ધર્મનું મૂલ્યાંકન કરવાની આપણી પાત્રતા કેટલી?

- વિશેષ -રાજેશ યાજ્ઞિક
લોકોમાં ધર્મ વિશે જે ચર્ચાઓ થતી હોય છે, તેમાં ઘણીવાર મારો ધર્મ કેટલો ઉત્કૃષ્ટ અને અન્યનો કેવો નિકૃષ્ટ તેની ચર્ચા જોવા મળે છે. ત્યારે સવાલ એ થાય કે કોઈપણ ધર્મનું મૂલ્યાંકન કરવાની આપણી પાત્રતા કેટલી? આપણે કયા આધારે એ નક્કી કરી લઈએ કે ધર્મ સારો કે ખરાબ? આપણા ધર્મનાં શાસ્ત્રોનો એવો ગહન અભ્યાસ ખરો? કે આપણી એવી કોઈ સાધના કે તપ છે? મોટાભાગે તો જે તે ધર્મના સમુદાયમાં જે પ્રકારે ધર્મનું આચરણ થાય તેને જોઈને જ આપણે ધારણા બાંધી લઈએ છીએ.
પણ વ્યક્તિગત કે સામાજિક આચાર શું દરેક વખતે ધર્મના વિચારનું પ્રતિબિંબ હોય છે? ઉદાહરણ તરીકે કોઈ સાધુનો વેશ ધારણ કરેલ વ્યક્તિ ધર્મના નામ પર પાખંડ કરતો હોય એટલે એ ધર્મ પાખંડી છે એમ કહી શકાય?કોઈ ધર્મના નામે લોકોનું કોઈ જૂથ અન્ય પર અત્યાચાર કરે તો શું એ ધર્મ પોતે જ અત્યાચારી સાબિત થઇ જાય? તેમણે કરેલી વર્તણૂક તેમના સ્વયંની વિચારધારાનું પ્રતિબિંબ હોઈ શકે. તેમણે લીધેલું ધર્મનું આલંબન પણ ખરું. પણ તેને લીધે એ ધર્મ એવો કોઈ સંદેશ આપે છે તેવું તો ન કહી શકાય. એક જ ધર્મને અનુસરતા લોકો અલગ અલગ પ્રકારનું આચરણ કરતા હોય તે શક્ય છે.
મનુષ્ય પોતાના કર્તવ્ય અને સમજ અનુસાર જે કર્મ કરે છે, તે એકની નજરમાં ધર્મ તો બીજાની નજરમાં અધર્મ હોઈ શકે. કૃષ્ણનું જીવન પણ આવા વિરોધાભાસથી ભરેલું રહ્યું હતું. એટલે જ આજે પણ એ બાબતે ઘણા વિવાદો પણ થાય છે. દ્રૌપદીના પાંચ પતિ સાથેના વિવાહ કેમ ન અટકાવ્યા? દ્રૌપદીનું ચીરહરણ કેમ થવા દીધું? મહાભારતનું યુદ્ધ કેમ થવા દીધું? દુર્યોધનની જાંઘ પર પ્રહાર કેમ કરવાનું કહ્યું? અર્જુનના હાથે બહેનનું અપહરણ કેમ થવા દીધું? આવા તો સેંકડો પ્રશ્નો કૃષ્ણની સામે ઉપસ્થિત થયા છે અને થાય છે.
સદગુરુ જગ્ગી વાસુદેવને એકવાર એક મુલાકાતમાં આ પ્રશ્ન કરવામાં આવેલો, ત્યારે તેમણે બહુ સુંદર જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે કૃષ્ણે દ્રૌપદી, ભીમ, અર્જુન, યુધિષ્ઠિર સહિત અનેક લોકોને અલગ અલગ સમયે ધર્મ વિગતવાર સમજાવ્યો. હું તેમના દરેક જવાબ વિશે વાત નહીં કરું, પણ તેમણે સામાન્ય શબ્દોમાં કહ્યું, ‘અત્યારે મને ખબર પણ નથી કે આ ક્ષણે કર્મની દ્રષ્ટિએ ધર્મ શું છે, કારણ કે કર્મ સંજોગો પર આધારિત છે. ભલે આપણે નક્કી કરીએ કે શું સાચું છે અને શું ખોટું, બહારથી જોતાં આપણે થોડા ખોટા હોઈ શકીએ છીએ. પરંતુ જ્યારે મારા સ્વધર્મ (જીવનમાં મારી પોતાની ફરજ) ની વાત આવે છે, એટલે કે, મારે મારી અંદર કેવી રીતે રહેવું જોઈએ, ત્યારે હું તેના વિશે ખૂબ જ સ્પષ્ટ છું. એક બુદ્ધિશાળી વ્યક્તિના મનમાં પણ 100% સ્પષ્ટતા હોતી નથી કે તેણે કેવી રીતે વર્તવું જોઈએ. તે હંમેશાં પોતાના નિર્ણયનું મૂલ્યાંકન કરે છે. જો તમે તેને અન્ય જીવોના દૃષ્ટિકોણથી જોવાનો પ્રયાસ કરશો, તો તમને ખબર પડશે કે આપણે જે કંઈ કરીએ છીએ, આપણું અસ્તિત્વ, આપણો ખોરાક, આપણું જીવન, આપણો શ્વાસ, બધું જ કોઈને કોઈ રીતે તે અન્ય જીવો માટે અન્યાયી છે.’
અર્થાત ધર્મનું મૂલ્યાંકન જો આપણે કર્મની દ્રષ્ટિએ કરીએ તો તે કર્મના પરિણામમાં સ્વાર્થ હતો કે પરમાર્થ? તે પણ જોવું પડે. અને જો કર્મના આધારે મૂલ્યાંકન ન કરીએ તો શુદ્ધ ધર્મનો માર્ગ જે શાસ્ત્રકારોએ બતાવ્યો છે, તેમાં તો ખોટ કાઢવાની આપણી હેસિયત પણ નથી.
તેમ છતાં ઘણા કહેવાતા વિદ્વાનો આવી ધૃષ્ટતા કરતા હોય છે. સમાજમાં પ્રચલિત રૂઢિઓ, રિવાજો કે પરંપરાઓને ધર્મમાં કથિત ગણાવીને તેઓ ધર્મની આલોચના કરે છે. પરંતુ તેના માટે વેદ, ઉપનિષદ, પુરાણો, શ્રુતિ કે સ્મૃતિનાં ંપ્રમાણો તેઓ આપી શકતા નથી. જેમકે, એક સમયે લોકો કહેતા કે સતી પ્રથા એ હિન્દુ ધર્મનું દૂષણ છે. હા, હિન્દુ ધર્મમાં માનનારો સમાજનો એક વર્ગ તેમાં અવશ્ય માનતો હતો. ક્યારેક સ્ત્રીઓએ પરદેશી આક્રમણકારોથી બચવા જાતે સતી થવાનું સ્વીકાર્યું અને ક્યારેક અમુક વર્ગે તેને અનિવાર્ય કહીને સ્ત્રીઓને સતી થવા મજબૂર કરી. મહાભારતમાં પણ સતી થયેલી સ્ત્રીઓની વાત જરૂર આવે છે. પણ કોઈ ધર્મગ્રંથમાં એવું લખ્યું છે ખરું કે સ્ત્રીઓએ સતી થવું જોઈએ? બિલકુલ નહીં. ઋગ્વેદ સતી થવાને બદલે જીવન ચાલુ રાખવાનો આદેશ આપે છે. આ વાત સમાજમાં ઘણી પ્રચલિત માન્યતાઓ અને પરંપરાઓને લાગુ પડે છે.
આમ, કોઈપણ ધર્મનું મૂલ્યાંકન એકપક્ષી રીતે કરીએ તો તે ધર્મને તો અન્યાય થાય જ, પણ સાથે આપણે ધર્મથી વિમુખ થઈએ અને ધર્મ નિંદાનું પાપ પણ લાગે છે. ખાસ કરીને ધર્મ અત્યંત ગહન વિષય છે. તેના યોગ્ય સ્વાધ્યાય અને ગુરુના માર્ગદર્શન વિના બાંધેલા અભિપ્રાયો અધ્યાત્મના માર્ગમાં અવરોધ બની શકે છે. તેથી નરસિંહ મહેતાના શબ્દોમાં,
‘આપણે આપણા ધર્મ સંભાળવા, કર્મનો મર્મ લેવો વિચારી.’
આપણ વાંચો: કંટાળો આવે છે?