ધર્મતેજ

વિશેષ પ્લસઃ આ જગપ્રસિદ્ધ મંદિરની તરફ જહાજ કેમ ખેંચાઈ આવતા હતા?

કવિતા યાજ્ઞિક

ભારતના પૂર્વ કિનારે આવેલા ઓડિશા રાજ્યને કયો ભારતવાસી નહીં જાણતો હોય? ઓડિશા જેટલું ભગવાન જગન્નાથ માટે જાણીતું છે, તેટલું જ પુરી જિલ્લામાં આવેલા કોણાર્ક અને ત્યાંના સૂર્યમંદિર માટે જાણીતું છે. આ સૂર્ય મંદિર એ 13મી સદી (1250 સીઈ) નું મંદિર છે જે પૂર્વના ગંગ વંશના રાજા નરસિંહ દેવ પ્રથમ દ્વારા સ્થાપિત મનાય છે.

પુરાણો અનુસાર, શ્રીકૃષ્ણના પુત્ર સાંબને તેમના શ્રાપને કારણે કુષ્ઠ રોગ થયો હતો. સાંબે કોણાર્કના મિત્રવનમાં ચંદ્રભાગા નદીના સંગમ પર બાર વર્ષ સુધી તપસ્યા કરી અને સૂર્યદેવને પ્રસન્ન કર્યા. બધા રોગોના નાશ કરનાર સૂર્ય દેવે તેમની બીમારી પણ મટાડી દીધી. તે મુજબ, સાંબે સૂર્યદેવનું મંદિર બનાવવાનું નક્કી કર્યું.

રોગમાંથી સ્વસ્થ થયા પછી, ચંદ્રભાગા નદીમાં સ્નાન કરતી વખતે, તેમને સૂર્ય ભગવાનની મૂર્તિ મળી. આ મૂર્તિ સૂર્યદેવના શરીરના એક ભાગમાંથી દિવ્ય શિલ્પી શ્રી વિશ્વકર્માએ કોતરેલી હતી. સાંબે આ મૂર્તિને મિત્રવનમાં તેમણે બનાવેલા મંદિરમાં સ્થાપિત કરી હતી, અને ત્યારથી, આ સ્થળને પવિત્ર માનવામાં આવે છે.

કોણાર્કના સૂર્યમંદિરની રચના વિશે તો વધુ શું વાત કરવી? તેના વિશે તો બધા જાણે જ છે. પણ આપણે તેની ચમત્કૃતિ વિશે જરૂર વાત કરીશું. કોણાર્ક શબ્દ કોણ અને અર્ક શબ્દો પરથી આવ્યો છે. અર્કનો અર્થ સૂર્ય થાય છે, જ્યારે કોણનો અર્થ ખૂણો અથવા કિનાર હોઈ શકે છે. એવું કહેવાય છે કે કોણાર્ક સૂર્ય મંદિર મૂળરૂપે દરિયા કિનારે બનાવવાનું હતું, પરંતુ દરિયો ધીમે ધીમે ઓછો થતો ગયો અને તેથી મંદિર કિનારાથી થોડું દૂર થઇ ગયું. મંદિરના ઘેરા રંગને કારણે તેને કાળો પેગોડા કહેવામાં આવ્યું.

સૂર્ય મંદિર સૂર્યદેવ દ્વારા સંચાલિત સમયના પ્રવાહનું પણ પ્રતિનિધિત્વ કરે છે. રથ આકારના મંદિરમાં પૂર્વ દિશામાં જોડાયેલા સાત ઘોડા, અઠવાડિયાના સાત દિવસોનું પ્રતીક છે. 12 જોડી પૈડા દિવસના 24 કલાકનું પ્રતિનિધિત્વ કરે છે, જ્યારે તેમની સાથે જોડાયેલા 8 આરા દિવસના આઠ પ્રહરનું પ્રતીક છે. કેટલાક લોકો માને છે કે 12 જોડી પૈડા વર્ષના બાર મહિનાનું પ્રતિનિધિત્વ કરે છે. એક માન્યતા એવી પણ છે કે સાત અશ્વો એ સૂર્યના કિરણમાં રહેલા મેઘધનુષના 7 રંગોનું પણ પ્રતિનિધિત્વ કરે છે.

આ મંદિરમાં ભગવાન સૂર્યની ત્રણ મૂર્તિઓ હતી, બાલ્યાવસ્થા એટલે ઉગતા સૂર્ય, જેની ઊંચાઈ 8 ફૂટ. યુવાની, જેને મધ્યાહન સૂર્ય તરીકે પણ ઓળખવામાં આવે છે, તે 9.5 ફૂટ ઊંચી, જ્યારે ત્રીજો તબક્કો પુખ્તાવસ્થા છે, જેને અસ્ત થતા સૂર્ય તરીકે પણ ઓળખવામાં આવે છે, તે 3.5 ફૂટ ઊંચી છે.

આ મંદિરની ચમત્કૃતિ એવી છે કે આ મંદિરના શિખરના આધારે સમુદ્રમાં નાવિકો દિશા નક્કી કરતા હતા. પણ આ વિશિષ્ટતા જ નાવિકો માટે જોખમી બની ગઈ. કારણકે એવું કહેવાય છે કે, આ મંદિરના શિખરમાં 52 ટન વજનનો વિશાળકાય ચુંબકીય પથ્થર વપરાયો હતો.

જોકે, મંદિરના શક્તિશાળી ચુંબકીય ક્ષેત્રે સમસ્યાઓ ઊભી કરવાનું શરૂ કર્યું. ચુંબકીય ક્ષેત્ર એટલું મજબૂત હતું કે જહાજો મંદિર તરફ ખેંચાતા હતા. આ પથ્થરના કારણે નાવિકોનું હોકાયંત્ર ખરોવાઈ પણ જતું હતું અને અનેક જહાજો કિનારા નજીક છીછરા પાણી તરફ આવી જતા અને પથ્થરો સાથે ટકરાઈને તૂટી પડતા હતા.

બીજું એ પણ કહેવાય છે કે આ ચુંબકીય પથ્થર સાથે મંદિરમાં અનેક નાના ચુંબકીય પથ્થરો પણ વપરાયા હતા, જે મંદિરના સ્થાપત્યને એકબીજા સાથે જોડી રાખતા હતા. આ ચુંબકીય રચનાના કારણે કહેવાય છે કે, મંદિરની મુખ્ય મૂર્તિ હવામાં તરતી હતી. જોકે આ વાતના પ્રમાણ આજે મળતા નથી.

ચુંબકીય પથ્થરના કારણે જહાજોને થતા નુકસાનને ધ્યાનમાં રાખીને તેને હટાવી લેવામાં આવ્યો (મહદંશે મુસ્લિમ આક્રમણખોરો દ્વારા) તેવી માન્યતા છે પરિણામે મંદિરના સ્થાપત્યને ભારે અસર થઇ અને કાળક્રમે પથ્થરો ખરવા લાગ્યા અને મંદિર તૂટવા લાગ્યું.

આક્રમણખોરોથી બચાવવા આ મંદિરની મૂર્તિને પૂજારીઓએ હટાવી દીધી હતી અને માટીમાં દાટીને છુપાવી દીધી હતી. પછીના કોઈક સમયે તેને બહાર કાઢવામાં આવી હતી એવું કહેવાય છે.

જોકે, આ બાબતે મતાંતરો છે. કેટલાક ઇતિહાસકારોનું કહેવું છે કે આજે પુરીના જગન્નાથ મંદિરના પરિસરમાં જે મૂર્તિ છે તે મૂળ મૂર્તિ છે, તો કેટલાકનું કહેવું છે કે દિલ્હીના રાષ્ટ્રીય સંગ્રહાલયમાં રાખવામાં આવેલી મૂર્તિ મૂળ છે. કેટલાક તો એવું પણ કહે છે કે મૂળ મૂર્તિ દાટી દીધા પછી ફરીથી શોધાઈ નથી. 1984માં યુનેસ્કો દ્વારા તેને વિશ્વ ધરોહર સ્થળ જાહેર કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો…ફોકસ પ્લસઃ ભારતીય રસોડાના સુગંધિત ધબકાર…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button