ચિત્તશુદ્ધિ વિના કુંડલિની જાગરણ થતું નથી | મુંબઈ સમાચાર
ધર્મતેજ

ચિત્તશુદ્ધિ વિના કુંડલિની જાગરણ થતું નથી

  • અલૌકિક દર્શન – ભાણદેવ

(ગતાંકથી ચાલુ)

પ. કુંડલિની જાગરણના ઉપાયો

  1. કુંડલિની જાગરણનો સર્વેશ્રેષ્ઠ ઉપાય તો ભગવત્કૃપા જ છે. અન્ય સાધનો કૂવાના પાણી જેવા છે, જ્યારે ભગવત્કૃપા અનરાધાર વર્ષાની હેલી સમાન છે. અન્ય સાધના કરવામાં આવે ત્યારે પણ સાધનાની સફળતાનો આધાર ભગવત્કૃપા પર જ છે. એટલે ઈશ્વપ્રણિધાન સર્વ સાધનોમાં શ્રેષ્ઠ અને સર્વ સાધનોના પાયારૂપ સાધન છે.
  2. ભક્તિમાર્ગના પથિકને ભાવ અને નામજપથી કુંડલિની જાગરણ થાય છે.
  3. જ્ઞાનમાર્ગના પ્રવાસીને વિચાર અને બ્રહ્મચિંતનથી કુંડલિની જાગરણ થાય છે.
  4. રાજયોગના સાધકને ધારણા-ધ્યાનના અભ્યાસથી આ સિદ્ધિ મળે છે.
  5. હઠયોગનો સાધક કુંડલિની જાગરણ માટે આસન, પ્રાણાયામ અને મુદ્રાઓનો અભ્યાસ કરે છે. એ માર્ગે પણ કુંડલિની જાગરણ થઈ શકે છે.

ગોરક્ષનાથ આદિ આચાર્યોએ કુંડલિની જાગરણ માટે આસન, પ્રાણાયામ અને મુદ્રાઓના અનેકવિધ હઠયૌગિક પ્રયોગો સૂચવેલા છે; એનો વિગતવાર વિચાર કરવાનું અહીં શક્ય નથી. એટલે અહીં આપણે માત્ર આટલા ઉલ્લેખથી જ સંતોષ માનીશું.

બધા સાધકોનું ધ્યાન કુંડલિની જાગરણ તરફ જ હોય છે કે હોવું જોઈએ એવું નથી. જ્ઞાનમાર્ગ, ભક્તિમાર્ગ કે રાજયોગના પતિકનું ધ્યાન કુંડલિની જાગરણ તરફ હોતું નથી. કુંડલિની જાગરણ તો તેમને માટે માર્ગ પર આવતી એક ઘટના છે. માત્ર હઠયોગમાં ખાસ કુંડલિની જાગરણ માટે સાધના પ્રયોજવામાં આવી છે. માર્ગ ગમે તે હોય, સાધકનું ધ્યાન કુંડલિની જાગરણ તરફ હોય કે ન હોય પણ અધ્યાત્મપથ પર ચાલનાર અને આગળ વધનાર સાધકના જીવનમાં કુંડલિની જાગરણની ઘટના કોઈને કોઈ સ્વરૂપે બને છે.

  1. કુંડલિની જાગરણ વખતે, પહેલાં અને પછી ખ્યાલમાં રાખવાની સાવચેતીઓ
  2. સાધકે પ્રથમથી જ શુદ્ધ સાત્ત્વિક

આહાર રાખવો જોઈએ, લસણ, ડુંગળી, માંસ, મદિરા અને ધૂમ્રપાન ત્યાજ્ય છે. વધુ પડતાં તેલ, મરચાંનો ઉપયોગ ન કરવો. મિતાહાર આવશ્યક છે.

  1. ચિત્તશોધન માટે સાધકે સાત્ત્વિક આચાર અને સાત્ત્વિક વિચારનું પાલન કરવું જોઈએ અને સાત્ત્વિક વાતાવરણમાં રહેવું જોઈએ.

ચિત્તશુદ્ધિ વિના કુંડલિની જાગરણ થતું નથી અને થાય તો યોગને બદલે રોગનું કારણ બને છે.

  1. યોગમાર્ગના પ્રવાસી માટે કુંડલિની જાગરણ પહેલાં નાડીશોધન થવું અનિવાર્ય છે.
  2. સાધના, ખાસ કરીને યૌગિક ક્રિયાઓ ગુરુપદિષ્ટ માર્ગે યુક્ત પદ્ધતિથી કરવી જોઈએ. ગલત પદ્ધતિથી કરેલ યોગાભ્યાસ રોગ નોતરે છે.
  3. હઠયોગમાં કુંડલિની જાગરણ માટે કેટલાક તીવ્ર ઉપાયો યોજવામાં આવ્યા છે. આવા તીવ્ર અને કૃત્રિમ સાધનો પ્રયોજવામાં જોખમ છે. તેને બદલે સૌમ્ય અને સાત્ત્વિક સાધનો પસંદ કરવા યોગ્ય છે.
  4. કુંડલિની જાગરણની પ્રક્રિયા દરમિયાન નૈષ્ઠિક બ્રહ્મચર્યનું પાલન અનિવાર્ય છે. બ્રહ્મચર્યનો ભંગ થાય તો પ્રાણશક્તિ તુરંત નીચે પાછી ફરે છે.
  5. કુંડલિની જાગરણ દરમિયાન શરીર-પ્રાણમાં અનેકવિધ ઘટનાઓ બને છે. સાધકે એનાથી ભયભીત ન થવું કારણ કે ભયથી પ્રાણશક્તિ પાછી ફરે છે.
  6. સતત ઈશ્વર-પ્રણિધાનનો ભાવ રાખવો. આખરે તો ભગવત્કૃપા જ સાચો સહારો છે, એવી શ્રદ્ધા રાખવી.
  7. માર્ગ પર થતી અનુભૂતિઓ પ્રત્યે તટસ્થભાવ રાખવો તેમાં રમમાણ ન રહેવું.
  8. જો ઉપરોક્ત બાબતોનો પ્રથમથી જ ખ્યાલ રાખવામાં આવે તો સાધકને કુંડલિની જાગરણ વખતે ખાસ મુશ્કેલી પડતી નથી; છતાં કોઈ બીમારી જેવું લાગે કે કષ્ટ થાય તો થોડા સમય પૂરતી યૌગિક ક્રિયાઓ બંધ રાખવી, શવાસનમાં સૂઈ રહેવું અને કુંભક વિના માત્ર રેચક-પૂરકનો અભ્યાસ કરવો. ભગવત્પ્રાર્થના કરવી. થોડા વખતમાં સારું થઈ જતાં ફરી અભ્યાસ ચાલુ કરવો.
  9. જો ખરેખર કુંડલિની જાગરણને કારણે બીમારી આવે તો ડૉક્ટર પાસે દોડવું નહિ. પરંતુ ઘણીવાર સાધકો અન્ય બીમારીને કુંડલિની જાગરણના લક્ષણો માની ચિકિત્સા કરતા નથી અને બીમારી ઘર કરી જાય છે. આવી ભ્રમણમાં રહી ચિકિત્સામાં શૈથિલ્ય કરવું નહિ.

કુંડલિની જાગરણને કારણે આવેલી બીમારીનાં લક્ષણો ઘણાં જુદા હોય છે. વળી, તેમાં કુંડલિની જાગરણના અન્ય લક્ષણો પણ ભળેલા હોય છે, જ્યાં અન્ય સામાન્ય બીમારીમાં કુંડલિની જાગરણના અન્ય કોઈ લક્ષણો હોતા નથી માત્ર બીમારી જ હોય છે. આના પરથી વિવેકી પુરુષ સમજી શકે કે બીમારી ખરેખર શું છે? આવે વખતે સદ્ગુરુનું માર્ગદર્શન અને ભગવત્કૃપા જ તારણોપાય છે.

  1. કુંડલિની જાગરણ આધ્યાત્મિક પ્રગતિનો અંત નથી, પરંતુ માત્ર સાચો પ્રારંભ છે એમ સમજવું.
  2. કુંડલિની જાગરણની પ્રક્રિયા ચાલુ હોય ત્યારે લોકસંપર્ક અને સાધનેતર પ્રવૃત્તિઓ ખૂબ ઓછી રાખવી અને જરૂર લાગે તો સદંતર બંધ કરવી.
  3. કેટલાક પારિતોષિક શબ્દો

(1) કંદ – યૌગિક ગ્રંથોમાં કંદનો ઉલ્લેખ મળે છે. કંદ એક અંડાકાર કે ગોળાકાર સુવર્ણ સમાન દેદીપ્યમાન અંગ છે. સૂક્ષ્મ શરીરનો ભાગ હોવાથી સ્થૂળ શરીરમાં જોઈ શકાય નહિ. આવા બે કંદ યૌગિક સાહિત્યમાં પ્રસિદ્ધ છે. નાભિ નીચેના ભાગમાં એક અંડાકાર કંદ છે, જે બધી નાડીઓનું ઉદ્ગમ સ્થાન છે. યોનિસ્થાનમાં પણ એક કંદ છે, જેને કામપીઠ કહે છે.

(2) યોનિ અને લિંગ – યોનિ શક્તિવાચક અને લિંગ શિવવાચક છે. જેમાંથી નિર્માણ થાય તે યોનિ છે. ખાલી કે પાલી જગ્યાને યોનિ કહે છે. સિવનીમાં આવું એક યોનિસ્થાન છે, જે ત્રિકોણાકાર છે અને જેમાં કુંડલિની શક્તિ સ્થિત છે. લિંગ આંચળ જેવા ઉપસેલા ભાગને કહે છે. લિંગ બે છે. એક યોનિસ્થાનમાં અને બીજું આજ્ઞા ચક્રમાં.

(3) ગ્રંથિ – અનાહત ચક્રને બ્રહ્મગ્રંથિ, વિશુદ્ધ ચક્રને વિષ્ણુગ્રંથિ અને આજ્ઞા ચક્રને રુદ્રગ્રંથિ કહે છે. આ ત્રણે ચક્રોનું ભેદન પ્રમાણમાં કઠિન હોવાથી તેમને ગ્રંથિ કહે છે.

(4) ત્રિવેણી – ત્રણના મિલનને ત્રિવેણી કહે છે. ઈડા (ગંગા), પિંગલા (યમુના) અને સુષુમ્ણા (સરસ્વતી) મૂલાધાર ચક્રમાંથી છૂટી પડે છે તેથી તેને મુક્ત ત્રિવેણી કહે છે. આ ત્રણે ફરીથી આજ્ઞા ચક્રમાં મળે છે તેથી તેને મુક્ત ત્રિવેણી કહે છે.

(5) મંડલ – યૌગિક પરંપરામાં સમગ્ર સુષુમ્ણા પથને ત્રણ વિભાગમાં વહેંચવામાં આવે છે. આ ત્રણ વિસ્તારને યૌગિક પરિભાષામાં મંડલ કહેવામાં આવે છે. નાભિ અને તેની નીચેના પ્રદેશને યોનિમંડલ કહે છે, હૃદય પ્રદેશને વહિ્ન મંડલ કહે છે અને મરતકને સોમ મંડલ કહે છે.

(6) ચંદ્ર, સૂર્ય અને અમૃતપાન – આપણે જોઈ ગયા છીએ કે ઈડાને ચંદ્ર અને પિંગલાને સૂર્ય કહેવામાં આવે છે. આ સિવાય એક બીજા અર્થમાં પણ આ શબ્દોનો ઉપયોગ થાય છે. યોગીઓ એમ માને છે કે નાભિ પ્રદેશમાં સૂર્ય અને મસ્તકમાં ચંદ્ર રહેલા છે. ચંદ્રમાંથી સતત સ્ત્રવતા અમૃતને નાભિસ્થ સૂર્ય ગ્રસી જાય છે. જો આ પ્રક્રિયા પલટી નાખવામાં આવે તો ચંદ્રમાંથી થતો અમૃતસ્ત્રાવ સાધકની અધ્યાત્મયાત્રામાં મૂલ્યવાન સહાય કરે છે. આ ક્રિયાને અમૃતપાન કહેવામાં આવે છે અને વિપરીતકરણીથી તે સિદ્ધ થાય છે.

યૌગિક પ્રક્રિયા સમજવામાં ઉપયોગી એવા; નાડી, ચક્ર, પ્રાણ, કુંડલિની વગેરે પારિભાષિક શબ્દોનો આપણે વિગતે વિચાર કર્યો હોવાથી અહીં પુનરાવર્તન કરવાનું આવશ્યક નથી.

યોગમાં આવતા આ બધા પારિભાષિક શબ્દોને તેમના સ્થૂળ અર્થમાં સમજવાના નથી. યૌગિક અનુભૂતિઓ અને સૂક્ષ્મદર્શનોને સમજવા માટે આપણી પાસે ભાષા નથી. તેમને અભિવ્યક્ત કરવા માટે પણ લૌકિક ભાષા જ વાપરવી પડે છે, પરંતુ શબ્દોના અર્થ લૌકિક ન રહેતાં કંઈક બીજા જ અર્થ તરફ તેઓ સંકેત કરે છે. વળી, આ વર્ણન ભાષા દ્વારા હંમેશાં અધૂરું રહેવાનું. શબ્દો માત્ર ઈશારા જ કરે છે, માત્ર સંકેતો જ છે, એમ સમજવું જોઈએ. (ક્રમશ:)

આપણ વાંચો:  મહાભારતનું એક મોતી: સનત-સુજાતિય

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button