વિશેષઃ એક એવું મંદિર જ્યાં દેવી અગ્નિસ્નાન કરે છે!

કવિતા યાજ્ઞિક
ધર્મ અને ધર્મસ્થાનકોને અકલ્પનિય ચમત્કારો સાથે ઊંડો સંબંધ હોય છે. આપણે તેને શ્રદ્ધા કહીએ કે અંધશ્રદ્ધા માનીએ તે આપણી વિચારધારા ઉપર ભલે આધારિત હોય. પણ ઘણી વાર એવી ઘટનાઓ ચોક્કસ બનતી હોય છે જે કેટલાક ધર્મસ્થાનકોને ચમત્કારિક કહેવા મજબૂર કરે.
આજે એક એવા ધર્મસ્થાનક વિશે જાણીએ જે દેવીનું ધામ છે, પણ મંદિર નથી. હકીકતમાં અહીં મંદિર બની જ શકતું નથી! ના, દેવી એવા કોઈ સ્થળે બિરાજમાન નથી જ્યાં મંદિર નિર્માણ ન થઇ શકે. પણ શ્રદ્ધાળુની ભાષામાં કહીએ તો કદાચ, સ્વયં દેવીનો જ કોઈ દૈવી સંકેત છે કે ત્યાં મંદિર નથી બનતું. કેમ નથી બનતું મંદિર? એ પણ જાણીએ.
સ્થળ છે રાજસ્થાનના મેવાડ પ્રદેશના સુંદર શહેર ઉદયપુર પાસે. રમણીય ઉદયપુર શહેરથી લગભગ 60-65 કિલોમીટર દૂર કુરાબાદ-બાંબોરા રોડ પર અરવલ્લી ટેકરીઓ વચ્ચે દેવીનો વાસ છે. આ સ્થાનક ઈડાણા માતાના સ્થાનક તરીકે ઓળખાય છે.
આમ તો કહેવાય છે મંદિર, પણ અહીંયા કોઈ મંદિર નથી. માતા ખુલ્લા આકાશ નીચે વડના ઝાડ નીચે બિરાજમાન છે. આશ્ચર્યની વાત એ છે કે તેની આસપાસ સમિતિના કાર્યાલયો, ધર્મશાળા વગેરે બનાવવામાં આવ્યા છે. પણ મંદિર નથી.
એવું માનવામાં આવે છે કે સદીઓ પહેલા પાંડવો અહીંથી પસાર થયા હતા અને દેવીની પૂજા પણ કરી હતી. સ્થાનિક ભૂતપૂર્વ રાજાઓ અને રાજકુમારો ઈડાણા માતાને તેમના કુળદેવી માને છે અને આજે પણ, તેઓ તેમના શુભ કાર્યોની શરૂઆત તેમની પૂજા કરીને કરે છે. અહીં દેવીની સ્થાપના કેવી રીતે થઇ તેનો કોઈ પ્રમાણભૂત ઇતિહાસ જોકે, ઉપલબ્ધ નથી.
કેમ બનતું નથી મંદિર?
અહીં દેવી ખુલ્લા ચોકમાં બિરાજમાન છે, કારણકે અહીંયા એક માન્યામાં ન આવે તેવી ઘટના બને છે. દર વર્ષે આ મંદિરમાં, દેવી આપમેળે અગ્નિમાં ભસ્મીભૂત થઈ જાય છે, જેમાં દેવીની મૂર્તિ સિવાય કંઈ બચતું નથી. શ્રદ્ધાળુઓ કહે છે કે દેવી અહીં અગ્નિસ્નાન કરે છે.
મહત્ત્વની વાત એ છે કે, આ સ્વયંભૂ અગ્નિ પ્રગટ થવાનો કોઈ ચોક્કસ સમય નથી હોતો. વર્ષમાં ગમે ત્યારે અચાનક ધીમે ધીમે અગ્નિ પ્રગટ થવાનો શરૂ થાય છે. સ્થાનક આસપાસની દરેક વસ્તુ, પછી ભલે તે દેવીની ચૂંદડી હોય કે ભક્તો દ્વારા ચઢાવવામાં આવતો પ્રસાદ હોય, રાખમાં ફેરવાઈ જાય છે. ફક્ત દેવીની મૂર્તિ જ ચમત્કારિક રીતે બચી જાય છે.
જ્યારે અગ્નિ પ્રગટ થવાનો શરૂ થાય કે પૂજારી તરત માતાના ઘરેણાં ઉતારી લે છે. બાકી બધું જેમનું તેમ રહેવા દેવાય છે. આ અગ્નિ પણ જેવો તેવો નથી હોતો. કહે છે કે, આગની જ્વાળાઓ 20 ફૂટ ઊંચે સુધી જાય છે અને પાંચ કિલોમીટર દૂર સુધી તેની જ્વાળા દેખાય તેવું વિકરાળ રૂપ અગ્નિ ધારણ કરે છે.
પણ આશ્ચર્ય એ છે કે, બધું ભસ્મીભૂત કર્યા પછી, અગ્નિ ફરીથી સ્વયં જ શાંત થઇ જાય છે. આવું એકાદ બે વાર નહીં, અનેકવાર બની ચૂક્યું છે. વર્ષમાં એક કે બે વાર તો અચૂક અગ્નિ પ્રગટે જ છે. અગ્નિ પ્રગટ થતાં જ જોતજોતામાં સમાચાર વાયુવેગે ફેલાઈ જાય છે અને આ ચમત્કારના દર્શન કરવા હજારો ભક્તો સ્થાનકે પહોંચી જાય છે.
મંદિર વ્યવસ્થાપન આ સમય દરમિયાન દર્શન માટે વિસ્તૃત વ્યવસ્થા પણ કરે છે. કહે છે, કે અગ્નિસ્નાન બાદ માતાજીની મૂર્તિનું સૌંદર્ય વધુ નિખરી ઊઠે છે. તેમનું તેજ અને પ્રભાવ વધી જાય છે. આજ સુધી આ અગ્નિ પ્રગટ થવાનું કારણ અથવા તેનું મૂળ શોધવામાં નિષ્ણાતો નિષ્ફ્ળ નીવડ્યા છે, તે આ સ્થાનકની ચમત્કારિક આભામાં વધારો કરે છે.
આ પણ વાંચો…જાણો.. શારદીય નવરાત્રીમાં દેવી માતાના 51 શકિતપીઠનું સ્થાન અને મહત્વ