ધર્મતેજ

વિશેષઃ ધર્મના પવિત્ર પ્રતીકોમાં મહત્ત્વનો શંખ

રાજેશ યાજ્ઞિક

શંખનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્ત્વ છે. અનેક કથાઓ, દંતકથાઓ, પરંપરાઓ અને ધાર્મિક વિધિઓ સાથે શંખ સંકળાયેલા છે. શંખ કુદરતી રીતે જ સમુદ્રથી ઉત્પન્ન થયેલા હોય છે. વિષ્ણુ પુરાણ અનુસાર, શંખ સમુદ્ર મંથનમાંથી ઉદ્ભવ્યો હતો. સમુદ્ર મંથન દરમિયાન, શંખ સમુદ્રમાંથી નીકળેલા 14 રત્નોમાંથી એક હતું. અન્ય કથા મુજબ, જ્યારે ભગવાન શ્રીકૃષ્ણએ સમુદ્ર કિનારે જઈને શંખાસુરનો વધ કર્યો, ત્યારે તેનું બહારનું રક્ષાત્મક આવરણ શેષ રહ્યું. શંખની ઉત્પત્તિ તેમાંથી જ થઇ.

દેવી લક્ષ્મી સમુદ્રરાજના પુત્રી છે, અને શંખની ઉત્પત્તિ પણ સમુદ્રમાંથી થઇ છે, તેથી શંખને દેવી લક્ષ્મીનો ભાઈ કહ્યો છે. એવું માનવામાં આવે છે કે જ્યાં શંખ રહે છે, ત્યાં દેવી લક્ષ્મીનો પણ વાસ હોય છે. ભગવાન શ્રી હરિ હંમેશાં તેને પોતાના હાથમાં ધારણ કરે છે. મંગળકારી અને શક્તિપુંજ હોવાથી, સૂર્ય, દેવી અને વેદમાતા ગાયત્રી જેવા અન્ય દેવતાઓ પણ તેને પોતાના હાથમાં ધારણ કરે છે; શંખમાં અન્ય દેવતાઓનો પણ વાસ હોવાનું માનવામાં આવે છે. એવું કહેવાય છે કે શંખના મૂળ ભાગમાં ચંદ્ર, કુક્ષીમાં વરુણ, પૃષ્ઠ ભાગમાં પ્રજાપતિ અને આગળ ગંગા અને સરસ્વતી રહે છે.

ભારતીય સંસ્કૃતિમાં શંખનું ધાર્મિક અને સામાજિક, બંને પ્રકારનું મહત્ત્વ છે. સામાજિક દૃષ્ટિએ જોઈએ તો પરંપરાગત રીતે યુદ્ધમાં શંખનાદ મહત્ત્વપૂર્ણ માનવામાં આવતો હતો. સવારે શંખનાદ એ યુદ્ધની શરૂઆતનો સંકેત આપતો હતો. સાંજે, તે દિવસના યુદ્ધના અંતનું પ્રતીક હતું યુદ્ધ સમાપ્ત થયા પછી વિજયી પક્ષ પણ શંખનાદ કરીને વિજયની જાહેરાત કરતા હતા. અર્જુનના સારથી ભગવાન કૃષ્ણએ યુદ્ધની ઘોષણા કરવા માટે તેમનો પંચજન્ય શંખ વગાડ્યો હતો. સંસ્કૃતમાં પંચજન્યનો અર્થ ‘પાંચ વર્ગના જીવો પર નિયંત્રણ રાખનાર’ થાય છે.

આ પણ વાંચો: વિશેષઃ ન્યાયના મંદિરના દરવાજા મહિલાઓ માટે ખોલનારાં અન્ના ચાંડી

નોંધનીય છે કે પાંડવો પણ પાંચ હતા! કહે છે કે શ્રી કૃષ્ણના પંચજન્ય શંખનો નાદ સિંહની ગર્જના જેવો ભયંકર હતો. ભગવાન કૃષ્ણે પોતાના ગુરુ સંદીપનીના પુત્રને ચોરીને શંખમાં છુપાવનાર રાક્ષસ પંચજન્યને પૃથ્વી અને આકાશમાં શોધખોળ કરી, અંતે તેનો વધ કર્યો. ગુરુના ખોવાયેલા પુત્રને પાછો આપીને કૃષ્ણએ ગુરુ દક્ષિણા અર્પણ કરી હતી. પાંચેય પાંડવ ભાઈઓના પોતાના શંખ હોવાનું વર્ણવવામાં આવ્યું છે. યુધિષ્ઠિર પાસે અનંતવિજય, ભીમ પાસે પૌંડ્ર, અર્જુન પાસે દેવદત્ત, નકુલ પાસે સુઘોષ અને સહદેવ પાસે મણિપુષ્પક હતા.

અથર્વવેદ અનુસાર, શંખ રાક્ષસોનો નાશ કરનાર છે- ‘શંખેણ હત્વા રક્ષાંસી.’ દેવી-દેવતાઓ પણ યુદ્ધો દરમિયાન રાક્ષસોમાં ભય પેદા કરવા માટે શંખ વગાડતા હતા, જેનાથી તેમનું મનોબળ તૂટી જતું હતું અને સરળતાથી તેમનો સંહાર કરી શકાતો હતો. વૈદિક સમયમાં, શંખમાં જળ ભરીને તે જળથી રાજાઓનો રાજયાભિષેક કરવામાં આવતો હતો.

શંખનાદ ધાર્મિક વિધિવિધાનનો પણ ભાગ રહ્યો છે. મંદિરોમાં, પૂજારી આરતી અને પૂજા પહેલાં અને પૂજા દરમિયાન શંખનાદ કરે છે. જોકે, આ બંને પરિસ્થિતિઓમાં વપરાતા શંખ અલગ અલગ હોવા જોઈએ. વરુણ પુરાણ મુજબ, પૂજારી શંખનાદ કર્યા પછી જ મંદિર ખોલી શકે છે.

આ પણ વાંચો: વિશેષઃ બદામથી લઈને અંકુરિત કઠોળ કેવી રીતે ખાવા?

શંખનો ધ્વનિ સૃષ્ટિના સર્જન વખતે ઉત્પન્ન પ્રથમ ધ્વનિ ઓમકાર જેવો હોય છે. તેના નાદથી થતાં કંપન વાતાવરણની નકારાત્મક ઊર્જા દૂર કરે છે. શંખમાંથી પસાર કરેલું જળ તીર્થજળ જેટલું પવિત્ર મનાય છે. કહેવાય છે કે, શંખમાં પાણી ભરીને ઘરમાં છાંટવાથી ઘરની નકારાત્મક ઊર્જા દૂર થાય છે.

ભગવાન વિષ્ણુનો અભિષેક કરવા શંખમાંથી જળ અર્પણ કરવાનું વિધાન છે. ઘરમાં સવાર-સાંજ શંખ ફૂંકવાથી ભૂત-પ્રેતનો અવરોધ પણ દૂર થાય છે. શંખનો ધ્વનિ સાત ચક્રોને જાગૃત કરે છે. આ ધ્યાન અને આધ્યાત્મિક અભ્યાસમાં મદદ કરે છે. શંખના ધ્વનિથી વાસ્તુદોષનું પણ નિવારણ થાય છે. સનાતન ધર્મની સાથે, શંખને બૌદ્ધ ધર્મમાં આઠ શુભ પ્રતીકોમાંનું એક માનવામાં આવે છે, જેને અષ્ટમંગલ કહે છે.

મૂળ શંખ બે પ્રકારના જોવા મળે છે. એક દક્ષિણાવર્તી શંખ અને બીજો વામવર્તી શંખ. વામાવર્તી શંખ એટલે જે શંખનો ખૂલતો ભાગ ડાબી તરફ હોય તેવો. આ પ્રકારના શંખ સામાન્યપણે જોવા મળે છે. જ્યારે દક્ષિણાવર્તી શંખ તેને કહેવાય છે જેનો ખૂલતો ભાગ જમણી તરફ હોય. આ પ્રકારના શંખ દુર્લભ હોય છે. માટે જ તેની કિંમત પણ વધુ હોય છે.

આ પણ વાંચો: વિશેષઃ ગુરુકૃપાનું પરમ દુર્લભ સ્વરૂપ એટલે શક્તિપાત

દક્ષિણાવર્તી શંખ અતિ પવિત્ર મનાય છે. જેમ જમણી સૂંઢાળા ગણપતિ જાગૃત ગણાય છે, અને તેમની વિધિવિધાન પૂર્વક નિયમિત પૂજા-અર્ચના કરવી આવશ્યક છે, તેવું જ દક્ષિણાવર્તી શંખ વિશે માનવામાં આવે છે. તેને અનંત અંતરિક્ષનું પ્રતીક માનવામાં આવે છે. આ ઉપરાંત પણ શંખના દેખાવના આધારે શંખને વિવિધ અનેક નામ મળ્યા છે. તેમાંથી કેટલાક વિશેષ નામ, ગણેશ શંખ, કોડી શંખ, મહાલક્ષમી શંખ (તેને શ્રીયંત્ર પણ કહે છે), કામધેનુ શંખ (ગૌમુખી શંખ પણ કહેવાય છે).

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button