ફોકસઃ એક એવું મંદિર જેનું નામ જ ચમત્કાર છે!

કવિતા યાજ્ઞિક
આપણા દેશમાં મંદિરોનું એક અનોખું વિશ્વ છે. મંદિરોમાં મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા થાય છે. અર્થાત કે એ મૂર્તિઓ જીવંત બને છે. કદાચ આ જ કારણ છે કે મંદિરોનો જે સૂક્ષ્મ પ્રભાવ આપણા મન-મસ્તિષ્ક પર થાય છે તે ઘણીવાર શબ્દોમાં વર્ણવી શકાતો નથી.
તો ઘણીવાર કેટલાંક મંદિરોની સ્થાપના પાછળ જ એવી કથાઓ હોય છે, જે આપણને આશ્ચર્યચકિત કરી મૂકે. આપણે જાણીએ રાજસ્થાનના એક સુંદર જૈન મંદિર વિશે, જેને ચમત્કારજી મંદિર તરીકે ઓળખવામાં આવે છે.
આમ તો ઘણા ચમત્કારને અંધશ્રદ્ધા પણ કહે છે, પરંતુ ચમત્કાર એટલે શું? એવી ઘટના જે ઘટનાને આપણે આપણા તર્કથી સમજવા અસમર્થ હોઈએ. પણ છતાં આંખ સામે ઘટતી એ ઘટનાને નકારી પણ ન શકાય.
ચમત્કારજી જૈન મંદિર રાજસ્થાનના સવાઈ માધોપુર જિલ્લામાં આવેલું છે. રણથંભોરથી પણ આ મંદિર ક્ષેત્ર ઘણું નજીક છે. જેમ હિન્દુ દેવ સ્થાનોને આપણે મંદિરો કહીએ છીએ, તેમ જૈન મંદિરોને દહેરાં કહેવાય છે. રોજિંદી ભાષામાં દેરાસર કહેવાય છે. આ દેરાસર અતિશય ક્ષેત્ર છે. અતિશય ક્ષેત્રનો અર્થ જ એ થાય છે કે જ્યાં મૂર્તિઓના દૈવી પ્રભાવથી ચમત્કારિક ઘટનાઓ કે અનુભવો થાય.
આ દેરાસરની સ્થાપના જ એક એવી ઘટનાથી થઇ છે જેને તમે ચમત્કાર પણ કહી શકો કે દૈવી સંકેત પણ કહી શકો. એવું માનવામાં આવે છે કે આ 400 વર્ષ જૂનું મંદિર જૈન સમુદાયના લોકો દ્વારા 1889માં બનાવવામાં આવ્યું હતું.
જોકે, કેટલેક ઠેકાણે 1832નો પણ ઉલ્લેખ મળે છે. કહેવાય છે કે ભાદ્રપદ કૃષ્ણ પક્ષ એકમના દિવસે, એક સ્થાનિક નાથ સંપ્રદાયના યોગીને સ્વપ્નમાં ભગવાન આદિનાથની મૂર્તિ જમીનમાં હોવાનો સંકેત મળ્યો હતો.
એક કથા પ્રમાણે ‘જોગી’ નામના એક ખેડૂતને સ્વપ્નમાં દેખાયું કે તે જમીન ખેડી રહ્યો છે અને તેનું હળ અટકી ગયું છે. ખૂબ પ્રયત્નો પછી પણ હળ આગળ વધતું નથી. સવારે ખેડૂત પોતાના પરિવાર સાથે ખેતરમાં સ્વપ્નમાં દેખાયેલ સ્થળે જઈને જુએ છે તો તેને કાચની જેમ ચળકતી મૂર્તિના દર્શન થાય છે.
સાવચેતી પૂર્વક તેને બહાર લાવવામાં આવતા જ ‘જય-જય’નો નાદ સંભળાયો હોવાની વાયકા છે. આ મૂર્તિ જૈન ધર્મની વર્તમાન ચોવીસીના પ્રથમ તીર્થંકર આદિનાથ ભગવાનની હતી.
કહે છે કે મૂર્તિને યોગ્ય જગ્યાએ લઇ જવા માટે રથમાં મૂકવામાં આવી પણ રથ તસુભાર પણ ત્યાંથી આગળ ન વધ્યો. આખરે તે દૈવી સંકેતને પ્રમાણ માનીને તે જ જગ્યાએ ભગવાન આદિનાથનું મંદિર બનાવવાનો નિર્ણય લેવાયો.
આજે એ જગ્યાએ દિગંબર સંપ્રદાયનું સુંદર મંદિર છે. આ મંદિર સાથે અનેક ચમત્કારો જોડાયેલા હોવાનું કહેવાય છે. તેમાં પ્રચલિત એક કથાની આપણે વાત કરીએ.
ચમત્કારજી મંદિર વિશે, અહીંના સ્થાનિક લોકો કહે છે કે આ મંદિરમાં શ્રી નસરુદ્દીન અને શ્રી સફર ઉદ્દીનની ઇચ્છાઓ ચમત્કારિક રીતે પૂર્ણ થઈ હતી. એવું કહેવાય છે કે નસરુદ્દીન નામનો એક નાઝીમ (બાદશાહનો પ્રાદેશિક અધિકારી) સવાઈ માધોપુર આવ્યો હતો. કોઈક કારણસર તેને તેના પદ ઉપરથી બરખાસ્ત કરી દેવામાં આવ્યો હતો.
નિરાશ થયેલા એ અધિકારીને કોઈએ આ મંદિરના ચમત્કાર વિશે જાણ કરી હતી. નસરુદ્દીન મંદિરમાં આવ્યો અને ભગવાન આદિનાથ સામે હાથ જોડીને પ્રાર્થના કરી કે જો તેને તેનું ગુમાવેલું પદ પાછું મળી જશે તો દેરાસરમાં તે સુંદર છત્રી (વાસ્તુકળામાં, ખાસ કરીને રાજસ્થાનમાં પથ્થરની નકશીદાર ગુંબજ વાળી જગ્યા)નું નિર્માણ કરાવશે.
તેના આશ્ચર્ય અને આનંદ વચ્ચે, થોડા જ સમયમાં તેને પદ પર પુન:નિયુક્તિના શુભ સમાચાર મળે છે. ત્યારપછી નસરુદ્દીને ભગવાન આદિનાથ સમક્ષ માનેલી માનતા મુજબ ત્યાં સુંદર છત્રીનું નિર્માણ કરાવ્યું. સ્થાનિકોના કહેવા પ્રમાણે અહીં આવા ઘણા ચમત્કારો થયા હોવાથી જ આ દેરાસર ચમત્કારજી મંદિર તરીકે ઓળખાતું થયું.
અહીંયા ભગવાન આદિનાથની 6 ઇંચની સ્ફટિક મણિની મૂર્તિ સ્થાપિત છે જે પેલા ખેતરમાંથી મળી આવી હતી. ભગવાન આદિનાથ પદ્માસન અવસ્થામાં બિરાજમાન છે. અહીં લાલ પથ્થરથી બનેલી ભગવાન પદ્મપ્રભુની મૂર્તિ પણ અતિ સુંદર છે.
આ પ્રતિમાની ઊંચાઈ 1 ફૂટ 3 ઇંચ છે, અને આ પ્રતિમા 1546માં બનાવવામાં આવી હોવાનું કહેવાય છે. તે સાથે આ મંદિરમાં તમને પંચ બાલ યતિ અને અન્ય તીર્થંકરોની મૂર્તિઓ કલાત્મક રીતે જોવા મળશે.
દર વર્ષે શરદ પૂર્ણિમા અશ્વિન શુક્લ પક્ષ પૂર્ણિમાના અવસરે સવાઈ માધોપુરના શ્રી ચમત્કારજી જૈન મંદિરમાં વિશાળ મેળાનું આયોજન કરવામાં આવે છે. સમગ્ર દેશમાંથી આ પ્રસંગે ભક્તો અહીં પ્રભુની પૂજા-સેવા અને ભક્તિ માટે આવે છે.
આ પણ વાંચો…નરસિંહ મહેતાની કવિતા …ને ભગવદ્ ગીતા