ફોકસ પ્લસઃ ગ્રહણના દિવસે દાનનું મહત્ત્વ

નિધિ ભટ્ટ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ માત્ર ખગોળીય ઘટનાઓ જ નથી, પરંતુ આધ્યાત્મિક દૃષ્ટિકોણે પણ તેનો ઊંડો પ્રભાવ પડે છે. એવું માનવામાં આવે છે કે આ સમય દરમિયાન પર્યાવરણમાં સકારાત્મક અને નકારાત્મક બંને ઊર્જા સક્રિય હોય છે.
ચાલો જાણીએ કે ગ્રહણના દિવસે કઈ વસ્તુઓનું દાન કરવું શુભ માનવામાં આવે છે. સૂર્યગ્રહણ એક ખગોળીય ઘટના છે, જેનું વૈજ્ઞાનિક મહત્ત્વ છે, પરંતુ ભારતીય સંસ્કૃતિ અને જ્યોતિષમાં તેનું એક મહત્ત્વપૂર્ણ ધાર્મિક ઘટના ગણવામાં આવે છે. હિન્દુ ધર્મમાં તેને અશુભ સમય માનવામાં આવે છે, જેમાં નકારાત્મક ઊર્જાની અસર વધે છે.
આ કારણોસર આ સમય દરમિયાન શુભ કાર્ય અને પૂજા પર પ્રતિબંધ છે. જો કે સૂર્યગ્રહણ દરમિયાન કેટલાક કાર્યો એવા છે, જે ખૂબ જ શુભ અને ફળદાયી માનવામાં આવે છે. આમાં સૌથી અગ્રણી દાન છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહણ કાળ દરમિયાન કરવામાં આવેલું દાન સામાન્ય દિવસોમાં કરવામાં આવતા દાન કરતાં અનેક ગણું વધુ પુણ્ય આપે છે.
સૂર્યગ્રહણના દિવસે દાનનું મહત્ત્વ
ધાર્મિક માન્યતાઓ અનુસાર ગ્રહણ કાળ દરમિયાન પર્યાવરણમાં નકારાત્મક શક્તિઓ સક્રિય બને છે. આ નકારાત્મક અસરોને ઘટાડવા અને જીવનમાં સુખ-શાંતિ લાવવા માટે દાનનો આશરો લેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે દાન કરવાથી આ નકારાત્મક શક્તિઓ ઓછી થાય છે અને વ્યક્તિ પર થતી ખરાબ અસરોથી મુક્તિ મળે છે.
પાપનો નાશ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહણ કાળ દરમિયાન કરવામાં આવેલું દાન પાછલા જન્મોના પાપથી મુક્તિ અપાવે છે. આ એક પ્રકારનું પ્રાયશ્ર્ચિત છે, જે આત્માને શુદ્ધ કરે છે.
ગ્રહ દોષોથી મુક્તિ
ઘણી વખત વ્યક્તિની કુંડળીમાં સૂર્ય કે ચંદ્ર સંબંધિત ખામીઓ હોય છે. ગ્રહણ દરમિયાન સૂર્ય સંબંધિત વસ્તુઓનું દાન કરવાથી આ ખામીઓ દૂર થાય છે અને જીવનમાં સકારાત્મકતા આવે છે.
આર્થિક સમૃદ્ધિ
એવું માનવામાં આવે છે કે ગ્રહણ કાળ દરમિયાન કરવામાં આવેલું દાન વ્યક્તિ આર્થિક રીતે સમૃદ્ધ બને છે. દાન કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘરમાં ધન અને અનાજની કમી રહેતી નથી.
પુણ્ય પ્રાપ્તિ
ધાર્મિક ગ્રંથોમાં કહેવામાં આવ્યું છે કે ગ્રહણ દરમિયાન કરવામાં આવેલ દાન હજારો યજ્ઞો અને કરોડો તીર્થયાત્રાઓ જેટલું પુણ્ય આપે છે.
સૂર્યગ્રહણના દિવસે કઈ વસ્તુઓનું દાન કરવું શુભ છે?
સૂર્યગ્રહણના દિવસે ખાસ કરીને એવી વસ્તુઓનું દાન કરવું જોઈએ જે સૂર્ય સાથે સંબંધિત માનવામાં આવે છે. આ વસ્તુઓનું દાન કરવાથી સૂર્ય દેવના આશીર્વાદ મળે છે.
ઘઉં અને ગોળ:
ઘઉં અને ગોળ બંને સૂર્યનું પ્રતિનિધિત્વ કરે છે. તેમનું દાન કરવાથી માન વધે છે અને નોકરી – વ્યવસાયમાં પ્રગતિ થાય છે.
તાંબાના વાસણો:
તાંબાને સૂર્યની ધાતુ માનવામાં આવે છે. તાંબાના વાસણો અથવા તાંબાના સિક્કાનું દાન કરવાથી કુંડળીમાં સૂર્યની સ્થિતિ મજબૂત થાય છે અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી રાહત મળે છે.
લાલ કપડાં:
લાલ રંગ સૂર્યનો પ્રિય રંગ છે. ખાસ કરીને ગરીબ અને જરૂરિયાતમંદોને લાલ કપડાનું દાન કરવાથી વ્યક્તિનો આત્મવિશ્વાસ વધે છે અને સમાજમાં તેની પ્રતિષ્ઠા વધે છે.
કાળા તલ અને કાળો ધાબળો:
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહણ કાળ દરમિયાન તલ અને કાળો ધાબળો દાન કરવાથી રાહુ-કેતુ અને શનિના અશુભ પ્રભાવોને ઘટાડવામાં મદદ મળે છે. આ દાન ખાસ કરીને એવા લોકો માટે ફાયદાકારક છે જેમની કુંડળીમાં નબળા ગ્રહો છે.
અનાજનું દાન
ગ્રહણ પછી અનાજ, જેમ કે ચોખા, કઠોળ અને અન્ય ખાદ્ય પદાથોનું દાન કરવું અત્યંત પુણ્યદાયી માનવામાં આવે છે. આ દાન ગરીબ અને ભૂખ્યા લોકોની ભૂખ સંતોષે છે, જેનાથી પુણ્ય પ્રાપ્ત થાય છે.
આ પણ વાંચો…ફોકસ પ્લસ : બીમાર પડ્યા બાદ જ સમજાય છે સ્વાસ્થ્યનું મહત્ત્વ…