માનસ મંથન:ભગવાન ગણેશ એટલે વિવેક ને ગણપતિની પૂજા એટલે આપણા વિવેકની પૂજા…

- મોરારિબાપુ
રામચરિતમાનસ’ ગ્રંથનું જે રૂપ છે, બાહ્યરૂપ છે, એ સાત ભાગમાં વિભાજીત કરવામાં આવ્યું છે. આપ જાણો છો કે,વાલ્મીકિજીએરામાયણ’ના ભાગો માટે કાંડ’ શબ્દ પ્રયોજ્યો છે,બાલકાંડ’, અયોધ્યાકાંડ’,અરણ્યકાંડ’, કિષ્ક્નિધાકાંડ’,સુંદરકાંડ’, લંકાકાંડ’,ઉત્તરકાંડ’. આપણે પણ એ જ શબ્દનો પ્રયોગ કરીએ છીએ, પરંતુ `રામચરિતમાનસ’માં તુલસીજીએ પ્રથમ સોપાન, દ્વિતીય સોપાન, તૃતીય સોપાન, ચતુર્થ સોપાન, પાંચમું સોપાન, છઠ્ઠું સોપાન, સાતમું સોપાન એમ સોપાનોમાં આ કથાનું સંયોજન કર્યું છે.
બાલકાંડ’ના આરંભમાં ગોસ્વામીજી મંગલચરણના સાત મંત્રોનું ગાન કરે છે. ત્યારબાદ સાવ ગ્રામભાષામાં, સરળ હિન્દીમાં, દેહાતી હિન્દીમાં શ્લોકને લોક સુધી પહોંચાડવા માટે આપણા સુધી પહોંચવા માટે તુલસી શિખર પરથી સાવ નીચે આવે છે. વેદ, શાસ્ત્ર, પુરાણ, સંહિતા, બ્રાહ્મણગ્રંથ, અન્ય ગ્રંથ, ભારતના તત્ત્વજ્ઞાનનું જેટલું સાહિત્ય છે, સતસાહિત્ય છે, એ બધાનો ક્યાંક ને ક્યાંક ગોસ્વામીજીએ ઉલ્લેખ કર્યો છે. અને હેતુ એક માત્રસ્વાન્ત: સુખાય તુલસી રઘુનાથ ગાથા.’
આપણી સનાતનીય પરંપરામાં કોઈપણ મંગલકાર્યના આરંભમાં મોટે ભાગે આપણે પંચદેવની પૂજા કે પંચદેવનું સ્થાપન કરીએ છીએ. જગદગુરુ શંકરાચાર્યે આપણને પાંચ દેવની ઉપાસના કરવાનું શીખવ્યું છે કે, દરેક વ્યક્તિએ પાંચને પૂજવા. એક તો સૂર્યને, બીજા ગણપતિને, ત્રીજા મહાદેવને અને મા દુર્ગા ભવાની અને પાંચમા ચતુર્ભુજ નારાયણ ભગવાન વિષ્ણુ, જે કહો તે,આ પંચદેવની વાત. તુલસીદાસજી રામાનંદીય પરંપરામાં આવ્યા છે, પણ છતાંય ભગવાન શંકરાચાર્ય મહારાજના સિદ્ધાંતોનો આ કેટલો મોટો સમન્વય કર્યો છે કે એ વાતને એમણે `રામાયણ’ના આરંભમાં મૂકી દીધી! માણસોએ આ પાંચ દેવને પૂજવા; તો, તુલસીએ પણ એમને જયારે આટલા મોટા શાસ્ત્રનું દાન કરવું છે ત્યારે પંચદેવોનું સ્મરણ કર્યું. ગણેશ, દુર્ગા, શિવ, ભગવાન વિષ્ણુ નારાયણ અને સૂર્ય ભગવાન. આ આપણી પરંપરામાં આવ્યું છે તો એનું આપણને ગૌરવ છે, પરંતુ આ પંચદેવની વાત સાર્વભૌમ છે. જો પોતાના હઠાગ્રહો છોડીને બધી વિચારધારાના લોકો આ વાતને સમજે તો પંચદેવની વિચારધારા મૂલત: સાર્વભૌમ છે, સંકીર્ણ નથી.
ગણેશની પૂજા એટલે વિવેકની પૂજા. ગણેશ એટલે વિવેક. અને વિવેકની મનાઈ કયો ધર્મ કરે છે? વિવેક તો સૌ પાસે હોવો જોઈએ. રમણ મહર્ષિએ આપણી વિચારધારામાં,આપણી પરંપરામાં, બીજા સ્વામી રામતીર્થે જે પાપની વ્યાખ્યા કરી, બહોત અદ્દ્ભુત કરી. આજના કાળ માટે બિલકુલ યોગ્ય છે અને ચેતનાવંત મહાપુરુષોને અધિકાર હોય છે કે મૂળને સાચવીને નવાં નવાં ફૂલો આપે. એને અધિકાર હોય છે. ઈશ્વરે શુભ અવસર આપ્યો હોય અને ઈ અવસરને જે માણસ ચૂકી જાય એને રમણ મહર્ષિ પાપ કહે છે. શ્રીમદ્ રામતીર્થ પાપ કહે છે. હરિ ભજવાનો અવસર આવ્યો હોય ને માણસ ચૂકી જાય એ પાપ. બીજાને મદદ કરવાનો સમય આવ્યો હોય ને ચૂકી જાય એ પાપ. પ્રભુએ ધન આપ્યું હોય એનો સદ્ઉપયોગ કરવો. ધ્યાન કરવાનો અવસર આવ્યો હોય ને ચૂકી જાય એ પાપ.
ઈશ્વરનું એવું છે કે, આપણા પાપનું બધું લીસ્ટ નથી રાખતો. કેવા તમે આવ્યા છો ઈ હશે ચિત્રગુપ્તના ચોપડામાં, નીચેની ઓફિસોમાં હશે, પરંતુ કોઈ બધાના વિધાતા સુધી આ બધું હશે. પરંતુ જેને આપણે પરમ સત્તા કહીએ છીએ, પરમાત્મા કહીએ એ કાંઈ આપણા પાપનું લીસ્ટ રાખે એટલો નાનો માણસ છે? એ તો એ લીસ્ટ રાખે છે કે તને અવસર મળ્યો ત્યારે તેં મને કેટલો ભજ્યો? તને અવસર મળ્યો ત્યારે તેં દીનહીનની મદદ કેટલી કરી? તને અવસર મળ્યો ત્યારે તેં વિષમતા છોડીને સમતાની ભૂમિ પર કામ કેટલું કર્યું? તને અવસર મળ્યો ત્યારે લોકોને આનંદ આપવામાં હિસ્સેદાર કેટલો બન્યો? ઈ લખે છે. આપણા બધાના પાપ લખવા બેસે તો આખી પૃથ્વી ઉપર લખાણ કરવું પડે અને ઈ બહુ નાના નાના અક્ષરોમાં કરવું પડે. પણ પરમસત્તા હશે જે આપણે ત્યાં વ્યવસ્થા પુરાણોમાં દેખાય છે હશે. કબૂલ કરું હશે, પરંતુ ઈશ્વર એ બધું લક્ષમાં થોડું રાખે ?
આ પણ વાંચો…માનસ મંથન: સદ્ગુરુની જ્ઞાનદૃષ્ટિ મળી જાય તો સંસારની ઘટનાઓ વિચલિત ન કરી શકે!
कह हनुमंत बिपती प्रभु सोई।
जब तब सुमिरन भजन न होई॥
આવેલા અવસરનો આપણા વિવેકના અજવાળામાં, આપણી મર્યાદા પ્રમાણે સદ્ઉપયોગ કરવો એને ઈશ્વર યાદ રાખે છે. પછી ખેતીનો અવસર આવ્યો હોય ત્યારે વિવેકથી ખેતી કરી લ્યો, છોકરાઓને પરણાવવાનો અવસર આવે ત્યારે વિવેકથી તમારી ક્ષમતા પ્રમાણે તમારા સ્વધર્મને નિભાવો. ભગવાનની કથામાં આત્મ જાગૃતિ થતી હોય તો ઈ ઈશ્વરની પળને ચૂકો નહીં, પરંતુ બહુ જ મારી હૃદયની અપીલ કે तुम्हारे बच्चे याद करे तो वो भी अवसर चूको नहीं क्योंकि કથામાં તો રામનો જન્મ કરાવીશ. પાંચમે-છઠ્ઠે દિવસે જ્યારે કરાવું ત્યારે અને પારણામાં જે પીતળનાં કે ચાંદીના લાલા હશે એને આપણે ઝુલાવીશું પણ તમારે ઘેર જે બાલકૃષ્ણ ઝૂલે છે એને પ્રેમ કરવાનું ચૂકશો નહીં, એ પુણ્ય છે. પ્રેમથી ધીમે ધીમે પરમ સુધી પહોંચવાનું છે. એ પણ એક સીડી છે.
દુર્ગા એટલે શ્રદ્ધા. કોઈ ધર્મમાં શ્રદ્ધાનું ખંડન હોઈ શકે? બધા શ્રદ્ધા પર તો ટક્યા છે. શિવ એટલે કલ્યાણ. બધા ધર્મ વિશ્વના કલ્યાણની વાતો કરવા માટે આગળ આવે છે અને વિષ્ણુ એટલે વિશાળતા, વ્યાપકતા, ઉદારતા. ધ્યાન રાખજો, ઉદાર બન્યા વિના શાંતિ થતી નથી. પંચદેવોની સ્થાપનાનો આ સાર્વભૌમ વિચાર છે. ધર્મની અને એકબીજાની વાતો એકબીજા કાપશે તો કદાચ જયજયકાર થઇ શકશે, શાંતિકાર નહીં થઇ શકે. અને લોકો ધર્મના નામે, પોતપોતાની વિચારધારાને નામે બીજાનું કેવી રીતે અપમાન કરી શકાય, કેવી રીતે બીજાને પોતાનાથી નાના સિદ્ધ કરી શકાય એ માટે પ્રવૃત્ત છે ! અને હોશિયારી સાથે આ બધું થાય છે !
તો, મારાં ભાઈ-બહેનો, આ સાર્વભૌમ સિદ્ધાંત છે. બીજાનું કલ્યાણ કરો એ શિવસ્થાપના. શ્રદ્ધાને અકબંધ રાખો એ દુર્ગાની સ્થાપના. વિવેક સંભાળો એ ગણેશ ઉપાસના. ઉદાર બની રહો એ વિષ્ણુની આરાધના અને પ્રકાશમાં જીવવાનો સંકલ્પ કરો એ સૂર્યની આરાધના. તો, ગોસ્વામીજીએ આરંભમાં પંચદેવોની વંદના કરી. અને પછી જેનામાં પાંચેય દેવ સમાઈ જાય છે એવા સદગુરુની વંદના તેઓ કરે છે. ગુરુમાં બધું આવી જાય છે. સદગુરુમાં બધું સમાઈ જાય છે.
- સંકલન : જયદેવ માંકડ
આ પણ વાંચો…માનસ મંથનઃ જ્યાં સુધી દેશ પાસે રામકથા-કૃષ્ણકથા ને શિવકથા છે ત્યાં સુધી રાષ્ટ્રધ્વજ સદાય ઉન્નત રહેશે