ધર્મતેજ

ગીતા મહિમાઃ અવશ્ય કરવાનાં કર્મ

સારંગપ્રીત

ગત અંકમાં ત્યાગ ને સંન્યાસની ચર્ચા કરીને હવે ભગવાન કૃષ્ણ અવશ્ય કરવાનાં કર્મોનું મહત્ત્વ સમજાવે છે.

ભગવદ્ ગીતા માનવ જીવન માટે એક દૈવી માર્ગદર્શિકા છે. તેમાં ભગવાન શ્રીકૃષ્ણે કર્મ, ભક્તિ અને જ્ઞાનના માર્ગ દ્વારા આત્મઉદ્ધારનો ઉપદેશ આપ્યો છે. આ ત્રણેયની પૂર્ણતા યોગમાં કરીને આ ગીતા જ્ઞાનને ઉત્કૃષ્ટતા પર પહોંચાડ્યું છે. એમાં કર્મને પણ ખૂબ મહત્ત્વ આપવામાં આવ્યું છે. દૈનિક જીવનમાં કર્મની ઉપયોગિતા અને તેને યોગ સુધી પહોંચાડવાની તત્પરતા ગીતાનો મુખ્ય ઉદ્દેશ્ય છે.

એમાં પણ અવશ્ય કરવાનાં કર્મોનું વિવેચન દરેક માનવી માટે ઉદ્ધારક છે. હા, જીવનમાં કેટલાંક કર્મો એવાં હોય છે જે કરવા ફરજરૂપ છે. એવાં કર્મોને અવશ્ય કરવાનાં કર્મો કહેવામાં આવ્યાં છે. અવશ્ય કરવાનાં કર્મો મનુષ્યના જીવનને શિસ્તબદ્ધ બનાવે છે. જે માણસ આ કર્તવ્ય કર્મો કરતો રહે છે, તે અંદરથી પણ પવિત્ર થતો જાય છે. આવાં કર્મો વ્યક્તિને સંયમ, શાંતિ અને પ્રસન્નતા ની દિશામાં લઈ જાય છે. તેની વિચારસરણી ઊંચી બને છે અને તેઆધ્યાત્મિક રીતે પ્રગતિશીલ બને છે.

આ અવશ્ય કર્મો કરવાનો અર્થ એ નથી કે મનુષ્ય ફળની ઈચ્છાથી કાર્ય કરે, પણ તે નિષ્કામ ભાવથી માત્ર કર્તવ્યભાવથી કર્મ કરે. એમાં ન કોઈ અહંકાર હોય, ન ફળલાલસા. આ પ્રકારનાં કર્મો મનુષ્યને બંધનમાંથી મુક્ત કરે છે.

વિશ્વ અને સમાજ માટે પણ માનવની ફરજો રહેલી છે. આ પરસ્પર પૂરક થવાનું ચક્ર ચાલતું રહે તે માટે પણ દરેક વ્યક્તિ પોતાનું કામ કરે જ એવું જરૂરી છે. દરેક વ્યક્તિના જીવનમાં કુટુંબ, સમાજ અને વિશ્વ માટેની જવાબદારીઓથી ભાગી જવું તે ગીતાકારને માન્ય નથી. કેમકે જો માણસ પોતાની ફરજોનો ત્યાગ કરે, તો આખી સમાજ વ્યવસ્થા છિન્નભિન્ન થઈ જાય.

ગીતા કહે છે કે શરીર ધારણ કરનાર મનુષ્ય માટે સંપૂર્ણ રીતે કર્મનો ત્યાગ શક્ય નથી. કર્મ તો કરવું જ પડે, પ્રશ્ન ફક્ત એનો છે કે તે કયા ભાવથી થાય છે. જો કર્મ પવિત્ર ભાવથી થાય, તો તે માણસને મોક્ષ તરફ લઈ જાય છે.
જો કોઈ તબીબ પોતાનાં આવશ્યક કર્મો કરવાનું ચૂકે તો પરિણામો માત્ર વ્યક્તિગત નહીં, પણ સામાજિક અને નૈતિક સ્તરે પણ હાનિકારક બની શકે.

તબીબનું કામ છે રોગીનો જીવ બચાવવો, સાચું નિદાન કરવું, સારવાર આપવી, અને દરદીને સ્વસ્થ જીવન તરફ દોરી જવો. તબીબ માત્ર વ્યાવસાયિક નથી તે જીવ બચાવનારો એક ઋષિ સમાન છે. જ્યારે કોઈ તબીબ પોતાની ફરજથી દૂર જશે જેમ કે સમયસર સારવાર નહીં આપે, શિષ્ટતાથી ન વર્તે, ખોટો ઈલાજ કરે, પૈસાની લાલચ રાખે કે ઓછા પૈસા મળતા હોવાથી ઈલાજ ટાળી દે ત્યારે તેની સીધી અસર માત્ર એક રોગી નહીં, અનેક પરિવારો પર પડી શકે છે. આવું વર્તન સામાજિક દૃષ્ટિથી નિંદનીય છે જ પણ ભગવદ્ગીતાની દૃષ્ટિએ પણ અધર્મ સમાન ગણાય છે, કારણ કે અવશ્ય કરવાનાં કર્મોમાંથી મુખ ફેરવવું એ સ્વધર્મથી પલાયન છે.

તે જ રીતે જ્યારે કોઈક શિક્ષક પોતાની ફરજ ચૂકે એટલે કે તેનાં અવશ્ય કરવાનાં કર્મોથી દૂર ભાગે ત્યારે પણ મોટી સામાજિક હાનિ થાય છે. શિક્ષકનું કામ માત્ર પાઠ ભણાવવો નહીં, પણ બાળકના મન, ચરિત્ર અને દિશાનું ઘડતર કરવું છે. શિક્ષક ભવિષ્ય ઘડે છે. તે કાચા માનસને ઊંડા સિદ્ધાંતો અને સારાં મૂલ્યો આપી શકે છે. હવે કલ્પના કરો કે શિક્ષક પોતાની ફરજમાંથી પલાયન કરે મોડો આવે, ખોટી માહિતી આપે, વિદ્યાર્થીમાં રસ જાગૃત ન કરે, પોતાની નિષ્પક્ષતા ગુમાવે કે વ્યક્તિગત રોષથી નિર્ણય કરે તો તે બાળકની એક આખી પેઢીને નુકસાન પહોંચાડી શકે છે.

જેમ ખેડૂત જમીન તૈયાર કરે છે, તેમ શિક્ષક મનુષ્યના આંતરિક ક્ષેત્રને તૈયાર કરે છે. જો એ ભૂમિકા ખોટી રીતે ભજવે, તો પૂરી પેઢી માર્ગભ્રષ્ટ થાય જેને ફરી સાચા માર્ગે લાવવા બહુ વખત લાગી જાય. શિક્ષકનું અવશ્ય કર્મ છે સાચું જ્ઞાન આપવું, બાળકને આધ્યાત્મિક અને નૈતિક ઉંચાઈ તરફ ઉઠાવવું. આ કર્તવ્યમાં છૂટછાટ રાજ્યની દૃષ્ટિએ તો ગુન્હા સમાન છે જ પણ ગીતાની દૃષ્ટિએ ઘોર પાપ છે.

મહંતસ્વામી મહારાજ સમજાવે છે કે ‘દરેકને જે કાર્ય સોપાયું છે તે ચોકસાઈ અને ઊંડાણથી કરવું એ માત્ર એક પસંદગી નથી એ જીવનની અનિવાર્ય ફરજ છે. તેને આપણે આવશ્યક કર્મ કહીને ઓળખીએ છીએ. તે કામ ટાળવું, અવ્યવસ્થિત રીતે કરવું કે અનૈતિક વિચાર સાથે કરવું એ અધર્મ તરફનું પગથિયું બની શકે છે.’

આ પણ વાંચો…ગીતા મહિમાઃ સંન્યાસ ને ત્યાગ

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button