પલભરમાં…

આજની ટૂંકી વાર્તા -ડૉ. નવીન વિભાકર
‘પપ્પા! ચિંતા ન કરો. બસ વકીલ થઈ જાઉં તો આ બધા ભ્રષ્ટાચારીઓને ખુલ્લા પાડી દઈશ.’ પણ જિંદગીની સફર કેવી હોય છે તેનો ખ્યાલ દેવને ક્યાં હતો!
દેવ ફાટી આંખે જોઈ જ રહ્યો. તેની વિચારવાની શક્તિઓ બધિર બની ગઈ. એક પલમાં તો તેની જિંદગી બદલાઈ ગઈ. ના, ના! આ સત્ય જ નથી. એક સપનું જ છે. આટલું ઝડપથી આવું કશું બની શકે?
માંડમાંડ એક ભયંકર હાદસાને ભૂલવા તે મથી રહ્યો હતો ને તેના જખમી દિલને જાહન્વીનો સહારો મળ્યો હતો અને એ તેને આમ છોડીને જઈ શકે?
‘હમણાં હમણાં ખૂબ ચિંતામાં રહો છો. શું વાત છે?’ સુનંદાએ ડાઈનિંગ ટેબલ પર ચા ને ટોસ્ટ મૂકતાં રામ આહુજાને પૂછ્યું. રામે સુનંદા સામે જોયું, જીવનભરનો સાથ તેણે નિભાવ્યો હતો. તેનો સિમેન્ટનો મોટો વ્યાપાર હતો. અદ્યતન બંગલો હતો. રામની કૃપા હતી. સુનંદાએ હંમેશ પતિને નીતિથી કામ કરવાની પ્રેરણા આપી હતી, પણ ભારતમાં ભ્રષ્ટાચાર એટલો વકર્યો હતો કે દાનવોની સેના સામે એક દેવ કેટલું લડી શકે? કોન્ટ્રેક્ટર્સનો દબાવ એટલો વધવા માંડ્યો હતો કે રામના નિશ્ર્ચયો ડગમગવા લાગ્યા હતા. રામે સુનંદા સામે જોયું, ને બોલ્યા,
‘બેસો! દેવ ક્યાં છે?’‘એ તો કોલેજ જવા તૈયાર થાય છે.’‘એલ.એલ.બી.ના છેલ્લા વર્ષમાં છેને?’‘હા! કેમ એમ પૂછો છો?’‘સુનંદા! એનો અભ્યાસ પતે તો મીરચંદાની સોલિસિટર સાથે જોઈન થઈ, તેની પ્રેક્ટિસ શરૂ કરી દે, અથવા તેની ઓફિસ ખોલી દઉં તો આ ધંધો હવે…’ ‘કેમ? આપણા ધંધામાં કંઈ ખોટ આવી છે?’
‘ના! પણ બિલ્ડરોને કોન્ટ્રેક્ટર્સનું દબાણ વધતું જાય છે. સિમેન્ટમાં ભેળસેળ કરવા દબાણ વધારે છે. સિમેન્ટના કોન્ટ્રાક્ટર બીજે જવા લાગ્યા છે. અનીતિનું કામ કરવા જરા પણ ઈચ્છા થતી નથી.’તો એ નિર્ણય બરાબર છે. પણ હજી એકાદ વરસ ઝીંક ઝીલી ન શકાય?’ ‘એ જ મૂંઝવણમાં છું. ચાલો પ્રભુ ઈચ્છા. હા! દેવ માટે ક્યાંય નજર નાખો છો કે નહીં? મને વેપારમાંથી ફુરસદ મળતી નથી.’
સુનંદાના મોં પર આછું ખુશીનું સ્મિત ચમક્યું. ‘તમને કહેવાની જ હતી. તમે મીરચંદાનીનું નામ આપ્યું ને? કદાચ ઈશ્ર્વરે જ એ શબ્દો તમારા મોંમાં મૂક્યા. તેમની દીકરી જાહન્વી દેવ સાથે કોલેજમાં જ ભણે છે. બંને વચ્ચે મૈત્રી છે. દેવ તેને મને મળવા લાવ્યો હતો. ખૂબ સુંદર ને સુશીલ લાગી. દેવના વિચાર જાણવા જતાં, તે થોડો શરમાયો હતો. બંનેની જોડી ખૂબ શોભે છે.’
ત્યાં દેવ તેના રૂમમાંથી બહાર આવ્યો. જુલે લાલ! મમ્મી! પપ્પા!’‘જુલે લાલ! બેટા! બેસ! ચા પી, હું ઓફિસે જતાં તને ચર્ચગેટ લો કોલેજ પર ઉતારી દઈશ.’ ‘પણ પપ્પા! મારી પાસે કાર છેને?’ ‘તારા પાછા આવવાના સમયે ડ્રાઈવર કાર લઈ તને તેડવા આવશે. મારે તારી સાથે થોડી વાતો કરવી છે. ચાલ’ વ્યાપારની ભ્રષ્ટાચારની વાતો સાંભળી, તેના કાવાદાવા સાંભળી દેવ ઊકળી ઊઠ્યો, ‘પપ્પા! ચિંતા ન કરો. બસ વકીલ થઈ જાઉં તો આ બધા ભ્રષ્ટાચારીઓને ખુલ્લા પાડી દઈશ.’ પણ જિંદગીની સફર કેવી હોય છે. તેનો ખ્યાલ દેવને ક્યાં હતો!
‘બેટા! જાહન્વી ગમે છે?’અચાનક વાત બદલાતા દેવ ચમક્યો. ‘જો તું તેના પિતા મીરચંદાની સોલિસિટર છે તેમની સાથે જોઈન થઈ, વકીલાત શરૂ કર. જાહન્વી તેમની પુત્રી છે. ‘હેં? મને તો ખ્યાલ જ નથી.’ ‘પ્યારમાં આવા પ્રશ્નો ગૌણ બની જાય છે, બેટા!’દેવ પિતાની સમજ ને મૈત્રીભાવને સમજી રહ્યો. પણ નિયતિએ શું ધાર્યું હોય છે?
દેવ એલ.એલ.બી. થઈ ગયો. મીરચંદાની સાથે જોડાઈ ગયો. જાહન્વી સાથે ધામધૂમથી સગાઈ થઈ. સોનામાં સુગંધ ભળી. પણ રામ આહુજા પર ખૂબ દબાણ વધ્યું હતું. એક મલ્ટિફ્લેટ્સનો કોન્ટ્રેક્ટ મળેલો. ચોખ્ખી સિમેન્ટ વાપરે તો ભાવ ખૂબ વધી જતા હતા. બિલ્ડરે રામ પર દબાણ કર્યું પણ રામ મચક આપતો નો’તો. અને સગાઈની ધામધૂમમાં એ બિલ્ડરને પણ આમંત્રણ તો આપવું જ પડે! કોઈને કશી ગંધ હતી નહીં.
રામને અભિનંદન આપવા ધસારો થતાં. બિલ્ડરે જેને સોપારી આપી હતી, તે ગુંડાનો છરો ધસારામાં રામના પેટમાં ક્યારે ઊતરી ગયો તેનો ખ્યાલ કોઈને ન આવ્યો. પિતાના દેહને લથડતો જોતાં દેવે તે ઝીલી લીધો. રામે જાહન્વી તરફ આંગળી ચીંધી, તેનું ધ્યાન રાખવા કહ્યું ને તે હંમેશ માટે ઢળી પડ્યો. દેવ હાથમાં રહેલા ચેતનહીન પિતાના દેહને જોઈ સ્તબ્ધ થઈ ગયો. સુનંદા બધું સમજી ગઈ. હોની ને કોઈ ટાળી શકતું નથી. પણ દેવના યુવાન મન પર આ હાદસાની ખૂબ ગંભીર અસર થઈ.
માંડ માંડ સુનંદા સાથે તે ઓફિસે જતો થયો. ધીમે ધીમે વ્યાપાર સંકેલવા લાગ્યો ને વકીલાતમાં ધ્યાન પરોવતાં અવ્વલ નંબરનો વકીલ સાબિત થવા લાગ્યો. દેવનું લક્ષ્ય પેલો બિલ્ડર હતો. બિલ્ડર પોતે પણ તે જાણતો હતો. ખૂબ સાવધાન રહેવા તે પ્રયત્ન કરતો હતો પણ કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી. તે સપડાયો. દેવે તેને ચૌદ વરસની સજા અપાવી.
જીતની ઉજવણીમાં દેવ ને જાહન્વીનાં લગ્ન લેવાયાં. મુંબઈમાં બધા જ વ્યવસાયના ધનિકો ઊમટી પડ્યા હતા. લગ્ન શરૂ થતાં, સુનંદાએ આવી ગઠબંધન કર્યું. દેવનો રેશમી ખેસને જાહન્વીના ઘરચોળાના પાલવને બંધનની ગાંઠ વળી, પણ ઘરચોળાનો લાંબો પાલવ ઝૂલતો રહ્યો. પંડિતજી બોલી ઊઠ્યા.’ સ્વસ્તીના ઈદ્રો, બ્રહ્મસ્વાહા!
દેવ ને જાહન્વી ફેરા ફરવા ઊભાં થયાં. અગ્નિ કુંડમાં સમિધ ઓરાયા, આગની શિખાઓ થોડી મોટી થઈ. આનંદના અતિરેકમાં ગઠબંધનના ઝૂલતા છેડા તરફ કોઈની નજર ન ગઈ. ચોથે ફેરે ક્ધયા-લક્ષ્મીનો અવતાર આગળ થવા ગઈ ને આગની જ્વાળા લપકીને ઝૂલતા છેડાને ભરખી ગઈ. કશી સમજ પડે કોઈને ત્યાં તો ઝરીના ચકમકતા ઘરચોળામાં આગ પ્રસરી ગઈ, હોબાળો મચી ગયો. અંદરથી પાણીની બાદલીઓ આવે કે બંબાવાળાઓ આવી પહોંચે તે પહેલાં જાહન્વી સ્વાહા થઈ ગઈ.દેવ ફાટી આંખે આ જોઈ રહ્યો. પલભરમાં તેની જિંદગી બદલાઈ ગઈ.
તાબડતોબ એમ્બ્યુલન્સ આવી. જાહન્વીના દેહને હોસ્પિટલમાં લઈ જવાયો. પણ જાહન્વી ન બચી. દેવ તો સુનમૂન બની ગયો. જીવનમાં બનેલ આ બીજા હાદસાથી-અકસ્માતથી દેવને ‘નાઈટમેર્સ’-બિહામણાં સ્વપ્નો સતાવવા લાગ્યાં. દેવ તો જાણે હાલતીચાલતી લાશ બની ગયો. સુનંદા આ જીરવી ન શકી. આવા વિકરાળ વાતાવરણમાંથી દેવને બહાર લાવવા તેને લઈ, તે પોતાના ભાઈ-દેવના મામાને ત્યાં અમેરિકા આવી ગઈ.
સુનંદાના ભાઈ મિ. લુલ્લા, દેવની હાલત જોઈ ગંભીર બની ગયા. દેવ તો જાણે હોશહવાશ જ ખોઈ બેઠો હતો. દુ:ખનું દર્દ આટલું હૈયામાં ઊતરી જતું હશે તેનો ખ્યાલ દેવને જોઈને કોઈને પણ થાય. દેવ તો જીવતુંજાગતું પૂતળું જ જોઈ લ્યો! તેને કોઈ પણ ખુશીની અનુભૂતિ જ નો’તી થતી.
તેના આવકારમાં મિ. લુલ્લાએ મોટી પાર્ટીનું આયોજન કર્યું. તેઓ અમેરિકામાં બિઝનેસ કરતા હતા. ખૂબ વ્યાપાર ફૂલ્યોફાલ્યો હતો. એક સમૃદ્ધ સ્ટેટ કોલોરોડોમાં સ્થાયી થયા હતા. રોકી માઉન્ટેઈનની કંદરાઓનાં હિમાચ્છાદિત શિખરો કોઈને પણ હિમાલયની યાદ અપાવી જાય. તેમની પાર્ટીમાં તેમના અમેરિકન મિત્રોને પણ આમંત્ર્યા હતા. તેમણે તેમની યુવાન પુત્રી ક્રિષ્ણાને કહેલું, ‘ક્રિષ્ણા દેવને તમારી યુવાન કંપનીમાં જ રાખજે. તેનું દિલ પ્રસન્ન થાય તેવા પ્રયત્નો આપણે કરવા પડશે. તેને આ હાલતમાંથી બહાર લાવવો જ પડશે.’
પાર્ટીમાં ત્યાંના પ્રખ્યાત વકીલ ગોવિંદ વાઢવાની તેના પરિવાર સાથે આવેલા. તેમની પુત્રી પંક્તિ ખૂબ જ સુંદર હતી. પુત્ર ડેનિયલ પણ સુશીલ હતો. ક્રિષ્ણાએ બંનેની ઓળખ દેવ સાથે કરાવી. એકનું ઈન્ડિયન નામને બીજાનું અમેરિકન નામ કેમ? એવું કુતૂહલ પણ દેવને ન થયું. જોકે સુનંદાને જરૂર નવીનતા લાગેલી. પૂછતાછ કરતાં જાણ્યું કે વાઢવાનીનાં પત્ની અમેરિકન હતાં. સુનંદા પંક્તિના રૂપને ચારુતાથી અંજાઈ. દેવે પહેલી મુલાકાતમાં તો કોઈ પ્રતિસાદ ન આપ્યો, પણ પંક્તિને જોઈ તેની આંખમાં ચમકાર જરૂર આવેલો.
દેવના હૈયામાં સળવળાટ થયો ‘અરે! જાહન્વી જેવું રૂપ? અહીંયાં. અને તેની બીજી મુલાકાત ક્રિષ્ણાના એક ગ્રુપ ‘ઈન્ડિયન મિક્સર’માં થઈ. ઈન્ડિયનને અમેરિકન યુવાનોનું ગ્રુપ હતું. દેવ બારના એક સ્ટૂલ પર બેઠો હતો. આંખો સ્થિર હતી. બીજા બધા તો સાહજિકતાથી બિયર ને વાઈન પીતા હતા. ડેનીને દેવની પ્રતિભા ખૂબ ગમી હતી, પણ તેની ગંભીરતા સમજાતી નો’તી. મહેમાન હોવાથી ‘કર્ટ્સી’ ખાતર તેનું ધ્યાન રાખતો હતો. ક્રિષ્ણાને એ ગંભીરતા વિશે પૂછવાનું મન થયું ને જાણીને તે ઠરી ગયો. ‘કોઈની યાદમાં આટલું દર્દ સહેવાનું કોનાથી બને? કેટલો પ્યાર કરતો હશે તે? તેણે જોયું કે દેવની નજર પંક્તિ પર સ્થિર થયેલી હતી. ડેનીને થયું કે આવો યુવાન-પ્રતિભાશાળી, પ્રોફેશનલ તેના જીવનમાં આગળ વધે તો?
દેવની નજરો પંક્તિ પર સ્થિર તો થઈ પણ હૈયું જાણે ધબક્યું. નવાઈ લાગી દેવને. થયું, ‘શું મારામાં હજી જિંદગી બાકી છે? એક ધડકન કેમ જાગી? હું જીવી રહ્યો છું તેથી? કે તેની જાહન્વી જેવી ચારુતાથી અંજાયો છું? તેને મળવાની લગન કેમ લાગી? આ ક્ષણ મારી ક્યાં ગઈ હતી? સામે જ છે. તેને સ્પર્શી લેવાની ઈચ્છા કેમ થાય છે? મારે તો મરી જવું હતું. તો આ જીવી જવાની ઈચ્છા ક્યાંથી જાગી? હૈયામાં ખુશી ક્યાંથી ઊઠી? તેને ચૂમી લેવાનું મન કેમ થયું?’
અને એકાએક તેના ધૂંધળા મનમાં-હૈયામાં વહાલસોયા પિતા ને પ્રેયસીની તસવીરો ઊપસી. આંખમાં આંસુઓ ધસી આવ્યાં. ‘લેમોનેડ લેશો?’ તપ્ત હૈયા પર સુંવાળપથી બોલેલા શબ્દો પડતાં તેણે સામે જોયું. પંક્તિ લેમોનેડનો ગ્લાસ ધરી તેની સામે ઊભી હતી. અત્યાર સુધી જીવંત
લાશ જેવા દેવના હૈયામાં ભરતી આવી ને બોલી પડ્યો, ‘તમે? તમે બિયર કે
કશું…’ ‘ના! મને ટેવ નથી. નાનપણથી ટેવાઈ નથી.’ ‘સ્ટ્રેન્જ! અદ્ભુત! તમે ને ડેની ભાઈબહેન ખરું ને? ઈન્ડિયન પિતાને અમેરિકન માતાનાં સંતાનો, છતાં?’ ‘કદાચ પિતાની આધ્યાત્મિકતા મારામાં આવી હશે. અને ડેનિયલ? તેનું નામ માતાએ અમેરિકન રાખ્યું. પણ અહીં ‘યોગ’ની કસરતોના વર્ગો ચલાવે છે. ભારત જઈ, હિમાલયની તળેટીમાં આશ્રમમાં રહી, શીખી આવ્યો છે. તમે આ લો, હું હમણાં આવું છું.’
જાણે તાપમાં જલતા દેહને વૃક્ષની શીતળ છાંયા સાંપડી તેવું દેવને લાગ્યું. રિસાઈ ગયેલા નાના બાળકને ફોસલાવતાં, તેના મોં પર નિર્દોષ સ્મિત પાછું આવે તેમ દેવનું હૈયું સ્મિત કરી રહ્યું. તેનો ચહેરો ખીલી ઊઠ્યો. પુરાણા જખ્મો પર પંક્તિ જાણે એક મલમ શી બની ગઈ. ક્યાં ગઈ હતી આ મધુર ક્ષણો તેના જીવનમાંથી? તેની તૂટી ગયેલા પતંગ જેવી જિંદગી જાણે પાછી પ્રીતની દોરથી ઝૂલવા લાગી કે શું? ‘આવશો ડાન્સફ્લોર પર મારી સાથે?’ તેની વિચારશૃંખલા પાછા એ જ સ્નિગ્ધ શબ્દોથી તૂટી. ક્યારે તે સ્ટૂલ પરથી ઊઠ્યો, ક્યારે પંક્તિએ લંબાવેલો હાથ ગ્રહ્યો ને ક્યારે ડાન્સ કરવા લાગ્યો, તે પણ તેને ન સમજાયું. ફક્ત હૈયું બોલી ઊઠ્યું, ‘એક નવું બંધન મને બોલાવી રહ્યું છે. આવતી કાલની (પંક્તિની) ફિકર કરવા મારું દિલ તડપી ઊઠ્યું? પણ પલભરમાં તે પ્રીતની દોર પર ઝૂલવા લાગ્યો હતો તેની સમજ તેને અત્યારે ક્યાં હતી? હૈયાનું દર્દ તો પંક્તિની ચારુતા ને સ્નિગ્ધ શબ્દોમાં ક્યારનુંય ઓગળવા લાગ્યું હતું, વહી જવા લાગ્યું. હતું, બસ, પલભરમાં જ!