અલૌકિક દર્શનઃ પ્રતિભાવાન પુરુષોને વિદ્યા મેળવતાં શી વાર?

ભાણદેવ
ભક્ત ઉદ્ધવજી
કોણ એવા પુરુષ છે – જેઓ ભગવાન શ્રીકૃષ્ણના બંધુ પણ છે, સખા પણ છે અને શિષ્ય પણ છે? આવા પુરુષો તો ધરતી પર બે જ છે: એક અર્જુનજી અને બીજા ઉદ્ધવજી. અર્જુનજી શ્રીકૃષ્ણનાં ફઈબાના દીકરા છે અને ઉદ્ધવજી શ્રીકૃષ્ણના કાકાના દીકરા છે. આ બંને શ્રીકૃષ્ણના ભાઈઓ તો છે જ, બંને સખા પણ છે અને બંને શિષ્યો પણ છે જ.
ભગવાન જ્યારે પૃથ્વી પર અવતાર ધારણ કરે છે, ત્યારે તેમના અવતાર-કાર્યને સિદ્ધ કરવા માટે તેમની સાથે તેમના પરિકરો પણ આવે છે. ભગવાન શ્રીકૃષ્ણ અવતારકાર્યને સિદ્ધ કરવા માટે આવ્યા તેમની સાથે જે પરિકરો આવ્યા તેમાં બે પ્રધાન પરિકરો છે: ઉદ્ધવજી અને અર્જુનજી.
ભગવાન શ્રીકૃષ્ણ અને ઉદ્ધવજી સમવયસ્ક છે. બંનેનો વર્ણ પણ સમાન-શ્યામવર્ણ છે. ઊંચાઈ અને શરીરનો બાંધો પણ લગભગ સમાન છે. ઉદ્ધવજી પણ ભગવાનની જેમ (ભગવાનના ઉતરણનાં) પીતાંબર પહેરે છે. હા, મોરપીંછ તો ભગવાન શ્રીકૃષ્ણ સિવાય કોઈ ન પહેરી શકે.
ઉદ્ધવજી બાળવયથી જ કૃષ્ણભક્ત છે.
य: पञ्चहायनो प्रातराशाय याचित I
तन्नेच्छद्रचयन् यस्य सपर्या बाललीलया ॥
“પાંચ વર્ષના ઉદ્ધવજીને માતા પ્રાત:કાલે ભોજન (બાલભોગ) માટે બોલાવે છે, પરંતુ તેઓ જવા ઈચ્છતા નથી. તેઓ તે વખતે પોતાની બાળલીલામાં ભગવાનની પૂજાનાં રત બની ગયા છે.”
ઉદ્ધવજી આઠ વર્ષના થયા અને તેમનો ઉપનયન-સંસ્કાર થાય છે. તેઓ ગુરુકુળમાં વિદ્યાભ્યાસ માટે જાય છે. ઉદ્ધવજી સામાન્ય ગુરુકુળમાં ગયા નથી. ઉદ્ધવજી વિદ્યાભ્યાસ માટે દેવગુરુ આચાર્ય બૃહસ્પતિ પાસે વિદ્યાભ્યાસ માટે જાય છે. ઉદ્ધવજી દેવગુરુ બૃહસ્પતિના શિષ્ય છે. પ્રતિભાવાન પુરુષોને વિદ્યા મેળવતાં શી વાર? સર્વ વિદ્યાઓમાં પારંગત બનીને ઉદ્ધવજી મથુરામાં પિતૃગૃહે પાછા ફર્યા.
ઉદ્ધવજી અર્જુનજીની જેમ જ પરમાત્માના શાશ્વત સખા (eternal comrade of Divinity) છે.
‘શ્રીમદ્ભાગવત’માં ઉદ્ધવજીનો પ્રથમ ઉલ્લેખ ‘ઉદ્ધવજીની વ્રજયાત્રા’ પ્રસંગના પ્રારંભમાં જોવા મળે છે. આ પ્રથમ ઉલ્લેખ આ પ્રમાણે છે:
“वृष्णीनां प्रवरो मन्त्री कृष्णस्य दयितः सखा |
शिष्यो बृहस्पते I साक्षादुद्धवो बुद्धिसत्तमः ॥ ”
- श्रीमद्भागवत I १०-४६-१
“ઉદ્ધવજી વૃષ્ણિવંશી યાદવોના પ્રધાન પુરુષ છે. તેઓ ભગવાન શ્રીકૃષ્ણના મંત્રી અને સખા પણ છે. ઉદ્ધવજી સાક્ષાત્ બૃહસ્પતિના શિષ્ય હતા અને પરમ બુદ્ધિમાન હતા.”
આ એક જ શ્લોકમાં ઉદ્ધવજીનો ઘણો પરિચય મળી રહે છે.
ભગવાન શ્રીકૃષ્ણ પોતાના આ પ્રિય બંધુ, પ્રિય સખા અને પ્રિય શિષ્ય ઉદ્ધવજીને એક મૂલ્યવાન કાર્ય સોંપે છે. આ કાર્ય કેવી રીતે સોંપે છે:
“तमाह भगवान् प्रेष्ठं भक्तमेकान्तिनं क्वचित् |
गृहीत्वा पाणिना पाणिं प्रपन्नार्तिहरो हरि ॥”
- श्रीमद्भागवत : १०-४६-१
“એક વાર શરણગતનાં દુ:ખો દૂર કરનાર ભગવાન શ્રીકૃષ્ણે પોતાના પ્રિય ભક્ત અને એકાંતવાસી ઉદ્ધવજીનો હાથ હાથમાં લઈને કહ્યું…”
ભગવાન ઉદ્ધવજીને શું કહે છે :
“गच्छोद्धवं व्रजं सौम्य पित्रोर्नौ प्रीतिमावह|
गोपीनां मद्वियोगाधिं मत्सन्देशैर्विमोचय ॥”
- श्रीमद्भागवत : १०-४६-१
“હે ઉદ્ધવ ! હે સૌમ્ય ! તમે વ્રજમાં જાઓ. ત્યાં મારાં માતાપિતા છે. તમે તેમને પ્રસન્ન અને આનંદિત કરો. ગોપીઓ મારા વિરહના દુ:ખને કારણે ખૂબ દુ:ખી છે. તમે મારો સંદેશ સંભળાવીને તેમને આ દુ:ખમાંથી મુક્ત કરો !”
ભગવાન શ્રીકૃષ્ણના આદેશને મસ્તકે ચડાવીને વૃંદાવન જાય છે.
પ્રથમ દૃષ્ટિએ એમ લાગે છે કે ઉદ્ધવજી વ્રજવાસીઓને જ્ઞાન શીખવવા ગયા છે, પરંતુ વસ્તુત: ઉદ્ધવ જ્ઞાન આપીને નહીં, પરંતુ પ્રેમ પામીને આવે છે.
વ્રજની ભૂમિ, શ્રીકૃષ્ણલીલાનાં સ્થાનો, ગોપીઓ, ગોપબાળકો, નંદબાબા, યશોદામા, વ્રજની ગાયો, વ્રજની વૃક્ષ-વનરાજી – આ સર્વને મળીને ઉદ્ધવજી ભાવવિભોર બની ગયા. પાંચ દિવસ માટે વ્રજમાં ગયેલા ઉદ્ધવજી વ્રજમાં છ માસપર્યંત રોકાઈ ગયા.
ઉદ્ધવજી કહે છે:
क्वेमा : स्त्रियो वनचरीर्व्यभिचारदुष्टा :
कृष्णे क्व चैष पमात्मनि रूढ भाव : |
नन्वीश्वरोऽनुभजतोऽविदुषोऽपि साक्षा –
च्छ्रेयस्तनोत्यगदराज इवोपयुक्त : ॥
- श्रीमद्भागवत : १०-४७-५९
“ક્યાં આ વનચરી આચાર, જ્ઞાન અને જાતિથી હીન ગામડાની ગોવાલણો અને ક્યાં સચ્ચિદાનંદઘન ભગવાન શ્રીકૃષ્ણમાં તેમનો અનન્ય પરમ પ્રેમ ! અહો ! ધન્ય છે ! ધન્ય છે ! આનાથી એમ સિદ્ધ થાય છે કે જો કોઈ ભગવાનના સ્વરૂપને અને રહસ્યને જાણ્યા વિના પણ તેમના પ્રત્યે પ્રેમ રાખે, તેમનું ભજન કરે, તો ભગવાન પોતે જ પોતાની શક્તિ અને કૃપાથી તેમનું પરમ કલ્યાણ સિદ્ધ કરી આપે છે; જેમ કોઈ અજાણતાં પણ અમૃતનું પાન કરે તો પણ અમૃત પીનાર અમર બની જાય છે !”
ઉદ્ધવજી આગળ કહે છે :
“आसामहो चरणरेणुजुषामहं स्यां
वृन्दावने किमपि गुल्मलतौषधीनाम् |
या दुस्त्यजं स्वजनमार्यपथं च हित्वा
भेजुर्मुकुन्दपदवीं श्रुतिभिर्विमृग्याम् ॥”
- श्रीमद्भागवत : १०-४७-६१
“મારા માટે ઉત્તમ વાત તો એ જ છે કે હું વૃંદાવનમાં કોઈક ઝાડી, લતા અથવા ઔષધિ- જડીબુટી બની જઉં ! જો હું આવું કાંઈક બની શકું તો મને વ્રજાંગનાઓની ચરણધૂલિ નિરંતર સેવન કરવા માટે મળતી જ રહેશે. ગોપીઓને ધન્ય છે કે જેમણે દુરત્યજ સ્વજનસંબંધ અને લોક-વેદ-મર્યાદાઓનો પરિત્યાગ કરીને ભગવાનની પદવી, તેમની સાથે તન્મયતા અને તેમનો પરમ પ્રેમ પ્રાપ્ત કરી લીધાં છે, જેમની શોધ શ્રુતિઓ કરી રહી છે.”
આમ પાંચ દિવસ માટે આવેલા ઉદ્ધવજી વ્રજ-વૃંદાવનમાં છ માસ રોકાઈને, સૌ વ્રજવાસીઓની વિદાય લઈને મથુરાપુરી પાછા આવી પહોંચ્યા.
વ્રજવાસીઓના સંદેશાઓ, ભેટ-સોગાદ ઉદ્ધવજી ભગવાન શ્રીકૃષ્ણને આપે છે.
જરાસંધ સાથેનાં યુદ્ધોથી કંટાળીને મથુરાવાસી યાદવો હવે દ્વારિકામાં સ્થાયી થયા છે.
ઉદ્ધવજી પરમ જ્ઞાની, પરમ પ્રેમી અને સમર્થ વ્યવહારદક્ષ પુરુષ હતા.
સમગ્ર યાદવકુળ સાથે ભગવાન શ્રીકૃષ્ણ અને ઉદ્ધવજી દીર્ઘકાળપર્યંત દ્વારિકામાં રહે છે. દ્વારિકાનગરી અને રાજ્યનો વહીવટ ભગવાન શ્રીકૃષ્ણના માર્ગદર્શન પ્રમાણે ઉદ્ધવજી જ ચલાવે છે.
ભગવાન શ્રીકૃષ્ણનું ધરાતલ પરનું અવતારકૃત્ય હવે લગભગ પૂરું થયું છે. બ્રહ્માજી, શિવજી, ઈન્દ્ર આદિ દેવો ભગવાનને પ્રાર્થના કરે છે :
“પ્રભુ ! આપનું પૃથ્વીલોક પરનું કાર્ય પૂરું થયું છે. ભગવન્! હવે આપ આપના નિત્યધામ વૈકુંઠધામમાં પધારો.”
ભગવાનનો સંકલ્પ પણ હવે સ્વધામગમનનો જ છે. તદનુસાર વ્યવસ્થા થઈ રહી છે. ભગવાન વિચારે છે.
“अस्माँल्लोकादुपरते मयि ज्ञानं मदाश्रयम् |
अर्हत्युद्धव एवाध्धा सम्प्रत्यात्मवतां वर : ॥
नोद्धवोऽण्वपि मन्न्यूनो यद्गुणैनार्दित : प्रभु : |
अतो मद्वयुनं लोकं ग्राह्यन्निह तिष्ठतु ॥ ”
- श्रीमद्भागवत : ११-२९-४१
“જ્યારે હું આ લોકમાંથી અંતર્ધાન થઈ જઈશ ત્યારે મારું જ્ઞાન ક્યાં જશે? તેનો અધિકારી તો શુદ્ધ અંત:કરણવાળાઓમાં શ્રેષ્ઠ માત્ર ઉદ્ધવ જ છે. ઉદ્ધવ મારાથી રજમાત્ર ન્યૂન નથી. ઉદ્ધવ સમર્થ છે. તેથી મારા જ્ઞાનનો ફેલાવો કરવા માટે તે ભલે અહીં જ રહે.”
ચતુર ઉદ્ધવજી હવે સમજી ગયા કે ભગવાન સ્વધામગમનની તૈયારી કરી રહ્યા છે. ઉદ્ધવજી ભગવાનને એકાંતમાં મળે છે અને બંને હાથ જોડીને પ્રણામ કરીને વિનીતભાવે કહે છે :
“ભગવન્ ! હું અડધી ક્ષણ માટે પણ આપનાં ચરણકમળનો વિયોગ સહન કરી શકું તેમ નથી. પ્રભુ! મને આપની સાથે જ રાખો !”
ભગવાન શ્રીકૃષ્ણને ઉદ્ધવજી પ્રત્યે આત્યંતિક પ્રીતિ છે. ભગવાન ઉદ્ધવજીને સ્વમુખે કહે છે :
“न तथा मे प्रियतम आत्मयोनिर्न शड्कर : |
न च सड्कर्षणो न श्रीर्नैवात्मा च यथा भवान् ॥ ”
“હે ઉદ્ધવ! બ્રહ્મા, શંકર, બલરામ, લક્ષ્મી અને મારો
પોતાનો આત્મા પણ મને એટલાં પ્રિય નથી, જેટલા તમે
પ્રિય છો!” (ક્રમશ:)
આ પણ વાંચો…અલૌકિક દર્શન -અમરકથાના શ્રવણથી મૃતપ્રાય ઈંડામાં ચૈતન્ય પ્રગટ્યું, ઈંડામાંથી શુકશાવક બહાર આવ્યું!



