શું સનાતન ને હિન્દુ ધર્મમાં ભેદ છે? | મુંબઈ સમાચાર
ધર્મતેજ

શું સનાતન ને હિન્દુ ધર્મમાં ભેદ છે?

  • વિશેષ – રાજેશ યાજ્ઞિક

છેલ્લાં કેટલાક સમયથી ભારતના રાજકારણમાં સનાતન ધર્મ તરફી અને વિરોધી વાતો થતી રહેતી હોય છે. છેલ્લ છેલ્લેે મહારાષ્ટ્રના એક રાજકારણીએ તો ત્યાં સુધી કહી દીધું કે સનાતન ધર્મ અને હિન્દુ ધર્મ અલગ છે! ખેર, આપણે રાજકારણની વાત નથી કરવી. પણ આપણે એ જાણવાની કોશિશ જરૂર કરીએ કે શું ખરેખર સનાતન ધર્મ અને હિન્દુ ધર્મ અલગ છે?

આજે સનાતન ધર્મ માટે હિન્દુ ધર્મ નામ વધુ પ્રચલિત છે. આ ધર્મના અનુયાયીઓને હિન્દુ અથવા સનાતની કહેવામાં આવે છે. શાસ્ત્રોમાં ફક્ત સનાતન ધર્મનો ઉલ્લેખ છે. હિન્દુ નામનો ઉપયોગ ખૂબ પાછળથી થયો. હિન્દુ ધર્મ અને સનાતન ધર્મ વચ્ચેનો તફાવત સમજવા માટે, આપણે બંને શબ્દોના અર્થ, મૂળ અને દાર્શનિક આધાર પર નજર નાખવાની જરૂર છે.

સનાતન ધર્મ શબ્દ સંસ્કૃતમાંથી આવ્યો છે અને તેનો અર્થ `શાશ્વત ધર્મ’ (સદાકાળ ટકી રહે તેવો ધર્મ) થાય છે. આવી સ્થિતિમાં, જો કોઈ સનાતન ધર્મમાં માને છે અથવા તેનું પાલન કરે છે, તો તેનો અર્થ એ છે કે તે જીવન જીવવાની ચોક્કસ રીતનું પાલન કરે છે. સનાતન શબ્દની ઉત્પત્તિ સનાતન ધર્મ જેટલી જ પ્રાચીન છે, એમ કહીએ તો ખોટું નહીં કહેવાય. પણ અહીં એક આડવાત, કે મહર્ષિ વ્યાસ રચિત નારદ પુરાણમાં મહર્ષિ સૂતજી, આપણે ઘણી કથાઓમાં જેમને સૂત પુરાણીના નામે જાણીએ છીએ, તેમણે બ્રહ્માજીના ચાર માનસ પુત્રોનો ઉલ્લેખ કર્યો છે, તેમાં એકનું નામ છે સનાતન! આ વૈદિક ધર્મનું મુખ્ય સ્વરૂપ છે, જે વેદ, ઉપનિષદ, પુરાણો અને અન્ય પ્રાચીન ગ્રંથો પર આધારિત છે. તે જીવનના શાશ્વત નિયમો (જેમ કે કર્મ, ધર્મ, મોક્ષ) માં માને છે. તે એક વ્યાપક દાર્શનિક અને આધ્યાત્મિક માળખું છે જે વિવિધ સંપ્રદાયો, માન્યતાઓ અને પ્રથાઓને સમાવે છે. તેમાં એકેશ્વરવાદ, બહુદેવવાદ અને અદ્વૈતવાદ જેવી વિવિધ ફિલસૂફીનો સમાવેશ થાય છે. તે સમય અને અવકાશની બહારના શાશ્વત સત્યો, જેમ કે આત્મા, કર્મ, પુનર્જન્મ અને મોક્ષ પર ભાર મૂકે છે. ઉદાહરણ તરીકે વેદોમાં વર્ણવેલ યજ્ઞો, ઉપનિષદોમાં આત્મા અને ભગવાનનું દર્શન અને ભગવદ્ ગીતામાં કર્મયોગ એ સનાતન ધર્મના ભાગો છે.

હિન્દુ શબ્દ ફારસી શબ્દ છે, જેનો અર્થ સિંધુ નદીના તટ પર રહેતા લોકો થાય છે. હિન્દુ ધર્મ એ એક આધુનિક શબ્દ છે જે ભારતમાં પ્રચલિત વિવિધ ધાર્મિક, સાંસ્કૃતિક અને સામાજિક પ્રથાઓનો ઉલ્લેખ કરે છે. તે સનાતન ધર્મનું એક સામાજિક અને ઐતિહાસિક સ્વરૂપ છે, જે સમય જતાં વિકસિત થયું છે. આવી સ્થિતિમાં, જો કોઈ હિન્દુ ધર્મનું પાલન કરે છે, તો તે સનાતન ધર્મના સિદ્ધાંતોનું પાલન કરે છે, પરંતુ તેમાં સ્થાનિક પરંપરાઓ, રિવાજો અને પ્રાદેશિક માન્યતાઓનો પણ સમાવેશ થાય છે. આમાં મૂર્તિ પૂજા, મંદિર સંસ્કૃતિ અને તહેવારો (જેમકે દિવાળી, હોળી) મુખ્ય છે. તેને એક વ્યવસ્થિત ધર્મ તરીકે જોવામાં આવે છે, જેમાં વૈષ્ણવ, શૈવ અને શાક્ત જેવા સંપ્રદાયોનો સમાવેશ થાય છે. હિન્દુ એક ચોક્કસ ધર્મમાં માને છે, જેમાં અલગ અલગ દેવી-દેવતાઓ, રિવાજો અને પરંપરાઓ છે. ઉદાહરણ તરીકે, સનાતન ધર્મમાં મૂર્તિ પૂજા જરૂરી નથી, પરંતુ તે હિન્દુ ધર્મમાં સામાન્ય છે.

સનાતન ધર્મ એ હિન્દુ ધર્મનો મૂળભૂત દાર્શનિક પાયો છે. હિન્દુ ધર્મ એ સનાતન ધર્મનું એક સ્વરૂપ છે જે સમય જતાં સામાજિક, સાંસ્કૃતિક અને ઐતિહાસિક વિકાસ સાથે ઉભરી આવ્યું છે. તેથી મૂળભૂત રૂપે બંને એક છે. હિન્દુ ધર્મ અને સનાતન ધર્મ વચ્ચેનો તફાવત મુખ્યત્વે અભિગમ અને સંદર્ભનો છે. સરળ શબ્દોમાં કહીએ તો, સનાતન ધર્મ શાશ્વત
અને દાર્શનિક સિદ્ધાંતોને પ્રતિબિંબિત કરે છે, જ્યારે હિન્દુ ધર્મ આ સિદ્ધાંતોનું સામાજિક અને સાંસ્કૃતિક સ્વરૂપ છે, જે ભારતની પરંપરાઓ અને રિવાજોથી સમૃદ્ધ છે.

જે સત્ય છે, જે કાલાતીત છે; તે શાશ્વત છે..!

જે સદા નૂતન છે, અને પુરાતન પણ છે; તે શાશ્વત છે..!

એ સાર્વભૌમિક સત્ય જે વિશ્વનું નિયમનકાર છે, જે હંમેશાં અસ્તિત્વમાં છે અને હંમેશાં અસ્તિત્વમાં રહેશે, તે શાશ્વત છે. તેનો કોઈ સ્થાપક કે પયગંબર નથી. તેના બદલે, સમગ્ર સૃષ્ટિના સ્થાપક અને નિયમનકાર પોતે સનાતન' છે. સનાતનનું જે વિશાળ છત્રછાયા હેઠળ સમગ્ર માનવતા એક સમયે અસ્તિત્વમાં હતી, તે આજે ફક્ત હિન્દુઓ સુધી સમેટાઈ ગઈ છે. આજના સમયમાં, સમગ્ર વિશ્વમાં ફક્ત હિન્દુ સમુદાય જ આશાશ્વત સત્ય’ (ધર્મ) માં માને છે; તેથી વ્યવહારમાં તેને હવે `હિન્દુ ધર્મ’ કહેવામાં આવે છે.

આપણ વાંચો:  તમામ સુખ-સાહ્યબી હોવા છતાં તમે દુ:ખી કેમ છો…?

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button