટે સ્વપ્નવત બન્યું છે.

તેવામાં જો કોઈ કહે કે, લક્ષ્મીજીની પૂજા કરો તો પ્રસાદમાં સાચું સોનું મળશે, તો?!! આ ગપગોળું નથી, પણ ખરેખર દેવી મહાલક્ષ્મીનું એવું એક મંદિર છે, જ્યાં હકીકતમાં પ્રસાદમાં સોનું અપાય છે!

મધ્ય પ્રદેશના રતલામના માણકમાં પણ એક અનોખું મંદિર આવેલું છે. અન્ય મંદિરોમાં, આપણે દર્શન કરવા જઈએ તો ભક્તોને સામાન્ય રીતે લાડુ, પેંડા, મોહનથાળ જેવી મીઠાઈઓ અથવા ફળફળાદિ કે અન્ય ખાદ્ય પદાર્થ પ્રસાદ રૂપે મળે છે, પરંતુ આપણે જે મંદિરની વાત કરી રહ્યા છીએ એ દેવી મહાલક્ષ્મીના મંદિરની સૌથી ખાસ વાત એ છે કે ભક્તોને દાગીના પ્રસાદ તરીકે મળે છે.

આ મંદિરમાં આવતા ભક્તો સોના અને ચાંદી લઈને ઘરે જાય છે. મહાલક્ષ્મીનું આ મંદિર ખૂબ જ પ્રખ્યાત છે અને અહીં આવનાર ભક્ત ક્યારેય ખાલી હાથે જતો નથી, તેમની ઈચ્છાઓ હંમેશાં પૂર્ણ થાય છે.

મંદિરમાં ઘરેણાં અને પૈસા ચઢાવવાની પરંપરા દાયકાઓથી ચાલી આવી રહી છે. ભક્તોમાં એવી શ્રદ્ધા છે કે દેવી મહાલક્ષ્મીના ચરણોમાં પોતાના ધનનો એક હિસ્સો અર્પણ કરવાની અહીં માનતા માનવામાં આવે તો તે અવશ્ય પૂરી થાય છે. ત્યારથી અહીં દેવીના ચરણોમાં ધનનો ઢગલો થવાનું શરૂ થયું છે.

કહેવાય છે કે જૂના સમયમાં આ પ્રદેશના રાજાઓ તેમના રાજ્યની સુખ-સમૃદ્ધિ અને ધન-ધાન્યની વૃદ્ધિ માટે મંદિરમાં સોનું, ચાંદી અને ધન અર્પણ કરતા હતા. આ પરંપરા આજે પણ જીવિત છે. હવે ભક્તો પણ માતા દેવીના ચરણોમાં ઘરેણાં અને પૈસા ચઢાવી રહ્યા છે અને પોતાના તથા પરિવારની સુખ-સમૃદ્ધિ માટે પ્રાર્થના કરે છે. દેવી મહાલક્ષ્મીના આ મંદિરમાં આખું વર્ષ ભક્તોની ભીડ રહે છે. ભક્તો અહીં આવે છે અને કરોડો રૂપિયાના દાગીના અને રોકડ રકમ દેવીના ચરણોમાં અર્પણ કરે છે.

અહીં એટલું બધું સોનું અને પૈસા ચઢાવવામાં આવે છે કે સુરક્ષા માટે પોલીસ અને કૅમેરા ચોવીસ કલાક તૈનાત રહે છે. મંદિર સમિતિ પ્રસાદ તરીકે મળેલા દાગીના અને પૈસાનો સંપૂર્ણ રેકોર્ડ પણ રાખે છે. એવું પણ કહેવાય છે કે આ મંદિરનો મહિમા એટલો છે કે, ભક્તો અહીંયા દેશ-વિદેશની વિવિધ ચલણી નોટો પણ ચઢાવામાં અર્પણ કરે છે.

કેમકે આ મંદિર દેવીના એક સ્વરૂપનું છે એટલે નવરાત્રિઓ તો ખાસ ઉત્સવ બને જ છે. પણ દેવી મહાલક્ષ્મીનું મંદિર હોવાથી અને દિવાળી એ લક્ષ્મીપૂજનનો વિશેષ અવસર હોવાથી અહીંયા દિવાળીની રોનક કંઈક અલગ જ હોય છે. દિવાળીના અવસરે મંદિરમાં ધનતેરસથી શરૂ કરીને પાંચ દિવસના પ્રકાશ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. દિવાળીના દિવસે આ મંદિરના દરવાજા 24 કલાક ખુલ્લા રહે છે.

સામાન્ય રીતે કોઈ ઉત્સવ કે વિશેષ પર્વ નિમિત્તે મંદિરોને ફૂલો, દીપકો અને લાઈટોથી શણગારવામાં આવે છે. પરંતુ આ મંદિરની ખાસિયત એ છે કે દિવાળી સમયે મંદિરના ગર્ભગૃહને ફૂલોથી નહીં પરંતુ ભક્તો દ્વારા દાનમાં આપેલા ઘરેણાં અને રૂપિયાની નોટોથી શણગારવામાં આવે છે. અહીં સજાવટમાં વપરાતા સોના-ચાંદી અને રોકડની કિંમત લગભગ 200 થી 300 કરોડ જેટલી થતી હોવાનો અંદાજ છે.

દીપોત્સવ દરમિયાન, ખાસ કરીને ધનતેરસને દિવસે મંદિરમાં કુબેરનો દરબાર ભરાય છે. તે નિમિત્તે ‘કુબેરની પોટલી’ ભક્તોને પ્રસાદ રૂપે આપવામાં આવે છે. શું હોય છે આ પોટલીમાં? કહે છે કે સાચી શ્રદ્ધા અને ભક્તિથી દેવી મહાલક્ષ્મીના દર્શને આવનાર અને મનમાં લોભ અને લાલચ ન રાખનાર ભક્તને ખરેખર મોંઘા ઘરેણાં પ્રસાદ રૂપે આ પોટલીમાં પ્રાપ્ત થાય છે. જી હા, ભક્તો દ્વારા દેવીના ચરણોમાં અર્પણ થયેલા સોના-ચાંદી અને રૂપિયા જ કુબેરની પોટલી રૂપે ભક્તોમાં પ્રસાદ તરીકે વિતરણ કરવામાં આવે છે.

ભારતમાં નાણાંની દ્રષ્ટિએ ધનવાન ગણાય તેવા અનેક પ્રસિદ્ધ મંદિરો છે, પણ એ મંદિરોમાં પણ ભક્તોને સોનું-ચાંદી પ્રસાદમાં આપવામાં આવે તેવું સાંભળવા નથી મળ્યું. તે રીતે આ મંદિર ખરેખર વિશિષ્ટ છે. લોકો પ્રસાદ તરીકે મળેલા સોનાના દાગીના અને રોકડ રકમ સાચવીને રાખે છે, એવું કહેવાય છે કે તેનાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button