ફોકસ પ્લસ: કૃષ્ણા નદી: દક્ષિણની ગંગા છે…
ધર્મતેજ

ફોકસ પ્લસ: કૃષ્ણા નદી: દક્ષિણની ગંગા છે…

  • વીણા ગૌતમ

નદીઓ જીવનદાતા હોય છે. નદીકિનારે જ માનવનો જન્મ થયો છે અને નદીઓના કિનારે જ વિશ્વની તમામ સભ્યતાઓ અને સંસ્કૃતિઓ વિકાસ પામી છે. ધરતી પર નદીઓ વિના જીવનની કલ્પના પણ કરી શકાતી નથી, પરંતુ જલવાયુ પરિવર્તન, વધતી વસતિ અને નદીઓ પ્રત્યે સામાન્ય લોકોની ઉદાસીનતાને કારણે ધરતી પર પાણીનું સંકટ તો ઊંડુ બન્યુ જ છે, હવે નદીઓના અસ્તિત્વ પર પણ સંકટનાં વાદળો ઘેરાઈ રહ્યાં છે.

તેથી જ માત્ર નદીઓનું સંરક્ષણ પૂરતું નથી, પરંતુ નવી પેઢીને પણ આ બાબતે સજાગ કરવાની જરૂર છે. આપણે નવી પેઢીને તેમના પ્રત્યે સંવેદનશીલ બનાવીએ જેથી નદીઓનું અસ્તિત્વ બચી શકે અને પૃથ્વી પર માનવ સભ્યતા અને સંસ્કૃતિ હંમેશની જેમ ખીલી શકે. ચાલો આપણે ભારતની ચોથા નંબરે આવેલી સૌથી લાંબી નદી એટલે કે, કૃષ્ણા નદી વિષે જાણીયે.

ભારતની ચોથી સૌથી લાંબી નદી એટલે કૃષ્ણા નદી. જળપ્રવાહની દ્રષ્ટિએ ગોદાવરી પછી દક્ષિણ ભારતની બીજી સૌથી મહત્ત્વપૂર્ણ નદી છે. આ 1400 કિમી લાંબી નદી ગંગા, ગોદાવરી અને યમુના પછી દેશની સૌથી લાંબી નદી છે અને તે લગભગ 70 લાખ હેકટર ખેતીની જમીનને સીંચે છે. તેના દ્વારા ઘણી મોટી સિંચાઈ પરિયોજનાઓ જેમકે, નાગાર્જુન સાગર પરિયોજના, અલમાતી ડેમ અને શ્રીશૈલમ ડેમ, દક્ષિણ ભારતની ખેતીનો મુખ્ય આધાર છે. કૃષ્ણને દક્ષિણની ગંગા પણ કહેવામાં આવે છે

કારણકે આના કિનારા પર અમરાવતી, વિજયવાડા, મહાબળેશ્વર અને શ્રીશૈલમ જેવા પવિત્ર સ્થળ છે. મહાબળેશ્વર કે જે મહારાષ્ટ્રના સતારા જિલ્લામાં આવેલ છે, અહીંથી જ કૃષ્ણા નદી પશ્ચિમી ઘાટની એક મહત્ત્વપૂર્ણ ધારના રૂપમાં નીકળે છે અને મહારાષ્ટ્ર, કર્ણાટક, તેલંગાણા, તેમજ આંધ્ર પ્રદેશમાં વહેતા તેના મછલીપટ્ટનમ શહેર પાસે બંગાળની ખાડીમાં પડે છે.

અને કિનારા પર આવેલા અમરાવતી શહેરમાં અમરાલિંગેશ્વર, વિજયવાડામાં કનક દુર્ગા મંદિર જેવા પવિત્ર સ્થળ છે, જ્યાં દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ પવિત્ર સ્નાન માટે જાય છે. શ્રીશૈલમ શિવ ભક્તો માટે એક એવું પવિત્ર સ્થાન છે જ્યાં લોકો આખું વર્ષ પવિત્ર સ્નાન કરે છે અને જેવી રીતે ઉત્તર ભારતમાં ગંગા નદીના કિનારે પ્રયાગરાજમાં બહુ મોટો કુંભ મેળો થાય છે તેવી જ રીતે કૃષ્ણા નદીને કિનારે કૃષ્ણા પુષ્કરં પર્વ દર 12 વર્ષે મનાવવામાં આવે છે અને અહીં પણ કરોડોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પવિત્ર સ્નાન માટે ઊમટે છે.

કૃષ્ણા નદીના બેસિનનું કુલ ક્ષેત્રફળ 2.6 લાખ વર્ગ કિલોમીટર છે. જો કે કૃષ્ણા નદી પાણીના વિવાદોની પણ સૌથી મહત્ત્વપૂર્ણ નદી છે. આ નદીના પાણી માટે મહારાષ્ટ્ર, કર્ણાટક અને આંધ્ર પ્રદેશની વચ્ચે હંમેશાં તનાવ ભરી સ્થિતિ રહે છે. પરંતુ આનાથી નદીના પૌરાણિક,આધ્યાત્મિક, ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્ત્વ પર જરા પણ અસર પડતી નથી. આ કૃષ્ણના નદીના સાહિત્યિક અને સાંસ્કૃતિક મહત્ત્વનું જ કારણ છે કે, સંસ્કૃત, તેલુગુ, કન્નડ અને મરાઠી સાહિત્યમાં કૃષ્ણા નદીની મહિમાનો બહોળુ વર્ણન છે.

સંસ્કૃત મહાકાવ્યો જેવા કાદમ્બરી અને ભટ્ટી-કાવ્યમાં દક્ષિણની નદીઓમાં કૃષ્ણાનો મહિમા સૌથી વધારે છે. તેલુગુના સંત કવિઓ જેમકે, તાલપક અનામાચાર્ય તેમ જ ત્યાગરાજા એ નદીને આસ્થાનું પ્રતીક માન્યું છે તો મરાઠી સંત કવિઓ તુકારામ અને જ્ઞાનેશ્વરના ભક્તિ ગીતોમાં પણ કૃષ્ણા નદીની મહત્ત્વતા લહેરાય છે. શિવપુરાણ અને સ્કંદપુરાણમાં પણ કૃષ્ણા નદીનો ઉલ્લેખ છે, જેમાં તેને કૃષ્ણા દેવીના રૂપમાં દર્શાવવામાં આવ્યા છે અને એમ માનવામાં આવે છે કે તે વિષ્ણુના પગમાંથી પ્રકટ થઈ છે.

બીજી એક કથા અનુસાર આ નદી કૃષ્ણા નામે એક યોગિનીના રૂપમાં ધરતી પર ઊતરી, જેમણે હજારો વર્ષો સુધી તપ કર્યું અને પોતાની કૃપાદ્રષ્ટિથી દક્ષિણ ભારતને ધન- ધાન્યથી સંપન્ન કરી નાખ્યું. તેથી જ કૃષ્ણા નદીને દક્ષિણ ભારતની જીવનરેખા પણ કહે છે.

કૃષ્ણાની મહત્ત્વપૂર્ણ મદદનીશ નદીઓમાં તુંગભદ્રા, ભીમા, વૈનગંગા, કોયના, માલપ્રભા, મુસી, અને ઘટપ્રભા છે. આ નદીઓ કૃષ્ણા નદીને એક વિપુલ જળવાળી નદી બનાવે છે. ચાર રાજ્યના બહુ મોટા ભાગો આની જલરાશિથી પોતાની બહુ વિકસિત ખેતી અને જીવન સભ્યતા માટે ઓળખાય છે.

મહારાષ્ટ્ર, કર્ણાટક, તેલંગાના અને આંધ્ર પ્રદેશને કૃષ્ણા નદીના પાણીનો લાભ મળે છે. ખેતરોમાં પાણી આપવા ઉપરાંત આ નદી હજારો ગામો અને અનેક નાનાં મોટાં ંશહેરોમાં પણ પીવાના પાણીનું પ્રમુખ સ્તોત્ર છે. તેમ જ વિદ્યુત ઉત્પાદનનું કેન્દ્ર છે.

કૃષ્ણા નદીના આ પાણીમાં 26 ટકા મહારાષ્ટ્રનો ભાગ હોય છે, 44 ટકા કર્ણાટક તેમજ બાકી રહેલો ભાગ તેલંગાણા અને આંધ્ર પ્રદેશનો છે. કૃષ્ણા નદી દક્ષિણ ભારતની ઈકોનોમીમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. આ ન માત્ર માણસોના જીવન માટે પરંતુ વનસ્પતિઓ, જીવ જંતુઓ, આબોહવા સંતુલન અને ખેતી ઈકોલોજી તંત્ર માટે પણ એક જીવન આપનાર ધારા છે.

કૃષ્ણા નદીના બેસિનમાં અનેક પ્રકારની વનસ્પતિઓ અને જળ જીવો રહે છે. નાગાર્જુન સાગર પક્ષી અભ્યારણ આ નદી પર જ બન્યું છે. કૃષ્ણા નદીમાં માછલીઓની અનેક સ્થાનિક પ્રજાતિઓ છે. આ નદીનો પાણીનો પ્રવાહ એક જગ્યાએથી બીજી જગ્યાએ નવું જીવન આપતી માટી અને કાર્બનિક પદાર્થોનું પરિવહન કરે છે, જેનાથી કુદરતી પુનર્જીવન થાય છે. એટલા માટે કૃષ્ણા નદી માત્ર પાણીનો પ્રવાહ નથી પણ એક જીવંત ઇકોસિસ્ટમ છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button