માનસ મંથન: સદ્ગુરુની જ્ઞાનદૃષ્ટિ મળી જાય તો સંસારની ઘટનાઓ વિચલિત ન કરી શકે! | મુંબઈ સમાચાર
ધર્મતેજ

માનસ મંથન: સદ્ગુરુની જ્ઞાનદૃષ્ટિ મળી જાય તો સંસારની ઘટનાઓ વિચલિત ન કરી શકે!

  • મોરારિબાપુ

આંખ બે પ્રકારની હોય છે. ग्यान बिराग नयन उरगारी ‘માનસ’ કહે છે બે આંખો હોય છે- જ્ઞાન અને વૈરાગ્યની. આ બે આંખો તમને શાસ્ત્રથી પણ નથી મળતી. હા, તમારા જીવનમાં શાસ્ત્રથી જેમણે જ્ઞાન,વૈરાગ્ય પ્રાપ્ત કર્યા છે, એમાં મેં કેટલીયે વાર મોતિયા જોયા છે. આ નેત્રોમાં કેટલીયે વખત બીમારી આવી છે, પણ જ્ઞાન વૈરાગ્ય જ્યારે સદ્દ્ગુરુથી પ્રાપ્ત થાય, ત્યારે એ આંખો દિવ્યચક્ષુનું પ્રતીક થઈ જાય છે.

સદ્દ્ગુરુ આંખો આપે છે- આ બે આંખો છે જ્ઞાનની અને વૈરાગ્યની. ખૂબ ભારી શબ્દ છે, મહિમાવંત શબ્દ છે. અધ્યાત્મ જગતના આ બે થાંભલા છે-જ્ઞાન, વૈરાગ્ય. આદિ જગદ્દ્ગુરુ શંકરે કહ્યું કે સદ્દ્ગુરુની પાદુકાપૂજન કરવાથી તમને શું મળશે? તમને જ્ઞાન, વૈરાગ્યની ઉપલબ્ધિ થઈ જશે. તો બહુ મહિમાવંત શબ્દ છે. પણ તમે ને હું સર્વસામાન્ય અર્થમાં લઈએ છીએ જ્ઞાન વૈરાગ્યને. મેં બહુવાર સરળ કરીને કહ્યું છે કે જ્ઞાન એટલે સમ્યક સમજ-યથાયોગ્ય નિર્ણય. વસ્તુને, વ્યક્તિને, ઘટનાને વિષયને ઓળખવાની એક સહજ દ્રષ્ટિ, સમજ, એક વિવેક એ છે જ્ઞાન. અને સદ્દ્ગુરુ દ્વારા એવી આંખ જો મળી જાય છે, તો ત્યારે શું થશે? મારા અનુભવમાં દુનિયાનું કોઈ દુ:ખ, તમને દુ:ખ નહીં રહે. સંસારમાં દુ:ખ છે, હું કબૂલ કરું છું. પણ સદ્દ્ગુરુથી જ્ઞાનદ્રષ્ટિ મળી જાય છે, તો સંસારનું કોઈ દુ:ખ, દુ:ખ મહેસૂસ નથી થતું.

એક બહુ મોટો રાજા હતો. એને એક નોકર પર પ્રેમ હતો. ક્યાં રાજા, ક્યાં નોકર? એક સેવક માત્ર, પણ કહે છે કે એટલો પ્રેમ હતો આ નોકર સાથે કે રાજા પોતાના શયનકક્ષમાં એને સૂવડાવતો હતો. એ સવારે ઝાડુ કાઢતો, પોતાં કરતો, વાસણ સાફ કરતો હતો, પણ રાજાને આ નોકર પર એટલો પ્રેમ હતો કે સ્વયં એના શયનકક્ષમાં એ સૂતો હતો. સમ્રાટ એને સાથે બેસાડી ભોજન કરાવતો. એક એકલો ભાવ, વાત્સલ્ય કહો, જે કહો તે. બહુ વર્ષો થઈ ગયાં. એક દિવસ રાજા અને એનો નોકર મૃગયા કરવા જંગલમાં ગયા. બપોરનો સમય, ભૂખ લાગી.

રાજાએ એક ફળ તોડ્યું, કયું ફળ હતું, એ એ રાજા ઓળખી ન શક્યો. એનો નિર્ણય ન કરી શક્યો. પણ જોઇને એને લાગ્યું કે આ સારું ફળ છે. ભૂખ હતી, એણે તોડ્યું. ચાકુ કાઢીને ફળના ચાર ટુકડા કર્યા. એક ટુકડો એ નોકરને આપ્યો, એટલો પ્રેમ હતો કે સ્વયં પોતે ન ખાધું, નોકરને ખાવા આપ્યું. બીજો ટુકડો રાજા ખાવા ગયો તો નોકરે હાથમાંથી પાડી નાખ્યુ, નાસમજી કરી, મર્યાદાનું પાલન ન થયું, પણ રાજાને કંઈ થયું નહીં. ચાલો, સારું ફળ હશે, તે નોકર ખાઈ ગયો. રાજાએ ત્રીજો ટુકડો લઈ મોઢામાં નાંખવાની ચેષ્ટા કરી કે પછી તરત જ નોકરે લઈ લીધો, ત્રીજા ટુકડા પર પણ ઝપટ મારી. મોઢામાં નાખી દીધો. રાજાને થયું કે હદ થઈ ગઈ. મર્યાદાની પણ કોઈ સીમા હોય? અને મારો નોકર એવો નહોતો. આજે કેમ બદલાઈ ગયો? શું એટલું મીઠું ફળ છે કે એને સ્વાદ બહુ આવી ગયો? સ્વાર્થી બની ગયો. મામલો શું છે? ચોથો ટુકડો નોકરે ઉઠાવ્યો, પણ આ વખતની ઝપટમાં ફળનો ચોથો ટુકડો પડી ગયો, રાજાએ ખુદ ને ઉઠાવીને એ ખાધો. ખાતાં જ એકદમ રાજા ઊલટી કરવા લાગ્યો. એકદમ એને કંઈક તકલીફ થઈ લાગ્યું કે આમાં વિષ છે, ઝેર છે અને નોકરનો હાથ પકડીને કહ્યું કે આ ઝેરીલું છે, આ વિષભર્યું ફળ છે. તું ઝપટ ઝપટ કરીને, છીનવીને ખાઈ રહ્યો હતો.

નોકરની આંખમાં આંસુ આવી ગયાં. નોકરે કહ્યું કે મહારાજ, દ્રષ્ટિનો સવાલ છે. જે હાથોથી પચાસ વર્ષ સુધી મીઠાં ફળ ખાધાં, એ હાથથી બેચાર ઝેરીલા ટુકડા પણ મળી જાય તો શું? આખી જિંદગી જે હાથથી અમૃત પીધું, આજે વિષેલું ફળ છે, તો નહીં ખાઉં? પણ આ દ્રષ્ટિની પાછળ રહસ્ય શું છે? બહુ સુંદર જવાબ આપ્યો નોકરો કે હું આ ફળના ટુકડાને નહોતો જોતો, ફળ આપવાવાળા હાથને જોતો હતો. મેં ફળને નથી જોયું, જે હાથે આપ્યું, એ હાથને જોતો હતો. મારાં ભાઈ-બહેનો, સદ્ગુરુ આવી આંખ આપે છે ત્યારે દુ:ખ, દુ:ખ નથી લાગતું. દુ:ખ કોણ આપે છે, એ દેખાય છે. આપત્તિ આપત્તિ નથી; એ પ્રભુના હાથથી આપેલું ફળ છે. જે પરમાત્માએ આયુષ્ય આપ્યું, તંદુરસ્તી આપી, જીવન આપ્યું, શાન આપી, પ્રતિષ્ઠા આપી, પરિવાર આપ્યો, એણે શાયદ કદી થોડું દુ:ખ પણ આપી દીધું તો સાધક કહે છે, હું એ કડવાં ફળને નથી જોતો. કોઈ સદ્ગુરુના હાથને જોઉં છું, કે ક્યાં હાથે એ આપ્યું છે. તમારી આખી દ્રષ્ટિ બદલાઈ શકે છે. જ્યારે એવી આંખ મળી જાય, વિવેક મળી જાય. દુ:ખ તો એને પણ પડે. શરીરની પીડા તો બધાને થાય, શરીરનો એ ધર્મ છે. પણ જ્ઞાનીની દ્રષ્ટિ એક છે. હું તો શરીરશાસ્ત્રનું પુસ્તક વાંચતો હતો કે એમાંથી લોખંડ, ફોસ્ફરસ કાઢીને વેચવામાં આવે તો પ્રયોગમાં માલૂમ પડ્યું છે કે એનાં પાંચ રૂપિયા આવે. આ આખા body ની કિંમત પાંચ રૂપિયાથી વધુ નથી. પણ સદ્ગુરુ અને શાસ્ત્રની આંખમાં

बडे भाग मानुष तनु पावा|
सुर दुर्लभ सद ग्रंथन्हि गावा॥
साधन धाम मोच्छ कर द्वारा|
पाई न जेहिं परलोक सँवारा॥

સદ્ગુરુનો આશ્રય કરવાથી આંખ મળે છે. એવી એક સમજ સાધકમાં નિર્માણ થઈ જાય છે, જેને પછી સંસારની કોઈ ઘટના વિચલિત નથી કરી શકતી. એ દુ:ખને નહીં જુએ, દુ:ખ આપવાવાળા હાથને જોશે, એ કષ્ટને નહીં જુએ. કષ્ટ જે હાથ આપે છે, એને જુએ છે. એવી એક સમજ નિર્માણ થઈ જાય. અને સંપૂર્ણ મસ્તી, પૂર્ણ આનંદ ત્યારે ઉપલબ્ધ થાય છે, જ્યારે આવી આંખ ઉપલબ્ધ થાય છે. તો સદ્ગુરુ આંખો આપે છે, અને આંખ બે છે, એક છે જ્ઞાન, બીજી છે વૈરાગ્ય. હું ને તમે વૈરાગ્ય અર્જિત કરી શકશું ? કરી શકો તો સારી વાત છે. મને તો લાગે છે કે સદ્ગુરુ કૃપા કરે તો વૈરાગ્ય આવી શકે. જન્મોજન્મથી કેટલી વાતમાં જકડાયેલા છીએ. આપણો સ્વભાવ વૈરાગી બની શકે ? ક્યારેક તો આપણે સમાજ પર પ્રભાવ પાડવા વૈરાગ્ય દેખાડીએ છીએ. કોઈ દિવ્યચક્ષુ આપવાવાળા સદ્ગુરુમળે તો ઘટના ઘટે.. તો સહજ વૈરાગ્ય આવે, જીવનમાં સહજતા આવે.

સદ્ગુરુ બે આંખો આપે, જ્ઞાન અને વૈરાગ્યની. પરંતુ એ આંખો મળી જાય એટલું પર્યાપ્ત નથી. આંખ ખૂલે, ઘટના ઘટી જશે પણ પૂર્ણતા આવે? તમારી પાસે આંખ છે અને પાંખ નથી તો તમારી ગતિ નહીં થાય. તમે ઉડાન નહીં ભરી શકો. એ માટે પાંખ જોઈએ અને એ પાંખ પણ સદ્ગુરુ આપે છે જેથી આ વિરાટ અસ્તિત્વમાં તમે ઉડાન ભરી શકો. વ્યક્તિના જીવનમાં બે વસ્તુઓ જોઈએ. જાગૃતિ પણ જોઈએ અને આચરણ પણ જોઈએ. તમે એક પાંખથી નહીં ઊડી શકો.

  • સંકલન : જયદેવ માંકડ

આપણ વાંચો:  મનન: નંદોત્સવની ધૂમ…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button