તે મનની પ્રકૃતિ છે, આત્માની નહીં
કવર સ્ટોરી -હેમંતવાળા
અષ્ટાવક્ર ગીતાના પ્રારંભમાં જ આમ કહી દેવાયું છે કે ‘તે મનના ધર્મો છે તમારા નહીં.’આ વાત ધર્મ-અધર્મ તથા સુખ-દુ:ખ માટે કહેવાઈ છે. અષ્ટાવક્ર ગીતાની મજા જ આ છે કે તે શરૂઆતમાં જ તમારી ઘણી બધી પૂર્ણ ધારણાઓ પર પૂર્ણવિરામ મૂકી દે છે. તેથી આ ગીતા એટલી બધી લોક પ્રચલિત થઈ નથી. છતાં પણ ઘણા વિદ્વાનોના મતે આ એક મહાગીતા છે. અહીં આપણે અષ્ટવક્ર ગીતાની વાત નથી કરતા, આ ભગવદ્ ગીતામાં સૃષ્ટિાનીતો મનની પ્રકૃતિની વાત છે.
ભગવદ્ ગીતામાં સૃષ્ટિની રચના માટે “મદ્ભાવા માનસા જાતાની વાત કરી છે. અહીં પણ તે જ વાત છે. સૃષ્ટિમાં જે કંઈ વિવિધ પ્રકારના ભાવ અસ્તિત્વમાં આવ્યા હોય એમ આપણે જે માનીએ છીએ તે માત્ર આપણા મનનું સર્જન છે – તે મનનો વિસ્તાર છે – આપણે જેની ઈચ્છા રાખીએ છીએ તેનું પ્રતિબિંબ છે વળી વિવિધ પ્રકારના નિર્ણયો બાંધીને આપણે જે પ્રકારનો પુરુષાર્થ કરીએ છીએ તે પરિસ્થિતિનું અવલંબન પણ મન છે. મનમાં ઉત્પન્ન થયેલા ભાવો ક્યાંક ઈચ્છાનું પરિણામ છે, તો ક્યાંક નિરાશાનો આધાર છે. આ ભાવ ક્યારેક ધારણાઓને આધારે ઊભા થાય છે તો ક્યારેક ચિત્તમાં સંકળાયેલ સંસ્કારોને કારણે પ્રતીત થાય છે. તેની અનુભૂતિનો પ્રકાર અને માત્રા, અપેક્ષા અને સંજોગોને આધારે બદલાયા કરે છે.
આ પ્રકારના ભાવને આપણે જે તે પરિસ્થિતિ સાથે સાંકળીયે તે પરિસ્થિતિની સમજમાં પણ કોઈ પ્રકારની સાતત્યતા નથી હોતી. એક જ પરિસ્થિતિ જુદા જુદા ભાવો ઉત્પન્ન કરી શકે અને એક જ ભાવ જુદી જુદી પરિસ્થિતિમાં પ્રતીત થઈ શકે. પરિસ્થિતિ અને ભાવ વચ્ચેનો સમીકરણ કાયમી નથી – તે તો કર્તા, કારણ તથા ક્રિયાઓ સાથે સંકળાયેલું છે. એક જ કર્તાને જુદા જુદા ભાવ જુદી જુદી પરિસ્થિતિમાં જુદા જુદા કારણથી પ્રતીત થતા રહે છે અને પરિણામે કરતા જુદી જુદી ક્રિયાઓ સાથે સતત તે સંકળાયેલો રહે છે. નથી તેની ક્રિયામાં કોઈ સાતત્યતા કે નથી તેનાથી ઉદ્ભવતા પરિણામની કોઈ ખાતરી. ભાવને આધારિત વ્યવહાર એ એક રીતે અવિદ્યાને પરિણામે ઉદ્ભવતો પ્રપંચ છે. આ શબ્દોની માયાજાળ નથી પણ હકીકત છે.
આમ પણ મન અને માનવીનું અસ્તિત્વ ભિન્ન છે. શબ્દ ‘માનવી’ એ મન શબ્દ પરથી જ ઉદ્ભવ્યો લાગે છે. જેની પાસે મન છે એને માનવી કહેવાય. આમ માનવીનું અસ્તિત્વ મન થકી જ છે, જો મન શૂન્યતાને પામે તો તે અસ્તિત્વ જ ન રહે. આ બધો મનનો જ ખેલ છે. મન જ માને છે કે આ મારું અને આ મારું નહીં, આ હિતકારી અને અધિતકારી, આ સુખ અને આ દુ:ખ, આ ધર્મ અને આ અધર્મ; અને જો આપણે મન કરતાં વિપરીત અને વિશેષ હોઈએ તો મન દ્વારા કલ્પાયેલી સંસારની વાતો કરતા આપણું અસ્તિત્વ સાવ અલગ હોવું જોઈએ. પરંતુ મન આપણી સાથે અત્યાર સુધીના સંસ્કારને કારણે એટલી સઘનતાથી જોડાઈ ગયું છે કે મનને અને આપણા અસ્તિત્વને અલગ કરવા ગુરુકૃપાનો સહારો જોઈએ.
મન સાથેની તાદાત્મ્યતા એટલી ઘનિષ્ઠ છે કે મન અને માનવી ભિન્ન ભિન્ન ન જણાતા એક જ વર્તાય છે. મજાની વાત એ છે કે આ ભ્રમણા તોડવા માટે પણ મનનો જ ઉપયોગ કરવો પડે. મનને ચોક્કસ રીતે તૈયાર કરવાથી તે પોતે જ તે પોતાનો લય કરી દે. આની શરૂઆત એ પ્રકારની સમજણથી થાય કે સુખ-દુ:ખ કે ધર્મ-અધર્મ જેવા ભાવ એ મનની પેદાશ છે – મનના ધર્મો છે, આપણા નહીં. આ પ્રકારના વિચારની શરૂઆતથી જ મન અને માનવી વચ્ચે એક પડદો ઊભો થાય છે. શરૂઆતમાં આ પડદો ઘણો બારીક તથા તકલાદી પણ જણાશે, પરંતુ આ વિચારસરણીમાં વ્યક્તિ જેમ ઓતપ્રોત થતો જશે તેમ આ પડદો ઘનિષ્ઠતા ધારણ કરશે. પછી તો સમય એવો આવશે કે મન અને માનવી જાણે જુદા જુદા વિશ્ર્વમાં પહોંચી જશે – બે વચ્ચેનો સંબંધ સંપૂર્ણ નાશ પામશે અને મનની સાથેનો સંબંધ લુપ્ત થતાં માનવી માનવી ન રહેતા માત્ર ચૈતન્ય સ્વરૂપ આત્મા તરીકે જ અસ્તિત્વ પામશે.
મનનું મારાણ મન છે. પ્રશ્ર્ન તેની યોગ્ય દોરવણીનો છે. અંત:કરણની મન- બુદ્ધિ- ચિત્ત- અહંકારની સ્થિતિમાં મનને સૌથી ચંચળ ગણવામાં આવે છે. બુદ્ધિ વિવેકપૂર્ણ હોઈ શકે. ચિત્ત અત્યાર સુધીના જન્મને કારણે અંકિત થયેલી છબી છે જ્યારે અહંકાર એ હોવાપણાનો સઘન ભાવ છે. બુદ્ધિ, ચિત્ત અને અહંકારને મહદઅંશે મન નિયંત્રિત કરે છે. પણ જો બુદ્ધિ પ્રગાઢ સબળ હોય તો તે મનને નિયંત્રિત રાખી શકે છે. તેવી જ રીતે જો ચિત્તમાં એકત્રિત થયેલા સંસ્કારોમાં શુદ્ધતા હોય તો પણ મન કાબૂમાં રહી શકે. અહંકાર માટે એમ કહી શકાય કે જો અહંકાર “અહમ બ્રહ્માસ્મિ પ્રકારનો હોય તો પણ મન દ્વારા ચંચળતા છૂટી જાય અને ક્યાંક વ્યક્તિ સાક્ષીભાવને પામી શકે. પણ આ બધા માટે પ્રયત્ન તો મન દ્વારા જ કરવો પડે. મન શું છે તે સમજી લેવાથી અથવા આપણે મન નથી તે જાણી લેવાથી ઘણા પ્રશ્ર્નોનું નિરાકરણ થઈ જાય.
મૂળમાં મન છે. કારણમાં મનની પરિકલ્પના છે. પરિણામમાં મનનો વિસ્તાર છે. પણ અંતે ભોગવનાર તો મનને આશ્રય આપનાર તે માનવી જ છે. જેનું અસ્તિત્વ આપણા કારણે છે તે ક્યાંક આપણા પર જ હાવી થઈ ગયું છે.